સાલસતા

- રાજુલ કૌશિક        

     'આપણો સ્વભાવ કેવો છે?' - એવું કોઈ પૂછે તો આપણે શું કહીએ? હું તો બહુ સારો છું કે, બહુ સારી છું. હું તો બહુ ચોક્કસ છું, મારી તો કોઈ દિવસ ભૂલ હોય જ નહીં ને. આવું બધું જ આપણી જાત માટે કહીએ. બરાબર ને? એમાં કદાચ કોઇ એકાદ અપવાદ હોઈ શકે. કારણકે, એક મોટા ભાગના લોકોની એવી માન્યતા અથવા એવી જીદ હોય છે કે..

       “હું જ સાચો અથવા હું જ સાચી. મારી તો ભૂલથી પણ ભૂલ ના જ હોય. મેં જે કઈ કીધું એ સમજવામાં તમારી જ ભૂલ હશે…” વગેરે.....વગેરે…

     આવું જ હંમેશા બનતું આવ્યું છે અને મોટા ભાગે બનતું રહેવાનું છે. તો પછી આમ આદમી અને અનોખી વ્યક્તિ વચ્ચે શું ફરક? તો ચાલો એ પણ જોઇએ..

     અંગ્રેજોનું રાજ્ય હતું. એમની ગુલામીમાંથી ભારતને મુક્ત કરાવવા ગાંધીજીનો શું ફાળો હતો એ પણ સૌ જાણે છે. પરંતુ ગાંધીજી અને શ્રીમતી એની બેસન્ટ વચ્ચે ક્યાંક કોઇ મુદ્દે મતભેદ રહેતા હતા એ કદાચ થોડા-ઘણા લોકો જ જાણતા હશે.

....................

     મુંબઈ ખાતે શ્રીમતી એની બેસન્ટના જન્મદિને એક સમારોહનું આયોજન થયું હતું; જેના અધ્યક્ષપદે ગાંધીજીની નિમણૂંક થઈ હતી. હવે આવા અભિવાદનના સમયે સ્પષ્ટ વકતા તરીકે ગાંધીજી 'શું બોલશે અને એના કેવા પ્રત્યાઘાત આવશે?'- એ જાણવાની  સ્વભાવિક રીતે સૌને અધીરાઈ હતી

     ગાંધીજીએ માઇક હાથમાં લીધુ કે, સભાગૃહમાં સન્નાટો છવાઈ ગયો. ગાંધીજીએ એમની એકદમ હળવી શૈલીમાં અત્યંત સાહજિકતાથી પ્રવચન શરૂ કર્યું. જેનો સાર એવો હતો કે - ગાંધીજી શ્રીમતી એની બેસન્ટને ઘણા લાંબા અરસાથી જાણતા હતા અને લંડનના વિક્ટોરિયા હોલમાં એમનું પ્રવચન સાંભળ્યું ત્યારથી એની બેસન્ટ માટે એમને આદરભાવ ઉપજ્યો હતો. એની બેસન્ટ એમના માટે એક સન્માનનીય મહિલા હતા. આગળ વધીને એમણે એમ કહ્યું કે, શ્રીમતી એની બેસન્ટની અગણિત સેવાઓ માટે જો એમને કંઇક કહેવાનું હોય તો એનું વર્ણન કરવા શેષનાગની જેમ હજાર જીભની જરૂર પડશે.

     ગાંધીજીએ અત્યંત નિખાલસતાપૂર્વક કહ્યું હતું કે, શ્રીમતી એની બેસન્ટ અને એમની વચ્ચે જે કોઇ મતભેદ હતા ત્યારે એમાં એમને પોતાની જ ભૂલ જણાઇ હતી. એમણે પોતાના વક્તવ્યને સમર્થન આપવા એક દ્રષ્ટાંત આપ્યું કે 

    “આપણે સૂરજ સામે ખુલ્લી આંખે ન જોઇ શકીએ તો એમાં દોષ સૂરજનો નહીં પણ આપણી આંખોનો હોય છે. આપણી કીકીઓનો હોય છે.”

     

આપણે આવું ગાંધીજીની જેમ સ્વીકારી કે કહી શકીશું ખરા?

     સરળતા, સાલસાઈ, સલૂકાઈ,  એ જ વ્યક્તિને આમ વ્યક્તિમાંથી અનોખી બનાવે છે. અન્યનો જ માત્ર દોષ તો સૌ કોઇ શોધી શકે પરંતુ મતભેદની વચ્ચે પણ સામેની વ્યક્તિનું સૌંદર્ય પારખે એવી વિશિષ્ટતા-વિલક્ષણતા કે તટસ્થતા તો ભાગ્યેજ કોઇમાં હોય.

તેમનો બ્લોગ - રાજુલનું મનોજગત

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *