અય મેરે વતનકે લોગોં….

  -   ઉષા પંડ્યા

[ સત્યકથા આધારિત -  બીજ વાસ્તવિકતાનું, આલેખન કલ્પનાનું ]

       વાત 30 વર્ષ પહેલાંની છે પણ હજુ ય તાજી જ લાગે એવી.  અમારી બાજુમાં જ મિલિટરી ક્વાર્ટર એટલે એમની વીરગાથાઓ કાને અથડાતી રહે, એમાંથી સર્જાઈ આ વાર્તા. 

     રોજની જેમ જ હું સ્કૂલે જવા રવાના થઈ. હાથમાં તાજી ખરીદેલી રાખડી હતી અને મનમાં કોને બાંધું એની મૂંઝવણ! અમારા વર્ગમાં છોકરાઓ જ ઓછા હતા. અચાનક જ પગને બ્રેક લાગી, મારી સામે એક અત્યંત સોહામણો અને કસાયેલ કાયાવાળો સૈનિક ઊભો હતો જેની સાથે સહેજમાં અથડાતા બચી હતી. રાખડીવાળા હાથે જ એને સલામી આપી. હું 'જયહિંદ!' બોલી તો એ અત્યંત ઋજુતાથી બોલ્યો, "મુઝે રાખી બાંધોગી, બહેના?'

        અને મેં રાખડી બાંધી દીધી. એક નાનકડા તિરંગાવાળો બિલ્લો મને ભેટ આપી એ ચાલતો થયો. શાળામાં જ્યારે આ વાતની ખબર બધાને પડી ત્યારે મારી ખૂબ પ્રશંશા થઈ. હું તો ગર્વની મારી ફૂલી નહોતી સમાતી. પેલો બિલ્લો તો મારી સાથે જ હોય, મારા હરેક ડ્રેસની શોભા

    .એ જ્યારે પણ રસ્તામાં મળે હું હરખાઈ જતી. અમે ખૂબ વાતો કરતાં. મિલિટરીની કડક શિસ્ત, ટ્રેઇનિંગ, આકરું જીવન, બધું જ મને આકર્ષવા લાગેલું.  મનના છાના ખૂણે આર્મીમાં જોડાઈ જવાની ઈચ્છા જાગૃત થઇ ગઈ હતી. એ પંદરમી ઓગસ્ટના દિવસે જ્યારે મેં 'અય મેરે વતન કે લોગો..' સ્કૂલમાં ગાયું ત્યારે મારા અવાજમાં ડૂસકાં હતા અને લોકોની આંખોમાં આંસુ.

    ત્યાંથી હું સીધી જ મારા ભાઈને મળવા દોડી. એ ધ્વજ વંદન કરીને આવ્યો હતો, એને વળગીને હું ડૂસકે ડૂસકે રડી પડી. 'મત રો, ગર મેરી બહેન હો..સૈનિકો કી મા બહેને સૈનિકો કી મૌત પર ગર્વ લેતી હૈ, રોયા નહીં કરતી.' મેં આંસુ લૂછી નાખેલા, હું બહાદુર છું એવું બતાવવા.

      એ પછી એની પોસ્ટિંગ બીજે થઈ ગઈ, અમે પત્ર વ્યવહારથી જોડાયેલા રહ્યા. મારી રાખડીની એ હંમેશા રાહ જોતો.  હું એના પત્રોથી કલ્પી લેતી કે, એને હાથમાં પહેરતી વખતે એને અજબ શાંતિનો અનુભવ થતો હશે. હું મનથી મજબૂત બની પણ શારીરિક રીતે અત્યંત નબળી, મેં નક્કી કર્યું- 'એક સૈનિકની બહેન છું.  આ નહીં ચાલે.'

      મેં યોગ, તરણ, ટ્રેકિંગથી શરીર કસવા માંડ્યું. જ્યારે હું NCC મા જોડાઈ એનો ફોટો જોઈ એ ખૂબ જ ખુશ થઈ ગયો. કહે, "હવે તું મારી બહેન સાચી." 

     એક દિવસ એનો પત્ર સંદેશ આવ્યો, 'ઘરે આવું છું.' તહેવાર વગર રાખડી મળવી મુશ્કેલ હતી.  મેં ત્રિરંગી દોરા લઈ જાતે રાખડી બનાવી અને એક પૂંઠા પર અશોકચક્ર દોરી ચીપકાવ્યું. ત્યાં લેન્ડ લાઈન પર અચાનક એણે ફોન કર્યો, "મારે સરહદ પર જવાનું છે, ઇમરજન્સી આવી છે."

     હું આ વખતે બહાદુરીથી બોલી: 'જા ભાઈ, ફતેહ છે આગે!'

    ફતેહ મળી પણ ગઈ, એણે એકલા હાથે ૬ દુશ્મનોનો ખાતમો કર્યો હતો. હું એની વીરગાથા સાંભળવા અધીરી થઈ હતી. પણ મને ક્યાં ખબર હતી કે, એ તો વીરગતિ પામ્યો હતો.

     ખબર મળતાં જ પેલી રાખડી લઈ હું એના ઘરે દોડી. તિરંગામાં લપટાયેલ એની ક્ષત વિક્ષત કાયા છતાં લોહી નીતરતા ચહેરા પર અજબ નૂર હતું, હું એને વળગી ને ખૂબ રડી અને મારી રાખડી એના મૃત શરીર પર મુકવા જતી હતી. ત્યાં જ એક હાથ મારી સામે આવ્યો, અશ્રુથી ધૂંધળી આંખે જોયું તો એનો નાનો ભાઈ હાથ ધરીને ઉભો હતો અને  કહેતો હતો "યે રાખી મુઝે બંધ દો, દીદી!"  મેં ધરાર ઇનકાર કરી દીધો,

     "નહીં, યે રાખી મેરે એક ભાઈ કો ના બચા શકી, અબ નહીં."  ત્યાં જ એના મમ્મી આવીને બોલ્યાં 

    '"બેટી હમ સૈનિક પરિવાર સે હૈ.  ઇસ દેશ કે લિયે હમ અપને સારે બેટે કુરબાન કર સકતે હૈ. ઇસે ભી તુમ હી રાખી બાંધોગી, યહ રાખી મેરે એક બેટે કો હંમેશા સે પ્રેરણા દેતી રહી થી; અબ દૂસરે બેટે કો ભી યહી પ્રેરણા દેગી કિ,  વો કુરબાન હો જાયે તાકી વતન કી મા બહેને સલામત રહે, હમારા તો ધર્મ હી કુરબાની હૈ, યહ રાખી તો હમારે વતન કી રક્ષા કે લિયે હૈ. " 

      એ પરિવારની જિંદાદિલી આગળ હું નતમસ્તક થઈ ગઈ અને ફરી એક બીજા જવાનને રાખડી બાંધવા લાગી. રાખડી બાંધતી વખતે કે મોકલતી વખતે એક જ પ્રાર્થના દિલમાં હોય છે.....

મારી રાખડીની લાજ રહી જાય.     

જય હિન્દ

 

      આજે જ્યારે આખો દેશ કાશ્મીરના ફુલવામામાં શહિદ થયેલા ભારતીય લશ્કરના જવાનોની યાદમાં ચોધાર આંસુંએ રડી રહ્યો છે, ત્યારે ઈ-વિદ્યાલય ઉષાબહેનની લાગણીમાં ડૂસકાંભેર હામી પૂરાવે છે.

3 thoughts on “અય મેરે વતનકે લોગોં….”

  1. આંતકવાદ વિકરાળ, વિનાશક અને દુનિયાને ડૂબાડનાર છે… દુનિયાના સૌ દેશોએ એક થવું પડશે તેની વિના છૂટકો જ નથી.

  2. સૈનિકો ના પરિવારની ઝિંદાદિલીને કોટિ કોટિ પ્રણામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *