ગાંધીજી અને વ્યાવસાયિક શિક્ષણ

    -   કલ્પના પાલખીવાળા

    ગાંધીજીનો બુનિયાદી શિક્ષણનો અભિગમ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એને ‘વર્ધા યોજના’, ‘નયી તાલીમ’, ‘બુનિયાદી તાલીમ’ કે ‘પાયાના શિક્ષણ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગાંધીજીએ તોલ્સતોય ફાર્મ, ફિનિક્સ સ્ટેટ, ચંપારણ, સાબરમતી, વર્ધા વગેરે સ્થળોએ નવા પ્રયોગો કર્યા અને નવા સાધનો શોધ્યાં. એમાં પ્ત્રયોગો કરીને હાથ, હૃદય અને મસ્તીષ્કને પ્રશિક્ષિત કરવાની તેમની યોજના હતી. એમનો મૂળ મંત્ર હતો, શોષણ વિહીન સમાજની સ્થાપના કરવી. એના માટે સૌએ શિક્ષિત થવું જરૂરી હતું. કારણ કે શિક્ષણના અભાવમાં એક સ્વાર્થ સમાજનું નિર્માણ કરવું અસંભવ હતું. આથી ગાંધીજીએ આધારભૂત સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું, જે સ્પષ્ટ છે.
સાતથી ચૌદ વર્ષના બાળકોને વિનામૂલ્યે અને અનિવાર્ય શિક્ષણ અપાય. ભણાવવાનું માધ્યમ માતૃભાષા હોય. ગાંધીજી સ્પષ્ટ રૂપે માનતા હતા કે સાક્ષરતાને શિક્ષણ કહી ના શકાય. એ અક્ષરજ્ઞાન માત્ર છે. અક્ષરજ્ઞાન એટલે એ માત્ર એક સાધન થયું. એનો સારો ઉપયોગ પણ થઇ શકે અને ખરાબ ઉપયોગ પણ થઇ શકે. એ શસ્ત્રક્રિયા કરવાના ઓજાર જેવું કહી શકાય.આ ઓજારથી તમે વાઢ-કાપ, ચીરફાડ કરીને બીમાર વ્યક્તિને સાજી કરી શકો છો. પણ આજ ઓજારથી, એને શાસ્ત્રના રૂપમાં લઇ, કોઈનો જાન પણ લઇ શકો છો. એટલે અક્ષરજ્ઞાનનું આવું જ છે. એનો સારો ઉપયોગ પ્રમાણમાં ઓછા લોકો કરે છે. અને આ સાચું હોય તો એ સાબિત થાય છે કે અક્ષરજ્ઞાનથી દુનિયાને ફાયદો થવાને બદલે નુકસાન જ થયું છે.  શિક્ષિત કરવાનો એમનો અર્થ હતો, અક્ષરજ્ઞાનની સાથે બાળકોમાં માનવીય ગુણોનો વિકાસ થાય. શિક્ષણ એવું હોવું જોઈએ કે તેનાથી બાળકના શરીર, મન , હૃદય અને આત્માનો સામંજસ્ય પૂર્ણ વિકાસ થાય. બધા વિષયોનું શિક્ષણ સ્થાનિક ઉત્પાદન ઉદ્યોગોના માધ્યમથી અપાવું જોઈએ. શિક્ષણ એવું હોવું જોઈએ કે જે નવયુવકોને બેરોજગારીથી મુક્ત કરે.
ગાંધીજીએ શિક્ષણના હેતુને બે ભાગમાં વહેંચ્યો હતો. એક હતો તાત્કાલિક હેતુ અને બીજો હતો સર્વોચ્ચ હેતુ. તાત્કાલિક હેતુમાં લખવું, વાંચવું,  અને હિસાબ કરવો તે છે. એક માણસ ખેતી કે પોતાનું કોઈ કામ ઈમાનદારીથી કરે છે, જાતે કમાય છે અને સંતોષ માને છે. સાધારણ રીતે એને દુનિયાદારીનું ભાન છે. મા-બાપ, પત્ની કે પતિ, બાળકો અને આસ-પડોશ સાથે કેવી રીતે વર્તવું તે એ સમજે છે. સર્વોચ્ચ હેતુ જીવિકોપાર્જનનો હેતુ, સાંસ્કૃતિક હેતુ, પૂર્ણ વિકાસ, ચારિત્રિક વિકાસ અને મુક્તિ છે.


બુનિયાદી શિક્ષણ ગાંધીજીએ દેશને આપેલી મોટી ભેટ છે. 1937 માં એમણે ‘વર્ધા શિક્ષણ સંમેલનમાં’ પાયાના શિક્ષણનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. આના આધારે ડો. ઝાકીર હુસૈનની અધ્યક્ષતામાં .’નયી તાલીમ અર્થાત બુનિયાદી તાલીમ’ ની યોજના તૈયાર કરાઈ હતી. એની વિશેષતા એ હતી કે, એ પાઠયક્રમનો સમય સાત વર્ષનો સૂચવાયો હતો. સાતથી ચૌદ વર્ષના બાળકોને મફત શિક્ષણ, સંપૂર્ણ શિક્ષણ સંબંધે આધારભૂત શિલ્પો અને સ્થાપત્યથી, પસંદગીના શિલ્પોનું શિક્ષણ આપવું, એના સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વને સમજાવવા, તથા જે તે ક્ષેત્રમાં સ્વાવલંબી બનાવવા. શિક્ષણ બાળકોના જીવન, ઘર, ગામ તથા ગ્રામીણ ઉદ્યોગો, હસ્ત્શીલ્પો, અને વ્યવસાય સાથે ગાઢ રીતે સંકળાયેલા હોવા જોઈએ. બાળકોએ તૈયાર કરેલી વસ્તુઓ ઉપયોગમાં લેવાય તેવી હોવી જોઈએ, એની એટલી આવક થવી જોઈએ કે તે  વેચીને વિદ્યાલય પર ખર્ચ પણ કરી શકાય.
ગાંધીજી એક વાત પર ખાસ ધ્યાન આપતાં હતાં. છોકરીઓ અને છોકરાઓના પાઠ્યક્રમ એક સમાન હોવા જોઈએ. જો કે છટ્ઠા અને સાતમાં ધોરણોમાં બાળકો છોકરીઓ શિલ્પને સ્થાને ગૃહવિજ્ઞાન લઇ શકે. આ પાઠયક્રમનું સ્તર મેટ્રિક ની  સમકક્ષ હોવું જોઈએ.બીજું પણ એક સૂચન એ હતું કે એમાં કોઈ પણ ધર્મના અભ્યાસનો સમાવેશ કરવામાં ના આવે.
ટૂંકમાં શિક્ષણ એવું હોવું જોઈએ, જે આર્થિક જરૂરિયાતો સંતોષે, બેરોજગારી મુક્ત સમાજ બનાવે, બાળકનો વ્યવહાર સંસ્કૃતિને અનુરૂપ હોય, એમની બુદ્ધિ શુદ્ધ, શાંત અને ન્યાયદર્શી હોય. મુક્તિના સંદર્ભમાં ગાંધીજીનો આદર્શ હતો “સ વિદ્યા યા વિમુક્તયે’ અર્થાત શિક્ષણ એ જ છે જે આપણને બધ બંધનોથી મુક્તિ અપાવે. ગાંધીજી શિક્ષણ દ્વારા આત્મવિકાસ માટે આધ્યાત્મિક સ્વતંત્રતા અપાવવા ઈચ્છાતા હતાં. શિક્ષણના સર્વોચ્ચ ઉદ્દેશ્હેથલ તેઓ સત્ય અને ઈશ્વરની પ્રાપ્તિ કરવામાં અને  આત્માનુભૂતિ  કરવામાં માનતા હતા.

Leave a Reply

Your email address will not be published.