દૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧

  - તેજલ વઘાસિયા ( ડોલી )

          [તેજલ બહેન એક નાના ગામમાં રહે છે, અને ગૃહિણી તરીકે પોતાની ફરજો અદા કરે છે. પણ એમને વાંચવા અને લખવાનો બહુ જ શોખ છે. આભાર ઈન્ટરનેટનો કે, ઘેર બેઠાં બેઠાં પોતાનો શોખ ફાજલ સમયમાં પૂરો કરી શકે છે. ગામડાંના વાતાવરણથી મઘમઘતી આ વાર્તા આપણને એમના ગામમાં લઈ જાય છે.]


       મણીનગર નામે એક નાનકડું ગામ. આ ગામમાં એક નાનું અને સુખી કુટુંબ રહે. મગન ભાઈ નો પરિવાર  એટલે ગામમાં સૌથી સુખી પરિવાર.  મગનભાઈ ના પરિવારમાં પોતે, એની પત્ની સુશીલાબેન, એક પુત્ર રમેશ અને પુત્રી રીટા ...એમ ચાર સભ્યો હતા. મગનભાઈની ઉંમર લગભગ સિત્તેરેક વર્ષ ની. સ્વભાવ એમનો હસમુખો. સદા હસતો ચહેરો રાખે. બધા સાથે હળી મળી જાય. બાળકો સાથે બાળક બનીને રહે. પોતાના સંતાનો સાથે દોસ્ત બનીને રહે.

      ગામમાં કોઈને પણ મુશ્કેલી હોય તો મગનભાઈને યાદ કરે. કોઈની પણ મૂંઝવણ ખુબ ઝડપથી સમજી શકે અને મદદ કરવાની તૈયારી બતાવે. મગન ભાઈને પોતાના સંતાનો પર અપાર પ્રેમ. બંને સંતાનના લગ્ન થઈ ગયા હતા. બંને ભાઈ-બહેન પોત પોતાના સંસારમાં સુખી હતાં. રમેશ પોતાના ગામ થી થોડે દૂર આવેલા એક શહેરમાં રહેતો હતો. રમેશ ને પણ આઠ વર્ષ ની એક પુત્રી હતી. નામ એનુ હેત્વી. વર્ષની બધી રજાઓ માણવા રમેશ પોતાની પત્ની અને પુત્રીની સાથે પોતાના પિતાના ઘરે જ આવવાનું પસંદ કરે.

     મગનભાઈ પોતાની પૌત્રી હેત્વીની સાથે ખુબ રમે. ખુબ લાડ લડાવે. ખેતરમાં સાથે લઇ જાય, જુદા - જુદા વૃક્ષોની ઓળખાણ આપે અને " કંઈ પણ પુછવું હોય તો અચકાયા વગર જ પુછજો, હોં દીકરા" એવું લાડથી કહે. હેત્વી બાળપણથી જ ખુબ હોંશિયાર. એને દાદા ની વાતો સાંભળવા માં ખુબ જ મજા પડે. સ્વભાવે બોલકણી, વાતુડી પણ ખરી. નવું નવું જાણવા ની જિજ્ઞાસાવૃત્તિ ધરાવતી. 

     એક સવાલનો જવાબ મળે કે, તરત જ બીજો સવાલ ઉઠાવે .

      દાદાજી કહેતા :"બેટા વૃક્ષો આપણને જીવનમાં ખુબ જ ઉપયોગી છે. એ વરસાદ લાવવામાં ઉપયોગી થાય છે. વૃક્ષો આપણું હવામાન શુદ્ધ રાખે છે. ઘણી વનસ્પતિઓમાંથી દવાઓ પણ બનાવવામાં આવે છે. વનસ્પતિ અને વૃક્ષો વગરનું આપણું જીવન નકામું છે. એના વગર માનવ જીવનમાં જાણે કાંઈ જ નથી." આમ વાત કરતા કરતા પૌત્રી લઈ ને ખેતરમાં ચારે તરફ આટો મારે. 

     હેત્વી કહે : "અમારી સ્કુલમાં અમને વૃક્ષ વિશે માહિતી આપવામાં આવે છે એટલે મને થોડી ઘણી ખબર તો હતી; પરંતુ હું વૃક્ષને ઓળખતી ન હતી. અને આજે તમારી સાથે અહીં આવીને મને ઘણા વૃક્ષોને ઓળખાણ પડી. એમને નજીકથી જોવાની ખુબ જ મજા પડી ."

     ચાલતાં ચાલતાં નજીક આવેલા એક વૃક્ષના થડ પાસે જઈને હેત્વી એ પુછ્યું :" દાદાજી આ શેનું ઝાડ છે ? જુઓ તો કેટલું મોટું છે આ ઝાડ?"

   દાદાજીએ વ્હાલથી માથે હાથ ફેરવી ને જવાબ આપ્યો :  "આ આંબલીનું ઝાડ છે. આ ઝાડ બહુ જ જૂનું છે. આ આંબલી મારા દાદાજીના હાથે રોપાયેલી છે. હું લગભગ પાંચેક વર્ષનો હોઈશ ત્યારે રોપી છે; એવું મારા દાદાજી કહેતા હતા."

    દાદાને વચ્ચેથી જ અટકાવીને હેત્વી બોલવા લાગી : "તો તો આ આંબલી કેટલા વર્ષ ની થઈ હશે, દાદુ?"

    "મને ખબર નથી " એવો દાદાનો જવાબ સાંભળીને ફરી એક વાર પુછ્યું : "તમારા કેટલા વર્ષ થયા, દાદુ? "

    દાદાજીએ કહ્યું : "મારી ઉમરનું તારે શું કામ પડ્યું વળી ? "

     થોડા ઉત્સાહમાં આવી જઈને દાદાના બંને હાથ પકડીને ફરી પુછ્યું : "કો 'ને દાદુ મારે કામ છે. please, please ,please,,,"

    થોડો વિચાર કરીને પછી મગન ભાઈ બોલ્યા : "અં...અં..અં..મારા લગભગ સિત્તેર વર્ષ થયા હશે."

     દાદાના મુખેથી સિત્તેર સાંભળીને હેત્વી બોલવા લાગી : "તમારા અત્યારે સિત્તેર અને આ આંબલી તમે પાંચ વર્ષ ના હતા ત્યારે રોપી છે તો.... (થોડી વાર હાથની આંગળી ના વેઢા વડે ગણતરી કરીને ઉછળીને બોલી ) પાંસઠ.  આ આંબલી પાંસઠ વર્ષ ની થઈ હશે. પાક્કુ ને દાદાજી? "

    " હા, હા, ચાલ આપણે હવે ઘરે જઈએ. તારાં મમ્મી અને તારાં દાદી તારી રાહ જોતાં હશે. અને વળી કહેતાં હશે કે, "આ દાદો આપણી હેત્વીને લઈને ક્યાં ગયો હશે? "

     એમ બોલીને હેત્વીને ઉંચકી લે છે અને ઘર તરફ આગળ વધવા લાગે છે. થોડી વાર હેત્વીને પોતાના ખભા ઉપર બેસાડી દે છે. પોતાનું ઘર નજીક આવતા હેત્વીને નીચે ઉતારી દે છે અને કહે છે  " હવે મારો હાથ પકડીને ચાલ, હું થાકી ગયો. "

     થોડે દૂરથી પોતાનું ઘર દેખતાની સાથે જ હેત્વી તો દાદાજી નો હાથ છોડાવી ને ઊછળતી, કૂદકા મારતી ને દોડતી ઘરે પહોંચી જાય છે. આંગણામાં દાદી પથરણિયું પાથરીને બેઠા હતા, ત્યાં દાદી ના ખોળામાં લાંબી થઈ ને સૂઈ જાય છે. દાદી હેત્વી ના માથે હાથ ફેરવી ને પુછે છે : "થાકી ગઈ ને દીકરા! તને હું ના કે'તી તી તોય તારા દાદા હારે( સાથે ) હાલતી પકડી. "

     દાદી ના ખોળામાંથી સફાળી બેઠી થઈને કહે છે :"ના હોં! હું તો બિલકુલ થાકી નથી. જુઓ જુઓ મારી સામે જુઓ. ઊલ્ટાનું મે મારા દાદાને થકવી દીધા.( ડેલી બાજુ જોઈને ) તેઓ હજી ત્યાં જ પહોંચ્યા છે. જો હું થાકી હોઉં તો હું એમની પાછળ ના રહી જાઉં?'

    (ઉત્સાહ થી પુછે છે) "બોલો, બોલો, બોલો, દાદીમા બોલો."

    રસોડામાંથી હેત્વીની મમ્મી બોલી : "મને ખબર છે તું નહી થાકી હોય. પરંતુ તે દાદાને જરૂર થકવી દીધા હશે - બહુ બોલ બોલ કરી ને. તું દાદાને પાણીનો લોટો ભરી આપ એટલે દાદાનો થાક ઉતરી જાય. "

     પાણી નો લોટો ભરતાં ભરતાં એની મમ્મીને પુછવા લાગે છે : "મમ્મી! તે દાદાના ખેતરમાં રહેલી મોટી આંબલી જોઈ છે ક્યારેય ? "

  પાણી નો લોટો લઈ ને દાદા પાસે પહોંચી જાય છે અને  દાદાને પાણીનો લોટો આપતાં કહે છે કે :"જોયુંને દાદાજી થકવી દીધા ને તમને તમારી દીકરી એ ? ઘેર આવતામાં તમને પાછળ રાખી દીધા -  હેં કે નહિં ? "

     ગામ તરફથી ઘરે પરત આવતા હેત્વીના પપ્પા એ કહ્યું : "હા , હો મારો હીરલો તો બધા નો લાડકવાયો છે, તારાથી અમે ન થાકીએ. " હેત્વી ને પોતાના ખોળામાં બેસાડી દાદા તરફ જોઈને કહ્યું:"અરે હા, પપ્પા, તમને તમારા જાયભાઈ (દોસ્ત)  પેલા  ભોવાનકાકા યાદ કરતા હતા , અને કે'તા તા કે હમણાં તમે એમને મળ્યા જ નથી."

     પપ્પા ની વાત પૂરી થઈ કે નહીં એ જાણ્યા પહેલાં વચ્ચે જ હેત્વી બોલવા લાગી : "જાય ભાઈ તે વળી શું પપ્પા ?"

     હેત્વીને એના પપ્પા સમજાવે છે કે :"તારે તારી સ્કુલમાં અભ્યાસ કરતી દોસ્ત હોય ને; એમ અમારા ગામડાઓમાં અમે જાય ભાઈ કહીએ. "

    પપ્પા પાસેથી ઉભી થઇ ને હેત્વી દાદા પાસે જઈને કહે છે :"મને લઈ જશો તમારા જાયભાઈ ને ઘેર?  મને તમારી સાથે આવવું બહુ ગમે છે. "

     " હા, હા, ચોક્કસ.  આપણે બેઉ કાલે સવારે જઈશું."

    હેત્વી જીદ કરે છે :" ચાલોને અત્યારે જ જઈએ ."

    "અત્યારે તો સાંજ પડવા આવી, જો તારા દાદી મંદિર જતા હોય એવું લાગે છે. એની સાથે જા મંદિરે જવું હોય તો. મારા દોસ્તનું ઘર તો અહીં થી દૂર થાય. અત્યારે આપણે ત્યાં ન પહોંચી શકીએ."  મગનભાઈ હેત્વીને શાંતિથી સમજાવે છે. સાંજ પડી જાય છે.

   સૌ જમી પરવારીને ફ્રેશ થઈ ગયા. હેત્વી બધા સાથે જુદી જુદી વાત કરતી ફરે છે અને થાકી ને સૂઈ જાય છે. 

પણ આમાં દૂધી અને આંબો ક્યાં ?  એ વાત આવતા રવિવારે 


પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...

વડ
લીમડો
પીપળો
નાળિયેરી
ગુલાબ
મોગરા
ચંપો
કમળ

2 thoughts on “દૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧”

  1. બહુ સરસ. તેજલબેન તમારી વાર્તામાં પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ, સહજતાથી વૃક્ષો વિશે સમજ, ગણિત, સંબંધો, વ્હાલ ઘણું વણાયેલું છે.

    તમે લખતાં જ રહેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.