બાળક કેશવ અને તેની મા

- ગીતા ભટ્ટ

      બાળ ઉછેરમાં ઘણાં બધાં પરિબળો કામ કરે છે. તેમાં સૌથી મહત્વનું છે - મા બાપની માન્યતાઓ, અને તેને આધારે તેમનું બાળક સાથેનું વલણ.  એ વિષય પર ઘણું લખી શકાય, પણ આજે તો માત્ર એક બાળક કેશવ વિષે જ લખીશ.  પાંચ છ વર્ષના કેશવને સૌ પ્રથમ વાર મંદિરમાં મળ્યાં હતાં.

       એ વર્ષોમાં બીજા પણ મહત્વના બનાવો આકાર લઇ રહ્યા હતા. અમેરિકાના ચાળીસમા પ્રેસિડન્ટ રેગનની બીજી ટર્મ ચાલી રહી હતી. એમની એક સહીથી જેઓએ એ યોજના ( એમ્નેસ્ટી ) માટે અરજી કરી હતી, તેવાં  ત્રીસ લાખ  લોકોના જીવનમાં બદલાવ આવ્યો.  પણ જે લોકોનો કેસ એ પહેલાં પણ કોર્ટમાં ચાલુ હતો, એ લોકોને આ યોજનાનો લાભ લેવો કે ના લેવો તે એ વ્યક્તિની પોતાની મરજીની વાત હતી.

       કમનસીબે એક બહેન જે અમને શિકાગોના મંદિરમાં ક્યારેક મળતાં, જેઓ વર્ષોથી આ દેશમાં જ હતાં અને જેમનો ઇમિગ્રેશનનો કેસ કાયદેસર રીતે કોર્ટમાં ચાલતો હતો - એમણે આ સ્પેશિયલ યોજનામાં એપ્લાય કર્યું નહોતું.  તેમને માથે મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો.  એમનો વકીલ ખોટું કરતાં પકડાયો.  હવે એમની સ્થિતિ કફોડી થઇ ગઈ. રેગનના કાયદાની સમય મર્યાદા પણ પૂરી થઇ ગઈ હતી. 

     “ આ બધું મારા અપશુકનિયાળ છોકરાને પાપે થાય છે .” એમણે કહ્યું ; “ જ્યારે આ પેટમાં હતો ને ત્યારે જ મારા પતિનું કાર એક્સિડન્ટમાં અવસાન થયું . મેં એને દેશમાં મોકલી દીધો તો ચાર વર્ષમાં મારો બાપ મરી ગયો.  ને મૂઆને મારી માએ પાછો મોકલ્યો. અને હવે મારો કેસ પણ અટવાયો. ” એ રડતાં રડતાં, કલ્પાંત કરતાં ગુસ્સામાં અકળાઈને બોલતાં હતાં.

     મારાથી પાંચેક વર્ષ મોટી જશોદાનું દુઃખ જોઈ હું હચમચી ગઈ.  પારકાં દેશમાં એમનું કોઈ નહોતું.  વળી એ ગુજરાતના કોઈ નાનકડાં ગામડામાંથી સીધા અહીં આવેલાં.  એમનો કેશવ અમારાં નાનકડાં સંતાનો સાથે બાળ સહજ સ્વભાવથી રમતો હતો.  મેં એમને સમજાવ્યું કે, એમાં કેશવનો કોઈ દોષ નથી. અકસ્માત ગમે ત્યારે થઇ શકે. અને તમારા પિતાના અવસાન પાછળ કેશવનું નહીં પણ તેમની જૈફ ઉંમરનું કારણ હતું.

        જો કે , જશોદાની પરિસ્થિતિ જ એવી કરુણ અને વિચિત્ર હતી કે, મારું કહેવું અને સમજાવવું તેના મગજમાં ઉતરવાનું જ નહોતું.  મને કેશવની દયા આવી. જો મા જ એને અભાગિયો કહીને ધુત્કારતી હોય તો  બિચારું નિર્દોષ બાળક શું કરે? બિચારો એ બાળક જાય તો ક્યાં જાય જયારે એની મા જ એને વેલણે ને વેલણે ઝૂડતી હોય?

      ‘અરે, અહીંના લોકોને ખબર પડશે તો તમારો દીકરો પણ તમારી પાસેથી લઇ લેશે અને તમને પણ જેલમાં પૂરશે આ બધાં અત્યાચાર માટે.’ - એમને મારે એમ કહેવું હતું .

      જો કે મેં જોયું કે, એમને શબ્દો કરતાં સહાનુભૂતિની વધારે જરૂર હતી. એમને જરૂર હતી એવી કોઈ વ્યક્તિની કે, જેના ઉપર ખભો મૂકીને એ રડી શકે.  કોઈ એમને પ્રેમથી, વ્હાલથી સાંત્વના આપી શકે.  એમને એવું કોઈ પોતાનું , હમદર્દી દર્શાવનાર જોઈતું હતું. પણ જશોદા કરતાંયે વધારે તો મને કેશવની દયા આવી. શું એનાં જીવનમાં અમે કોઈ સુખની ક્ષણો લાવી શકીએ એમ છીએ?

      દુઃખથી ઘેરાયેલાં એ લોકો તરત જ અમારી સહાનુભૂતિનું પાત્ર બની ગયાં. રોજ અમેરિકન કુટુંબોથી ધમધમતું અમારું ઘર, રવિવારે સવારે ચર્ચ.  પણ સાંજે ક્યારેક મંદિરે જતાં અમે પાંચેક માઈલ વધારે દૂર જઈને પણ જશોદા અને કેશવને અમારી સાથે મંદિરે લઇ જવા માંડ્યું.  જશોદાના વિચારો મારા વિચારોથી ઘણા જુદા હતા. એટલાં જૂનવાણી અને અંધશ્રદ્ધાથી ભરેલા હતાં કે, જેની કલ્પના કરવી મુશ્કેલ હતી. ( કુંડાળામાં પગ પડ્યો , કોઈની ખરાબ નજર લાગી, નજર ઊતારો, કાંઈ વળગ્યું છે... વિ.વિ. !)

       ગાંધીવાદી વિચારધારામાં ઊછરેલી મને દેશમાં આવી કોઈ વ્યક્તિ સાથે પનારો  પડ્યાનું યાદ નહોતું. ત્રીસ બત્રીસની ઉંમરની હું પણ ગામડાની ખાસ કાંઈ અનુભવી નહોતી. પણ જશોદા જો કેશવને અમારી હાજરીમાં શારીરિક કે માનસિક ત્રાસ આપે, તે અમે જરૂર અટકાવતાં. ( આવી રીતે તમે એને બધાંની હાજરીમાં ઊતારી પાડો, તે ઠીક નથી. એનું અપમાન ના કરો, એને તરછોડો નહીં વગેરે વગેરે કહીને )  કેશવની વાત ફરી આગળ કરીશું. 

      એ પોતે બેઝમેન્ટમાં રહેતાં. પણ ઉપરના બન્ને યુનિટ એમણે ભાડે આપેલાં. પતિના મૃત્યુ પછી હવે ભાડુઆત એમને જુદાં જુદાં કારણોથી પૂરું ભાડું નહોતાં આપતાં. ગામડામાંથી આવેલ નહીંવત ભણેલ જશોદા આ ભાડુઆતોને કેવી રીતે હેન્ડલ કરે? સ્વાભાવિક રીતે જ આ કામ સુભાષે ઉપાડી લીધું . સુભાષે એમને થોડું ઘણું ફિક્સ કરી આપ્યું અને પછી યોગ્ય હેન્ડીમેન શોધીને બધાં પ્રોબ્લેમ સુલઝાવી આપ્યા. પણ એ સાથે અમને એક વિચાર આવ્યો, ' આ રીતે એપાર્ટમેન્ટ બિલ્ડિગમાં પૈસા ઈન્વેસ્ટ કર્યા હોય તો?'  એણે થોડું રિસર્ચ કર્યું .  થોડું લાયબ્રેરીમાં જઈને વાંચ્યું ; અને રેડિયા ઉપર આવતો શો ‘Ask an expert ‘ માં પ્રશ્નો પૂછી અમે એક બિલ્ડીંગ ખરીદ્યું.  નવ એપાર્ટમેન્ટનું આ મકાન વ્યવસ્થિત પ્રોફેશનલી મેનેજ થાય એટલે એણે મેનેજમેન્ટ કમ્પની સ્થાપી અને એ માટે ઘરમાં અલગ ફોન લાઈન પણ લીધી. 

    દિવસ આખો અમે છોકરાંઓ અને અન્ય કામમાં બીઝી,પણ રાતે અમારાં બાળકો ઊંઘી જાય પછી અમે પોતપોતાનું કામ કરીએ. હું મારું ECE 101 નું અઘરાં, ન સમજાય તેવાંભણવાનાં થોથાં લઈને બેસું. એમાં ચોપડા, ડિક્સનેરી અને વી સી આર માં રેકોર્ડ કરેલ ટી વી લેશન હોય. અને એ બિલ્ડિંગના બિઝનેસ ફોન લાઈનના મેસેજ ચેક કરવા બેસે. 

      મને એક વિચાર સ્ફૂર્યો . જયારે બધું સીધું ચાલતું હોય તો કાંઈ ઝાઝું વિચારવાનું ના હોય; પ્રશ્ન તો ત્યારે ઉભા થાય જયારે કાંઈ મુશ્કેલી આવે.  મુસીબત આવી એટલે વિચાર સ્ફૂર્યો. મેં કહ્યું, "આપણે કામની અદલાબદલી કરી હોય તો? હું તારા બિલ્ડિગનાં મેસેજીસ નોંધું છું, તું મારુ આ પુસ્તક વાંચીને મને કહે એમાં શું કહેવા માંગે છે?" -  વાત વ્યાજબી હતી. 

      સુભાષે એની ‘શોર્ટ કટની’ સ્ટાઇલ પ્રમાણે પચાસ ટકા કોર્સ ‘બિન જરૂરી છે’ કહીને કાઢી નાંખ્યો. અને મહત્વનાં ‘મા અને બાળકના ગર્ભની ટર્મિનોલોજી’ વિષે થોડાં પ્રકરણ ઉથલાવી મહત્વનું થોડું ઘણું શીખવાડ્યું.  મને પણ હવે સમજ પડવા માંડી.  જાણે ફ્લેટ ટાયરથી અટકી પડેલી ગાડીને સ્પેર ટાયર મળ્યું!  એ પહેલા અને સૌથી અઘરા ક્લાસમાં મને B+મળ્યો. 

     હાશ! જંગ જીત્યાં.  Thank God. આ અભિમન્યુએ પહેલો કોઠો તો પાર કર્યો!  હવે પછીના વિષયો પ્રમાણમાં સરળ હતા. મેં બીજા ક્લાસ  નજીકના સબર્બની ઇવનિંગ કોલેજમાં લેવાનું નક્કી કર્યું..

         વાત્સલ્યથી ચણાતી ઇમારતના પાયા આ રીતે જુદી જુદી નદીઓના પાણી અને જુદા જુદા હવામાનથી મજબૂત બની રહ્યા હતા. 

'બેઠક'  પર તેમના લેખ આ રહ્યા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.