ડગલું મારી શાળાનું – ૧

 - જીત સોલંકી

દોરી નથી
ખેંચી લાવી દઉં.
બચપણ છે!

      શાળા  એ જીવનનું એક અનોખું પગથિયું છે. એમાંય વળી પ્રાથમિક શાળાનું જીવન દરેક માટે અવિસ્મરણીય હોય છે. દરેકને તેના બાળપણની શાળા ખૂબ જ યાદ આવતી હોય છે. જેમ- જેમ આપણે મોટા થઈએ છીએ અને આપણને આનંદ હોય છે - મોટા થવાનો. પણ એ તો બચપણની ભેટ હોય છે, કે જે આપણને આવી આનંદની પળો આપતી હોય છે.

કેવી મજા હતી ! શું સમય હતો !

      જ્યારે પણ નવરાશની પળો માણતો હોઉં ત્યારે, મારી એ શાળાના દિવસો મને હજુ પણ યાદ આવ્યા કરે છે. કેમ કે મારી પાસે ફક્ત યાદો છે, જે પાછી આવવાની નથી.

      શાળાની વાત કરું તો - છ વર્ષે મને પહેલા ધોરણમાં ગામડાની એ શાળામાં દાખલ કરવામાં આવેલો. શરૂઆતમાં શાળાએ જવું મને ગમે નહીં. જેમ પક્ષીને મુક્ત વાતાવરણમાંથી પાંજરામાં પૂરી દેવામાં આવ્યું હોય એવો અહેસાસ થયેલો. પહેલો દિવસ શાળામાં - કંઈક નવી જ દુનિયા.

     નામ સંભાળેલું ' માસ્તર ' હોય. લખતાં -વાંચતાં ન આવડે તો માર પડે. લેશન રોજ કરવું પડે .' આવી ધમકીઓ અમને ભૂતપૂર્વ વિધાર્થીઓ તરફથી મળી ગઈ હતી. ટૂંકમાં , હિમાલય પર્વતની શિખરે જવા જેવું લાગતું હતું .

    હું પ્રાર્થનાસભામાં પ્રથમ વખત બેઠેલો. આખું વાતાવરણ મને ડરામણું લાગ્યું. પણ પ્રાર્થના કોને કહેવાય, તે હું પ્રથમવાર શીખ્યો હતો. જેવી પ્રાર્થના પૂરી થઈ તેવી  આપણી એન્ટ્રી વર્ગખંડમાં થઈ. સાહેબ આવ્યા, ખુરશી પરથી ધૂળ ખંખેરી ખુરશીમાં બેઠા .

    આ બાજુ  બધા જ નવા નિશાળિયાના ચહેરા કંઈક નવા જ લાગે. ફિલ્મી ભાષામાં કહું તો -

" માં શેરાવાલી,  માં તેરા શેર આ ગયા ."

     પરસેવે રેબ-ઝેબ થઈ ગયેલા. બે ત્રણ છોકરાંઓએ તો રડવાનું ચાલુ કરી દીધેલું. જેમ તેમ કરીને માસ્તરે મનાવેલા. માસ્તરે એક જ પ્રશ્ન પૂછ્યો -

   'લખતાં- વાંચતાં આવડે કે? '

    માસ્તરની બીક એવી કે, ફટાફટ બધાંયે આંગળી ઊંચી કરી દીધી. ધીમે -ધીમે અમે વર્ગથી પરિચિત થવા લાગ્યા. પછી તો જોવું જ શું ?  દરરોજ એક નવો મિત્ર બનતો. પ્રથમવાર અમે 'મિત્રની' પરિભાષા જાણેલી. પહેલી વખત અમને પુસ્તકો આપવામાં આવેલાં. પુસ્તક મળ્યાનો પણ અમને અનેરો આનંદ. પુસ્તક હાથમાં આવતાવેંત જ અમે ચિત્રો જોવા લાગેલા. જેમ જેમ પુસ્તકનાં પાનાં ફરતાં તેમ- તેમ અમને કોઈ ખજાનો મળવાનો ન હોય? તેવી પરિસ્થિતિનું નિર્માણ પામેલું. ત્યારબાદ સ્લેટ અને કંપાસ મળ્યાનો પણ અમને આનંદ . 

      આમ, મોજ અને મસ્તીમાં અમે પહેલું ધોરણ પસાર કરેલું. હવે અમે બીજા ધોરણમાં હતાં. ચંદુભાઈ સાહેબ અમારા વર્ગશિક્ષક. હવે અમને અમારા ગુરુજનોનો પરિચય થઈ ગયો હતો. વિક્રમ મારો મિત્ર હતો. પેન્સિલ સાવ બુઠ્ઠી થઈ જાય ત્યાં સુધી એનો પીછો ન છોડતો. વર્ગમાં બધાની પહેલાં તે લેશન કરી દેતો. મારે એક બીજો મિત્ર હતો, નામ એનું જેણીયો. એની પેન્સિલ અને રબ્બર બહું વખણાય. નિતનવાં રબ્બર અને પેન્સિલ લાવે. અમને એની વસ્તુઓ જોવાનો બહુ શોખ.

     સવારમાં પ્રાર્થના સંમેલન યોજાય ત્યારે અમને ખૂબ મજા આવતી. મજા એ વાતની આવતી કે, આજે કોણ માર ખાશે. પ્રાર્થના જેવી પૂરી થાય , કાંતિભાઈ સાહેબ અને ચતુરભાઈ સાહેબનો સપાટો ચાલુ થાય . રવિવારે જો કોઈ વિધાર્થી ઘરે રમતો હોય, એ વાતની જાણ આ બંને ગુરુજનોને થાય એટલે સમજી લેવું - પ્રાર્થનાસભામાં એ કેસ ચાલે. એવી ઈન્ક્વાયરી થાય, એવી ઈન્કાયરી થાય ! ભલભલા વિધાર્થીઓનાં નામ એમાં આવી જાય.

અંતે બધાંને સજા મળતી અને અમને આનંદ!

     કાંતિભાઈ સાહેબ  સાઈકલ લઈને શાળાએ આવે. આખું ગામ એમને માન આપતું. એ પાઠ ભણાવતા ત્યારે અમને ખૂબ મજા આવતી. એકવાર તેઓ અમને પાઠ શીખવી રહ્યા હતા. પાઠનું નામ હતું - ' લાડુંનું જમણ '.  આ પાઠ ખૂબ મજાનો હતો. સાહેબે મારા મિત્ર ગોપાલને આ પાઠનું મથાળું વાંચવા કહ્યું. 

     ગોપાલ હાથમાં પુસ્તક લઈ, પૂરા ઉત્સાહ સાથે મોટેથી બોલ્યો, "લાકડાનું જમણ" 

     આખો વર્ગખંડ હસવા લાગ્યો. 

     સાહેબ પણ થોડું હસીને બોલ્યા, "ફરીથી વાંચો." 

      ગોપાલ ફરીથી બોલ્યો , "લાકડાનું જમણ."

     આખો વર્ગખંડ ખડખડાટ અને જોર જોરથી હસવા લાગ્યો.

     સાહેબે તેને નજીક બોલાવી  મથાળું ફરીથી વાંચવા જણાવ્યું. ત્યારે જઈને તેણે એ પાઠનું મથાળું બરાબર જણાવેલું. આમ, રોજ આવી એક નવી ઘટના બનતી. ધીમે ધીમે અમને પણ ભણવાની મજા આવતી ગઈ . 

     બે વાગ્યાની રિસેસ પડે અને અમે સૌ કોતરમાં રમવા નીકળી પડતા. તેમાંય વળી ઉનાળામાં અમને ખૂબ મજા આવતી. પાકાં- પાકાં બોર ખાવા અમે નીકળી પડતા. એકવાર બન્યું એવું કે,  અમે અમારા આઠ મિત્રો સાથે બે વાગ્યાની રિસેસ વેળાએ એક નજીકના ફાર્મ હાઉસમાં રમવા ગયા હતા. ફાર્મ હાઉસમાં રમવાની અમને મજા પડી ગઈ. લીલાં- લીલાં ઘાસમાં અમે મસ્તીથી રમવા લાગ્યા . સમયનું પણ અમને ભાન રહ્યું નહીં.

    આ બાજુ શાળામાં અમારી શોધખોળ ચાલુ થઈ ગયેલી. આખી શાળાના શિક્ષકો અમારી પર ગુસ્સે ભરાયેલા. એમાં વળી કોઈએ કહી દીધું કે, બધાં બાળકો બાજુના ફાર્મ હાઉસમાં રમવા ગયા છે. રમેશભાઈ સાહેબ અમારી શોધમાં નીકળી પડયા. આ બાજુ અમે અમારી મસ્તીમાં રમત રમ્યે જતા હતા. 

 અચાનક, સામેના ગેટ પર રાજેશની નજર પડી, "એલા જો, એલા જો, સાહેબ આવ્યા છે, સાહેબ." 

   આટલું સાંભળતાની સાથે તો - એકના હાથમાંથી બેટ પડ્યું, બીજ હાથમાંથી બોલ! 

   સાહેબે ગેટના દરવાજા પર લાકડી ખખડાવી , ખટ, ખટ, ખટ

     સાહેબે એક જ બૂમ પાડી, " ચાલો નિશાળમાં, તમારી વાત છે."

     અમે સૌ લાઈનબંધ ગેટ બાજુ ચાલવા લાગ્યા. સાહેબે દરવાજો ખોલી આપ્યો. સાહેબ એક પણ શબ્દ બોલ્યા વગર આગળ ચાલે અને અમે પાછળ, પાછળ .......

     જેવા અમે શાળામાં પહોંચ્યા અને સાહેબે બૂમ પાડી.............

[ પછી શું થયું? રાહ જુઓ ! ]

પ્રતિલિપિ પર તેમની રચનાઓ

-- --

2 thoughts on “ડગલું મારી શાળાનું – ૧”

  1. વાહ માસ્તર ને તેમની વાતો યાદ કરાવી ગઈ….
    એ નિશાળ એ સવાર….
    જયશ્રી પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *