દુનિયાની સફર – ૭

     -    કલ્પના દેસાઈ

http://www.telegraph.co.uk/films/2018/02/15/actresses-urged-avoid-high-heels-low-cut-dresses-berlin-red/

http://www.telegraph.co.uk/property/uk/address-haggis-legendary-poet-robert-burns-inspired-street-names/

https://www.npr.org/2018/01/26/580933851/a-bathroom-wedding

https://www.npr.org/2018/01/24/580179723/man-bites-dog

 

       ૧) સ્ત્રીઓ ખોટા રિવાજોમાં મોટે ભાગે બદલાવ ચાહતી હોય છે, સમાજની અમુક ઠોકી બેસાડેલી પરંપરાઓનો વિરોધ કરતી હોય છે.  ઘણી વાતોમાં પરિવર્તન ઈચ્છતી હોય છે. બહુ સારી વાત છે, પણ જો એ બદલાવની શરૂઆત પોતાનાથી જ કરે તો? બોલવાને બદલે કરી બતાવવામાં જ અડધો જંગ જીતી જવાતો હોય, તો બાકીનો તો સમૂહમાં રહીને જીતી જ લેવાય ને? બૂમાબૂમ કરીને ફરી મૂળ સ્થાને પહોંચી જવાનો કોઈ મતલબ છે?

        ખેર, કોઈ પણ વિરોધ કઈ રીતે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ ....વરસે બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં જર્મનીની અન્ના બર્ગમેને પૂરું પાડ્યું. ‘શૂઝની પેન્સિલ હીલ પર સતત બેલેન્સ કરતાં શરીરને સાચવવું કે સ્ટેજની સામે બેઠેલા થોડાક જજને પોતાના ટાઈટ ડ્રેસની ડીપ નેકલાઈન બતાવતાં ગબડી પડવાની બીકમાં ચાલવું?’ આ બેય નખરાંનો સખ્ખત શબ્દોમાં એણે જાહેર વિરોધ કરીને બીજી હીરોઈનો ને મોડેલોને પણ આ વિરોધમાં સામેલ કરી. તદ્દન જૂના જમાનાની રેડ કાર્પેટનો પણ એણે વિરોધ કર્યો. ‘અરે! ફ્લૅટ શૂઝ, બંધ ગળાનો ડ્રેસ અને રેડ કાર્પેટ વગર ચાલવાનું કેટલું આરામદાયક છે!’ ભઈ, એની હિંમત અને એક નક્કર સારી શરૂઆતને સલામ કરવી જ પડે.

       ૨) બ્રિટનની ૭૨૦ ગલીઓના નામ એક કવિને સમર્પિત છે! વાહ! આનાથી ઉત્તમ સમાચાર કયા? સમાજ કે દેશને આગળ લાવવા માટે ખરા અર્થમાં ઉદારમતવાદી અને સમાજવાદી હોવું જરૂરી છે. સ્કોટલેન્ડના પનોતા પુત્ર રોબર્ટ બર્નના નામે એવી તો કેટલીય ગલીઓ, જે ગલીઓમાં એના ઘર આવેલાં, ત્રણ ગલીઓનાં નામ એના જીવનમાં આવેલી સ્ત્રીઓનાં નામ પરથી અને બાકીનાં એના જુદા જુદા કામ પરથી પડેલાં. કવિતા કરવાની સાથે સમાજ ને દેશના ઉધ્ધારની ચિંતા હોય ને સાથે કામનો ઉમંગ હોય તો કોઈ કવિ પણ ગલી ગલીએ છવાઈ શકે છે.

       ૩) જન્મ, મરણ અને લગન ટાળ્યાં ટળાતાં નથી એ અમુક અપવાદો બાદ કરતાં કેટલું સાચું છે? ન્યૂ જર્સીનું એક લગ્નાતુર કપલ બરાબર લગ્નના મૂરતના સમયે જ મૂંઝાયું. કારણમાં તો કન્યાની માતા પર દમ/અસ્થમાનો હુમલો થયો. એનો દમ નીકળી જાય તે પહેલાં એને સ્ત્રીઓનાં રૂમમાં લઈ જવાઈ. ખરી મુસીબત થઈ ગઈ.  પરણાવનાર જજનો હુકમ થયો, ‘કાં તો માની હાજરી વગર પરણી જાઓ, નહીં તો પરણવામાંથી હાથ ખસેડી લો/હાથ ધોઈ નાંખો. ફરી વાર જ્યારે વારો આવે ત્યારે પરણજો.’ ભાઈ, કોઈક તો રસ્તો હોવો જોઈ ને? છેક જ આવું કંઈ ચાલે કે? 

      છે ભાઈ છે, બધી વાતના આપણી પાસે રસ્તા છે. ‘મા ન આવી શકે તો શું થયું? આપણે ચાલો મા પાસે. માની હાજરીમાં અમને પરણાવી દો ને અમે એના આશીર્વાદ પણ લઈ લઈશું. કેમ લાગે છે આઈડિયા? પરણીએ?’

       એમનાં લગ્ન ક્યાં થયાં? બાથરૂમમાં! ચાલે એ તો હવે. એ પણ રૂમ જ છે ને?

        ૪) કૂતરા બાબતે એક વાત બહુ જાણીતી છે, કે કૂતરું માણસને કરડે એ નહીં પણ માણસ કૂતરાને કરડે એ સમાચાર કહેવાય. આ તો કોઈએ લખવા ખાતર લખ્યું હશે.  પણ જ્યારે ખરેખર જ આવું બને ત્યારે એ ગમ્મત બની જાય -  જો કૂતરું સલામત બચી જાય તો અને હડકાયું ન હોય તો.

      ન્યૂ હેમ્પશાયરમાં એક ચોરને પકડવા પોલીસ કૂતરાને લઈને ફરતી હતી. હવે ચોર તો પોલીસની નજરે ન ચડાય એટલે કપડાંના ઢગલામાં સંતાઈ ગયો. પણ કૂતરાના નાકની શક્તિને એ ભૂલમાં ભૂલી ગયો. કૂતરાના શ્વાસને નજીક અનુભવતા ચોરે ગભરાઈને કૂતરાને બટકું ભરી લીધું!

     ખેર, ચોર તો પકડાયો જ પણ કૂતરાની તબિયત પણ સારી છે તે સમાચાર સારા છે.


નોંધ -  નીચેના કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી નવી વિન્ડોમાં મોટું જુઓ. ફરી ક્લિક કરી અહીં પાછા આવી જાઓ.

અન્ના બર્ગમેન
રોબર્ટ બર્ન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *