શબ્દ -૨, વિદ્યાલય

   -  દેવિકા ધ્રુવ       

પ્રિય ઈ-વિદ્યાર્થીઓ.

   આજે કેવું સંબોધન કર્યું? ઈ-વિદ્યાર્થીઓ!  ઈ ( ઈલેક્ટ્રોનિક્સનો ) સમય છે ને? ઈ-મેઇલની જેમ, ઈ-વિદ્યાલયની જેમ, ઈ-બુકની જેમ..

    આજે આપણે શબ્દ લઈશું, વિદ્યાલય. કેવો સરસ શબ્દ છે?

    આ શબ્દને પહેલા આપણે છૂટા પાડી દઈએ. વિદ્યા+આલય. મૂળ સંસ્કૃત શબ્દ છે.

          વિદ્યા= શિક્ષા, જ્ઞાન, અભ્યાસ

          આલય=જગા, સ્થાન, ધામ, આવાસ, નિવાસ,સદન, ઘર, ગૃહ વગેરે

    એટલે કે, જ્યાં શિક્ષણ આપવામાં આવતું હોય તે જગા.  તેના બીજાં શબ્દો છે નિશાળ, શાળા, પાઠશાળા વગેરે. અંગ્રેજીમાં ‘સ્કૂલ’ કહેવામાં આવે છે.

    વિદ્યા પણ બહુ પ્રકારની હોય અને વિદ્યા શબ્દના બીજા પણ અનેક અર્થો છે. પણ મુખ્યઅર્થ જ્ઞાનછે.  મઝા આવે છે તમને? થોડા વધુ ઊંડા જવું ? તો સાંભળો.

      સંસ્કૃત ભાષામાં શબ્દોના, ક્રિયાપદના મૂળને તેનો ધાતુ કહેવાય. હવે આ વિદ્યા શબ્દના  માં ‘વિદ્‍ ’ (દ ખોડો) એટલે કે, विद्=જાણવું અને અર્થી એટલે કે ઈચ્છાવાળું. વિદ્યા + અર્થી.  આમ, જેને જાણવાની ઈચ્છા કે જિજ્ઞાસા છે તેને વિદ્યાર્થી કહેવાય. વિદ્યાલયમાં જઈ વિદ્યા સંપૂર્ણ મળી જાય તેને વિદ્યાવાન કહેવાય. તમારે વિદ્યાવાન થવું છે ને બાળકો?

     તે જ રીતે આલય શબ્દને પણ આ+લય એ રીતે સંસ્કૃતમાં છૂટો પાડવામાં આવે છે.  તેના પણ બીજાં ઘણાં અર્થો થાય. જેમ કે, આ= સુધી ( ‘આ’ના અનેક અર્થોમાંનો એક) અને લય એટલે નાશ. એટલે કે નાશ પામે ત્યાં સુધી, છેક સુધી. એના ઉપરથી તમે કેટલાક  શબ્દો વિચારી જુઓ.

  • હિમાલય= હિમ+ આલય
  • દેવાલય= દેવ + આલય
  • કાર્યાલય=કાર્ય+આલય
  • વિદ્યાલય=વિદ્યા+આલય.

    આપણી માતૃભાષા કેટલી મઝાની છે, નહિ?

      એક વાત યાદ આવી. હું બહુ નાની હતી. કંઈ પણ વાંચુ તો મનમાં બહુ સવાલો થાય. વાક્યમાં કોઈ એક શબ્દ પર ધ્યાન જાય.દા.ત.  'તેઓ હિમાલય ફરવા ગયા' વાંચ્યા પછી વિચાર આવે કે, હિમાલયને બદલે ‘શીતાલય’ કે ‘ટાઢાલય’ ના વપરાય?! અર્થ તો એ જ થાય ને? હિમ એટલે ઠંડી, ટાઢ એટલે પણ ઠંડી અને શીત એટલે પણ ઠંડી. પછી મનમાં ને મનમાં હસવું પણ આવે. તમને પણ એવું થતું હશે ને? આ ઈ-વિદ્યાલયમાં એવા સવાલો પૂછવાની છૂટ છે હોં. તો અમને અને આ સુરેશદાદાને પણ ખબર પડે ને કે તમે વાંચ્યું!

     બીજી પણ એક એવી જ વાત કહું. હસતાં, રમતાં ભણવાની બહુ મઝા આવે ને? મારા દીકરાનો દીકરો મને પૂછે કે, આપણે અંગ્રેજીમાં ૧૬, ૧૭, ૧૮ વગેરે નંબરોને સિક્સ+ટીન, સિક્સટીનકહીએ, સેવન+ટીન, એઈટ+ટીન અને નાઈન+ટીન કહીએ તો તે પછી ટેન+ટીન કેમ ના કહેવાય?! સરસ અને વિચારવા જેવો સવાલ છે, હેં ને? તમે પણ આવા સવાલો કરો તો મને બહુ ગમે. એમાંથી પણ ઘણું શીખવાનું મળે.


     ચાલો, બીજો એક શબ્દ લઈએ હવે?

      તમે જે આ ઈ-વિદ્યાલયમાં ભણી રહ્યાં છો ને તેમાં ઈ-વિદ્યાલયના ચિત્રની નીચે ‘પ્રવેશ દ્વાર’ શબ્દ લખ્યો છે.  બરાબર?

    તેમાં પ્ર+વિશ્ +અ= પ્રવેશ અને દ્વાર=બારણું.

      પ્ર એટલે આગળનું. અંગ્રેજીમાં જેને prefix કહેવાય છે ને તેને ગુજરાતી અને સંસ્કૃતમાં પણ ઉપસર્ગ કહેવાય છે.દા.ત. પ્રારંભ, પ્રગતિ, પ્રબળ, પ્રદર્શન. એ રીતે... પ્રવેશ.

   વિશ્  એટલે દાખલ થવું, અંદર જવું,આરંભ કરવો,શરૂઆત કરવી વગેરે.

     પ્ર+વિશ્ +અ.  અ એટલે નામ બનાવવા માટે લગાડાતો પ્રત્યાય. પ્રવેશ કરવો એક ક્રિયા છે. પણ પ્રવેશ એકલો કહેવો હોય તો તેને નામ બનાવવું પડે ને? ત્યારે અ લગાડાય. હવે ફરીથીઆખો શબ્દ વાંચોઃ પ્રવેશદ્વાર. અંદર દાખલ થવાનું બારણું. એટલે હવે કોઈપણ વ્યક્તિને આ ઈવિદ્યાલયમાં શું શું છે તે જોવું હોય કે, શીખવું હોય તો પ્રવેશદ્વારમાં જઈએ તો બધું જ જોવાય અને શીખાય. જેમ નિશાળે જઈએ અને  બારણું ખોલીને દાખલ થઈએ તેમ જ.

       પ્રવેશદ્વારને અંગ્રેજીમાં Entrance door  અને હિન્દીમાં आगमन दरवाज़ा કે પ્રવેશદ્વાર પણ કહેવાય છે.

     બીજું,  જેમ એક અર્થવાળા અનેક શબ્દો હોય તેમ ઘણાં શબ્દો એવા પણ હોય છે જેના અનેક અર્થ થતા હોય તેને સમાનાર્થી શબ્દો કહેવાય. વળી એના વિરોધાર્થી શબ્દો પણ હોય. ધીરેધીરે આપણે એ બધી જ વાતો કરીશું.

ચાલો, આજે અહીં ઘંટ વગાડી દઈ વર્ગ પૂરો કરીએ.

તેમનો બ્લોગ - શબ્દોને પાલવડે 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *