ડાંગરના ખેતરમાંથી ગોલ્ડ મેડલ – હીમા દાસ

સાભાર -  પ્રભુલાલ ભારડિયા

હેલો પપ્પા,
તમે લોકો જ્યારે સુઈ ગયા હતા ત્યારે મેં ઇતિહાસ સર્જી ગોલ્ડ મેડલ જીત્યો છે."

"બેટા, અમે પણ તને રેસમાં દોડતી જોવા માટે જાગ્યા હતા... "

અને હિમા દાસ ભાવુક થઈ ફોન પર રડી પડી....

12મી જુલાઈના રોજ ફિનલેન્ડના ટેમ્પિયર શહેરના રેટિના સ્ટેડિયમમાં આયોજિત વર્લ્ડ અન્ડર-20 એથ્લેટિક્સ સ્પર્ધામાં મહિલાઓની 400 મીટર દોડમાં બંદૂકમાંથી ગોળી છૂટે એમ દોડી 51.46 સેકન્ડમાં દોડ પુરી કરી સુવર્ણચંદ્રક મેળવનારી હિમા દાસનો 20 દિવસમાં આ પાંચમો ગોલ્ડ મેડલ હતો.

દીકરીની આ સિદ્ધિનો પ્રતિભાવ આપતા હિમાના પિતા રંજીતદાસે મીડિયાને કહ્યું કે હું 'ને મારી પત્ની જોનાલી ગઈ રાત્રે ઊંઘી શક્યા ન હતા. કારણકે અમને ચિંતા હતી કે હિમાની સફળતા બાદ અભિનંદન આપવા આવનારાઓને અમે પૂરતું ભોજન આપી શકીશું કે નહીં..? શાકભાજી તો ખૂટી નહીં પડે ને?

આવા સાવ સાધારણ પરિવારની દીકરીની ઉદારતા તો જુઓ... પોતાને મળેલ ગોલ્ડ મેડલ રાશિમાંથી અડધી રાશિ તેને ઓરિસ્સાના પૂરપીડિતોના રાહત ફંડમાં આપી દીધી.

આસામના નાગાંવ જિલ્લાના ઢીંગ ગામની રહેવાસી હિમા દાસનો જન્મ 9 જાન્યુઆરી, 2000ના રોજ થયો. આસામના ડાંગરના ખેતરમાં મજૂરી કામ કરતા પિતા 6 વીઘા જમીનમાં 6 જણાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

આમ, એક સાવ સામાન્ય ખેડૂત પરિવાર જન્મેલી અને કાદવ-કીચડમાં ફૂટબોલ રમનારી હિમા પાસે બે વર્ષ પહેલાં સુધી રેસિંગ ટ્રેકમાં દોડવા માટે સારા બુટ પણ ન હતા. આજે એડિડાસ જેવી પ્રખ્યાત સૂઝ કંપની હિમાને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી આનંદ અનુભવી રહી છે.

નાનપણમાં ગામના નદી-નાળા, ખેતરો-જંગલોમાં હરણીની જેમ ઉછળ-કૂદ કરનારી હિમા વા' સાથે વાતો કરતી'તી. નાનપણમાં કાદવમાં ફૂટબોલ રમતી હિમાને એક એથ્લેટિક્સ કોચ જોઈ ગયા. હીર પારખી લીધું. તેમણે હિમાને રમતમાં આગળ વધવા કહ્યું. તેના માતા-પિતાને પણ હિમાને આગળ ધપાવવા જણાવ્યું. પરંતુ માતા-પિતાની ઈચ્છા ન હતી. દીકરી સગીર હતી અને એથ્લેટિક્સની તાલીમ માટે છેક ગુવાહાટી જવું પડે, જે 150 km દૂર હતું. છતાં કોચ માતા-પિતાને સમજાવવામાં સફળ રહ્યા.

ગુવાહાટીમાં નિયોનદાસ નામના એક કોચ સાથે હિમાનો પરિચય થયો. અસલી હીરાના પારખુ એવા આ કોચને ખ્યાલ હતો કે હિમાની ખરી દોડ અંતિમ 80 મીટરમાં જ શરૂ થાય છે. કોચે હિમાનું હીર પારખી તેને ગુવાહાટી માં ભાડાનું મકાન અપાવ્યું. અને એમ ગુવાહાટીમાં હિમાની તાલીમ શરૂ થઈ.

સાવ સસ્તા સૂઝ પહેરીને હિમાએ જિલ્લા કક્ષાએ 100 અને 200 મીટર રેસ જીતી ત્યારે કોચ નિયોનદાસ દંગ રહી ગયા. પછી તો હિમા ક્યાં રોકાય તેમ હતી..!!

સૌ પ્રથમ માર્ચમાં યોજાયેલી ફેડરેશન કપ સ્પર્ધામાં 400 મીટર રેસમાં હિમાએ ગોલ્ડ મેડલ જીત્યો. એ સાથે જ કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઇ થઈ. કોમનવેલ્થ ગેમ્સમાં તેણે 51.32 સેકન્ડ સમય નોંધાવ્યો જે વાસ્તવમાં એ સ્પર્ધામાં ભારતનો અન્ડર-20 વિક્રમ બની ગયો. કોમનવેલ્થ ગેમ્સમાં તે 400 મીટરની ફાઇનલમાં આવી અને 6ઠ્ઠા ક્રમે આવી.

હિમાએ ફક્ત 20 દિવસમાં જ કુલ પાંચ ગોલ્ડ મેડલ જીત્યા છે, જે એક અનોખી સિદ્ધિ છે.

તેની આ સિદ્ધિ બદલ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર સહિતની દેશની ટોચની હસ્તીઓએ તેને અભિનંદન પાઠવ્યા છે.

આસામના ડાંગરના ખેતરોમાંથી સીધી ગોલ્ડ મેડલ સુધી પહોંચી જનારી આ ઉડન પરીએ જ્યારે ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારે લાઈટ ન હોવાથી તેનો પરિવાર એ મેડલ સેરેમની જોઈ શક્યો ન હતો. આ કેવી કરૂણતા..!

'હિમા દાસ ગોલ્ડ મેડલ મેળવી મીડિયા સાથે વાત કરી રહી હતી ત્યારે તે ફ્લુઅંટ અંગ્રેજીમાં વાત નહોતી કરી શકી...' એવું ટ્વીટ જ્યારે ભારતીય એથ્લેટિક્સ ફેડરેશને કર્યું ત્યારે ખૂબ વિવાદ થયો. સોસીયલ મીડિયામાં ફેડરેશનની ઉગ્ર ટીકા થઈ. જેથી ફેડરેશને માફી માગી અને તેની રમતની પ્રશંસા કરી.

ટૂંકમાં, તમે ગમે તેટલા મહાન બની જાઓ છતાં પણ ગરીબી અને પછાતપણાના લીધે લોકોની માનસિકતા બદલાતી નથી... તમારું પછાતપણું તમારો પીછો છોડતું નથી... એ આવી ઘટનાઓથી સાબિત થાય છે.

    સફળતા ને પૈસા સાથે કોઈ લેવાદેવા નથી એ હીમા દાસે સાબિત કર્યું ..જો તમે ચાહતા હોય કે હિમાં દાસ આપણને ઓલિમ્પિક્સ માં પણ ગોલ્ડ મેડલ અપાવે તો તેને સતત પ્રોત્સાહન આપવું જરૂરી છે ..વધુ ને વધુ મેસેજ કરી એની સિદ્ધિ ને બિરદાવીએ..

One thought on “ડાંગરના ખેતરમાંથી ગોલ્ડ મેડલ – હીમા દાસ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *