વાત અમારા દીમાન્તેની

   -   શૈલા મુન્શા

એક લડકીકો દેખા તો ઐસા લગા,

જૈસે શાયરકા ખ્વાબ,

જૈસે ઉજળી કિરણ,

જૈસે બનમે હિરન!

 

        ફિલ્મ 'લવ સ્ટોરી ૧૯૪૨' નુ આ ગીતમાં  ફિલ્માંકન જેટલી કોમળતાથી થયું હતું, એટલીજ કોમળ, ચંચળ હરણા જેવી અમારી કરીના છે. એની હાજરીથી જાણે ચારેકોર પ્રકાશ ફેલાઈ જાય. વાચા મુંગી, પણ આંખો એટલી બોલકી કે વણ બોલે બધું કહી જાય.

      કુદરતની ક્રૂરતાનો પણ ઘણીવાર કોઈ હિસાબ નથી હોતો. નિર્દોષ પંખીણિ જેવી કાર્લાની વાત  મેં તમને કરી. કરીના એની નાની બેન. બે વર્ષ નાની એટલે એને ત્રીજા ધોરણમા મુકી, પણ ક્લાસ તો બંનેનો એક જ. કાર્લા નાજુક અને દુબલી પતલી જ્યારે કરીના સરખી ભરાવદાર એટલે લાગે એ મોટીબેન. એક જ ઘરમા બે બાળકીનો માનસિક વિકાસ ધીમો એ કુદરતની ક્રૂરતા નહિં, તો બીજુ શું?

  બન્ને બહેનોના  સ્વભાવમાં આસમાન જમીનનો ફરક. કાર્લાને તો પોતાની આસપાસ શું થઈ રહ્યું છે એની કોઈ ખેવના જ નહિ. પોતાનામાં મગન, પણ કરીના? 

        વાત  મારે આજે કરીનાની જ કરવી છે. પહેલો દિવસ કરીનાનો જ્યારે એ સ્કૂલમાં આવી તો, દરવાજા પાસેથી અંદર આવે જ નહીં. ત્યાં ઊભી ઊભી ડૂસકાં ભરે. માબાપ મેક્સિકન, પોતે પણ ઝાઝું ભણેલા નહિ, અંગ્રેજી જરાય આવડે નહિ, એટલે સ્કૂલના કાઉન્સિલર સાથે આવ્યા અને દુભાષિયાનું કામ કરી અમને જોઈતી માહીતિ આપી.

     ખાસ તો આવા બાળકોને કશાની એલર્જી છે કે નહીં? ખાવાની કોઈ વસ્તુની એલર્જી છે કે નહીં? એ બધું જાણવું અમારા માટે ઘણુ જરૂરી હોય, ખાસ તો બાળકો જે  બહુ બોલી શકતા ના હોય અને પોતાની તકલીફ વર્ણવી શકતા ન હોય.

      કરીનાની એક ખૂબી, અજાણ્યા વાતાવરણમાં પોતાની જાતને કાચબાની જેમ સંકોરી લે, પણ ધીમે ધીમે ટેવાતી જાય એટલે ચંચળ હરણાની જેમ બધે ફરી વળે.

    GIFs Butterfly GIF શરૂઆતમાં ક્લાસમાં બીજા કોઈ શિક્ષક સંગીત માટે કે બાળકોને કસરત કરાવવા આવે તો કરીના અમારી પાછળ સંતાઈ જાય.  કેમેય કરી આગળ ન આવે. પણ થોડા દિવસ જ્યારે રોજ એમને જુએ એટલે ભાઈબંધી પાકી થઈ જાય. ક્લાસના અને સ્કૂલના બીજા બાળકો સાથે પણ હળી ગઈ. કોઈપણ સામે મળે, એવું મીઠડું સ્મિત આપે જાણે હોઠ નહિ પણ આંખો બોલી ઊઠે.  બધાંએ એનુ નામ હસતું પતંગિયુ પાડી દીધું હતું.    સંગીત એનો સહુથી ગમતો વિષય અને ગીતના શબ્દો સાથે આં આં કરી ગાવાનો પ્રયત્ન કરે.

      દર વર્ષે વર્ષના અંતે અમારી સ્કૂલમા ટેલેન્ટ શો થાય. દરેક કક્ષાના બાળકો સમુહમાં અથવા વ્યક્તિગત કોઈ પ્રોગ્રામ આપે. કોઈ ગીત રજુ કરે, કોઈ ડાન્સ. તો કોઈ વળી નાનકડું નાટક ભજવે. આ શોની મુખ્ય જવાબદારી સંગીત શિક્ષકની. પણ દરેક ક્લાસના શિક્ષકો પણ મદદ કરે.

      આમ પણ અમે ત્રીજા ધોરણના બાળકો સાથે જ સંગીતના ક્લાસમાં જઈએ એટલે કરીનાને એ બાળકો સાથે ખુબ ફાવે. એ ક્લાસનાં શિક્ષિકા મીસ બ્રાઉને એક ગીત પસંદ કર્યું હતું, અને એમાં બબ્બેની જોડીમાં બાળકો ડાન્સ કરે.  જ્યારે બાળકોની પસંદગી થઈ અને પ્રેક્ટિસ શરૂ થઈ ત્યારે સ્વભાવિક અમારા બાળકો ડાન્સ નહિ કરી શકે, એમ સમજી કોઈને ડાન્સમાં ભાગ લેવા બોલાવ્યાં નહીં.

      બીજા બાળકોને ખાસ ફરક ન પડ્યો, પણ કરીનાનુ મોં રડું રડું થઈ ગયું. અમે સંગીતના સરને  અને મીસ બ્રાઉનને કરીનાને એકવાર પ્રયત્ન કરવા દેવા કહ્યું. મીસ બ્રાઉન તરત તૈયાર થઈ અને સંગીતસરે થોડી વધુ મહેનત કરવી પડે તો કરવાની તૈયારી બતાવી.

      કરીનાને ડાન્સમાં ભાગ લેવાનો મોકો મળ્યો અને બટમોગરાની જેમ એનો ચહેરો ખીલી ઉઠ્યો. ત્રીજા ધોરણના બાળકો એ પણ નિર્દોષ ભુલકાં જ ને?  એમને તો હસતી કરીના આમ પણ બહુ જ ગમતી હતી. બધા હરખભેર તૈયારી કરવા માંડ્યા.

     ટેલન્ટ શોના દિવસે સ્ટેજ પર ત્રીજા ધોરણના બાળકો સાથે  ડાન્સ કરતી કરીનાને જોઈ એના માબાપ સહિત અમારી સહુની આંખો ખુશીથી છલકાઈ ઊઠી.

કોણ કહે આ બાળકો નોખાં છે? અરે! એ તો અનોખાં છે!

તેમનો બ્લોગ અહીં....

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *