ભાર સહિતનું ભણતર

    -    દિલીપ ભટ્ટ ( તંત્રી, ગુજરાત સમાચાર )

     ઈ- વિદ્યાલય પર 'ભાર વિનાનું ભણતર' એ શિક્ષણના પાયાની એક ઈંટ આપણે ગણી છે. સુરતના નિવાસી આપણા મિત્ર શ્રી. રાજેશ કોલડિયાએ તો એ માટે સરસ મજાના સ-એનિમેશન વિડિયો પણ બનાવ્યા  છે. ( આ રહ્યા.) 

   પણ ગુજરાત સમાચારના તંત્રી શ્રી. દિલીપ ભાઈ ભટ્ટ નો નીચે મુજબનો લેખ આપણા મિત્ર શ્રી. વિનોદ પટેલના ફેસબુકની દિવાલ પર વાંચવા મળ્યો અને  ધરતી પરની  વાસ્તવિકતાઓ છતી થઈ ગઈ. 

ઈ-વિદ્યાલય શા માટે પ્રસ્તુત છે?
એ અંગે કોઈ સંશય
આ લેખ  વાંચ્યા પછી રહેશે ખરો? 

[ ગુજરાત સમાચાર, બુધવાર, 28/11/18 ]

ભાર સહિતનું ભણતર

     કેન્દ્ર સરકારે એના એક નવા આદેશ અનુસાર વિદ્યાર્થીઓના દફતરના વજનની મર્યાદા નક્કી કરી આપી છે. આજકાલ તો કેન્દ્રની એનડીએ સરકારને અનેક શુભમંગલ વિચારો આવી રહ્યા છે, કારણ કે સત્તામાં આવ્યા પછી પહેલા દિવસથી કરવાના કામો હવે મુદત પૂરી થવાના સમયે એટલે કે નિર્ગમન વેળાએ તેમને સાંભર્યા છે. અને આમ પણ વિદાય વેળાએ તો પાનખરમાં ખરતી પીળી પાંદડી પણ વહાલી લાગતી હોય છે. એ બહાને પણ ભાજપના હાથે રામના કામ થયા કે ન થયા પણ દેશના કામ તો ચપટીક થશે. સંસદનું શિયાળુ સત્ર અગિયારમી ડિસેમ્બરથી શરૂ થઇ રહ્યું છે અને એ ઝંઝાવાતી બની રહેવાનો અણસાર છે. આ સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું આ છેલ્લું શિયાળુ સત્ર હશે. આવતા વરસના શિયાળાના પ્રથમ સત્રની ફૂલગુલાબી હવા કોણ માણી શકશે એ તો રામ જાણે જો કે ભાજપનો આતમરામ અને રામ બન્ને ઘણું બધું જાણે છે !

      કેન્દ્રના આદેશને કારણે હવે વિદ્યાર્થીઓના દફતરનું વજન ઘટશે. દિવાળી પછીના સત્રની ઊંચી ફી તો શાળાઓએ લેવાની શરૂ કરી જ દીધી છે. ગુજરાત સરકારે ફી ઘટાડાની ગપ્પાબાજી છેલ્લા એક વરસથી બહુ ચલાવી, જ્યારે કે વાલીઓ ખાનગી શાળાઓના ફી માળખા અંગે જે હાલાકી ભોગવી રહ્યા છે તે વાસ્તવિકતા સાવ અલગ જ છે અને રાજ્ય સરકાર તેનાથી અજાણ હોવાનો સતત દંભ આચરે છે. મોટા ભાગની શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકોથી વધુ એવા પુસ્તક-પુસ્તિકાઓ અને વિવિધ પાઠપોથીઓ ખરીદવાનો ઈશારો કરે છે અને વિદ્યાર્થીએ એ બજારમાંથી ખરીદીને લેવા પડે છે. એને કારણે પણ દફતરનું વજન વધે છે. આમ પણ બાળકો પર વજન ક્યાં ઓછું છે ? ઉપદેશક સમાજ વચ્ચે મનુષ્ય તરીકે જન્મ લઇને મોટા થવું એ કંઇ સામાન્ય પડકાર છે ? બાળકને તો જોતાંવેંત આપણા ગુજરાતી સમાજમાં સહુ તરત પૂછે છે કે શું ભણે છે ? અને પછી તુરત સલાહનો ધોધ પડવા લાગે.

       વિદ્યાર્થીઓ કે બાળકોના કાન સલાહ સાંભળવા માટે નથી. તેઓ તો શાળાઓમાં અને ઘરે બન્ને તરફથી સલાહો સાંભળીને થાકી ગયેલા જ હોય છે. તેઓની જરૂરિયાત મુખ્યત્વે આનંદકારી પ્રવૃત્તિ છે જે હોય મઝાના સ્વરૂપની અને એ જ પ્રવૃત્તિથી એ પોતાના પગ પર જિંદગીને બેઠી કરતા શીખે. આપણે ત્યાં લોકશાળાઓમાં એક જમાનામાં મનુષ્યના ઘડતરના મહાન કાર્યો, સ્વાતંત્ર્યોત્તર સમયગાળામાં થતા, પરંતુ પછીથી જુઠ્ઠા ગાંધીવાદીઓના આશ્રયે એ પરંપરા ખલાસ થઇ ગઇ. હજુ ક્યાંક ક્યાંક દીવા બળે છે, પરંતુ એ તો પોતાની નજીકમાં થોડુંક અજવાળું આપવાની મર્યાદા ધરાવે છે.

      શાળાઓનો વાંક તો પછીની બાબત છે, પ્રથમ તો વાલીઓ જ પોતે અશ્વપાલક બનીને પોતાના દરેક સંતાનને રેસમાં ઉતારવા માટે એમની પાછળ પડી ગયા છે. દરેક વાલી પોતાના દરેક સંતાનને અકારણ જ સ્ટાર તરીકે જોતા થઇ ગયા છે. આને કારણે ગુજરાતના તો લાખો બાળકોના હાથમાંથી શૈશવ છીનવાઇ ગયું છે. બાળકો પાસે કોઇ એડવોકેટ નથી કે જે વાલીઓ સામે ધુંઆધાર દલીલો કરીને એમની વ્યર્થ મહત્ત્વાકાંક્ષાઓના હિમાલય ઓળંગી શકે. છતાં કેન્દ્ર સરકારે પોતાનું વજન વધારવા માસૂમ બાળકોના દફતરનું જે વજન ઓછું કરી આપવાના નિયમો બનાવ્યા છે તે લાખો બાળકોના ઝૂકી ગયેલા ખભાઓને કંઇક રાહત અને આશ્વાસન આપશે.

     બ્રાન્ડેડ કહેવાતી ખાનગી શાળાઓના શિક્ષકોની શૈક્ષણિક લાયકાતોનો પણ આપણા રાજ્યમાં કોઇ ધડો નથી. અરે કોઇ પણ વિદ્યાશાખાના સ્નાતકને નોકરી ન મળે એટલે તે અરજી લઇને ખાનગી શાળાના સંચાલકો પાસે પહોંચી જાય છે. લઘુ લાયકાત હોવાને કારણે પગાર ઓછો આપવાની લાલસામાં સંચાલકની આંખમાં ચમક આવે છે અને એને રાખી લે છે. રાજ્યની મોટા ભાગની શાળાઓમાં આવા ઓછા પગારથી કામ કરતા અને કાયદેસર લાયકાત વિનાના શિક્ષક-શિક્ષિકાઓનો મોટો કાફલો અત્યારે રજ-ફરજ બજાવી રહ્યો છે. આ દશાથી ગુજરાતના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ સારી રીતે વાકેફ છે અને તેઓ એ પણ જાણે છે કે ઈન્સ્પેકશનના દિવસે સંચાલકો એક દિવસ માટે લાયકાતવાળો સ્ટાફ હાજર કરી દે છે છતાં આ અધિકારીઓ એ શાળાઓ પર કોઇ જ પગલા લેતા નથી કારણ કે સંચાલકોએ તેઓના ગળામાં મુલાયમ પટ્ટો બાંધી રાખ્યો હોય છે. આખા રાજ્યના પ્રાથમિક શિક્ષણને ખાડે લઇ જવામાં પ્રાથમિક અને માધ્યમિક એવા બન્ને પ્રકારના જિલ્લા શિક્ષણાધિકારીઓનું મોટું યોગદાન છે.

       ગુજરાતના શિક્ષણ જગતમાં ચાલતા તરકટો કે ગેરરીતિઓમાં કશું પણ ખાનગી નથી. બધા બધું જ જાણે છે. પરંતુ સરકાર જાણે છે છતાં નિષ્ક્રિય રહે છે એ ગંભીર વાત છે. વર્ષો થયા, ગુજરાતના શિક્ષણ જગતમાં તાજગી આવી નથી અને એ જ કારણસર ફાર્મસી, એન્જિનિયરિંગ અને એમબીએની કોલેજો હવે બંધ થવા લાગી છે. કેટલીક બંધ થઇ ગઇ છે અને અન્ય નવા શૈક્ષણિક સત્રમાં તાળા મારવાની તૈયારી કરે છે. માત્ર દફતરનું વજન ઘટવાથી શિક્ષણનું વજન વધી જવાનું નથી તો પણ સરકારપક્ષે આત્મભાન પૂરતી અને એય અંત વેળાએ થયેલી આ શુભ શરૂઆત છે અને એટલે જ એ સ્વાગતપાત્ર પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *