ભાષા વિષે કેટલીક વાતો

    -  બાબુ સુથાર

૧. ભાષાનાં ચાર પાસાં: વાણી, શ્રવણ, લેખન અને વાંચન.

૨. બાળક જન્મે ત્યારે એના ચિત્તમાં સ્થળકાળનિરપેક્ષ (universal grammar) લઈને જનમતું હોય છે.

૩. એ universal grammar એને સૌ પહેલાં તો માતૃભાષા શીખવામાં મદદ કરતું હોય છે.

૪. બાળક જે સમાજમાં જનમતું હોય છે એ સમાજ પાસેથી જે તે ભાષાનું વાણી સ્વરૂપ અને શ્રવણ સ્વરૂપ શીખતું હોય છે.

૫. બાળકો કદી પણ ભૂલ કરતાં નથી. જો કોઈ બાળક 'છત્રી'ને બદલે 'સત્રી' બોલે તો એ ભૂલ નથી. એ એક પૂરાવો છે. માતૃભાષા શીખ્યું /શીખે છે એનો. એ જ રીતે, જો કોઈ બાળક 'હું બેસ્યો' બોલે તો એ પણ ભૂલ નથી. એ એક પૂરાવો છે. એ સૂચવે છે કે બાળકે પૂર્ણ ભૂતકાળના નિયમો આત્મસાત કરી લીધા છે. એ જ રીતે કોઈ બાળક માનો કે 'હુંએ કેરી કાપી' બોલે તો એ પણ ભૂલ નથી. પણ જો પુખ્ત વયનો કોઈ ગુજરાતી ભાષક 'બેસ્યો' બોલે તો એ એક ભૂલ છે. બાળક પહેલાં નિયમો શીખે, પછી અપવાદો.

૬. બાળક લેખન અને વાંચન શાળામાં શીખતું હોય છે. વાળી અને શ્રવણ એને એમાં મદદ કરે. પણ, એવું જરૂરી નથી કે 'પોપટ જેમ બોલતું બાળક' લખવામાં ભૂલ ન કરે. વાણી અને લેખન બન્ને જુદી જુદી ભાષાઆવડતો છે.

૭. મોટા ભાગના ગુજરાતીઓ લેખન અને વાંચનમાં નબળા હોય છે. લેખનમાં જોડણીભૂલો અને વ્યાકરણભૂલો સામાન્ય બનતી જાય છે. એ જ રીતે, વાંચનમાં પણ. એ માટે આપણી શિક્ષણવ્યવસ્થા જવાબદાર છે અને એવી નબળી શિક્ષણવ્યવસ્થા માટે સરકાર જવાબદાર છે. સરકાર સિવાય બીજું કોઈજ નહીં.

૮. આપણી ભાષા વિશેની સમજ પણ ઘણી જવાબદાર છે. મોટા ભાગના શિક્ષકો એવું માને છે કે લેખન વાણીનું આલેખન કરતું હોય છે. આ વાત પાઠ્યપુસ્તકોમાં પણ લખવામાં આવી છે અને ભાષાશાસ્ત્રનાં પુસ્તકોમાં પણ. યાદ રાખો કે વાણી અને લેખન વચ્ચેના સંબંધ વિશેની આ સમજ કાળગ્રસ્ત છે. વર્ણનાત્મક અને સંરચનાવાદી ભાષાશાસ્ત્રીઓ આવું માનતા હતા.

૯. Functionalist ભાષાશાસ્ત્રીઓ આ દલીલ સ્વીકારતા નથી. એ લોકો કહે છે કે ભાષા માણસના ચિત્તમાં પડેલી છે અને એ ભાષા વાણી અને લેખન એમ બે સ્વરૂપે પ્રગટ થતી હોય છે. આ બન્ને સ્વરૂપો સ્વતંત્ર છે.

૧૦. વાણી અને લેખન વચ્ચે one to one સંબંધ બહુ ઓછી ભાષાઓમાં જોવા મળતો હોય છે. ઘણી વાર એક જ letter એક કરતાં વધારે ધ્વનિને પ્રગટ કરે. ગુજરાતી 'એ' અને 'ઓ' એવા છે. 'એ' [એ] અને [ઍ]ને પ્રગટ કરે જ્યારે 'ઓ' [ઓ] અને [ઑ]ને. 'એ' અને 'ઓ' ક્યારે વિવૃત્ત બને અને ક્યારે ન બને એના નિયમો હશે પણ હજી આપણે એ નિયમો શોધી શક્યા નથી. જો કે, કેટલીક ચાવીઓ મળી છે ખરી. એ જ રીતે, ગુજરાતી 'શ' (ઉચ્ચાર સ્વરૂપ) ગુજરાતીમાં [શ] અને [ષ] સ્વરૂપે પ્રગટ થાય છે. એનો નિયમ સાવ સાદો છે: [ષ] કેવળ તત્સમમાં, [શ] બધે જ. જો કે, આ વ્યાકરણમૂલક નિયમ નથી. આ lexical નિયમ છે.

૧૧. ભાષાશિક્ષણમાં કેવળ લેખન અને વાંચન પર જ વધારે ભાર મૂકવાનો હોય. આપણાં પાઠ્યપુસ્તકો પણ એવાં જ હોવાં જોઈએ. એમાં લેખનમાં જોડણી અને વ્યાકરણનો સમાવેશ કરવો પડે. ભાષાનાં પાઠ્યપુસ્તકોએ સાહિત્ય પર અને સંસ્કૃતિ પર ભાર મૂકવાનું બંધ કરવું જોઈએ.

One thought on “ભાષા વિષે કેટલીક વાતો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *