સ્વયંસિદ્ધા – ૪

    -    લતા હીરાણી

     

      સ્વયંસિદ્ધા  પ્રકરણ - ૪ , જીવનની પાઠશાળા

      રમતગમત શરીરને ચુસ્ત-સ્ફૂર્ત રાખે છે અને માનવીને જીત માટે ઝઝૂમતાં, કઠોર પરિશ્રમ કરતાં શીખવે છે. કિરણ ટેનિસની એક ઉમદા ખેલાડી હતી. ટેનિસની રમતમાં એણે ઘણી કામયાબી મેળવી હતી.

      નવ વર્ષની ઉંમરે કિરણે ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું.  કિરણ ત્યારે સાવ દુબળી-પાતળી હતી. રમતી વખતે આંખ કે ચહેરા પર આવે નહીં એ રીતે એ એના લાંબા વાળને કચકચાવીને બાંધી દેતી. તો પણ એકાદ લટ આમતેમ ઊડીને એને પરેશાન કરતી. અભ્યાસ, ટેનિસ, ઇતર વાંચન અને અન્ય પ્રવૃત્તિઓ - આ બધામાં એ સતત ગુંથાયેલી રહેતી. કિરણને થયું આ લાંબા વાળ – ધોવા, સાફ રાખવા ને રોજ ચોટલા વાળવા – એ મારો કેટલો સમય ખાઈ જાય છે? એ ઉપડી હેરકટીંગ સલૂનમાં અને એણે વાળ સાવ ટૂંકા કરાવી દીધા. આજે આપણે એવી હેરસ્ટાઇલને બોયકટ તરીકે ઓળખીએ છીએ પણ કિરણને કોઈ સ્ટાઈલની ખબર નહોતી. એને તો બસ એનો સમય બચાવવો હતો.

       ચૌદ વર્ષની ઉંમરે  કિરણ અમૃતસરની બહાર ટુર્નામેન્ટ રમવા ગઈ. ૧૯૬૪-૬૫માં દિલ્હી જીમખાના કોર્ટ ખાતે રાષ્ટ્રીય ચેમ્પીયનશીપની સ્પર્ધા હતી. આ મેચમાં એણે વિમ્બલ્ડનની અનુભવી ખેલાડી વિલ્સ સામે રમવાનું હતું. આવા જોરદાર હરીફનો સામનો કરવાનો હોવા છતાં કિરણ જરાય ડરી નહીં. ભલે ત્યારે એ મેચ હારી ગઈ પણ એનાથી નાસીપાસ થયા વગર એણે બમણા જોરથી પ્રેક્ટીસ આદરી દીધી અને એ પછીના બે જ વર્ષમાં એ રાષ્ટ્રીય જુનિયર ચેમ્પિયન બની.

      કિરણ ડગલે ને પગલે અનુભવતી કે રમતજગતમાં છોકરીઓને ઘણો અન્યાય થાય છે. છોકરીઓને મુસાફરી ભથ્થું સહેલાઇથી મળતું નહીં. છોકરીઓને મનપસંદ કોર્ટમાં રમવા મળતું નહીં. સેમીફાઈનલ અને ફાઇનલ જેવી ઘણી મેચો દરમિયાન મુખ્ય કોર્ટ ઉપર છોકરાઓ રમતાં, જયારે છોકરીઓને રમવા માટે સાઈડ કોર્ટ જ મળતો. મુખ્ય કોર્ટમાં રમવા માટે છોકરીઓએ લડવું-ઝઘડવું પડતું.

     કોલકત્તા ખાતે રાષ્ટ્રીય ટેનિસ ચેમ્પિયનશીપમાં તે રમવા ગઈ ત્યારે કોર્ટની પસંદગી અંગે મહિલા ખેલાડીઓને ખૂબ સંઘર્ષ કરવો પડેલો.  કિરણ એ વાત શીખી કે આપણી માગણી વ્યાજબી હોય તો પણ લડવું પડે. જયારે આપણી વાત ન્યાય માટેની હોય ત્યારે કદી ઝૂકી ન જવું.

       કિરણ નાની બહેન રીટા સાથે પંજાબ  યુનિવર્સિટી તરફથી રમીને ઇન્ટર યુનિવર્સિટી મહિલા ટીમની ચેમ્પિયનશીપ જીતી લાવી હતી. એ પછી કિરણ રાષ્ટ્રીય ચેમ્પિયન અને છેલ્લે એશિયન ચેમ્પિયન બની. ટેનિસની રમતમાં એની  સિદ્ધિ નાનીસૂની નહોતી. ટેનિસના સમગ્ર અનુભવમાંથી એને સમજાયું કે જીત મેળવવા અવિરત સંઘર્ષ કરવો પડે છે અને જે સંઘર્ષ કરે છે, તેને વિજય મળ્યા વિના રહેતો નથી. સખત પરિશ્રમ સિવાય કંઈ પ્રાપ્ત થતું નથી.

      એશિયન લોન ટેનિસ ચેમ્પિયનશીપ ૧૯૭૨માં પૂના ખાતે યોજાઈ હતી. એ દિવસોમાં શ્રેષ્ઠ મહિલા ખેલાડીઓને કોચિંગ આપવાની જવાબદારી કોચ અખ્તરઅલીની હતી. એની ખૂબ ઈચ્છા હતી કે, કિરણ પોતાની પાસે ટ્રેનિંગ લે પરંતુ  કિરણ પોતાના કોચ રઘુવીર દયાલ અને એના પિતાશ્રી સાથે રહેવા માગતી હતી, આથી અખ્તરઅલી કિરણના વિરોધી બની ગયા હતા અને મેચ વખતે કિરણને પરેશાન કરવાનું પણ છોડતા નહોતા. જો કે કિરણ પર આની ખાસ અસર નહોતી થઇ. એ પોતાની મહેનત પર મુસ્તાક હતી અને ધ્યેયને સમર્પિત હતી. અખ્તરઅલી એના વિરોધી હોવા છતાં કિરણની બે બાબતોની હંમેશા પ્રશંસા કરતા - એની ગજબનાક હિંમત અને એનો અડગ સંકલ્પ.

       સફળ થવા માટે મનોચિકિત્સકો ‘સ્વસૂચન પદ્ધતિ’નો ઉપયોગ કરવાનું સૂચવે છે.( auto suggestion)  ’સ્વસૂચન’ પદ્ધતિ એટલે પોતાની જાતને સૂચનાઓ આપવી. જે પ્રાપ્ત કરવું છે - એ અંગે નિયમિત રીતે પોતાની જાતને સૂચનાઓ આપવી. કિરણ આ ‘સ્વસૂચન’ પદ્ધતિનો અમલ કરતી. ’હું વિજયી બનીશ જ’ એવું તે પોતાની જાતને કહ્યા કરતી. આને કારણે પોતાના લક્ષ્યમાંથી એનું ધ્યાન ખસતું નહીં. જીતવા માટે શું શું કરવું જોઈએ એ વિશે એ જાગ્રત રહેતી. મક્કમ મનથી પ્રેક્ટિસ કર્યા કરતી અને અંતે એ વિજયી નિવડતી.

       રમતગમતના ખેલાડીઓને ખાસ સુવિધા કે વળતર મળતાં નહીં. એમાંય છોકરીઓને તો વધારે મુશ્કેલી. કિરણ ટેનિસ રમવા માટે ભારતભરમાં ઘૂમી. છેક ૧૯૬૮ પછી એને રાષ્ટ્રીય દરજ્જાની ખેલાડી તરીકે પ્રથમ વર્ગમાં મુસાફરી કરવાની મંજૂરી મળી, સાથે સાથે રોજના રૂ. ૩૦ લેખે દૈનિક ભથ્થું મળતું થયું. ત્યાં સુધી એણે ત્રીજા વર્ગના ડબ્બામાં મુસાફરી કરી. ક્યારેક બેસવા માટે સીટ મળે તો ક્યારેક ટોઇલેટની પાસે થોડી જગ્યામાં સામાન પર બેસીને મુસાફરી કરવી પડે. પણ એથી શું? ટેનિસ રમવાનો એનો ઉત્સાહ જરા પણ ઓછો થતો નહીં.

       ટેનિસની રમતમાં કિરણ આટલી ઓતપ્રોત હતી છતાં એના અભ્યાસ પર એની કોઈ અવળી અસર નહોતી. અભ્યાસમાં કોઈ કચાશ એ રાખતી નહીં અને એના પરીક્ષાના પરિણામો હંમેશા ઝળહળતી સિદ્ધિ લઈને આવતાં. પોતાના કામનું વ્યવસ્થિત આયોજન કરવાનું એને બરાબર આવડતું, એટલે એ બધે પહોંચી વળતી અને સફળતા મેળવતી.

      પોલીસ સેવા ક્ષેત્રમાં દાખલ થયા પછી ટ્રેનિંગ દરમિયાન પણ કિરણે દેશમાં પોતાનું બીજા નંબરના ખેલાડીનું સ્થાન જાળવી રાખ્યું હતું. કિરણ કહે છે કે જિંદગી કેમ જીવવી એ મને ટેનિસની રમતે શીખવ્યું. જે કામમાં સફળતા મેળવવી હોય એમાં જીવ રેડીને કામ કરવું પડે. એમ કરવા માટે મોજમજા છોડવી પણ પડે. જ્યાં સુધી ધાર્યું કામ ન થાય ત્યાં સુધી મનને બીજી દિશાઓમાં જતું રોકવું જ પડે. કાર્ય સિદ્ધિ થયા પછી આનંદ-પ્રમોદ કરી શકાય. મોજશોખ કરવાથી મળેલાં આનંદ કરતાં પરિશ્રમથી મેળવેલી સિદ્ધિ ઘણો વધારે આનંદ આપે છે.

       આ રમતે કિરણને બીજી એ વાત પણ શીખવી કે ‘કોઈ શું કહેશે’ એની કદી પરવા કરવી નહીં. પૂરું વિચારીને આપણું ધ્યેય નક્કી કરવું અને પછી લોકોના કહેવા તરફ બિલકુલ ધ્યાન ન આપવું. ધાર્યું નિશાન પ્રાપ્ત કરવું હોય તો બસ કામમાં ડૂબી જવું અને બીજું બધું ભૂલી જવું.

      નવ વર્ષની કુમળી વયે ટેનિસ રમવાનું શરૂ કરી કિરણ સોળ વર્ષની વયે રાષ્ટ્રીય જુનિયર ચેમ્પિયન બની ગઈ હતી. કિરણ ખેલાડી તરીકે વિજય અને આનંદ અમૃતરાજ, ગૌરવ મિશ્ર, રામનાથન કૃષ્ણન, જયદીપ મુખરજી અને પ્રેમજિતલાલની સમકાલીન હતી. ભારતમાં આવીને વિશ્વ સ્તરના રમતવીરો જે ટેનિસ કોર્ટમાં રમતાં એ ટેનિસ કોર્ટમાં રમવાનો  કિરણને લહાવો મળ્યો હતો. તેરથી ત્રીસ વરસના ગાળામાં કિરણે અનેક ટેનિસ મેચ ખેલી. પોલીસ ટ્રેનિંગ દરમિયાન કિરણ શ્રીલંકામાં ફોન્સેકા ટ્રોફી માટે પસંદ થયેલી ભારતીય મહિલા ટેનિસ ટીમમાં રમી અને ટ્રોફી પણ જીતી.

      કિરણ પંજાબ માટે રાજ્ય ચેમ્પિયનશીપ, વિભાગીય (ઝોનલ) ચેમ્પિયનશીપ પછી રાષ્ટ્રીય અને છેલ્લે એશિયન ખિતાબ જીતી લાવી હતી.  એની બહેન રીટાની ભાગીદારીમાં એણે ત્રણ ત્રણવાર આંતર યુનિવર્સિટી ખિતાબ જીત્યો હતો. એની સૌથી નાની બહેન અનુ સતત ત્રણ વર્ષ સુધી રાષ્ટ્રીય ચેમ્પિયન રહી હતી એટલું જ નહીં, એણે યુનિવર્સિટી, રાજ્ય અને એશિયન ચેમ્પિયનશીપ ઉપરાંત યુનિવર્સિયાડ અને વિમ્બલ્ડનમાં રમવાનું ગૌરવ મેળવ્યું હતું. પંજાબને આ બહેનોએ ગૌરવ અપાવ્યું.

     એનો પરિવાર ટેનિસ પરિવાર તરીકે ઓળખાતો હતો.         

માહિતી વિકિપિડિયા પર આ રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.