વાત અમારા એ.જે (એડિયાસ) ની

   -   શૈલા મુન્શા

 

આંખો પર દ્રશ્યોના ઉઝરડા પડ્યા છે,
કરમાયું સરોવરઃ કમળ પણ રડ્યાં છે.
- સુરેશ દલાલ

    આ કાવ્યપંક્તિ 'એ.જે' ને યાદ કરતાં યાદ આવી જાય છે.

     ઘણા વર્ષોથી અમેરિકામા મંદ બુધ્ધિના બાળકો સાથે કામ કરું છું અને  કેટલાય અનોખા બાળકો સાથે  અવનવા અનુભવો થતા રહે છે, પણ કોઈક અનુભવ દિલને એક  ટીસ, એક વેદના આપી જાય છે.

     એ.જે. એટલે કે એડિયાસ ગયા વર્ષે અમારા ક્લાસમાં આવ્યો. આફ્રિકન અમેરિકન બાળક. માની ભુલની સજા એ ભોગવી રહ્યો છે. અમેરિકા મા સ્વતંત્રતા થોડી વધારે છે. નાની ઉમરે મા બાપ બનવાનુ, વગર પરણે મા બાપ બનવાનુ સ્વભાવિક છે. બાળક જન્મે પણ વણજોઈતું બની જાય. એ.જે.ના કિસ્સામા પણ એવું જ કાંઈક બન્યુ.  જ્યારે એ.જે. નો જન્મ થયો ત્યારે એની માની ઉંમર માંડ સોળ વર્ષની. એક દિવસ નશાની હાલતમા બે વર્ષના એ.જે.ને પછાડ્યો. કમરના મણકા પર દબાવ આવ્યો અને એ.જે.નો ડાબો હાથ અને ડાબો પગ કામ કરતા અટકી ગયા. મગજ પર અસર થઈ અને જ્ઞાનતંતુ પુરી રીતે કામ કરતાં અટકી ગયા.

     મા ને તો જેલ થઈ પણ નસીબે એ.જે.ના પિતા ઘણા સમજુ અને એ.જે.ની કસ્ટડી એમની પાસે અને એમને પણ આ જવાબદારી ખુબ પ્રેમ અને નિષ્ઠાપુર્વક ઉપાડી લીધી હતી. શાળાની પિકનિક પર જવાનુ હોય તો એ હાજર.  એ.જે ની તબિયત થોડી ખરાબ હોય અને ફોન કરીએ તો પંદર જ મિનિટમાં એને લઈ જવા હાજર. પેરેન્ટ-ટીચર કોન્ફરન્સ હોય તો હાજર. ઊંચા પહોળા અને વજન પણ ખાસું. હમેશ નરમાશ અને વિવેકથી વાત કરે અને અને અમારો એટલો આભાર માને કે જાણે એ.જે. માટે અમે શું નુ શું કરી નાખ્યું હોય.

       આજનો દિવસ, મારા અને મીસ સમન્થા માટે હૈયામાં ટીસ ઉત્પન કરનારો બની રહ્યો.
પાંચ દિવસના થેંક્સ ગીવિંગ વેકેશન (અમેરિકામા ઉજવાતો સર્વ પ્રત્યે આભાર પ્રગટ કરવાનો ઉત્સવ) પછી આજે સ્કુલે જવાનો જ કંટાળો આવતો હતો. પણ થોડા દિવસમા નાતાલની બે અઠવાડિયાની રજા પડશે, એ યાદ કરતાં હું  સ્કુલે પહોંચી. બાળકો પણ જાણે આળસી ગયા હોય તેમ ૭.૩૦ વાગ્યા સુધી કોઈ આવ્યું નહોતુ.

      એ.જે.ની મા જેલમાંથી છૂટ્યા પછી પોતાની ભુલ સમજી હતી અને થોડા વખતથી એ.જે.ના મા બાપના સંબંધમાં સુમેળ દેખાતો હતો. સાથે તો નહોતા રહેતા, પણ ક્યારેક શનિ-રવિ એ.જે મા પાસે રહેતો અને સોમવારે સવારે મા એને સ્કુલમા લઈ આવતી.

      આજે જ્યારે એ.જે. ની મા એને સ્કુલમા લઈને આવી, ત્યારે સ્કૂલ બસ પણ એ જ સમયે આવી એટલે હું બસમાંથી અમારા બાળકોને ઊતારતી હતી. બાળકોને લઈને ક્લાસમાં આવતાં  મેં ડ્રાઈવરને કહ્યું પણ ખરૂં કે, "એ.જે. રજામા એની મમ્મી પાસે રહ્યો લાગે છે, એટલે આજે એ લઈને આવી."
      ક્લાસમાં બાળકોને લઈનેઆવતા મેં જોયું કે,  એ.જે.ની મા ની આંખમા ઝળઝળિયાં અને સમન્થા સ્તબ્ધ ઊભી હતી.

     એ.જે. ના પિતા રજા પડી એ જ દિવસે વહેલી સવારે ઊંઘમા જ અવસાન પામ્યા હતા.

    એ.જે. એના પિતા સાથે  ઘરમાં એકલો. નસીબજોગે સવારે રજામાં શું કરવું છે તે પુછવા એ.જે.ની માએ, એ.જે.ના પિતાને ફોન કર્યો. વારંવાર ફોન કરવા છતાં જ્યારે સામેથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે ગભરાઈ ને એણે એપાર્ટમેન્ટની ઓફિસમા ફોન કર્યો અને વિનંતી કરી કે, "મહેરબાની કરી દરવાજો ખોલી જુવો કે, બધું બરાબર છે કે નહિં?"

      એ.જેના પિતાને હાર્ટની થોડી તકલીફ તો હતી જ. ઊંચા પહોળા, અને વજન પણ પ્રમાણમાં વધારે.  એ પણ એક કારણ હોઈ શકે કે, એમણે એ.જે.ની મા સાથે સંબંધ સુધારવા માંડ્યા હતા, જાણે કે એમને મનમા ઊગી આવ્યું હતું કે, કદાચ મારી આવરદા વધુ નથી.

        અપાર્ટમેન્ટની મેનેજરે પોલીસ બોલાવી એમની હાજરીમાં દરવાજો ખોલ્યો ત્યાં સુધીમા બપોર થઈ ગઈ. એ.જે.ના પિતા પલંગ પર મૃત અવસ્થામા અને એ.જે.બાથરૂમના દરવાજા પાસે જમીન પર પડ્યો હતો. પિતાની બાજુમા સુતેલો બાળક શું બની ગયું એનાથી અજ્ઞાત, ક્યારે સરકી જમીન પર આવ્યો અને આટલા કલાકો શું વિત્યું એના પર એ તો ભગવાન જ જાણે.
      આજની સવાર આ સમાચાર લઈ આવશે એની કોઈને ખબર નહોતી.સમન્થા અને હું આઘાતમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા હતાં.
       એ.જે. માં ફક્ત એક જ ફેરફાર દેખાતો હતો. આજે એ જે એની પાસે આવે જે આવે,એનો હાથ સખત રીતે પકડી જાણે સુરક્ષિતા ને હુંફ માટે ફાંફા મારતો હોય એવું એવું લાગતું હતું.

     હમેશનો હસતો અને સહુને 'હાય'ને 'બાય' કહેતો અણસમજુ એ.જે. શાંત બની ગયો હતો.

તેમનો બ્લોગ અહીં....

--

One thought on “વાત અમારા એ.જે (એડિયાસ) ની”

  1. The videos are very touching. We complain for our small difficulties, but when we look at such people, for whom a smallest activity of life is a challenge… we feel sense of gratitude for all and everything that make our life rich.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *