દુનિયાની સફર – ૮

     -    કલ્પના દેસાઈ

https://www.huffingtonpost.in/entry/tree-wedding-oaxaca_us_5a96ea14e4b07dffeb6f2904

https://www.huffingtonpost.in/entry/oldest-message-in-bottle_us_5aa036d9e4b0e9381c14d579

http://weirdrussia.com/2015/11/15/why-are-the-streets-so-muddy-in-russia/

      ૧) આખી દુનિયામાં લોકોને હવે એસીની ઠંડી હવા એટલી માફક આવી ગઈ છે કે, કોઈ ઝાડની નીચે કે કોઈ જંગલ–બગીચાને લીધે પણ વાતાવરણમાં ઠંડક રહી શકે - એ વાત લોકો ભૂલવા માંડ્યા છે. કદાચ એટલે જ આડેધડ બધે વૃક્ષોની નનામીઓ નીકળી રહી છે.

       જ્યારે દુનિયામાં કેટલાય એવા પર્યાવરણપ્રેમીઓ પણ છે; જેમને વૃક્ષો વગર ચાલતું જ નથી. વૃક્ષોની એવી કેટલીક એક્ટિવિસ્ટ પ્રેમિકાઓએ, મેક્સિકોના ઓક્સાકામાં વૃક્ષો સાથે લગ્નનો એક સમારંભ રાખ્યો. દુલ્હનની જેમ સજીને દરેક સ્ત્રીએ વૃક્ષને દોરો બાંધ્યો અને લગ્નની વિધિ પત્યા બાદ પાદરીએ કહ્યું, ‘હવે તમે વૃક્ષને કિસ કરી શકો છો.’ આ સ્ત્રીઓ પણ ધરતીને મા માને છે અને વૃક્ષોના નિકંદન બાબતે ખાસ્સી ચિંતિત છે. એક સરસ સંદેશો ફેલાવવાનો એમનો પ્રયાસ નિષ્ફળ નહીં જાય એવી શુભેચ્છા.

    (આપણે ત્યાં વટસાવિત્રીની પૂજા યાદ આવી ગઈ. ધર્મ સાથે વૃક્ષોને જોડવાનું ઉમદા કામ પૂર્વજો કરી ગયેલા એટલેય આટલા વૃક્ષો બચ્યા છે. આજે તો લાગે છે કે બધા જ વૃક્ષોને કોઈ ને કોઈ ધર્મ કે રિવાજ કે તહેવાર સાથે જોડી દીધા હોત તો આપણે ત્યાં જંગલોની આટલી બરબાદી ન થાત.)

      ૨) સ્ત્રીઓની ઘર સજાવટની કુશળતા તો વખણાય જ છે પણ એ માટે એમની નજર ચકોર હોવી બહુ જરૂરી છે. જેમ સુથાર બાવળ શોધી કાઢે, તેમ સ્ત્રીની નજર પણ ઘર સજાવટ માટે એવી એવી વસ્તુ શોધી કાઢે કે કોઈના માનવામાં ન આવે. કોઈક આકર્ષક બોટલમાં વરિયાળી કે મસાલા ભરવા સિવાય પણ એને સજાવટમાં મૂકવાનું સ્ત્રીના મગજમાં જો એક વાર આવ્યું, તો પછી એનું ધ્યાન જ્યાં ને ત્યાં ખાલી બોટલો જોવામાં ને મેળવવામાં જ રહે.

     ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતી આવી એક સ્ત્રી, ટોન્યા/તોન્યા દરિયાકિનારે લટાર મારવા નીકળેલી. એની નજર પણ દરિયાના કિનારે લટાર મારતી હતી એવામાં એને એક જિનની બોટલ મળી. (એટલે અંદર કોઈએ જિન નહોતો પૂર્યો પણ ઓલું પીવાનું જિન!) ટોન્યાએ વિચાર્યું કે, આ બોટલ તો ટીવી અથવા ફ્રિજની ઉપર કે પછી બારીની પાળીએ મૂકવા ને એમાં મની પ્લાન્ટ ટીંગાડવા ચાલશે. એ તો હોંશે હોંશે બોટલ ઘરે લઈ આવી.

     એની ભાવિ વહુએ એ બોટલ પર કંઈક લખેલું જોયું અને ખાંખાંખોળાં કરતાં ખબર પડી કે, જર્મન જહાજ પૌલાએ અખતરો કરવા એ બોટલ દરિયામાં ફેંકેલી જેમાં ચિઠ્ઠી પણ હતી. ‘જેને  બોટલ મળે તેણે જર્મન કોન્સ્યુલેટમાં તારીખ ને સાલ સહિત જાણ કરી બોટલ જમા કરાવવી.’ જર્મન જહાજોએ તો દરિયાનાં મોજાં વિશેની જાણકારી મેળવવા, આવી હજ્જારો બોટલોમાં જહાજનું નામ ને દરિયામાં ફેંકાયાની તારીખવાળી ચિઠ્ઠી મૂકીને એને દરિયામાં ફેંકેલી!

      હવે ૧૮૮૬માં ફેંકાયેલી એ બોટલ આટલાં વરસો પછી કોઈને મળે તેનો શો અર્થ? આવી તો કોઈ ચકોર ગૃહિણીની નજરે ન પડી હોય, તેવી કેટલીય બોટલો ક્યાંય કોઈ કિનારાઓ પર પડી રહી હશે, કે પછી હજીય દરિયાના મોજાંઓ પર અહીંથી ત્યાં ફંગોળાતી હશે!

      ૩) રશિયા એના કાદવ માટે બહુ જાણીતું છે! જાણે કે બધે ચોકલેટ સૉસ પથરાયેલો હોય તેમ રશિયાના રસ્તા કાદવને કારણે એકદમ લીસ્સા છે. કોઈ જ મહેનત વગર સડસડાટ નીકળી જવાય ને જ્યાં ન જવું હોય ત્યાં પણ પહોંચી જવાય એવા! રશિયામાંથી જાણે હવે રસ્તા જ ગાયબ થઈ ગયા છે. ગામ હો કે શહેર બધાંને કાદવનો સરખો લાભ મળી રહે એટલે સરકારે રસ્તા સરખા નથી કરાવ્યા, ગટર વ્યવસ્થા પણ માંડી વાળી છે. જો હોય તો તે પણ નકામી છે. જ્યાં ને ત્યાં કીચડ અને એની ઉપર કેકના આઈસિંગ જેવો બરફનો ભૂકો જ જોવા મળે.

       શિયાળામાં અહીં બરફનો વરસાદ, ચોમાસામાં પાણીનો વરસાદ અને બાકીના સમયે બરફ પીગળે તે રસ્તાઓ પર વહીને જ્યાં ને ત્યાં કીચડ કરે. લોકો રોજ જાનમાં ચાલતાં હોય તેમ જાન બચાવીને ચાલે ને વાહનો પોતાની સાથે સાથે લોકોની જાન બચાવતાં નીકળે. અમુક લોકો કીચડનો ફાયદો પણ ઊઠાવે છે. પાર્કિંગ ફી ન ભરવી પડે એટલે કારના નંબર પરથી કાદવ સાફ કરતાં નથી. આમાં આળસુ કોણ છે તે જ ખબર ન પડે.


નોંધ -  નીચેના કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી નવી વિન્ડોમાં મોટું જુઓ. ફરી ક્લિક કરી અહીં પાછા આવી જાઓ.

વૃક્ષ સાથે લગ્ન
ઓક્સાકા, મેક્સિકો
રશિયાનો એક રસ્તો
પર્થમાં મળેલી બોટલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *