મામા નું ઘર

  - અલ્પા વસા

      પાઈલટ અંકલ , હજી થોડું ઉપર ...... હવે થોડું જમણે ....ને બસ , હવે સીધ્ધે સીધ્ધું ઉપર ને ઉપર , બસ ..... બ......સ , મારા મામાનું ઘર આવી ગયું. મારે અહીં જ ઉતરવાનું છે . બે દિવસ શનિ -રવિ હું અહીં જ રહીશ , પછી અહીં થી જ મને લઈ લેજો. સોમવારે મારે સ્કુલે જવાનું છે તેથી. ઓકે , બા........ય , બાય પાઈલટ અંકલ, થેંક્યુ .

      અરે , આ શું ? ચલાતું કેમ નથી ? મારા પગ તો જમીન પર પડતા જ નથી. ઉલટી - સીધી, હું હવામાં તરુ છું? કે ઉડુ છું ? કંઈ સમજ ન હોતી પડતી. થોડી ડરી પણ ગઈ હતી. ત્યાં તો મારા ખભા પર નરમ, શીતળ વ્હાલ ભર્યો સ્પર્શ થયો. મને કહે  -
       "અરે અપ્પુ બેટા , તું ક્યારે આવી ? એકલી જ આવી છે ? તને ઘર મળી ગયું ?  "
      " હું મારા ચાંદા મામા ને મળવા આવી છું. મમ્મી એ મને બારી મા થી  દૂ .....ર  થી બતાવ્યું હતું તેથી ઘર મળી ગયું. મમ્મી કહે, બીજાના મામા જમીન પર રહે, પણ હું તો ખાસ છું તેથી મારા મામા પણ ખાસ છે અને આકાશમાં રહે છે. "
       " હું જ છું તારા મામા. તું સુખે થી અહીં રહે ને મજા કર. અત્યારે તો મારે અંધકાર ને ધોવાનો છે. કાલે સવારે સૂરજ દાદા આવે એટલે મારી ડયૂટી પૂરી. પછી આપણે સાથે મળીને ખૂબ મજા કરીશું . હમણાં તું આ સોના, તારા, મીના તારા વગેરે ઘણા બધા તારી જેવડા નાના નાના તારાઓ સાથે રમ. "
      મામા તો ગયા કામે , એમનીઓફિસે! મને તો મારા નવા તારા - મિત્રો સાથે પકડ દાવ રમવાની ખૂબ મજા આવી. ચાંદા મામા નું ઘર કેટલું મો.......ટ્ટું  આખું આકાશ. તેમાં દોડા દોડી, સંતાકૂકડી રમતાં રમતાં અમે બધ્ધા થોડા મેલાં થઈ ગયા, તો પટ્ટ દઈને પડ્યાં દૂધ - પૌંઆ ની નદીમાં. નાહ્યા ને મોઢું ખુલ્લું રાખીને ખૂબ ધુબાકા ખાધા જેથી મીઠ્ઠા મધુરા દૂધ - પૌંઆ પણ ખવાઈ ગયા. નહાઈને બહાર નિકળી તો હું પણ દૂધ જેવી સફેદ ધોળી ધોળી થઈ ગઈ.
        નાહી - ધોઈ ને હું જમવા બેઠી. મામાની ૨૭ રાણી, પણ રોહિણી મામી બધ્ધાથી અલગ, ખૂબ જ સુંદર અને વહાલ પણ બહુ કરે. ચોખ્ખા ઘીના સરોવર પાસે મારો જમવાનો પાટલો નાંખ્યો , ને મને બેસાડી મામી  " ચાંદા પોળી, ઘીમાં બોળી, અપ્પુ ના મોઢામાં હપુક પોળી." ગાતાં જાય ને ઘી ના સરોવરમાં રોટલી ઝબોળી ખૂબ હેત થી મને ખવડાવતા જાય .
       જમીને હું નાનીને મળવા ગઈ. મારી બારીમાંથી દેખાતું હતું તેમ જ , તેઓ મોટ્ટા ઝાડ નીચે બેસી રૂ ની પૂણી કાંતતાં હતાં. પણ પાસો થી જોતા ઝાડનું થડ સફેદ ને ચાંદી જેવા ચમકતા પાન , અને ઝાડ પર  લટકે સફેદ પેંડા, બરફી ને કાજુ કતરી. મારું અચંબાથી ખૂલેલું મોઢું જોઈને નાની ને લાગ્યું મને ભૂખ લાગી છે. તો ચાંદીના પાન પર પેંડા, બરફી મૂકી મને ખાવા આપ્યું. નાની એટલા પ્રેમ થી માથે હાથ ફેરવીને ખવડાવતા હતા કે, મને ભૂખ ન હતી છતાં પણ બે - ચાર ટુકડા ખવાઈ જ ગયા.
       આજે તો ભાવતાં ભોજન ખૂબ જમાઈ ગયાં હતાં. થયું થોડું ચાલી લઉં, જેથી ખાધેલું પચી જાય ને ફરી ભૂખ લાગે. વાહ!, મારું મૂન - વોક કેવું મસ્ત થયું , માઇકલ જેક્સન કરતા ય જોરદાર ને દમદાર.
       મૂન વોક કરતાં કરતાં સુંદર વિશાળ બગીચા પાસે પહોંચી ગઈ. ત્યાં તો ફૂલો પવન સાથે નૃત્ય કરતાં હતાં , પક્ષીઓ ગાતાં હતાં, ભમરાઓ સંગીત ના સૂર છોડતા હતા, રંગ બેરંગી ઘાઘરી પહેરી પતંગિયાં શોભામાં વધારો (અભિવૃદ્ધિ) કરતાં આમથી તેમ ઊડતાં હતાં. આ તો વાર્તામાં વાંચેલી જાદુઈ નગરી જેવું જ દ્રશ્ય.
      અરે! આ તો મારા ઘરે દીવાલ પર ફોટો છે જેને હું અને મમ્મી રોજ વંદન કરીએ છીએ એ ગુરુજી છે.  હું દોડી ને તેમની પાસે ગઈ અને વંદન કર્યાં. તેમની આજુબાજુ પણ બીજા ઘણા બધા ગુરૂજી ઓ હતા. મેં તેઓ બધાને પ્રણામ, વંદન કર્યા ને બધાએ મને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા, તેથી હવે મમ્મી ને મારી માટે કોઈ ફરિયાદ જ નહી રહે. ગુરૂજીના આશીર્વાદથી હું ડાહી, હોશિયાર, સમજદાર બધું થઈ ગઈ છું.
       ખુશ થતી થતી આગળ ગઈ, ત્યાં વર્ષા રાણી અને ઈન્દ્રધનુષ બગીચામાં વાતો કરતાં આરામ કરતાં હતાં. સુંદર ફૂલો અને મોટા મોટા પીંછા વાળા સફેદ મોરને જોઈ મારું મન નાચી ઉઠ્યું, ને પગ નૃત્ય કરવા લાગ્યા. મારું નૃત્ય જોઈ ને, ખુશ થઈ ને ઈન્દ્રધનુષે એના બધા રંગો ને સમાવતું સરસ ફ્રોક ભેટ આપ્યું .
       રસ્તા મા સોનેરી ચામડી વાળા હરણાં ને સફેદ સફેદ નાના નાના સસલા આમ તેમ દોડતા કૂદતા હતા . તેમની સાથે દોડવાની ને ઉછળકૂદ કરવાની તો બહુજ મજા પડી હતી.
       સવાર પડતાં મામા સાથે હું પણ પર્વત પાછળ છુપાઈ ગઈ.  હવે સૂરજ દાદાની ડયૂટી હતી તેથી મામા ફ્રી હતા. મેં કહ્યું , -
        " મામા, તમે આમ પાતળા સળી જેવા ને પાછા ગોળ મટોળ બોલ જેવા કેવી રીતે થઈ જાવ છો? મને પણ તમારું આ ડાયેટીંગ કહો ને! "
       " શ્વાસ બહાર કાઢો એટલે પેટ અંદર, અને શ્વાસ અંદર લો એટલે ગોળ મટોળ."
        " આ તો ખૂબ સહેલું છે  , હું નીચે જઈ બધ્ધા આન્ટીઓ ને જરૂર કહીશ. "
         તેમની સાથે જઈને થોડી વાર શિવજી ની જટા પર પણ બેસી આવી. તેમનું ત્રીજુ નેત્ર બંધ હતું એટલે હિંમત કરી લીધી. ત્યાંથી ધરતી કેવી સુંદર લાગતી હતી?


         હું તો ચાલી  ચાલી ને થાકી ગઈ તેથી ચંદામામા એ મને તેમના ખભા પર બેસાડી દીધી. થોડી વારમાં તો ઠંડા ઠંડા પવન ની લહેર આવતા હું ઝોકા ખાવા લાગી.  મામાએ હળવેથી મને એક નરમ નરમ વાદળી પર મૂકી ને સુવડાવી. ને ઉપર બીજી બીજી પાતળી વાદલડી મૂકી ઓઢાડી દીધી .

♥  ♥  ♥ ♥  ♥  ♥


" અપ્પુ , ચાલો, ઊઠો બેટા, ઊઠો હવે ! અમેરિકા આવી ગયું. જો  એરપોર્ટ પર માસી આપણને લેવા આવ્યા છે . "
" મમ્મી , તું અહીંયા ક્યારે આવી ? ચંદામામા  મામી અને નાની ને મળી? "
" અપ્પુ કુંવરી, સપનામાં થી બહાર આવો  હવે . "


પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...

One thought on “મામા નું ઘર”

  1. અલ્પાબેન,
    ખૂબ સરસ વાર્તા લખી છે.કલ્પના દાદ માંગી લે તેવી છે.હું પણ મારા નાના ત્રણ ભૂલકાંઓને આ વાર્તા કહીશ.અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *