સ્વયંસિદ્ધા – ૬

    -    લતા હીરાણી

     

વ્હાલસોયું વ્યક્તિત્વ     

    કિરણ બેદી એક આઈ.પી.એસ ઓફીસર તરીકે પ્રખર શક્તિશાળી વ્યક્તિ ગણાતાં હતાં. લોકોની સમસ્યાઓને સમજવામાં તેઓ પૂરાં સંવેદનશીલ હતાં. એનો ઉકેલ શોધવામાં એટલા જ બુદ્ધિશાળી હતાં. પોતે લીધેલા નિર્ણયોનો પૂરી શિસ્તથી અમલ કરવો એ એમનો  સંકલ્પ હતો. એ બરાબર જાણતા કે ગણવેશ અર્થાત યુનિફોર્મનું મૂલ્ય શું છે ! યુનિફોર્મ માત્ર એક પ્રકારના કપડાં નથી પરંતુ એ એક શિસ્ત છે. એટલે અભ્યાસ દરમિયાન શાળાનો ગણવેશ, એન.સી.સી.માં કેડેટ તરીકેનો યુનિફોર્મ, ટેનિસની રમતમાં ખેલાડીનો પહેરવેશ અને પોલીસ સેવામાં વરદી – આ બધું જ એમના પર સંપૂર્ણ શિસ્તના અર્થમાં શોભી ઉઠતું પરંતુ આ બધાની અંદર ધબકતા હૈયામાં એક મમતાસભર સ્ત્રી પણ જીવતી હતી. કિરણ બેદીનું મમતામયી સ્ત્રીનું સ્વરૂપ પણ એમના જીવનનું એટલું જ મહત્વનું અને ઉજળું પાસું છે.

      અભ્યાસ દરમ્યાન નાની કિરણને પોતાની મા સાથે રહેવાનો સમય ચૂકવું ગમતું નહીં. કૉલેજના વર્ગો પૂરા થતાં એ મારતી સાઇકલે ઘરે જતી. માની સાથે થોડો સમય વિતાવી એન.સી.સી.નો ગણવેશ પહેરી વળી કૉલેજ પહોંચતી. એ સમય બચાવવા યુનિફોર્મ પોતાની સાથે કૉલેજ લઇ જઈ શકે પરંતુ એમ કરવામાં એ થોડીક પળોનું માનું વહાલ ચૂકી જવાય એનું શું ? કિરણ એ ગુમાવવા તૈયાર નહોતી. માનો મીઠો હાથ શરીર પર ફરે પછી સંતાનમાં કંઇ પણ કરવાની તાકાત પ્રગટે. પ્રેમ અને હૂંફથી છલોછલ હૈયું જ બીજાને પ્રેમ અને હૂંફ આપી શકે.

     ટેનિસ કોર્ટમાં કિરણની મુલાકાત બ્રિજ બેદી સાથે થઇ અને એ લગ્નમાં પરિણમી. થોડાં લોકોની હાજરીમાં અત્યંત સાદગીથી કિરણ-બ્રિજના વિવાહ સંપન્ન થયાં. લગ્નના બીજા જ દિવસે સવારના પહોરમાં કિરણ પોતાનાં માતા-પિતા પાસે પહોંચી ગઈ. બાળપણથી મા રોજ કિરણને પોતાના હાથે દૂધનો પ્યાલો પિવડાવતી. કિરણ પરણી તો શું થયું ? એની માતાની તો એ હજી લાડલી દીકરી જ હતી. માતા પણ અચંબો પામી.

 

     ‘કિરણ,હજી પણ !’ હા,કિરણને માની એ જ વહાલી દીકરી બની રહેવું હતું. 

      એ રોજ એની નાની બહેન અનુને સાઇકલ પર શાળાએ મૂકી આવતી. લગ્ન ભલે થઇ ગયાં પરંતુ અનુને એમ લાગે કે ‘દીદી હવે પારકી થઇ ગઈ’ એ કિરણ સહી શકે નહીં. હકીકતમાં છોકરી પરણીને પારકી થઇ જાય એ વાત જ કિરણને ક્યાં મંજૂર હતી ? એ પોતાનાં માતા-પિતા-બહેનો-પરિવાર સાથે એક અતૂટ પ્રેમના તાંતણે બંધાયેલી હતી. એમના માટે એ કદી પારકી થઇ જ ન શકે. નાનકડી અનુને શાળાએ મૂકવા જવાની જવાબદારી લગ્ન પછી પણ કિરણની જ હતી અને કિરણે તે સારી રીતે નિભાવી.

     કિરણ બેદીની કારકિર્દીનો સૂર્ય મધ્યાહને તપતો હતો. બ્રિજ બેદી પોતાના ધંધામાં મશગૂલ રહેતા હતા. કિરણ બેદીની નોકરી એવી હતી કે એમને સ્થળ-કાળ જોયા વગર કામમાં રહેવું પડે ઉપરાંત એમની નિષ્ઠા એવી હતી કે એ એના અંગત જીવનને કદી પોતાની ફરજ પહેલાં મૂકી શકે નહીં. આથી બંનેએ અલગ રહેવાનો નિર્ણય લઇ લીધો.

      બ્રિજ બેદીના માતા અને કિરણ બેદીના સાસુ કિરણના કુમળા હૈયાને જાણતાં હતાં.    એમના મૃત્યુ સુધી બંનેએ એકબીજાની સંભાળ લીધી. બંને સ્ત્રીઓએ છેવટ સુધી સાથ નિભાવ્યો. કિરણ બેદીને પોતાની માતા અને સાસુ વચ્ચે કોઈ જ ભેદ લાગતો નહોતો. એવી જ રીતે એમના સાસુએ પુત્રવધૂને સગી પુત્રીની જેમ નિર્વ્યાજ સ્નેહથી નવડાવી હતી. ૧૯૯૪માં એમનું મૃત્યુ થયું અને કિરણ બેદીએ જાણે એક મા ગુમાવી. એમનું હૈયું શોકમગ્ન થઈ ગયું. માતાની સ્નેહવરસતી આંખો માટે એમની તરસ જીવતી રહી. કિરણ બેદીએ પોતાની સાથે એમનાં ચશ્માં રાખ્યાં,જેથી ચશ્માં પાછળ એમને વ્હાલસોયી માની પ્રેમાળ આંખોનાં દર્શન થતાં રહે.

      તેઓ ગોવામાં હતાં એ દરમિયાન એમનું કુટુંબ દિલ્હી રહેતું. એમને સમાચાર મળ્યા કે એમની વ્હાલી પુત્રી સાઈનાને કિડનીની બીમારી થઈ છે અને પરિસ્થિતિ અત્યંત કથળી ગઈ છે. કિરણ બેદીએ તાત્કાલિક રજા માટે મંજૂરી માંગી. એમની દીકરીની બીમારી ગંભીર હતી અને એને માતાની કાળજીની જરૂર હતી.

      કિરણ બેદી જે દિવસથી રજા પર ઉતરવા માંગતાં હતાં, એ દિવસ સુધી એમને કોઈ જવાબ ન મળ્યો. એ વખતે ગોવાથી એક વિમાન સીધું દિલ્હી જવાનું હતું. ઔપચારિક રીતે રજા મંજૂર થઈ નહોતી,પરંતુ પુત્રીની આવી માંદગીમાં એ મા બીજું કશું જ વિચારી શકે નહીં. એ વિમાનમાં પોતાની પુત્રી પાસે જવા નીકળી ગયાં. પાછળથી આ મુદ્દે એમની પર ભયંકર આફત ઊતરી, પરંતુ એથી શું? પરિસ્થિતિ સૌની સામે હતી. આફતના ઓળા ધીમે ધીમે વિખરાયા. એમની પુત્રીને પણ સારી સારવાર મળતાં એ સ્વસ્થ થઈ. આવે સમયે કિરણે પોતાની માતા તરીકેની ભૂમિકા સૌથી અગત્યની ગણી અને જ્યાં સુધી પુત્રી સાજી ન થઈ ત્યાં સુધી એની પાસે જ રહ્યાં.

     કિરણ બેદીનું જીવન સંપૂર્ણ ફરજનિષ્ઠા અને માનવીયતાથી ભરપૂર છે. એક નાનામાં નાના કર્મચારીથી માંડીને સમગ્ર પ્રજાના કલ્યાણને જ લક્ષમાં રાખીને કાર્ય કરવા માટે હૃદયમાં અપાર કરુણા અને નિષ્ઠા જોઈએ. જેલના કેદીઓ કે અઠંગ ગુનેગારોના જીવનસુધાર પાછળ પોતાની તમામ શક્તિ રેડી દેનાર કિરણ બેદી ખરખર વિરલ વ્યક્તિત્વ છે. એમનું આખું જીવન ફરજનિષ્ઠા અને માનવજાત પ્રત્યેની કરુણાથી ભરેલું છે.

     મધર ટેરેસાએ કિરણ બેદીની કરુણાને પારખી હતી. કરુણાસભર હ્રદય જ આવાં કાર્યો કરી શકે. મધર ટેરેસા એમને મળ્યા હતાં, માત્ર મળ્યા હતાં જ નહીં. હરખતે હૈયે ફરી ફરીને ભેટ્યાં હતાં. ‘બેટા ! તને હજી એક વાર હૈયે ચાંપી લઉં ?’

માહિતી વિકિપિડિયા પર આ રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *