ઇતિહાસનું એક પાનું

- ગીતા ભટ્ટ

      માણસ તેનાં કર્મથી ઓળખાય છે.  ઇતિહાસ એ વ્યક્તિનાં ચાલ્યાં ગયાં પછી એણે કરેલાં કાર્યો દ્વારા એને મૂલવે છે. ઇતિહાસ કોઈ વ્યક્તિ સાથે નહીં, સમય સાથે જોડાયેલો છે. કોઈ મહાન વ્યક્તિએ કોઈ મહત્વનું પગલું ભર્યું હોય તેની લાંબા ગાળે જે અસરો થાય તેના લીધે એ વ્યક્તિ કાળના પ્રવાહમાં ટકી રહે.  આજે ઈ.સ. ૨૦૧૯નું નૂતન પ્રભાત.  વાત્સલ્યની એ નાનકડી વેલડી વિષે લખવા બેસું છું જે ભવિષ્યમાં ધીમે ધીમે એક ભવ્ય લતામંડપ રચવાની હતી.  પણ એ તો ભવિષ્યમાં. હજુ તો એને મૂળિયામાંથી મજબૂત બનવાનું હતું, ખીલવાનું હતું, પાંગરવાનું હતું. વિશ્વની બે ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ અને બે જુદા સમાજ અને સમય- સંજોગોના સમન્વયથી સિંચાઈને પછી એ લતા મંડપે મ્હેકવાનું હતું!

    એ વર્ષ હતું ૧૯૮૬નું. 

    અમેરિકાના ચાળીસમા અને ઉમરમાં બધાં પ્રમુખોથી મોટા, અનુભવી, બાહોશ, પ્રેસિડન્ટ રેગનની બીજી ટર્મ હતી. એમની ચાણક્ય નીતિથી રશિયા સાથેની કોલ્ડ વોરનો પણ ટૂંક સમયમાં જ અંત આવવાનો હતો.  એ માટે રોનાલ્ડ રેગન પાસાં મૂકી રહ્યા હતા; તો બીજી બાજુ અર્થતંત્રને સધ્ધર બનાવવા એમણે જે અનેક દાવ અજમાવ્યા હતા તેમનો એક મહત્વનો નિર્ણય: ૧૯૮૧ ડિસેમ્બર પહેલાં આવેલ નોન ઈમિગ્રન્ટ્સને કાયદેસર ઇમિગ્રેશન. એનાથી ત્રીસ લાખ લોકોને લાભ થયો; તો કંઇક અનેક ગણો વધારે અર્થતંત્રને ફાયદો થયો. 

     હવે મેં પદ્ધતિસરનું બાળઉછેર અને બાળસંભાળ વિષયનું ભણવાનું શરૂ કર્યું. પણ જે કારણથી મેં મારાં ભાષાવિજ્ઞાનના આગળ અભ્યાસનો વિચાર પડતો મૂકેલો એ કારણ તો હજુ ઉભું જ હતું - અમારાં બાળકો. અમારાં સંતાનો હવે પહેલાં, બીજા ધોરણમાં હતાં પણ બેબીસિટીંગમાં ઘેર આવતાં બાળકો સવારે સાડા પાંચ થી સાંજે છ સુધી નિયમિત આવતાં હતાં.  એટલે રેગ્યુલર કોલેજમાં જવું શક્ય નહોતું. પણ શિક્ષણ મેળવવાના બીજા ઘણા રસ્તા હતા.  શિકાગોની સીટી કોલેજો કે જે શનિવારે ક્લાસમાં શીખવાડે અને ચાલુ દિવસોએ ટી વી ઉપર અમુક સમયે એનાં એજ્યુકેશનલ પ્રોગ્રામ આવે; એના ક્લાસ  લેવાનું મેં વિચાર્યું. વાહ! ભાઈ  આતો ઘણું સારું. ઘેર બેઠાં ભણવાનું, તે ય ટી વી જોતાં જોતાં ભણવાનું.  મેં તો આનંદમાં આવીને ફી ભરી દીધી. પણ અક્કરમીનો પડ્યો કાણો.  જે પુસ્તકો મેં ECE 101 , ચાઈલ્ડ ડેવલ્પમેન્ટનાં ખરીદ્યાં તેમાંનો એક પણ ફકરો મને પૂરો વાંચતાય ફાવે નહીં. આટલું બધું અઘરું ? 

    આમ તો નાનપણથી જ મને વાંચવાનો ઘણો શોખ.  સ્કૂલમાં વેકેશન દરમ્યાન પણ અમને બધાં ભાઈ બેનને લાયબ્રેરીમાં જવાનો શોખ. ગુજરાતી સાથે અંગ્રેજી પુસ્તકો પણ હું આનંદથી વાંચું . અને એ વાંચન શોખ અહીં અમેરિકામાં વધુ પોસાયો.  ઘેર બાળઉછેર વિષયક પેરેન્ટ્સ મેગેઝિન પણ નિયમિત આવતું હતું.  પણ આ  કઈ જાતનાં પુસ્તકો છે? એક પણ વાક્ય પૂરું સમજાય નહીં. ડિક્શનેરીમાંથી દર એક વાક્યમાં ત્રણ શબ્દોના અર્થ શોધવા પડે , અને ને ચાર શબ્દનું તો એ વાક્ય હોય! અને એ ચારેય શબ્દોને ગુજરાતીમાં અનુવાદ કરીને ગોઠવું તો ય સમજાય નહીં કે, એ શું કહેવા માંગે છે? 

     ટી વીમાં આવતાં ડોક્યુમેન્ટરી શોની તો વાત જ સાવ વિચિત્ર - આટલી બધી અઘરી ભાષા? સાચા અર્થમાં કહું તો એ બોલનાર કયા વિષયની વાત કરે છે, એ જ ના સમજાય.  સ્ત્રી પુરુષના માનવ શરીરની રચના વિષે એ ડિટેઈલમાં સમજાવે.  કદાચ આ પુસ્તક ગુજરાતીમાં હોત તોયે પેલા જઠર, પેશીઓ ને પિંડો વગેરે વિષે ભેજામાં ઉતરવાનું નહોતું જ.  એ શું છે, ક્યાં છે અને કેમ છે એ વિષે મેં સ્વપ્નેય વિચાર્યું નહોતું.  એ અભ્યાસક્રમનો શો દિવસમાં બે વાર અને અઠવાડિયામાં કાંઈ કેટલીયે વાર ફરી ફરીને એક ચેનલ પર આવે.

       મેં કોઈ બાળકોની મમ્મીની મદદ લેવાનું નક્કી કર્યું. આમ પણ હું ભણું એ માટે એ લોકો પણ પ્રોત્સાહન આપતાં હતાં. બધી મમ્મીઓ કહેતી કે, મારે એક ડે-કેર સેન્ટર ખરીદી લેવું જોઈએ. આ બધી રામાયણ એમાંથી જ શરૂ થઇ હતી.  મારા લાયસન્સ ઇન્સ્પેકટર નું કહેવું હતું કે, આ ફિલ્ડમાં સેવા આપનારાઓની કમી છે અને જો હું આ ક્ષેત્રમાં આગળ વધીશ તો મારુ ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ છે.  શું ભણવાથી ડાયરેક્ટર બનાય એ પણ એમણે જ એમની ઓફિસે ( DCFS ) સૂચવેલું. 

     પણ ટી વી શો કે ચાઈલ્ડ ડેવલ્પમેન્ટનાં પુસ્તકોમાં કોઈ મમ્મીઓનીયે ચાંચ ના ડૂબી : એક તો છોકરાંઓ ઘરમાં દોડાદોડી કરતાં હોય ત્યારે ભણવાના પ્રશ્નોમાં ધ્યાન ના રહે, અને છોકરાંઓને બીજે ક્યાંય મુકાય તેમ નહોતું કારણકે હું જ તો બેબીસિટર હતી. બે ચાર અઠવાડિયા તો એમ ને એમ ચિંતામાં જતા રહ્યા.

     “તમારે અંગ્રેજી બેઝિક શીખવું પડશે. “  એક શનિવારે મેં અમારાં ઇન્સ્ટ્રક્ટરને કહેતાં સાંભળ્યા . એ મારાં જેવી કોઈ બેનને કહી રહ્યાં હતાં. “ જુઓ , આ શરીર વિજ્ઞાનનો ક્લાસ છે. તમારે અંગ્રેજી શીખીને જ આ ક્લાસ લેવાય. ”

     હું ગભરાઈ.  રખેને એને ખબર પડી જાય કે મનેય અંગ્રેજી બરાબર આવડતું નથી.  મને ક્લાસમાંથી કાઢી ના મૂકે.  અને તો તો મારે કોણ જાણે બીજાં કેટલાયે વિષયો ભણવા પડશે? ગુજરાતીની માસ્ટર ડિગ્રીનું ઇવેલ્યુએશન કરવું પડશે, બી.એડ ના કોર્સનુંયે ઇવેલ્યુએશન કરાવવું પડશે.  આ તો ડે-કેર શરૂ કરવાનાં સપનાં દૂર દૂર જતાં હોય તેમ લાગેછે. મને તો એમ હતું કે, આ કોર્સમાં બાળકો, બાળ માનસ વિષે ભણવાનું હશે.  હું તો નવી નવી વાર્તાઓ ને નવાં બાળગીતો જાણવા, માણવા અને શીખવા અધીરી હતી.  અને અહીંયા તો મેડિકલ ડોક્ટરનું જ્ઞાન આપવા બેઠાં છે.  લીલા છમ ઘાસમાં આનંદથી પગ મૂકો અને નીચે તો કૂવો હોય ને ધબાક કરીને પછડાઓ તેવું થયું!

   ક્યારે  હું આટલું બધું ભણી લઈશ અને ક્યારે મારાથી પ્રિસ્કૂલ શરૂ થશે ? ખરેખર આ બધું શક્ય છે?  શું કરું ? એક કામ શરૂ કરવા જાઉં છું ને અંદરથી કાંઈ નવો જ ફણગો ફૂટે છે. આતો બકરી કાઢતા ઊંટ પેઠું ! ભણવાનું ભુલાઈ ગયું. આંખમાં થોડાં આસું ઝળક્યાં અને પછી ધોધમાર વરસાદની જેમ હું રડી પડી. જીવનમાં મારે કાંઈ કરવું હતું. દેશમાં એક ગૃહિણી તરીકે એ અઘરું હતું.  હવે અહીંના નિયમો મને ચેલેન્જ કરતા હતા. પણ કહેવતમાં છે ને કે દ્રઢ મનોબળ કોઈ રસ્તો જરૂર શોધે છે. 

Where there is a will there is a way. 

    મને પણ રસ્તો જડવાનો હતો જ.  વાત્સલ્યની વેલડી કાંઈ મારી એકલીની જ થોડી હતી? 

'બેઠક'  પર તેમના લેખ આ રહ્યા. 

--
--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *