ભરૂચ

ભરૂચ,
ભગૃકચ્છ
   

    ભરૂચ એ પૌરાણિક કથા ગાથાનું ભવ્ય શહેર.અનેક નામ ભરુકચ્છ, બરુસ, બરુહઅને "બિહરાજ"લાટ પ્રદેશ નું પાટનગર. મરાઠા ને હિંદીઓનું ભડોચ. અંગ્રેજોનુ "બ્રોચ" ને અંતે "ભરૂચ".
       આજે આધુનિકતાની પરમસીમામાં ભરૂચનું અસ્તિત્વ કાંઈજ નથી,એક જમાનામાં તેની જાહોજલાલી અનેરી હતી. નર્મદાના પવિત્ર તટ પર વસેલું ભરૂચ તેના બંદર ને વેપાર માટે જાણીતું હતું ગુજરાતના બાવન બંદરો મા ભરૂચ મુખ્ય બંદર હતું .એના બંદર પર ૧૫૦/૨૦૦ ટનના જહાજો લંગારાતા. ચાર  હજાર જહાજોની અવરજવર હતી. ફુરજા પર વિકટોરિયા  ટાવર ને ભરૂચા હોલ.રાયચંદીપચંદ વાંચનાલય, બ્રિજ પરથી દેખાતો એ ટાવર આજે તો અસ્તિત્વમાં નથી. પવિત્ર નદીને કોટ બાંધેલો હતો.ઓવારાઓથી પટ વખણાતો. ભાગેકોટ, નવચોકીનો, ફરજો અને દશાશ્વમેઘ, જયા સમશાન ઘાટ છે અને અશ્વત્થામા આજે પણ હાજરી પુરાવે છે.

    નદીમાં શરદપૂનમે નાવડીમાં બેસી સામે પાર જતા અને નૌકાવિહાર થતા. મંદિરોની સુંદર સજાવટ હતી. શેરીએ શેરીએ મંદિરો નરનારાયણનું  મંદિર , ભૃગુઋષિનુ મંદિર, વૈષ્ણવોની હવેલી, રણછોડજીના મંદિરની દીપમાળ, નવા ડેરાનુ મંદિર, સિંધવાઈ માતા, અંબાજી, બહુચરાજી અને સ્વામીનારાયણનું મંદિર.

    બજારો ની ચહલપહલ કતોપર બજાર, મોટા બજાર,કંસારવાડ, ચોકસીવાડ, લલ્લુભાઈનો  ચકલો, હાજીખાના, ધોળીકૂઈ અને ભરૂચનું હાર્ટ એટલે પાંચ ફાનસ. (અંગ્રેજોના સમય ની ૧૭૦૦ના સમયની કોઠી ..જેમાં દીવાલ પર સનડાયલ નામે સૂર્યની છાંયાથી સમય દર્શાવતી ઘડિયાળ હતી.)

     મુખ્ય ધંધો રૂ, કાપડ ખજૂર, અને સીંગદાણા. બંદરને લીધે પ્રદેશોના વેપારી ને ફિરંગીઓની ચહલપહલ. ઊંચા નીચા ટેકરા એની ખાસિયત, સાંકડી શેરીઓ, મકાનોના છાપરા ને નળિયા, .ઘરમાં પાણી સંગ્રહવા ટાંકા - જેમાં આખા વરસનું વરસાદનું પાણી ભરાતું.  ડ્રેનેજ મા ખાળકૂવાની પધ્ધતિ.

     ૧૮૬૨ માં રેલવે સ્ટેશન બંધાયું અને ૧૮૮૧ માં "ગોલ્ડન બ્રિજ" ને ભરૂચ રેલ માર્ગે જોડાયું. ૧૯૩૫માં સિલ્વર જ્યુબિલી બ્રિજ બંધાયો. ધીરે ધીરે જળમાર્ગ બંધ થયા અને જાહોજલાલી ઝાંખી થતી ચાલી.

     હવેલીઓ ----- વેજલપુમાં વાણિયાના વસવાટોની, નવા ડેરામાં પટેલની હવેલીઓ, ત્યારની જાહોજલાલી દર્શાવે છે.

     ઉત્સવોમાં આજે પણ ભોઈ અને ખારવાના શ્રાવણ માસ નો મેઘરાજા ને છડીનો ઉત્સવ ઉજવાય છે - જે ભારતભરમાં અનોખો ઉત્સવ છે. મેળો ભરાતો સોનેરી મહેલમાં જયા વિશ્વંભરથી વેપારીઓ આવતા. આજે એ નહિવત્ આનંદ ગયો છે. ભાડભૂજનો મેળો ને કોઠાની રમઝટ થતી. નવરાત્રિ શેરીએ લહાણીઓનો લહાવો આપતી. હોળી ને ધુળેટી ની ઉજાણી થતી. મકરસંક્રાંતિની છાપરે છાપરે પતંગની મજા લૂંટાતી. દિવાળીમાં સબરસ વેચાતું ને બક્ષિસ મળતી. માણસાઈ ઊભરાતી.

     શાળા શિક્ષણ અને વેદપાઠો થતા. પાનના ગલ્લે પ્રભાતિયાં વાગતાં અને પાપડી માટે ફરસાણ ની દુકાને લાઈન પડતી. મુનશીની સુતરફેણી અને ગુંદરપાક વખણાતા. બેકરીની નાનખટાઈ, ઘરના ઘીને લોટ ની પડતી. શુક્લતીર્થના મેળામાં સાબુ ગોળાઆને ફાફા અને દાળિયાના રોટલા ને ખારી સીંગ સાકરિયા ભેળવી ખાતા. જન્માષ્ટમીએ કંદની પૂરી માટે લાઈન પડતી. લીલવાની કચોરી ને અંતે ગોટીસોડા. મુસ્લિમોનો ફાલૂદો વખણાતો. 

    નળને બદલે રતન તળાવ ને ફાટા તળાવ, ધોળીકૂઈ ને સક્કરકૂઈને ગીલાણીના કૂવાનું પાણી પીવાતું.  'ળ' ને બદલે 'લ' સ્થાનિક બોલીમાં બોલાતો.

     સિવિલ દવાખાનું ને સેવાશ્રમ અને સારા દાક્તર ભરૂચની અનોખી ઓળખ હતી. વિદ્યાર્થીઓનુ પ્રિય સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ હતું. સિનેમા થિયેટર ને રંગભૂમિ ના ક્રાર્યક્રમો સુંદર રીતે ભજવતા. જાણીતા સંગીતકાર ઓમકારનાથજી ભરૂચમાં વસતા. .ક. મા. મુનશી, 'પ્રશાંત' અને નરોત્તમ વાળંદ જેવા લેખકો ભરૂચન છે. કલાકારો પ્રમોદ પટેલ. 

     ભવ્ય ભરૂચની ભવ્યતા પ્રશ્ન બની ગઈ છે.

      પણ પેટ્રોલના ધુમાડા છોડતા આ ભરૂચમાં પ્રવેશતાં જાહોજલાલીની નિશાની રૂપ "ઘોડાગાડી" મને તો આજે પણ યાદ આવી જાય છે.

    મિત્રો.....સફર મારા ભવ્ય ભરૂચની ગમી કે નહિ?  રૂર જણાવશો.


નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

-- --
GNFC bharuch
નર્મદા નદી પર પુલ

One thought on “ભરૂચ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *