ચીંચીંબેનને હબુકપોળી

- લતા હીરાણી      

   ચીંચીં અને ચુંચું પાક્કા દોસ્ત. ચીંચીં રહે ઝાડ ઉપર અને ચુંચું રહે ઝાડ નીચે.

રોજ સવાર પડે, બધા ફુલડાં ખીલે અને બધાં પંખીડા ડાળે ડાળે ઝુલે. ચીંચીંબેન મોજથી જાગે. અને એના ચકાને જગાડે. ક્યારેક ચકો ઉઠવામાં આળસ કરે. પહેલાં ચીંચીંબેન ગીત ગાય.  તો ય ન ઊઠે તો પાંખ પકડીને બેઠો કરી દે. ના ચાલે ભઇ, ના ચાલે. ચકો ઉઠે એટલે ચીંચીં આખ્ખો માળો સરસ મજાનો ચોખ્ખો કરી નાખે. 

એક દિવસ એવું થયું કે ચીંચીંએ રોજની જેમ સફાઇ કરી. પછી ડાળીબેનને પૂછ્યું, ડાળીબેન, ડાળીબેન તમે મજામાં છો ને !!

     ” આપણે તો એય ને લીલાલહેર છે.. પણ કેમ વળી, એવું પુછવું પડ્યું ?? મારે શું તકલીફ હોય ??

     ”એ તો, મારો ચકો કહે છે કે રોજ દાળચોખાની ખીચડી ખાઇને હું કંટાળ્યો છું. આજે તું કંઇક જુદું લઇ આવજે. એ કહે આ માણસો પિત્ઝા પિત્ઝા શું કરે છે ! એવું કંઇક લાવજે ને !!

      ”લે કર વાત !!. ગાંડી થઇ છો ? આપણને એવું ન ચાલે. આપણે તો આપણી ખીચડી ભલી. ચકાના નખરાં ન ચલાવીશ !!!

     ”એ તો ઠીક છે. એને જુદું ખાવાનું મન થાય તો ભલે ને ખાતો. પણ આ ગઇકાલે બહુ પવન વાયો હતો ને એટલે મને ચિંતા છે. આ ચકો ક્યાંક ગપસપ કરતો રહેશે ને જો બહુ વાયરો વાય તો મારો માળો પડી જાય. એટલે મને થયું તમને કહી રાખું.

      ડાળીબેન કહે, હું ધ્યાન તો રાખું જ છું ને !! પણ તને ખબર છે કે મારાથી દોડાય નહીં.!! એમ કર, તું ઘુઘુભાઇને પણ કહેતી જા.

     ”અરે, એ ઘુઘુભાઇ મારો માળો શું સંભાળશે ?? એને વળી માળો બનાવતાં યે ક્યાં આવડે છે ?? થોડાંક તણખલાં આમ મુક્યાં અને થોડાં તણખલાં તેમ મુક્યા એટલે થઇ ગયો ઘુઘુભાઇનો માળો !! એને કંઇ માળો કહેવાય ? ના રે ના, માળો સાચવવો એ ઘુઘુભાઇનું કામ નહીં. ચીંચીં ચિડાઇ ગઇ.

      ”ચીંચીં, તું નાહકની ચિંતા કરે છે. ઘુઘુભાઇને ભલે માળો બનાવતાં ન આવડે પણ તું જો તો ખરી ! એ કેવાં ભોળાં છે ! દિલના કેવાં સરળ છે ! તું કહીશ એટલે તારું કામ કરશે જ. જોને પેલા મકોડાભાઇની ચિટ્ઠી એમણે તરત કીડીબેનને પહોંચાડી દીધી હતી કે નહીં ?? એ બિચારાં બધાનું કામ કરવા તૈયાર હોય છે.

      ”અરે ડાળીબેન, ઘુઘુભાઇ કેવાં ગંદા છે ? રોજ મારા માળા પર એની ચરક પડે છે !! મારે ઘુઘુભાઇ જોડે વાત જ નથી કરવી .. ચીંચીનો ગુસ્સો ઓછો નહોતો થતો.

       એવામાં ત્યાં કાકાભાઇ આવ્યા.. એમણે આ વાત સાંભળી હતી. એ કહે, ચીંચીંબેન !! શું કામ મુંઝાય છે ? તારા માળાનું હું ધ્યાન રાખીશ બસ ? તું આરામથી જા. હું આટલામાં જ મારી ઊડની પ્રેકટીસ કરું છું. હજી તો સાતમી ઊડ ચાલે છે. પવન આવશે અને તારો માળો નીચે પડી જશે તો હું ચાંચથી ઉપાડીને પાછો ડાળી પર ગોઠવી દઇશ, બસ ?

         ચીંચીં ખુશખુશાલ થઇ ગઇ. પાંખ ફફડાવતી નીકળી પડી  પિત્ઝા શોધવા. ચારે બાજુ ઉડતી જાય અને શોધતી જાય. હવે સવારના પહોરમાં કોણ પિત્ઝા બનાવીને બેઠું હોય ? કલાકો વીતી ગયા. ચીંચી થાકી. એને થયું આ તો ખીચડીમાંથી યે જશું !! હવે એણે રોજની જેમ નીચે ખુણે ખાંચરે અનાજના દાણા શોધવાનું શરુ કર્યું. પણ જ્યાં જુએ ત્યાં કીડીઓની હાર. બધું અનાજ સફાચટ !!

         અરેરે ! હવે શું કરવું ? બપોર થઇ ગઇ. ધોમધખતો તાપ હતો. એકબાજુ ચીંચીં થાકી હતી અને બીજી બાજુ એને એવી ભુખ લાગી હતી કે ન પૂછો વાત ! એની આંખમાં આંસુ આવી ગયાં. એવામાં એની નજર સામેની દુકાન પર ગઇ. એને સીધો દેખાયો ચીઝનો પીસ. ચીંચીંબેન થાકબાક બધું ભુલી ગઇ. ખુશખુશાલ થતી એ તો ઊડી અને ઝપ દઇને ઉપાડ્યો ચીઝનો પીસ. પીત્ઝા નહીં ચીઝ હી સહી !! ભાગી એ તો માળા તરફ. ઉડતી જાય અને ચાંચમાં ચીઝનો પીસ સાચવતી જાય. આમને આમ એ પહોંચી માળા પર.

       કાકાભાઇ કહે આવી ગઇ ચીંચીંબેન ! ચાલો હવે હું છુટ્ટો.

       ચીંચીં કહે, હા પણ તમે જમ્યા ખરા ?

      ”અરે હમણાં તો શ્રાધ્ધ ચાલે છે ને !! તે અમારે રોજ પાર્ટી હોય !! અમને મળે રોજ ખીર ને પૂરી !!!

      ”તો ક્યારેક અમારા માટે પણ લાવતા હોય તો !!

      ”કેવી રીતે લાવું અમે ખીર ને પૂરી જોઇએ એટલે રાજીના રેડ થઇ જઇએ. કા કા કરવા મંડી પડીએ. પછી અમારા બધા ભાઇઓ ભેગા થઇ જાય અને માલ સફાચટ !! તને ખબર છે પેલી કૂકૂ મારી ફાસ્ટ ફ્રેંડ છે. એ મને હંમેશા કેરી આપે પણ મારાથી એના માટે ખીર પૂરી લવાતાં જ નથી ને !!

         ”ઓકે ઓકે નો પ્રોબ્લેમ... ચીંચીં બોલી તો ખરી પણ મનમાં મુંઝાણી. આ એકલું ચીઝ કેમ ખવાશે? કાકાભાઇ એનો પ્રોબ્લેમ સમજી ગયા. એ કહે, એમ કરો. સામેના રોડ પર પાણીપુરીવાળો આવે છે. હું ત્યાંથી તમને બે ચાર પુરીઓ લાવી આપીશ. તમેતમારે ખાઇ લેજો.

       નીચેથી હા હા હા હા હસવાનો અવાજ આવ્યો. બંનેએ નજર કરી ત્યાં તો જોયા ચુંચુંભાઇને !! મુછો હલાવતા જાય ને હસતા જાય.

        “અરે ચુંચું તને કાંઇ ખબર પડે છે કે નહીં ?? અહીં ચીંચીંબેનનો ભુખથી જીવ જાય છે ને તને હસવું આવે છે !!

       “હસું નહીં તો શું કરું ? પાણીપુરીવાળો આવે ત્યાં સુધીમાં ચીંચીંબેનનું ચીઝ બધું ઓગળી જશે. પછી શું ખાશે, ધુળ ? ડાળીબેનને કહો કે હવે થડમાં ફ્રીઝ રાખતા જાય !! બધા પંખીડા એનું ખાવાનું ફ્રીઝમાં મુકી શકે !

       ”હેં હેં હેં હેં પછી ત્યાં બાજુમાં ઓવન પણ રાખવું પડશે. ફ્રીઝમાંથી કાઢીને ગરમ કરવા !! અચાનક કુકુબેન બોલી.

        ”એવું તો માણસ કરે !! તાજું રાંધે અને વાસી કરીને ખાય !! આપણે એવું ના કરીએ ભાઇ !! રોજ ચણાય ને રોજ ખવાય !!

       ”એ બધું તો ઠીક પણ હવે ચીંચીંબેન ભુખી થઇ છે એનું શું ?  કાકાભાઇ મુદ્દાની વાત પર આવ્યાં.

     “ચીંચીંબેન ભુખી નહીં રહે, બધા નીચે આવો. ચુંચુભાઇ બોલ્યા.

       બધા પંખીડાં નીચે આવ્યાં. ઝાડના થડ પાસે જાણે મીટીંગ ભરાઇ. ડાળીબેને વાત શરુ કરી ત્યાં તો ચીંચીંબેન રડવા જેવી થઇ ગઇ. મને બહુ ભુખ લાગી છે

        ચુંચુંભાઇ કહે, જુઓ હું બાજુના ગોડાઉનમાં ગયો હતો ત્યાંથી આ મોટી બ્રેડ ખેંચી લાવ્યો છું. પાછળના રસોડામાંથી રોટલી પણ. તમે શું ખાશો ચીંચીંબેન ???

       ”ત્યાં તો ચકો કૂદી પડ્યો, મારો ભાગ, મારો ભાગ !!

       ”કોઇ ભુખ્યું નહીં રહે !!ઘુઘુભાઇએ રોટલી સુંઘી. એકદમ તાજી હતી..એમણે બ્રેડ પડતી મુકી અને રોટલી હાથમાં લીધી. બધાએ ભેગા થઇને એના ટુકડા કર્યા. એની ઉપર ચીઝ લગાવ્યું. ચીંચીંબેનને ડાળીએ ઝુલાવતા જાય, ખવડાવતા જાય અને ગાતા જાય.

તમે અમારા ચીંચીંબેન
ભુખ્યા રહેવા દઇએ કેમ !
                               ચીંચીંબેનને હબુકપોળી !!                                                                                                                                      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *