ફેશન અને ફેશન ડીઝાઈનર

 - જિગીષા પટેલ

     તમે સરસ રીતે તૈયાર થઈ કોઈ લગ્ન કે સમારંભ કે કોલેજમાં ગયા હો અને ત્યાં તમારું ડ્રેસિંગ બધા થી જુદું તરી આવે અને તમને જોઈને દરેક જોનારનાં મોમાંથી નીકળી જાય wow કે વાહ ! -  ત્યારે તમારો એ ડ્રેસ ફેશનેબલ ગણાય. તમે જો કોઈ ડીઝાઈનરનો ડ્રેસ પહેર્યો હોય તો તે તેની કમાલ કહેવાય. તો ચાલો આજે આપણે વાત કરીએ ફેશન અને ફેશન ડીઝાઈનર અંગે.

      આપણો ભારત દેશ અતિ પ્રાચીન, કલા, આર્ટથી છલકાતો દેશ છે. એમાં અનેક જુદી જુદી જાતિઓનાં આક્રમણથી જે તે જાતિઓની કલાને આર્ટ નો સમન્વય અને ઉમેરો આપણી કલા સાથે થયો. આઝાદી પહેલા ફેશન વિશેની જાગરુકતા ઓછી હતી. હા, રાજા રજવાડાં અને રાણીઓ અને બહુ ધનાઢ્ય લોકો  મોંઘા જરકસી જામા અને સાચા જરી-ભરતની સાડીઓ, ઘાઘરા-ચોળી, અચકન, શેરવાની અને મોંઘીદાટ પાઘડી, ટોપીઓ અને જરીવાળા કિનખાબ વણેલ સાફા બાંધતા. પરંતુ આમ જનતામાં તો સ્ત્રીઓ સાડી-બ્લાઉઝ  કે પંજાબી ડ્રેસ કે  કાશ્મીરી ડ્રેસ જ પહેરતી. દરેક રાજ્યની આબોહવા અને સંસ્કૃતિને અનુરૂપ સાડીના કપડાંમાં પહેરવાની રીતમાં, સાડીની લંબાઇ/ ટૂંકાઈમાં જરુર ફરક રહેતો. પુરુષો પણ મોટેભાગે ધોતી,લુંગી અને ઉપર પહેરણ કે કેડિયું પહેરતા.

    પણ આઝાદી પછી ધીરે ધીરે દેશના વિકાસ સાથે ફેશને આપણા ત્યાં પગપેસારો કર્યો  અને આજે તો મોટા મેટ્રો સીટીમાં અનેક નામી ફેશન ડીઝાઈનર છે જ;  પણ નાના શહેરોમાં પણ ફેશન અંગેની જાગૃતિ અને ફેશન ડીઝાઈનરોની માંગ વધી ગયાં છે. લગ્નપ્રસંગે અને નાના મોટા પ્રસંગોમાં ડીઝાઈનર કપડાંની બોલબાલા ખૂબ વધી ગઈ છે. તેમાં સોશ્યલ મીડીયા અને બોલીવુડની અને હોલીવુડની ફેશન ડીઝાઈનરોની વેબ સાઈટ અને ઓન લાઈન ડીઝાઈનર ડ્રેસીસનાં વેચાણથી યુવાનોમાં ફેશનની જાગૃતિ ખૂબ આવી ગઈ છે.

     નાની મોટી પ્રાઈવેટ સંસ્થાઓ અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી  NIFT ને નામે ઓળખાતી સંસ્થા જે ન્યુયોર્ક ફેશન ઈન્સ્ટીટ્યુટના સહકારથી પહેલા ખાલી એક દિલ્હીમાં જ હતી -  તેની અનેક શાખાઓ ભારતના જુદા જુદા શહેરો જેવા કે, મુંબઈ, ગાંધીનગર, હૈદ્રાબાદ  વિગેરેમાં ખૂલી છે.

      ફેશન એક ગોળ ગોળ ફરીને પાછી જરા સહેજ જુદા પરિવેશ સાથે આવતી વિચારધારા છે. ૭૦ની સાલમાં ચાલતી ફેશન પાછી ૯૦ ની સાલમાં સામાન્ય પરિવર્તન સાથે પાછી ફરે. પહેલાં એકદમ ટાઈટ મોરીના પેન્ટ પહેરતા હોય પછી ૨૦ ઈંચની મોરી ચાલુ થાય પછી બેલબોટમ ૩૮ની મોરી આવી જાય.  સૂટના કોટમાં પણ તેવું જ. એક બટન, પછી બે બટન પછી ડબલ બ્રેસ્ટ. અરે! વાળની સ્ટાઈલમાં પણ લાંબા ને ટૂંકા ને પછી ક્રુકટ આમ એકની એક ફેશન ગોળ ગોળ ફર્યા કરે.

      આપણા દેશમાં સૌથી વધુ વેરાયટી કાપડની, પ્રિટીંગની, હેન્ડ બ્લોક પ્રિન્ટિંગની, ડાઈંગની, કાપડ પર જુદા જુદા રંગના વનસ્પતિના નેચરલ રંગથી પેઈન્ટીંગની છે. જુદા જુદા પ્રાંતના તળના કારીગરો પાસે જે હાથના ભરતની કલા છે- તેને જૂઓ તો તમે આફરિન થઈ જાઓ. કાશ્મીરની પશ્મીના શાલ અને સિલ્ક સાડી પર એક તારના બારીક ભરતકામ, કલકત્તાના ખાટલા પર કાપડ બાંધી કરેલ જરદોસી અને ગોલ્ડ, સિલ્વર દોરી બનાવી કરેલ મડુડી વર્ક, કચ્છની બહેનોનું બારીક આભલા કામ અને રેશમથી ભરેલ કાપડાં અને ઘાઘરા - શેની વાત કરો અને શેની નહી? !

    સાથે જ જુદા જુદા પ્રાંતના કાપડના વણાટ પણ અલગ અલગ. બનારસી સાચી જરીની હાથથી વણેલ સાડીઓ તેમજ રેશમ વણેલ જામે વરમ સાડી,ઓરિસ્સાનું હાથ વણાટનું ઈક્કત, રેશમનાં કીડાની લાળમાંથી કાંતેલ સિલ્ક. અરે ગુજરાતના હાથ વણાટનાં એકથી બે વર્ષે તૈયાર થતું,આજના દોઢથી બે લાખ રૂપિયાનું પાટણનું પટોળું. દરેક પ્રાંતના કાપડની પણ વેરાયટી. મધ્યપ્રદેશની ગોલ્ડ બોર્ડર મહેશ્વરી સાડી અને કાપડ, કલકત્તાનું ખૂબસુદર ક્રેપ સિલ્ક અને મખમલી મુલાયમ કોટન પર હાથનું બ્લોક્ પ્રિટીંગ, કાંથાવર્ક તેમજ ગુજરાતના આશાવરીની અમદાવાદી જરીવાળી હાથ વણાટની અમદાવાદી સાડી. આમ દરેકે દરેક પ્રદેશની કાપડ તેના વણાટ અને ભરતકામની વેરાયટી ને લીધે આપણા દેશના ફેશન ડીઝાઈનરોની આગવી પ્રતિભા દેશ-વિદેશમાં વિકસી છે.

      આપને જણાવતા મને એટલો આનંદ થાય છે કે, મેં ફેશન ડીઝાઈનર તરીકે પચ્ચીસ વર્ષ કામ કર્યું છે, અને કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કલકત્તાના સુધીના ભારતના એકે એક રાજ્ય અને અંતરિયાળ ગામડાંઓમાં જઈ આ કલાને જાણી, માણી અને લોકો સુધી પહોંચાડી છે.

     ફેશન ડીઝાઈનર ડીઝાઈનની પ્રેરણા શેના પરથી લે છે? અને તમારે ફેશન ડીઝાઈનર બનવું હોય તો શું કરવું? તેમજ જાણીતા ફેશન ડીઝાઈનરોની વાત ...આવતી વખતે.

     -   'બેઠક' પર તેમના લેખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.