વાત અમારી એલેક્ષ્ઝાન્ડરાની

   -   શૈલા મુન્શા

આજ અહીંયા આ શેનો સન્નાટો?
હરણાંનુ બચ્ચું ક્યે, અંકલ
આ ઝરણાને વાગી ગયો છે એક કાંટો!
-કૃષ્ણ દવે

    અમારી એલેક્ષ્ઝાન્ડરા આવા હરણાં જેવી જ છે, જેને સહુની ચિંતા હોય!

    પાંચ વર્ષની એલેક્ષ્ઝાન્ડરાને જ્યારે સ્કુલમાં એડમિશન મળ્યું, ત્યારે એને regular K.G. (kindergarten) ના ક્લાસમા મૂકવામાં આવી. એલી એનું ઘરનું નામ. મા એને લાડમા એલી કહી બોલાવે, અને  અમને પણ એ જ નામ જચી ગયું. ટુંકુને ટચ. અમે પણ એને એલી જ કહેવા માંડ્યા. એલેક્ષ્ઝાન્ડરા કહેતા કહેતા તો સવાર પડી જાય. એલીને તમે જુઓ તો ગોરી ગોરી, રૂપાળી, ગોળ ભરાવદાર ચહેરો અને મીઠડું સ્મિત. માબાપની એકની એક દિકરી. મા મેક્સિકન અને બાપ અમેરિકન.

      એલીને રંગ બાપનો અને રૂપ માનું મળ્યું છે. સુંદર ચહેરાની સાથે માની માવજત પણ દેખાઈ આવે. યુનિફોર્મ હમેશા સ્વચ્છ, વાળ વ્યવસ્થિત ઓળેલા, હેરબેન્ડ ને જાતજાતના બક્કલ પણ ખરા.  માબાપ અને દાદીની  ખુબ લાડકી.

      સામાન્યપણે   ચાર વર્ષે બાળકને Pre-K માં દાખલ કરવામા આવે, પણ અતિશય લાડના કારણે એલીની માએ એને સ્કુલમાં ન મુકી, પણ પાંચ વર્ષે તો છૂટકો જ નહોતો.

     એલીને ઉંમરના હિસાબે Kindergarten (K.G.) ના ક્લાસમાં મૂકવામાં આવી. એલીને તો જાણે અચાનક માનો વહાલસાયો ખોળો છોડી સાવ અજાણી દુનિયામા આવી પડી હોય એવી હાલત થઈ.

      ઘણા બાળકો પહેલે દિવસે સ્કૂલમા આવે ત્યારે રડે એ સ્વભાવિક. ત્રણ ચાર વર્ષના બાળક માટે બધું નવું, ને અજાણ્યુ, પણ એલી તો રડવા સાથે તોફાને ચઢી. ક્લાસમાં જવા જ તૈયાર નહી.   પહેલે દિવસે  બધાં જ રઘવાયા હોય, નવા બાળકોનાં માબાપ બારીમાંથી ડોકિયા કરતાં હોય, કોઈને પોતાનો ક્લાસ મળતો ન હોય,  એમાં શિક્ષક એલીને સંભાળે કે, બાકીનાં પચીસ છોકરાંને. 

     છેવટે પ્રિન્સીપાલ આવ્યા, સ્કુલના કાઉન્સિલર આવ્યા અને નક્કી થયું કે, એલીને એ દિવસે ઘરે મોકલી એના બધા ટેસ્ટ કરવામા આવે, અને જ્યાં સુધી પરિણામ ના આવે, ત્યાં સુધી એને અમારા સ્પેશિયલ નીડના ક્લાસમા મુકવામા આવે.

      અમારા ક્લાસમાં પણ થોડા દિવસ તો એલીનું રડવાનું ચાલ્યું, પણ ધીરે ધીરે ક્લાસમાં ભળવા માંડી.એક દિવસ જ એની માને અમે ક્લાસમાં સાથે બેસવા દીધી, પણ બીજા દિવસથી એને સમજાવીને કહ્યું કે, "જો રોજ તમે એલી સાથે ક્લાસમાં બેસો તો એલી તમને છોડશે જ નહિ. થોડા દિવસ વહેલા આવીને એને લઈ જાવ, પણ ક્લાસમાં એની સાથે ના બેસો."  માની સમજમાં પણ વાત આવી અને બીજા દિવસથી એલી અમને સોંપી.

    મૂળ વાત -  અમારા ક્લાસમાં દશ બાર થી વધુ બાળકો ના હોય અને હમેશા બે શિક્ષક તો ક્લાસમાં હોય જ, એટલે આ બાળકોને અમે સંભાળી શકીએ. સાથે મોટા પડદા જેવા સ્માર્ટ બોર્ડને કારણે બાળગીતો અને બાળકોને ગમતા કાર્ટૂનો એમને બતાવી શકીએ, જે એમને શાંત કરવામાં અમને ખુબ મદદરૂપ થાય.

     ધીરે ધીરે એલી અમારાથી અને ક્લાસના બીજા બાળકોથી ટેવાતી ગઈ, બધા સાથે ભળતી થઈ અને એની કાલી કાલી ભાષામાં વાતો કરતી થઈ.

      એલીની ખાસિયત એ કે, રેકોર્ડ પર ફરતી પીન જો રેકોર્ડ ખરાબ હોય તો એક જગ્યાએ અટકી જાય એમ એલીની સોય એનુ ધાર્યું ના થાય તો એક જ જગ્યાએ અટકી જાય. એના બૂટની દોરી ખુલી ગઈ હોય તો એકધારૂં my shoes, my shoes કહીને દોરી બંધાવીને જ જંપે. અમને પણ દોરી બાંધી આપવામા કોઈ વાંધો ના હોય, પણ એલી જાણી જોઈને વારંવાર દોરી ખોલી નાખે ત્યારે અમારી ધીરજની કસોટી થાય.

      બાળકોને જમાડવા માટે કાફેટેરિઆમાં લઈ જવાનાં હોય. ઘણા પોતાના ઘરેથી પણ જમવાનું ટિફિન  લાવતાં હોય. એલીની મા પણ એને રોજ ટિફિન આપે, પણ બીજા બાળકો કાફેટેરિઆમાં જઈ પોતાની થાળી લાવે એટલે એલીને પણ એમની સાથે જઈ થાળી લેવાની જ. પોતાનુ ટિફિન ખોલી જ્યુસ પી લે બાકીનુ ખાવાનું જે અહીંના બાળકોના તૈયાર લંચ હોય તે ખોલે ખરી પણ ખાય નહિ અને ગાર્બેજના ડબ્બામા નાખી આવે.

      બીજી ખાસિયત એલીની કે એ એટલી બધી લાગણીશીલ કે એનાથી કોઈનુ રડવું જોયુ જાય નહિ.એકવાર  અમારો હરણ જેવો ચંચળ મોહસીન કોઈ રમકડું બીજા બાળક પાસેથી છીનવી લેવા મથતો હતો, પણ ફાવ્યો નહિ એટલે ભેંકડો તાણી રડવા માંડ્યો. એલીથી એ સહન ના થયું. તિસ્યુ, તિસ્યુ કરવા માંડી અને એની પણ આંખો છલકાઈ ઊઠી. ગોરી એટલી કે ચહેરો ઘડીભરમાં લાલ થઈ ગયો.

      પહેલાં તો અમને તો સમજ જ ના પડી કે એલી શું કહેવા માંગે છે? છેવટે એલી ઊભી થઈને મોહસીન પાસે જઈ પોતાના શર્ટની બાંયથી એની આંખ લૂછવા માંડી, ત્યારે અમે સમજ્યાં કે, એલી તિસ્યુ એટલે કે ટીસ્યુ પેપર (નરમ કાગળનો રૂમાલ) માંગતી હતી -મોહસીનની  આંખ લુછવા.

     એલી એની ઉંમરના બાળકો જેટલી જ હોશિયાર છે. આલ્ફાબેટ, એનો ઉચ્ચાર, નંબર, શબ્દો અને નાના વાક્યો વાંચવા બધુ જ એ કરી શકે છે પણ એને (Autistic child, Emotionally disturb) નુ લેબલ લાગ્યુ છે. અમારા પૂરતા પ્રયત્નો છે કે, આવતા વર્ષે એલી પહેલા ધોરણના ક્લાસમા જાય.

    પણ એલી શું ખરેખર Autistic child છે કે પછી માબાપ ને દાદીના વધુ પડતા લાડનુ પરિણામ છે?

તેમનો બ્લોગ અહીં....

Leave a Reply

Your email address will not be published.