પરાણે કામ

મિતલ પટેલ

આણંદથી પબ્લિસ થતા "ગુર્જર ગર્જના "ન્યુઝ પેપરમાંથી

બાળકને જ્યારે પરાણે ભણવા બેસાડવું પડે ત્યારે....

જરા વિચારો આપણને પરાણે કોઈ કામ કરાવે ત્યારે તે કામમાં ભલીવાર આવે ખરો?? ન જ આવે... સાવ કૃત્રિમતાથી ભરેલુ અને બીબાઢાળ કામ જ સંભવે... કારણ કે તે કાર્ય અનિચ્છાએ તમે કરો છો. તેમાં તમારું મન નથી ,રસ નથી ...તો તે કાર્ય તમે ધ્યાનપૂર્વક, એકાગ્રતાપૂર્વક કેવી રીતે કરી શકો?? કોઈપણ કાર્ય તે નાનું હોય કે મોટું પ્રસન્ન ચિત્તે કરો તો જ તે સુંદર અને શ્રેષ્ઠ રીતે થઈ શકે. તે ક્યારે થાય?? જ્યારે તમે તેમાં રસ કેળવ્યો હોય ,પૂરા મનથી ઉત્સાહ અને ઉમંગથી તમે તે કાર્ય કરવામાં જાતને પરોવો છો ત્યારે. તમે પેસીવ (કોઈના દ્વારા તમારી પાસે પરાણે કરાવાયેલુ)....નહીં........ એક્ટિવ(પૂરા મનથી લાઈવ) વર્ક કરો છો. કોઈપણ કાર્ય તમે કરો છો તે કામ કરતા.. તમે તેને કેટલા લાઈવલી જીવો છો તે મહત્વનું છે. કારણકે ભણતી વખતે ભણવાનું, નોકરી કરતી વખતે જોબરુપી વર્ક, તમને જે શોખ હોય તે કાર્યો વગેરે.. તમારું જીવન છે. તેમાંજ તમારું જીવન પસાર થાય છે. તમારે લાઈફને lively જીવવું હોય તો આ દરેક કાર્યને lively જીવવા પડશે. કરવા ખાતર નહીં, પરાણે નહીં, "મને ગમે છે" ને "હું કરું છું" એ એટીટ્યુડથી....

હવે જરા વિચારો!! સાવ નાનાં ભૂલકાઓ મોટી મોટી બેગ ખભે નાખી... ટ્યુશન ને શાળા રૂપી માનસિક ભાર વહન કરતા હોય ત્યારે મનમાં પ્રશ્ન થાય કે શું આ બાળકો ખરેખર ક્યારેય પોતાનાં નાનાં મોટા કાર્યોને લાઈવલી જીવી શકશે ખરાં!!.. "ભણવા બેસ", "હોમવર્ક કરવાં બેસ" , "રમવા નથી જવાનું", "કાલે એક્ઝામ છે...૧૫ દિવસ રમવાનું બંધ.","આ કવિતા તૈયાર કરી દે, "આટલા પ્રશ્નો મોઢે કરી દે"......આવા માહોલમાં બાળક શું ખરેખર ભણે છે ખરો??.. શીખે છે ખરો??તેનામાં રહેલા કંઈ કેટલીયે ક્ષમતાઓ, શક્યતાઓ, આશ્ચર્ય , પ્રશ્નો ,તર્કને વ્યક્ત કરી શકે છે ખરો!! હા ભણે છે સ્થૂળ વસ્તુઓ. જીવનની કેળવણી માં જોતરાય છે ખરો??? સ્પષ્ટપણે.."ના".... આ વર્તમાન સમયની તાસીર છે. તમે મોર ને બાંધીને તેને નૃત્ય ન કરાવી શકો. ચકલીને હાથમાં કચોકચ પકડી રાખી મધુર કલરવ ન રેલાવી શકો. તેના માટે તમારે તેને મુક્ત કરવા પડે. મુક્ત મને ભણવાની તક આપવી પડે.ભણવું તેને ગમે તેવું વાતાવરણ તમારે તેને પૂરું પાડવું પડે. જેટલું એન્જોયમેન્ટ તે ભાઈબંધો સાથે રમવામાં કરતો હોય તેટલું જ ભણવા ને પણ એન્જોય કરી શકે તેવો માહોલ આપણે તેને આપવો પડે. એક્ઝામ છે તેનાં આગલાં દિવસથી રમવાનું બંધ ,ખુશ રહેવાનું બંધ શા માટે? રોજ lively ભણતા હોય તો એક્ઝામ નાં આગલાં દિવસે તો માત્ર નજર કરવાની જ જરૂર રહે. બે માર્કસ ઓછા આવશે તો શું આભ તૂટી પડવાનું છે!!!

આપણે બાળકને ખુશ રહેતાં શીખવવાનું છે. આપણે ભણતાં શીખવીએ ,મેનર્સ શીખવીએ, સંસ્કાર આપી એ, સારી નોકરી મેળવતા શીખવીએ, પણ જો ખુશ રહેતા જ નહીં શીખવીએ તો બધું જ વ્યર્થ રહેવાનું. બાળક પ્રસન્ન ચિત્ત રહેશે તો ભણવાનું, કેળવણી બધું સાવ સહજ અને આનંદનો વિષય બની રહેશે. તે પ્રસન્ન ચિત્ત ક્યારે રહી શકશે?.તેના મિત્રો સાથે મન ભરીને રમશે, ખુલ્લા મને બૂમો પાડીને ઉછળકૂદ કરતો હશે, દોડાદોડ કરતો હશે. કપડાં ભિના થવાનો ડર વગર પાણીમાં છબ છબીયા કરતો હશે. તેના એકાંતમાં ક્યારેય ખલેલ ન પહોંચાડતા. ક્યારેક તે પોતાની જાત જોડે વાતો પણ કરતો હશે. કંઈક સ્વયં સ્ફુરણાથી કોઈ કાર્ય કરતો હોય ત્યારે માત્ર કચરો થવાના ડરથી કે નકામું કાર્ય સમજી તેને રોકશો નહીં. તે કેળવણીના એક ભાગરૂપે જ હશે.

" સતત ટોકવુ"એ બાળકના મન પર સતત કરવામાં આવતો પ્રહાર છે. તેની "સહજતા"માં અને "ઉત્સાહ" પર પૂર્ણવિરામ મૂકી દે તું શસ્ત્ર છે. આ ના કર , તે ના કર,ની જગ્યાએ 'આ કામ તું આવી રીતે બધું સારું કરી શકીશ', 'આ કામને તું આ રીતે કરીશ તો તને વાગશે નહીં'.... આ શબ્દોમાં કહી શકો. પોતાનાં રૂટિનમાં માત્ર ડિસ્ટર્બ ન થાય..ટાઈમ પર ખાવાનું પતી જાય ,ટાઈમ પણ તમે કામ કરી શકો બસ એ માત્ર થી એટલો સમય બાળકના હાથમાં મોબાઈલ પકડાવી દેવો શું એ વ્યાજબી છે??? કેટલાક તો પોતે શાંતિથી જમી શકે તે માટે એટલો સમય સારું નાના દોઢ કે બે વર્ષના બાળકને પણ ફોન પકડાવી બેસાડી દેતા હોય છે... શું તે વ્યાજબી છે?? આ બીજ રોપો છો તમે પોતે જ. તેનામાં કુટેવ ના. પછી જ્યારે તે કુટેવ તેનું વ્યસન બની જાય ત્યારે તમે તેના હાથમાંથી મોબાઇલ ખૂંચવી પુસ્તક પકડાવો તો શું તે સહજતાથી ભણી શકશે??

ભણવું એ બાળક માટે બોજારૂપ ક્યારેય ન બનવું જોઈએ. તેને મન ભરી રમવા દો. તે પ્રસન્ન ચિત્ત રહેશે પછી તેને ભણવા તરફ વાળો. ચલ આપણે થોડી વાર ગણિત ભણી લઈએ, હિન્દી ની કવિતા ગાઈ લઈએ, વિજ્ઞાનમાં નવું નવું શીખી લઈએ, થોડું પણ ભણે .. કંઈક નવું શીખે...તો તેને સતત પ્રોત્સાહન આપો શાબ્દિક અને અશાબ્દિક... "તને તો આ દાખલા સરસ આવડી ગયાં"..."વેરી ગુડ"..."તને વિજ્ઞાન માં કેટલી સરસ આકૃતિ દોરતાં આવડે છે"..."હિન્દી ની કવિતા તું મસ્ત ગાય છે".. હેન્ડરાઇટિંગ સારા નથી તો એવું કહી શકો.."ચલ હવેથી આપણે મસ્ત અક્ષર કરતાં શીખીએ".."તું આનાથી વધારે સરસ અક્ષર કાઢી શકે છે"... થોડું પણ પ્રયત્ન કરે તો સરસ, વેરી નાઇસ જેવાં ઉદીપકો વડે તેનાં ઉત્સાહની જ્યોત સતત પ્રજ્વલિત રાખો... પછી જુઓ જાદુ. ગણિત ,વિજ્ઞાન ,અંગ્રેજી, હિન્દી તેનાં મિત્રો બની જશે. તે તેના બહારના મિત્રો સાથે રમવામાં જેટલું એન્જોય કરશે તેના જેવું જ તે મિત્રો સાથે પણ એન્જોય કરશે.

"સરખામણી"તો ભૂલથીએ ના કરતાં.... જ્યારે તમે ભણવાની બાબતમાં કે કોઈ પણ બાબતમાં તમારા બાળકની અન્ય સાથે સરખામણી કરો છો તો તમે તેના "સ્વ" ને હાનિ પહોંચાડો છો.. તેના આત્મવિશ્વાસ અને આત્મસન્માન ને ઘા કરો છો. જે ક્યારેય રૂઝાશે નહી.ને આત્મવિશ્વાસ અને આત્મસન્માન તો ખુશ રહેવા માટેની ,જિંદગીમાં સફળ થવા માટેની ગુરુચાવી છે.

તમે પંખી ને પાંજરા માં પૂરી ને કહો કે હવે મુક્ત ગગનમાં વિહારો તો શું તે શક્ય છે ખરું?? પાણીની અંજલિ હથેળીમાં રાખી મુઠ્ઠી વાળી એ તો પાણી ખૂણે ખાંચરેથી બહાર નીકળી જવાનું છે. બાળકની "સહજતા".." કુતુહલતા" "આશ્ચર્ય"ને જાળવી રાખો. તેને ખીલવા દો. હકારાત્મક સુદ્ઢકો, શાબ્દિક સતત પ્રોત્સાહન થી તેને સીંચો. તેને વ્હાલ ની પણ જરૂર હોય છે. પ્રેમ ની પણ જરૂર હોય છે. સંવાદ ની પણ જરૂર હોય છે તે પણ ભરપૂર આપો. તો તેનો સર્વાંગી વિકાસ થતા કોઈ નહી રોકી શકે. "ભણવું" તે જીવનનો એક ભાગ છે જીવન નથી. સતત પ્રસન્ન રહેવું ,ખુશ રહેવું, દરેક કામ ઉમંગથી, ઉત્સાહથી કરવાં... lively જીવવું તે જીવન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *