માતાપિતાએ આ ૨૧ દિવસ દરમ્યાન શું કરવું?

તંત્રી નોંધઃ

આમ તો આ લેખ ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાતની સાથે પ્રકાશિત કરવો જોઇતો હતો, અમને જેવી ડૉ. આશિષ ચોક્સી (બાળનિષ્ણાત) અને એમની વેબસાઇટ વિશે માહિતી મળી, એમની ખૂબ જ અગત્યની બ્લોગપોસ્ટ વાલીમિત્રોને બાકી રહેલા લોકડાઉન અને તે પછીના સમયગાળામાં પણ મદદ રુપ થશે એ આશાએ અહિં પ્રકાશિત કરીએ છીએ.

—-

ભારતમાં અને વિશ્વભરમાં ફેલાયેલા ‘કોરોના વાયરસ’ ચેપને કારણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪/૦૩/૨૦૨૦ ના રોજ દેશના સર્વ નાગરિકો માટે ૨૧ દિવસનું લોકડાઉન અર્થાત ઘરમાં જ રહેવાનો આદેશ જાહેર કર્યો. ઘણા માતાપિતા એવું વિચારતા હતા કે આ ૨૧ દિવસ દરમ્યાન શું કરવું? માતાપિતાએ આ વાતને તકલીફ ન ગણવી પણ બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટે મળેલી તક ગણવી. સામાન્ય દિવસોમાં માતાપિતા પાસે બાળકો માટે અઠવાડિયાનો ૧ કલાક કાઢવો પણ અઘરો હોય છે. આ સમયે કુદરતે એકસાથે કેટલા બધા કલાકો આપી દીધા. જો માતાપિતા પોતાના બાળકો માટે આ સમય દરમ્યાન એક દિવસમાં પોતાના કામ પતાવ્યા બાદ આંઠ કલાક ફાળવી શકે તેમ ગણીએ તો ૨૧ દિવસના ૧૬૮ કલાક થયા. આ પ્રમાણે એમ કહી શકાય કે તમે જે ત્રણ વર્ષમાં તમારા બાળકને સમય આપી શકવાના છો તેટલો સમય આ ૨૧ દિવસમાં આપી શકશો. હવે આ ૨૧ દિવસ દરમ્યાન માતાપિતા પોતાના બાળકોના જીવનને કેટલો સુંદર વણાંક કેવી આપી શકે છે તે જોઈએ.

આ સમય દરમ્યાન બાળકોને માતાપિતાની આદતો, કામ કરવાની પદ્ધતિઓ, સ્વભાવ, અને કપરા સમયમાં માનસિક સ્વસ્થતા કેવી રીતે રખાય તે નજીકથી જોવા મળશે. માતાપિતા બંને એકબીજાને કેટલું સન્માન આપે છે તે બાળકો જોશે. પિતા પોતાનો હોદ્દો બાજુ પર મૂકી ઘરમાં કેટલી મદદ કરે છે તે બાળકો જોશે. માતાપિતા મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે કે બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટે તક ઝડપી લે છે તે અગત્યનું છે. આવા સમયે માતાપિતાએ દર ત્રણ કલાકે ૨૦ મિનિટ માટે મોબાઈલ ફોન જોવો તે મોબાઈલ વાપરવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે. દર દસ મિનિટે મોબાઈલ ફોન જોઈ ‘કોરોના’વાયરસના સમાચાર અને લોકોએ ફોરવર્ડ કરેલા સમાચારથી સતત માહિતગાર રહેવું જરુરી નથી. તેનાથી નકારાત્મક અસર પણ થઈ શકે છે. કોઈ એક બુક સાથે વાંચવાની ચાલુ કરી શકાય. રોજ એક પ્રકરણ સાથે વાંચો તો ૨૧ દિવસમાં એકવીસ પ્રકરણ વંચાય. દરેક પ્રકરણ પછી માતાપિતા પોતાના વિચારો બાળકોને કહે તો બાળકોમાં નવા સુંદર વિચારોનું આરોપણ કરી શકાય. બાળકો માતાપિતાની વર્તણુક ૨૧ દિવસમાં જોશે તે તેઓ બીજા ૪૨ વર્ષ સુધી અનુસરસે. માતાપિતા સુંદર શિક્ષક બની શકે છે. જે કામ કોઈ પર્સનાલીટી ડેવલોપર નથી કરી શક્યા તે કામ માતાપિતા કરી શકશે. ઘરના કોઈ પણ કામ કોઈ વ્યક્તિએ કરવા જોઈએ અને કરી શકે છે તે દ્રષ્ટાંત બાળકોને મળી શકે છે. કપરી પરિસ્થિતિમાં વડીલોની જરૂરિયાત કેવી રીતે પૂરી કરી શકાય અને તેમને કેવી રીતે સન્માન આપી શકાય તે બાળકો જોશે.

વડીલો પાસેથી શીખેલા અનુભવેલા પ્રસંગો બાળકોને કહો. માતાપિતાથી બાળકોને સલાહનો અતિરેક ના થઈ જાય તે ધ્યાન રાખવું પડે. આખા દિવસ માટે બાળકોને આપવા લાયક સલાહસૂચન એક સાથે જ એક વ્યક્તિ અડધા કલાકમાં સારા શબ્દો વાપરીને કહે તો ચોક્કસપણે બાળકોમાં ફેરફાર જોવા મળશે. આ ૨૧ દરમ્યાન તમને ગમેલી તમારા બાળકની રોજ એક શ્રેષ્ઠ વસ્તુ લખો. ત્રણ અઠવાડિયા બાદ તમને ગમેલી તેની શ્રેષ્ઠ ૨૧ વસ્તુઓ તેને બતાવો. તેના માટે જીવનભરનું સંભારણુ રહેશે. જે વસ્તુઓ તમે તેનામાં જોવા ઈચ્છો છો અથવા સુધારવા ઈચ્છો છો તે આવતા વર્ષોમાં ચોક્કસ જોવા મળશે.

દરેક વસ્તુને દિવસ દરમ્યાન બેલેન્સડ ટાઈમ આપી જીવનના દરેક ક્ષેત્રોમાં બેલેન્સેડ રીતે  ઓલરાઉન્ડર દેખાવ કેવી રીતે કરી શકાય તે બાળકોને શીખવવાનો માતાપિતા પાસે આ ઉત્તમ સમય છે. વિજ્ઞાન, ધર્મ, રમતગમત, રાજકારણની અલકમલકની વાતો કરી બાળકના વ્યક્તિત્વને  વિકસાવી શકાય – વિસ્તારી શકાય. આ સમય જશે પછી મોટાભાગના માતાપિતાને અમુક સમય પછી એમ લાગશે કે આવો સમય ફરી આવે તો સારું. જીવનભરનો અફસોસ પણ પછીથી નાં રહી જાય કે અમે એ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ નાં  કર્યો તેમ ના થવું જોઈએ. વળી પોતાનો સ્વવિકાસ, બાળકોનો વિકાસ સાથે બહાર ન નીકળી દેશ સેવા આવો ઉત્તમ સમય કેટલી સદીઓ પછી આવતો હશે.

-Dr. Ashish Choksi

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *