ભણતરનો ભાર

- શૈલેશ જોશી

સાત સાત વિષય ને બાળક છે એકલું.

નાનકડું મગજ કહો યાદ રાખે કેટલું?

અડધો દિવસ તો એ શાળામાં શેકાતો

ને ઘરે આવે તો પાછો કલાસીસમાં ફેકાતો

કુમળા ફૂલને સૌ નિચોવે છે કેટલું?

નાનકડું મગજ કહો યાદ રાખે કેટલું?

પરીઓના બદલે હવે પરીક્ષાના સપના આવે છે.

અને ટોપર્સનું ભૂત એને હરઘડી સતાવે છે.

ગોખણપટ્ટીની હરીફાઈમાં મૌલિક બને બિચારું કેટલું?

નાનકડું મગજ કહો યાદ રાખે કેટલું?

મમ્મી અને પપ્પાના અધૂરા અરમાનો.

પુરા કરે બિચારું કેટકેટલા ફરમાનો?

મ્યુઝિક, ડાન્સ, ચિત્ર ને સ્વિમિંગ. શીખે બિચારું કેટલું?

નાનકડું મગજ કહો યાદ રાખે કેટલું?

અંગ્રેજી તો જાણે બની છે જીવન સંજીવની.

ચિંતા નથી કોઈને બાળકના જીવની.

સાવકી મા ના ખોળે વિકસે બિચારું કેટલું?

નાનકડું મગજ કહો યાદ રાખે કેટલું?

ભણતરના નામે કેટલીય રમતો વિસરાય છે.

ગૃહકાર્યની ભીસમાં શેરીના મિત્રો ખોવાય છે.

જળ વિન માછલી જીવશે બિચારી કેટલું?

નાનકડું મગજ કહો યાદ રાખે કેટલું?

સાત સાત વિષય ને બાળક છે એકલું.

નાનકડું મગજ કહો યાદ રાખે કેટલું?

10 thoughts on “ભણતરનો ભાર”

  1. ભણતર નો ભાર ના હોવો જોઈએ . ભણતર એ ભાર છે એમ કેમ કહેવાય !

    ભણતરની સાથે ગણતર પણ હોવું જરૂરી છે.ભણતર ને જીવન કળા સાથે વણી લેવાનું જરૂરી છે.

  2. સ રસ.
    ભાર હળવો કરવા રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો પરિપત્ર- અધિકૃત શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત સામગ્રી જ રાખી શકાશે સ્કૂલ બેગમાં…

  3. ખૂબ જ સરસ છે. ખૂબ ખૂબ ખોબલે ખોબલે અભિનંદન

  4. આ વિચારો કોઇક સિનિયર વડિલના હોય તેવું લાગે છે. વિજ્ઞાન કહે છે કે બાળકના જીવનના પહેલાં પાંચ વરસોમાં જેટલું તે સાચવી શકે છે તે સૌથી વઘુ તેના જીવનમાં બને છે. ભ્ારતના વડિલો જેઓ આજે ૭૦ વરસની આસપાસના છે તેઓ આવા વિચારો હજી પણ બોલતા હોય છે. …તેમના ગ્રાન્ડ ચીલ્ડરનો માટે. પરંતું તે બાળકોના પેરેન્ટસ્ આજના વિચારોને સમજે છે અને તે જ સાચુ છે.
    અમૃત હઝારી.

  5. ભણવાની ઉલઝન ચોટદાર ને રસદાર રીતે અભિવ્યક્ત થઈ

    રમેશ પટેલ(આકાશદીપ)

  6. બિલકુલ સાચી વાત છે, આમાં બાળકની
    અસલ પ્રતિભા પણ દબાઇ જાય છે.

  7. બાળક છે એકલું

    મગજ છે માટલું

    ભરો ગમે તેટલું

    માટલુ છે ફુટલું

    ( કદી ભરાશે નહી. બસ ભર્યા કરો, યાદ શક્તિ વધ્યા કરશે !)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *