સ્વયંસિદ્ધા – ૧૧

    -    લતા હીરાણી

લોકકલ્યાણની ચાહના

  કિરણ બેદીની બદલી દિલ્હીથી ગોવા થઈ. એમના માટે દિલ્હી છોડવું દુ:ખદાયક હતું કારણ કે, એમની પુત્રી અને એમનો પરિવાર દિલ્હી છોડી શકે એમ નહોતાં. વળી એમની સાત વરસની દીકરી સાઈના નેફ્રાઈટીસ જેવા ગંભીર રોગથી પીડાતી હતી. પોતાની બદલી પર સરકાર ફેરવિચારણા કરે, એ માટે એમણે પ્રયત્નો કરી જોયા પણ એમની બધી વિનંતીઓ જડ સરકારી તંત્રના બહેરા કાને અથડાઈને પાછી ફરી.

     કિરણ બેદી આખરે એક નિષ્ઠાવાન ઓફિસર હતાં. પોતાની ફરજ એમના માટે મહાન બાબત હતી. તેઓ ગોવા આવ્યાં અને આ રળિયામણા પ્રદેશે એમનું કુટુંબથી દૂર રહેવાનું દુ:ખ હળવું કરી દીધું.

      ગોવાનું પ્રાકૃતિક સૌંદર્ય નિરાળું છે. જાણે ગળાનો સુંદર હાર એમ ગોવાને ગોળ ફરતો લગભગ પાંસઠ માઈલ લાંબો દરિયાકિનારો છે. રમણીય સમુદ્રકિનારાને કારણે ગોવા પર્યટકોનું માનીતું સ્થળ બન્યું છે.

     ગોવાના હવાઈ મથકેથી પણજી જતાં વચ્ચે ઝુઆરી નદી આવે છે. આ નદી ગોવાના બે ભાગ કરે છે. લોકોને એક કિનારાથી બીજા કિનારા સુધી જવા માટે માત્ર હોડીની સગવડ મળતી હતી. લોકોને પોતાનાં વ્યવસાયના સ્થળે કે અન્ય કામકાજ માટે નદી પાર કરવામાં ભારે મુશ્કેલી પડતી હતી. હોડીને કારણે વાહનવ્યવહાર પર ઘણી મર્યાદા આવી જતી હતી. ગોવા સમુદ્ર પ્રદેશ છે. લોકો પાસે પોતાનાં ખાનગી વાહનો ઘણાં હોય એ સ્વાભાવિક છે; પરંતુ નદી પાર કરવા માટે પુલની સગવડ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જનતાને હાડમારી વેઠવી જ પડે.

        નદીના બંને કિનારે હોડીની પ્રતીક્ષા કરતાં લોકોનાં ટોળેટોળા એકઠાં થતાં. એમનો ઘણો સમય હોડીની રાહ જોવામાં વેડફાતો. આવી નૌકાઓમાં નાવિકને વધારે પૈસા કમાવાની લાલચ થઈ જાય અને મુસાફરોને જલદી પહોંચવાની ઉતાવળ હોય. આથી ઘણી વાર નૌકાની ક્ષમતા કરતાં એમાં વધુ મુસાફરો બેસાડવામાં આવતા. આને  કારણે ક્યારેક મોટા અકસ્માતો પણ સર્જાતા હતા.

       સરકારી તંત્રે નદી પર નવો પૂલ બનાવવાનો નિર્ણય લીધો. બાંધકામ શરૂ થયું પરંતુ કામ ગોકળગાયની ગતિથી ચાલતું હતું. સરકારી કામ સરકારી રાહે જ થાય. લોકો પૂલ તૈયાર થવાની પ્રતીક્ષા કરતા હતા અને કામ લંબાયે જતું હતું. લાંબી પ્રતીક્ષા બાદ લોકોની આતુરતાનો અંત આવ્યો. લોકો આ નવા સુંદર પૂલને જોવા આવતા હતા અને એના પરથી વાહનો દોડાવી પોતપોતાના સ્થળે ઝડપથી પહોંચવાની કલ્પનાઓ કરતા હતા.

       પૂલ ભલે બંધાઈ ગયો પરંતુ પ્રજાને સગવડ મળવી કંઈ એટલી સહેલી નહોતી. પૂલના બાંધકામ પછી બીજી અગત્યની વિધિ બાકી હતી અને તે પૂલના ઉદઘાટનની. ભવ્ય સમારોહ થાય અને એમાં કોઈ પ્રધાનના હસ્તે એનું ઉદઘાટન થાય, ચારે બાજુ વાહવાહ થાય, સમાચાર-માધ્યમોમાં પ્રસિદ્ધિ મળે પછી જ બિચારી પ્રજાનાં દુ;ખોનો અંત આવે પછી જ જનતા માટે પૂલનો ઉપયોગ કરવાનો દિવસ ઊગે.

     પૂલના ઉદઘાટન માટે જે પ્રધાનને બોલાવવાનું નક્કી કર્યું હતું તેઓ અનેક કાર્યક્રમોમાં વ્યસ્ત હતાં. સરકારી અધિકારીઓ તેમનો સમય મેળવવા પ્રયત્ન કરતા હતા, પરંતુ પ્રધાનશ્રી આ માટે સમય ફાળવી શકતા નહોતા. પ્રજાની પારાવાર મુસીબતો કોઈના ધ્યાનમાં આવતી નહીં. પૂલ જાણે પ્રજા માટે નહીં બલ્કે પ્રધાનના હસ્તે ઉદઘાટન કરાવવા માટે બન્યો હોય એવો ઘાટ રચાયો હતો. લોકો આ અંગે અનેક પ્રકારની  ટીકાઓ કરતા હતા પરંતુ સરકારી તંત્રને એની કશી પડી નહોતી.

     એક વાર કિરણ બેદી જીપમાં રાઉન્ડ લેવા નીકળ્યાં હતાં. ફરતાં ફરતાં તેઓ નદીકાંઠે પહોંચ્યાં. નદીની બંને બાજુ લોકોની ભીડ જામી હતી. હોડીમાં જગ્યા મેળવવા લોકોની લાંબી કતાર લાગેલી હતી. સૌની નજર સામે નવો પૂલ જાણે લોકોની કાયરતાની ઠેકડી ઉડાવતો હતો.

      કિરણ બેદી સાચાં લોકસેવક હતાં. પ્રજાનું સુખ એમને માટે સર્વોપરી હતું. પુલ તૈયાર હોય છતાં પ્રજા ટળવળે એ કેવું? સરકારી અધિકારી હોવા છતાં બીજાઓની જેમ તેઓ જાડી ચામડીનાં નહોતાં થયાં. પૂલના ઉદઘાટન સામે એમને કોઈ વિરોધ નહોતો પરંતુ પ્રધાનને સમય ન મળે ત્યાં સુધી પ્રજા હાલાકી ભોગવ્યા કરે એ એમને મંજૂર નહોતું.

     કિરણ બેદી ઝડપથી પરિસ્થિતિનો તાગ મેળવી લે અને એટલી જ ઝડપથી નિર્ણય લઈ એનો અમલ પણ કરે.

    એમણે પોતાના ડ્રાઈવરને આદેશ આપ્યો,

“ગાડી પૂલ તરફ લઈ લો.”

      ડ્રાઈવર તો ચિઠ્ઠીનો ચાકર. એણે જીપ પૂલ તરફ હંકારી મૂકી. જીપમાં કિરણ બેદીની સાથે રહેલા બીજા પોલીસ કર્મચારીઓ વિચારમાં પડ્યા કે મેડમ આ શું કરે છે ?

     જીપ પૂલ પાસે આવીને અટકી ગઈ. પૂલ પર જવાના રસ્તે ડાબેથી જમણે સુધી આડશો ગોઠવાયેલી હતી, જેથી કોઈ પૂલ પર જઈ શકે નહીં. આડશો ખસેડી શકાય એમ હતી પરંતુ લોકોમાં એવી હિંમત ક્યાં હતી ? સરકારી અધિકારીઓ સામે દુશ્મનાવટ વહોરે કોણ? સૌ ડરતાં હતાં.

      કિરણ બેદીને પૂલને લગતી બાબતોમાં કોઈ સત્તા નહોતી, પરંતુ પ્રજાને મુસીબતમાં મદદરૂપ થવાની પોતાની ફરજને તેઓ બરાબર સમજતાં હતા વળી અન્યાય સહન કરવાનું એમની પ્રકૃતિમાં નહોતું.

     એમણે પોલીસ કર્મચારીઓને હુકમ કર્યો,

“આ બધી આડશો હટાવી લો.”

      આ હુકમથી ઘડીભર તો કર્મચારીઓ મુંઝાયા પરંતુ કિરણ બેદી પોતાની વાતમાં કેટલાં મક્કમ છે તે તેઓ જાણતા હતા. વળી એમના કાર્ય પર એમની શ્રદ્ધા પણ હતી. તરત જ બધા કામે લાગી ગયા. રસ્તા પરની આડશો દૂર થવા માંડી. થોડી વારમાં રસ્તો ખુલ્લો થઈ ગયો. લોકો દૂર ઊભા ઊભા કુતૂહલથી આ બધું જોઈ રહ્યાં હતાં. કોઈને સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે? કિરણ બેદી ફરી જીપમાં બેઠાં અને ડ્રાઈવરને ગાડી પૂલ પર લઈ લેવાની સૂચના આપી.

     ડ્રાઈવરે જીપ દોડાવી મૂકી. ઝુઆરી નદીનાં પાણી જાણે એક પ્રજાવત્સલ અધિકારીને સલામી આપતાં હતાં. કિરણ બેદીના મુખ પર એક મક્કમ નિર્ણયની આભા પથરાયેલી હતી.

       જીપ પૂલના બીજા છેડે જઈને અટકી.  ત્યાં પણ એવી જ આડશો ગોઠવાયેલી હતી. ફરી એ જ હુકમનું પુનરાવર્તન થયું. હવે પૂલ બંને બાજુથી ખુલ્લો થઇ ગયો હતો. કિરણ બેદી ફરી એ જ  જગ્યાએ પાછાં આવ્યાં. લોકોનાં ટોળાં પાસે ગયા અને જાહેરાત કરી કે હવે આમજનતા આ પુલનો ઉપયોગ કરી શકશે.

      લોકોને તો એટલું જ જોઈતું હતું. સૌ આનંદમાં આવી ગયાં અને પૂલ તરફ ઘસારો થઈ ગયો. કિરણ બેદી પોતાની ઓફિસે પાછાં આવ્યાં. એમના મનમાં પ્રજાનું કામ કર્યાનો અને પ્રજાની તકલીફ દૂર કર્યાનો સંતોષ હતો. ખોટી વાતને અટકાવ્યાની ખુમારી હતી. આત્માના અવાજને અનુસર્યાનો  આનંદ હતો.

     કિરણ બેદી જાણતાં હતાં કે પોતાનાં આ પગલાંથી સરકારી અધિકારીઓ કેટલા રોષે ભરાશે! એવું પણ બને કે પોતાને આ કાર્ય માટે ખુલાસો આપવો પડે. એમની પાસે જવાબ માંગવામાં આવે, પરંતુ દરેક પરિસ્થિતિનો સામનો કરવાની એમની પૂરી સજ્જતા હતી. કારણ એક જ કે એમનું પ્રત્યેક કાર્ય પ્રજા પ્રત્યે પૂર્ણ નિષ્ઠાની ભાવનાથી ભરપૂર હતું.

      જનતા કિરણ બેદીના આ કાર્યથી બેહદ ખુશ હતી. લોકો એમના આ નિર્ણયને ઉમળકાથી વધાવતાં હતાં. કિરણ બેદી નો જયજયકાર થતો હતો. આજ સુધી પુલ પરનો વ્યવહાર અટકાવનાર અધિકારીઓ છોભીલા પડ્યાં હતાં. હવે ઉદઘાટન કરવા જાય તો ફારસ જેવું થાય. હવે પ્રધાનને ખુશ કરવાનું કે તકતી મૂકવાનું થઈ શકે નહીં. આવું કરવા જાય તો લોકો હાંસી ઉડાવે. જે પ્રધાનને હસ્તે આ પુલનું ઉદઘાટન થવાનું હતું એ પ્રધાન પણ ખૂબ ધૂંધવાયા.

      કિરણ બેદીને આ અંગે કોઈ કશું પૂછી શક્યું નહીં. કોઈએ એમની પાસે ખુલાસો માંગવાની હિંમત કરી નહીં. એમણે  પ્રજાના હદયમાં જે સ્થાન મેળવ્યું હતું એનું આ પરિણામ હતું. હવે કોઈ કંઈ કરવા જાય તો ખુલ્લાં પડી જાય. કિરણ બેદીને તેમના આ કાર્ય બદલ આડકતરી રીતે પૂછવામાં આવ્યું ખરું. એમણે જવાબ આપી દીધો કે, જેને લોકોની પરેશાનીની ચિંતા છે એવી વ્યક્તિએ પોતાની ફરજના સમય દરમિયાન પુલનું ઉદઘાટન કરી દીધું છે.

      કિરણ બેદીના આ પગલાનો પ્રજામાં એવો પડઘો પડ્યો હતો કે એમની ટીકા કરવાની પણ કોઈએ હિંમત કરી નહીં. કોઈએ આવું કર્યું હોત તો પ્રજા જરૂર વિફરી બેઠી હોત.

     આજે પણ એ પૂલ કોઈ નેતાના નામની તકતી વગર ઊભો છે. એ પોતાની જ ઓળખાણથી ઓળખાય છે અને પ્રજાને માટે ઉપયોગી બની રહ્યો છે. ગોવાની પ્રજાના હદયમાં આ પૂલ દ્વારા કિરણ બેદી જેવા નિષ્ઠાવાન પોલીસ અધિકારીની શાન કોતરાઈ ગઈ છે.     

કિરણ બેદી વિશે વિકિપિડિયા પર આ રહી.

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *