બકો જમાદાર – ૧૩

  -   જયશ્રી પટેલ

નમસ્તે બાળકો,

    મંગળવાર તો આવી ગયો. કેવો મજાનો હોય છે, નહિં?   બધાની વાર્તા સાંભળો ને વાંચો છો? ચાલો આજે આપણે બકા જમાદારના જીવનમાં ફરી ડોકિયું કરી આવીએ.

      બકા જમાદારને નિત્ય નવું વાંચવા જોઈએ તેથી તેમને ખૂબ જ્ઞાન હતું . રોજ પક્ષીઓ વિશે વાંચે અને અભ્યાસ પણ કરે. સામાન્ય ચકલી, કબૂતર, હોલો, હંસ, પોપટ, મેના અને રંગબેરંગી પીંછા વાળો મોર - બધા વિશે વાંચે.

 

   એકવાર એમના મિત્ર ઘેટાભાઈએ કહ્યું કે, "મેં તળાવમાં આજે બે હંસ તરતા જોયા સુંદર હતા. પણ એમની વાત પરથી લાગ્યું કે, એ બધા ચિંતિત હતા." બકા જમાદારને થયું, 'મારે પણ ત્યાં જઈ એમની વાત સાંભળવી પડશે.'

     એ તો ઉપડ્યા અને ઊભા રહ્યા તળાવની પાળીએ. ઘણો સમય વિત્યો પણ હંસ કે હંસની તરતા દેખાયાં નહિં.  ન કંઈ એંધાણ મળ્યા. નિરાશ થઈ પાછા આવ્યા.ખાધું ન ખાધું કરી સૂઈ ગયા. પણ નિંદર વેરણ થઈ ગઈ. શુુ બન્યું હશે? કેમ ચિંતા કરતા હશે? જુઓ બાળકો કેવા ભલા હતા બકા જમાદાર કે, એમને હંસની ચિંતા થતી હતી. આપણે પણ ક્યારે મિત્રના સંકટને સમજીએ, એનાથી ન રિસાઈએ પણ એનુ અંતર મન ઓળખીએ તો જીવનમાં કદી કડવાશ ન રહે.

      બીજે દિવસે વહેલા ઉઠીને પહોંચ્યા અને ઊભા રહ્યા.સાંભળ્યું કે, તળાવમાં એક ઝેરી સાપ ક્યાંકથી આવી ચઢ્યો છે. ગામના છોકરાઓ તરવા આવે, ઢોર પાણી પીવા આવે, આ બધાને જો નુકશાન કરી દેશે. તો હવે એને કાઢવો રહ્યો. જુઓ ઘરમાં આવેલા મહેમાનને  એમ થોડો કાઢી મૂકાય? ”અતિથિ દેવો ભવ”

      હવે શું કરે કે સાપ મરે પણ નહિ ને લાઠી તૂટે પણ નહિ. બકા જમાદારેનક્કી કર્યુ કે, સાપ સાથે નોળિયાભાઈનો મેળાપ કરાવી દઈએ ત્યાં સુધી બધા જીવ, જંતુ,ઢોર ઢાંકર બધાને તળાવ પાસે જવાની મનાઈ ફરમાવામાં આવી. નોળિયાભાઈ તો તળાવ પાસે ગયા અને ફરવા લાગ્યા. સાપ અને નોળિયાને બાપદાદા નાં વેર. સાપ તો સડસડાટ તળાવના કિનારે આવ્યો ને ગર્વથી ફેણ ઊંચી કરી જોરજોરથી ફુત્કાર કરવા લાગ્યો. નોળિયાએ સમજાવ્યું કે તળાવ અમારે માટે ખૂબ મહત્વનું છે માટે તમે બંધુ આ તળાવ છોડી જાવ તો સારૂં.

      અભિમાની સાપ તો ન માન્યો. હવે શું કરવું? લઢે વઢે તો મારામારી થાય ને એ કરવી નહોતી. નિશાનબાજ બાજ ભાઈને બોલાવ્યા કે હવે તમે રસ્તો કાઢો.જુઓ. બાળકો! બકા જમાદાર હિંસા કર્યા વગર નિકાલ લાવવા માંગતા હતા. બાજે નક્કી કર્યુ કે, એમને પંજામાં ઊંચકીને જંગલમાં ફેંકી આવું. પણ સાપ તો હાથમાં જ ન આવે. સાપને તો બહુ મજા આવી ગઈ - બધાને હેરાન કરવાની.

   બરકેશ અને તેની તોફાની ટોળી આવી પહોંચી,એમાં રામા મદારીનો દીકરો પણ હતો. એણે યુક્તિ કરી કે, હવે એની મસ્તી ઓછી કરવી રહી. જુઓ બાળકો હળીમળી ને ન રહીએ ને તો ક્યારેક મોટી ક્ષતિ ભોગવવી પડે. સાપને લલચાવવા ને એણે સાપને પકડ્યો અને પછી એને બેભાન કરી એના ઝેરીલા દાંત જ  કાઢી નાંખ્યા. પછી એને છોડી મૂક્યો. હવે ન તો એ કોઈને ડંખ મારી શકે ન કોઈને ઝેર ચઢે.  કોઈ એનાથી ડરે પણ નહિ.

     જુઓ જાણી જોઈને સાપે પોતાની જિંદગી પોતાના ગુણધર્મ વગર જીવવાનો વારો આવ્યો. બકા જમાદાર તો એનું ભલું ઈચ્છતા હતા. સાપે તો પોતે જ પોતાના હાલ ધોબીના કૂતરા જેવા કર્યા.  ન રહ્યો ઘરનો ન રહ્યો ઘાટનો.

     હંસ ને હંસિની એ બકા જોરદારને આભાર માન્યો ને મદારી ના પુત્રનો પણ. બધે ખુશી ફેલાઈ ગઈ.  માટે બાળકો પરિસ્થિતિને અનુકળ થઈને બધા સાથે હળીમળીને રહેતા શીખીએ તો માનથી ને આનંદમાં રહી શકીએ.

      માનશો ને માનપૂર્વક જીવવાનું? - તમારી મિત્ર શ્રીની વાત.

પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...


નોંધ -  ડાબી બાજુના કોઈ પણ ફોટા પર ક્લિક કરી નવી વિન્ડોમાં મોટો જુઓ. ત્યાં ફરી ક્લિક કરી અહીં પાછા આવી જાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.