અભિમન્યુના સાત કોઠામાં પ્રવેશ

- ગીતા ભટ્ટ

   દુનિયામાં જો મુશ્કેલીઓ આવતી જ ના હોત, તો શું આપણને મહેનત કરીને સફળ થવાનો આનંદ અનુભવવા મળત ખરો? ના! જીવનમાં કાંઈક કરવાની ધગસ રાખીએ અને સામે છેડે મુસીબતો આવીને હાથ તાળી આપે; 'લે, પહેલાં મને પકડ, પછી તને તારા ધ્યેય તરફ જવા દઈશ.' - એમ પડકાર ફેંકે. આપણે ફરજિયાત એનો સામનો કરવો જ પડે. ક્યારેક હતાશ થઇ જવાય. ક્યારેક નીરાશા ઘેરી વળે. ક્યારેક ધૂંધવાઇ જઈએ. ક્યારેક રડી પડીએ. પણ પછી જો સફળતા મળે તો જે આનંદ મળે છે એનું નામ જ સફળ જીવન.

    શિકાગોના દક્ષિણ ભાગમાં આવેલ ડોવસન કોલેજના ખુલ્લેઆમ અપમાન અને ભેદભાવ અનુભવ્યા બાદ હું -અમે થોડા સજાગ જરૂર બન્યાં, પણ અંદરથી મુંઝવાઇ પણ ગયાં હતાં. હવે દોઢ વર્ષ સુધી ભણ્યા બાદ મારુ ભણવાનું લગભગ પૂરું થવા આવેલું.
એ દોઢ વર્ષ દરમ્યાન અમે કેટલીક સ્કૂલમાં જ ચાલતાં ડે-કેર સેન્ટર, ચર્ચમાં ચાલતાં ડે-કેર સેન્ટર, પ્રાઇવેટ અને ફ્રેન્ચાઈઝ પ્રિસ્કૂલ વગેરે પણ જોયેલ. પણ એના ભાવ સાંભળીને અધધધ એમ ઉદ્દગાર સરી પડે. 

     વળી આવાં સેન્ટર ખરીદવાનું એક મોટું ભયસ્થાન પણ હતું. રખે ને મને ઇન્ડિયન/ પરદેશી સમજીને મા બાપ પોતાનાં બાળકોને સ્કૂલમાંથી ઉઠાવી લે તો? વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જાય અથવા તો જો સ્ટાફ સાથે મતભેદ થાય કે, એ લોકો જોબ છોડી દે તો મારે નવા બિઝનેસમાં આવા અણધાર્યા સંજોગોનો સામનો કરવો પડે. વળી એ મકાનોની  લીઝ પણ દસ દસ વર્ષની હોય.  બિઝનેસ ના ઊપડે તોય ભાડું ભરવું જ પડે.  ટૂંકમાં એ રસ્તે સફળતા કરતા નિષ્ફ્ળ થવાની શક્યતાઓ ઘણી હતી.

    બહુ વિચાર્યા બાદ અમને લાગ્યું કે, એવું સાવ અજાણ્યું સાહસ કરવાને બદલે, મોટું પણ જાણીતું સાહસ કરવું. મોટું એટલા માટે કે એમાં શૂન્યમાંથી સર્જન કરવાનું હતું.  એકડે એકથી શરૂઆત કરવાની હતી.એ જેટલું જોખમી સાહસનું પગલું હતું , એટલું જ એક્સાઇટિંગ, રોમાંચક ઉત્સાહનું પગલું પણ હતું. 

    એક સરસ શ્લોક જે મને બાળપણમાં નાનાકાકા (મારા બાપુજી) કહેતા, એ જ શ્લોક અમે અમારા રેફ્રિજરેટર પર લખી રાખ્યો હતો ; સુભાષનો એ પ્રિય શ્લોક હતો – જાણેકે અમારાં જીવનનો પથદર્શક!

उद्यमः साहसं धैर्यं बुद्धिः शक्तिः पराक्रमः।
षडेते यत्र वर्तन्ते, तत्र देवः सहायकृत।।

    અર્થાત : મહેનત કરવી, પછી થોડું સાહસ પણ કરવું, ( પણ આંધળુકિયું નહીં ) બુદ્ધિપૂર્વકનું– વિચાર કરીને , સાહસ કરી, તેમાં બધી શક્તિ લગાડવી. અને પછી?
પછી મોટો કૂદકો મારવો એટલેકે પરાક્રમ કરવું.

     'શું આપણે આ મોટું સાહસ કરવા તૈયાર છીએ?' મેં અને સુભાષે એનાં સરવાળા બાદબાકી માંડ્યા. 'બહુ ઝંઝટમાં ના પડવું હોય તો મારાં ક્વોલિફિકેશન ઉપર કોઈ સ્કૂલ- ડેકેરમાં નોકરી લઇ લેવી' - એમ પણ વિચાર્યું. જો કે ઘરની બહાર નોકરી કરવી એટલે આ અજાણ્યા દેશમાં આવીને , બાળકોને દાદા દાદી અને બીજા સંબધીઓથી તો દૂર રાખ્યાં.  હવે હુંયે નોકરી કરવા બહાર જાઉં એટલે મા- બાપથીયે અલગ ઉછરવા દેવાનાં? હજુ એ લોકો પ્રાથમિક સ્કૂલમાં બીજા અને ચોથા ધોરણમાં જ તો હતાં. 'તો શું હજુ થોડો સમય ઘેર રહીને જ બેબીસિટીંગ ચાલુ રાખવું ?'  પણ સતત ધમધમતું અમારું ઘર હવે કાંઈક નવું માગતું હતું. મને લાગે છે કે પેલું 'પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે.' - વાળું ગીત કવિએ કોઈ આવી જ પળોમાં લખ્યું હશે કે - 

ઊમટ્યો અજંપો એને પંડના રે પ્રણનો
અણધાર્યો કર્યો મનોરથદૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા લગન એને લાગે.
બહુએ સમજાવ્યુ તો યે પંખી નવું પીજરું માંગે

    એટલે અમારે કાંઈક નવું ચોક્કસ કરવું જ હતું. આ જ અરસામાં થોડાં આપણી કમ્યુનિટીનાં મિત્રો પણ બનેલ. એમની વાસ્તવિક વ્યવહારુ સલાહ પણ ડે કેર સ્કૂલ બિઝનેસથી દૂર રહેવાની હતી. “શું જાણીએ છીએ આપણે અહીંની સંસ્કૃતિ અને સમાજ વિષે?“ એમણે ચિંતાથી પૂછ્યું; “ક્યાંક કાંઈક ભૂલ થઇ જાય તો ખોટા સલવાઇ જવાય.”

    મોટી જવાબદારીનું કામ અને કોઈની મદદ પણ નહીં. એ અરસામાં એક બે બનાવ એવા બનેલા જે આપણને વિચારતાં કરી મૂકે. મને એટલું યાદ છે કે બીજા દેશોની ગવર્મેન્ટ ઓફિસો એમનાં દેશવાસીઓને મદદ કરતી. કેટલીક ચેરિટેબલ સંસ્થાઓ પણ એમનાં દેશવાસીઓને મુશ્કેલીમાં સહાય કરતી.  પણ આપણી કમ્યુનિટી હજુ પ્રમાણમાં નવી વિકસી રહી હતી.  હજુ એવી સહાયક એજન્સીઓ શરૂ થઇ નહોતી. અમારા એક પરમ મિત્રને ઘેર બેબીસિટીંગ કાર્યમાં મુશ્કેલી ઊભી થયેલી.  જો કે ત્યાર પછી એમણે એ ગૃહઉદ્યોગને તિલાંજલિ અર્પેલ. બીજાં એક વડીલ બા પણ એવાં જ કેસમાંથી માંડ છુટેલાં. છાપામાં પણ એવાં તેવાં સમાચાર અમે વાંચતાં.

    પણ અમારી પરિસ્થિતિ કાંઈક જુદી હતી. સુખદેવજીની જેમ સંસારની મુશ્કેલીઓ જાણીને માના પેટમાં કેટલા સમય પડ્યાં રહેવું? અમારે તો પેલા શ્લોકની ગાઇડ લાઇન્સ લઈને આગળ વધવું હતું.. આ એક એવું સ્વપ્નું હતું કે જે અમને સુવા દેતું નહોતું. ખરેખર તો ત્યારની અમારી માનસિક સ્થિતિ માના ઉદરમાં નવ માસ વિકસેલ ગર્ભને જાણે કે, જન્મવાની તાલાવેલી લાગી રહી હોય તેવી હતી. 

      અમે નાનાં મોટાં કોમર્શિયલ મકાનો જોયાં. પણ આખરે અમારાં ઘરથી એક જ બ્લોક દૂર મુખ્ય રસ્તા ગ્રાન્ડ એવન્યુ પર, સાઉથમાં મુખ્ય ક્રોસ રોડ ઓસ્ટીન રોડની જમણી બાજુએ પૂર્વમાં, એક વેરહાઉસ જેવું બંધ પડેલું મકાન - બહુ મોટું નહીં, બહુ નાનુંયે નહીં; જેને અમે અમારી રીતે સંભાળી શકીએ એવું - કોમર્શિઅલ બિલ્ડિગ અમને ગમ્યું. એ સ્ટોર ફ્રન્ટની ઉપર એક બે બેડ રૂમ, વિશાળ ડાઇનિંગ રૂમ/ લિવિંગરૂમ સાથેનું એપાર્ટમેન્ટ પણ હતું. એ બિલ્ડીંગ અમે ખરીદ્યું. 

     એ સાથે બીજો મહત્વનો નિર્ણય પણ લીધો. અમારાં સંતાનોનું ધ્યાન રહે અને નવા બિઝનેસને પણ વિકસાવી શકાય એટલે અમારે શરૂઆતમાં થોડો સમય ત્યાં – ડે કેર સેન્ટર ઉપર રહેવું. ટૂંકમાં ચાર બેડ રૂમનું ઘર છોડી બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં કાફલો લઇ જવો. સ્વાભાવિક રીતે જ આ વિચિત્ર વાત હતી.

    પણ ગમે તેટલી વિચિત્ર અને અવ્યવહારુ વાત હતી, પણ શાણપણ એમાં જ હતું. 'જો પરદેશમાં આપણી મર્યાદાઓ છતાં કોઈ મહત્વનું પગલું ભરવું જ હોય, તો રહેઠાણની બાબતમાં સમજૂતી કરવી જ પડશે.'  અમે વિચાર્યું.

    કુટુંબમાં એક સ્વપ્નને સાકાર કરવા માત્ર એક વ્યક્તિ નહીં, સમગ્ર કુટુંબના સહકારની જરૂર પડે છે. જયારે સૌના સાથ સાથે વિકાસ થાય છે, ત્યારે તેમાં સુગંધ ઉમેરાય છે. હા, બધાંનો સાથ લઈને ચાલવામાં વિકસી રહેલ બાળકોને મા બાપનું માર્ગદર્શન મળે અને મા બાપને બાળકોના નિખાલસ અભિપ્રાય. 

     અમારાં આ બોલ્ડ અવ્યવહારુ પગલાંને પણ અમારી ઘેર આવતાં બાળકોના પેરેન્ટ્સે સ્વીકારી લીધું . એપાર્ટમેન્ટ સરસ રહેવાલાયક બન્યું એટલે બીજે અઠવાડિયે અમે ત્યાં રહેવાં જતાં રહ્યાં. પણ વાસ્તવિકતા સ્વપ્ન જેટલી મધુર નથી હોતી.

     બે બાળકોએ એમની મમ્મીને નોકરી જતાં આવવાનું બંધ કરેલ . હવે એમની ખાલી પડેલ જગ્યાએ નવાં બાળકો નહોતાં લેવાં કારણકે, હવે સ્કૂલ બિઝનેસમાં ધ્યાન આપવું હતું. બીજાં બે ત્રણ અઠવાડિયામાં જ સમજાયું કે, ઉપરનું એ એપાર્ટમેન્ટ નાનાં બાળકો માટે બિલકુલ અનુકૂળ નહોતું.  રખે ને ક્યાંક અકસ્માત થઇ જાય તો? વળી નીચેનું અવાવરું વેરહાઉસનું રીમૉડલિંગ શરૂ કરવાનું હતું. એટલે બધાં બાળકોને ગુડબાય કહેવાનો સમય આવી ગયો. આમ તો આ મોટો આર્થિક ફટકો હતો.

     મને રાજ કપૂરની ફિલ્મ 'મેરા નામ જોકર' યાદ આવી ગઈ. અમારા જીવનનો શું બીજો તબક્કો શરૂ થતો હતો? ( એ જ અરસામાં રાજ કપૂરનું અવસાન થયેલ ) બધાંને પ્રેમથી “ફિર મિલેંગે” કહી અમે તો માતૃભૂમિ તરફ પ્રયાણ કરવાં થનગની રહ્યાં. એ બાળકોના વિદાય પ્રસંગો વિષે આગળ ઘર અને સ્કૂલની સરખામણી કરીશું ત્યારે વિગતે વાત કરીશું.

    ક્રિસમસ ઉપર જેમ બાળકો કાઉન્ટ ડાઉન કરે છે તેમ અમારાં સંતાનોએ પણ કાઉન્ટ ડાઉન શરૂ કર્યું અને નવેમ્બર ૧૯૮૮ અમે ૪ અઠવાડિયા માટે માતૃભૂમિ આવ્યાં. દેશ છોડીને આવ્યાં ત્યારે તો અમે રીસાયેલાં બાળકો જેવાં હતાં; પણ હવે તો જાણે કે કોઈ સફળતાની રાહે જઈ રહ્યાં હોઈએ તેમ માનતાં હતાં.

     અમને ક્યાં ખબર જ હતી કે 'જે બિલ્ડીંગ અમે ડે કેર માટે ખરીદ્યું હતું એ સ્કૂલ માટે અનુકૂળ નહોતું?' અમને ક્યાં ખબર જ હતી કે, 'જે જગ્યા એ બિલ્ડીંગ હતું એનું ઝોનિંગ પણ સ્કૂલ માટે નહોતું?' ભલે ને એ બિલ્ડીંગ અમારાં જુના ઘરથી માત્ર એક જ બ્લોક દૂર હોય, પણ ઓસ્ટીન એવન્યુની પૂર્વમાં એ સાઉથ ઇસ્ટ કોર્નરથી, નેબરહૂડ બદલાઈ જતું હતું. બિલ્ડિંગની સામે રોડ ક્રોસ કરતાં જ સામે સ્પોર્ટ્સ બાર ( દારૂનું પીઠું ) હતું; અને બિલ્ડિંગની પાછળની સ્ટ્રીટ પર ઝીનત નામના મશહૂર ટી વી બનાવતી કંમ્પનીની ફેક્ટરી હતી.  કોઈ પણ સંજોગોમાં ત્યાં સ્કૂલ અને તે પણ નાનાં બાળકો માટેની પ્રિસ્કૂલ, અને સંપૂર્ણ આખાં દિવસનાં ડે કેર સેન્ટર શરૂ કરવાની પરમિશન મેળવવી મુશ્કેલ હતી. આ બધું અમને ખબર હોત તો શું અમે એ બિલ્ડીંગ ખરીદ્યું હોત?

    ના, ચોક્કસ એવું સળગતું લાકડું ઝાલ્યું ના હોત. અને અમને તો લાગતું હતું કે, અમે દરેકેદરેક પગલું ખુબ સમજી વિચારીને જ કરીએ છીએ પણ....

     જિંદગી એનું જ તો નામ છે - ત્યાં રિવર્સ જવાનું ગિયર નથી હોતું. આગળ જ જવાનું, પ્રશ્નો ઉકેલવાના, પરિણામ સ્વીકારવાના, અને વળી આગળ વધવાનું. 

      અમે એક એવા અભિમન્યુના કોઠામાં પ્રવેશી ચૂક્યાં હતાં જેમાંથી હવે હેમખેમ બહાર આવવું અશક્ય નહીં તો, મુશ્કેલ તો હતું જ.  મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ...જાણે કે, અંધારામાં ગોળીબાર કરવાનો હતો.  મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું : પૈસાનું અને સમયનું. અને આશ્ચર્યની વાત તો એ હતી કે, અમને ખબર સુધ્ધાં નહોતી કે, આગળ રસ્તો આટલો કઠિન છે.

     મિત્રો! વાત્સલ્યની વેલીને અમે પ્રામાણિક રીતે પ્રેમનું ખાતર તો સીંચતા હતાં પણ જ્યાં તીડનાં ટોળાં ઉમટે એને કેમ કરીને ખાળવાં? પણ, એવું થયું હોત તો વાત્સલ્યની વેલીની વાર્તા ક્યાંથી લખાત? વિંખાયા વિના,માવજતથી વાત્સલ્ય વેલીને ઉછેરવાની વાત.. આવતે અઠવાડિયે!

'બેઠક'  પર તેમના લેખ આ રહ્યા. 

One thought on “અભિમન્યુના સાત કોઠામાં પ્રવેશ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *