સ્વયંસિદ્ધા – ૫

    -    લતા હીરાણી

     

      સ્વયંસિદ્ધા  પ્રકરણ - ૫ , નવી કેડી કંડારીએ

      દરેક સમસ્યાનું સૂક્ષ્મ પૃથક્કરણ કરવાની કિરણની આદત હતી. સમસ્યાને મૂળમાં જઈને એ તપાસતી. માતા-પિતા તરફથી એને સારા-નરસાનો વિવેક બરાબર શીખવવામાં આવ્યો હતો. એને એ પણ શીખવવામાં આવ્યું હતું કે કોઈ પણ કાર્ય, એ ‘બધા લોકો કરે છે’ માત્ર એટલા ઉપરથી સ્વીકારવું નહીં. દરેક બાબતમાં સ્વતંત્ર રીતે વિચારવું અને નિર્ણય લેવો.

      બાળપણથી એના માનસમાં એ વાત બરાબર નોંધાઈ હતી કે સમાજમાં છોકરીઓને ભણાવવા તરફ લોકો ખાસ ધ્યાન આપતા નહીં. છોકરીઓ ઓછું ભણે તો ચાલે. એણે રસોઈ, ઘરકામ, ભરત-ગૂંથણ વગેરે શીખવાનું અને એક સારી ગૃહિણી બની ઘર સંભાળવાનું. ઘરોમાં પણ પુત્ર-પુત્રી વચ્ચે ભેદભાવ રખાતો. માતા-પિતા પુત્રને ભણવા માટે પૂરું પ્રોત્સાહન આપતાં. એ માટે પૂરતો ખર્ચ કરતાં અને બધી સગવડ આપતાં. પુત્ર જેટલું ઇચ્છે એટલું ભણી શકતો. ઘરમાં પણ પુત્રના ભાગે કંઇ કામ આવતું નહીં. ઘરકામ પુત્રીએ સંભાળવાનું રહેતું. મોટા થયા પછી પણ પુરુષોને બહારનાં કામ અને ખેલકૂદ, જયારે સ્ત્રીઓના ભાગે ઘરકામ, રડવાનું અને ઠપકા સાંભળવાના.

        આ એ સમયની પરિસ્થિતિની વાત છે. આજે શહેરોમાં પરિસ્થિતિ થોડી બદલાઈ છે. પરંતુ ગામડાઓમાં હજી એવી જ સ્થિતિ છે.

     કિરણનું મન આવી અન્યાયી વ્યવસ્થા સામે વિદ્રોહ કરતું. આવા જડ રિવાજો સામે બંડ પોકારતું. જો કે આ બધામાં એ પોતાની જાતને ભાગ્યશાળી સમજતી. કિરણનાં માતા-પિતાની વિચારસરણી આવી જૂનવાણી નહોતી. પરંતુ જેવું વાતાવરણ કિરણના ઘરમાં હતું એવું વાતાવરણ એની બહેનપણીઓના ઘરમાં નહોતું.  કિરણને જેવી તક મળતી એવી તક એની સખીઓને મળતી નહોતી.  કિરણે શાળા બદલવાનો જે નિર્ણય કર્યો એ એના આવા પાકા ઘડતરનું પરિણામ હતું.

       કિશોરવયે કિરણે સંકલ્પ કર્યો હતો કે હું બધા કરતાં કંઇક જુદું જ કરીને બતાવીશ. ભારતીય સ્ત્રીઓ પાસેથી જેની અપેક્ષા નથી રખાતી એવું કાર્ય હું કરીશ. આવા મનોબળને કારણે કિરણ એક ઉત્તમ ખેલાડી બની શકી, ટેનિસની રમતમાં એના પુરુષ સ્પર્ધકોને હંફાવી શકી. પોતે સ્ત્રી છે એવી મર્યાદા એને કદી નડી નહીં.

       કિરણે ઇન્ડિયન પોલીસ સર્વિસીઝ (ભારતીય પોલીસ સેવાઓ)માં  જોડાવાનો નિર્ણય કર્યો. એનો સંકલ્પ હતો કે, સ્ત્રીઓ જે ક્ષેત્રમાં કાર્ય કરતી નથી, એ ક્ષેત્રમાં હું ઝંપલાવીશ. એને પોતાના પગલાંથી પુરુષોનો એકાધિકાર તોડવો હતો. કિરણને ઘણા લોકોએ સલાહ આપી કે, તારે આઈ.પી.એસ. ને બદલે આઈ.એ.એસ. એટલે કે ભારતીય વહીવટી સેવાઓ અથવા તો આઈ.એફ.એસ.અર્થાત્  ભારતીય વિદેશ સેવાઓનું ક્ષેત્ર પસંદ કરવું જોઈએ. તો એક સ્ત્રી તરીકે તને એ વધુ અનુકૂળ રહેશે. એમાં  વારંવાર પરદેશ જવાની તક મળશે. પરંતુ આ બંને ક્ષેત્રોમાં એનાં પહેલાં બીજી સ્ત્રીઓ પ્રવેશી ચૂકી હતી જયારે આઈ.પી.એસ.ના ક્ષેત્રમાં હજી સ્ત્રીઓ પ્રવેશી નહોતી. આથી કિરણે આઈ.પી.એસ. થવાનું જ પસંદ  કર્યું.

      કિરણને આવી સલાહ મળવાનું બીજું કારણ એ પણ હતું કે પોલીસ સેવા-ક્ષેત્ર ‘રફ એન્ડ ટફ’ ગણાય. એ ક્ષેત્ર ઘણું મુશ્કેલ અને ક્યારેક ખતરનાક પણ ખરું. ચોર-લૂંટારા અને ગુનેગારો સાથે કામ પાડવાનું હોય. દિવસ-રાતના ભેદ વગર ગમે તેવા સંજોગોમાં ગમે તેવા સ્થળે દોડવું પડે. શારીરિક અને માનસિક બળની આ ક્ષેત્રમાં વધુ અપેક્ષા રહે, જયારે ભારતીય સ્ત્રીઓ ઘરમાં ચાર દીવાલો વચ્ચે રહેવા ટેવાયેલી હોય. આ બધાં કારણોસર એને આ ક્ષેત્ર પસંદ નહીં કરવાની સલાહ અપાયેલી પરંતુ પડકારરૂપ કાર્યો જ હાથ ધરવા એ જેનો સ્વભાવ હોય એ આવી વાતો ગણકારે ખરાં? સાહસ ખેડવું જેના જીવનનું ધ્યેય હોય એની પાસે આવી દલીલો ચાલે ખરી? કિરણ એક એવી સ્ત્રી હતી કે જે સરળ માર્ગને કદી પસંદ કરે નહીં. એને તો ઝાડી-ઝાંખરાં અને કાંટાઓથી ભરેલા ઘનઘોર જંગલમાં પોતાની નવી કેડી કંડારવી જ ગમે.

      આખરે કિરણે એ કરી બતાવ્યું. એ ચીલો ચાતરીને જ રહી. એણે આઈ.પી.એસ.માં પ્રવેશ મેળવ્યો અને એક આકરી તાલીમમાંથી પસાર થઇ અંતે ભારતની પ્રથમ મહિલા આઈ.પી.એસ. ઓફિસર બની.

માહિતી વિકિપિડિયા પર આ રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.