માનવતાનો કુબેરભંડારી

     એક અત્યંત ધનાઢ્ય ઉદ્યોગપતિ ઘેરથી ઓફિસે જવા પોતાની કારમાં જતા હતા. રસ્તામાં એક તળાવ પાસે ભીડ જોઈ તેમણે ગાડી ઊભી રખાવી. તપાસ કરતાં ખબર પડી કે એક દસ બાર વર્ષનો છોકરો તળાવમાં ડૂબવાથી બચવા તરફડિયાં મારતો હતો. એ ઉદ્યોગપતિ તરત કારમાંથી નીચે ઊતર્યા અને એક સેકંડ પણ ગુમાવ્યા વગર તેમણે પહેરેલાં કપડે તળાવમાં ઝંપલાવ્યું. તે સારું તરી પણ શકતા હતા. છોકરાને કિનારે લાવીને તેને પોતાની ગાડીમાં નાખીને હોસ્પિટલે લઈ ગયા. ડોકટરોએ જ્યારે કહ્યું કે હવે છોકરાને ઠીક છે;  ત્યારે જ ત્યાંથી નીકળી તેઓ ઓફિસમાં એક અગત્યનું કામ હોવાથી ભીનાં કપડે જ પહોંચી ગયા હતા.

   જાણો છો, આ માનવતાથી ભરેલા ઉદ્યોગપતિ કોણ હતા ? એ હતા, ભારતના મોટા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા.

GD_Biral

      ૧૦મી એપ્રિલ, ૧૮૯૪ના દિવસે રાજસ્થાનના પિલાણી ગામમાં રાજા બલદેવદાસ અને યોગેશ્વરીદેવી બિરલાના ઘરે એક પુત્રનો જ્ન્મ થયો. માબાપે તેનું નામ ઘનશ્યામદાસ રાખ્યું. મોટા થયા બાદ ભારતભરમાં જીડીના નામે તેઓ ઓળખાવા માંડ્યા.

      માત્ર નવ વર્ષની ઉંમરે તેમનાં માબાપે તેમને અભ્યાસ માટે તેમના કાકા જુગલકિશોર બિરલાને ત્યાં કલકત્તા ખાતે મોકલી આપ્યા. થોડા સમય બાદ તેમના પિતાએ મુંબઈમાં કપાસનો ધંધો શરૂ કર્યો અને ઘનશ્યામને મુંબઈ બોલાવી લીધા. મુંબઈમાં એક ખાનગી શિક્ષક રોકીને ઘનશ્યામને ગણિત, નામું, અંગ્રેજી અને છાપાં વાંચવા તથા સમજવાનું શિક્ષણ અપાવ્યું. બે વર્ષ બાદ ઘનશ્યામે પિલાણી પાછા આવી શાળામાં પ્રવેશ લીધો અને ત્યાં જ પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કર્યો.

      ઈ.સ. ૧૯૧૦માં માત્ર સોળ વર્ષની વયે ધંધામાં મદદ કરવા ફરી પાછા તેમને કાકા જુગલકિશોર પાસે કલકત્તા મોકલી દેવામાં આવ્યા. બસ, જોતજોતાંમાં તો ઘનશ્યામે પોતાની અક્કલ-હોશિયારીથી ખૂબ જ  ઝડપી પ્રગતિ કરી અને દેશભરમાં જી. ડી. બિરલાના નામે મશહૂર થઈ ગયા. લોકો એમને જીડીના ટૂંકા નામે ઓળખતા હતા.

       ૧૯૧૯માં પચાસ લાખ રૂપિયાની મૂડી રોકીને તેમણે બિરલા બ્રધર્સ લિમિટેડ કંપની શરૂ કરી અને ગવાલિયરમાં કાપડની મિલ શરૂ કરી. ૧૯૩૦માં સાકરનાં કારખાનાં અને કાગળ બનાવવાની મિલો ઊભી કરી. ૧૯૪૦માં મોટરગાડી બનાવવાનું કારખાનું ‘હિન્દુસ્તાન મોટર્સ’ નામે શરૂ કર્યું. આમ તેમણે એક પછી એક ઉદ્યોગો શરૂ કરીને ઉદ્યોગજગતમાં તાતા પછીનું બીજું સ્થાન પ્રાપ્ત કર્યું. તેમની કાર્યપદ્ધતિ એવી હતી કે નવાનવા ઉદ્યોગો શરૂ કરવા અને એ પણ વિશાળ પાયે શરૂ કરીને તેમાં આગેવાની હાસિલ કરવી અને આ નીતિ તેમને ફળી પણ ખરી. જ્યુટ (શણ) મિલો, સિમેન્ટ, સ્ટીલના પાઇપ, રેયોન અને એલ્યુમિનિયમ બનાવવાનાં કારખાનાં ઊભાં કરવામાં બિરલાનો મોટો ફાળો છે.

      જીડી માત્ર પોતાની કંપનીઓના જ ફાયદાઓનો વિચાર કરતા ન હતા. તેમને સમગ્ર ભારતના ઉદ્યોગોની ચિંતા હતી અને એથી તેમણે છેક ૧૯૨૭માં ભારતભરના ઉદ્યોગપતિઓ માટેની ‘ફિક્કી’ – ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) સ્થાપના કરી હતી. આજે પણ આ સંસ્થા ભારતભરના ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરે છે.

      જીડી માત્ર પૈસા કમાવા પાછળ જ પડ્યા હતા એવું ન સમજવું જોઈએ. પોતે ઓછું ભણેલા હોવા છતાં તેઓ ભણતરનું મહત્ત્વ પણ સમજતા હતા અને તેથી જ તેમણે ભારતભરમાં સેંકડો શાળાઓ શરૂ કરી. ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિઓ આપી. પિલાણીમાં તેમણે વિશ્વકક્ષાની એન્જિનિઅરીંગ કોલેજ શરૂ કરી અને આણંદની એન્જિનિઅરીંગ કોલેજ માટે ઘણું મોટું દાન આપ્યું. આઝાદીની લડત દરમ્યાન તેમણે કોંગ્રેસ પાર્ટીને ઘણા પૈસા દાનમાં આપ્યા અને આમ તેમણે આઝાદીની લડતમાં સક્રિય ફાળો આપ્યો. કહેવાય છે કે ગાંધીજીના એ ખાસ આર્થિક સલાહકાર હતા. ધાર્મિક વૃત્તિના હોવાથી તેમણે દેશભરમાં અનેક ભવ્ય બિરલા મંદિરો બાંધ્યાં. આ સિવાય બિરલા પ્લેનેટોરિયમ, બિરલા હોસ્પિટલો અને બિરલા સભાગૃહો સ્થાપીને જીડીએ પૈસાનો સમાજ માટે સદુપયોગ કેમ કરી શકાય તેનો એક દાખલો પૂરો પાડ્યો.

GD_Biral_1

       ભારતને આઝાદી મળ્યા બાદ જીડીએ અંગ્રેજો પાસેથી ચાના બગીચા અને કાપડની મિલો ખરીદી લીધી. જી. ડી. બિરલાની આ બધી સેવાઓને લક્ષમાં લઈને ભારત સરકારે ૧૯૫૭માં તેમને પદ્મવિભુષણના ઉચ્ચ સન્માનથી નવાજ્યા.

    ૧૧મી જૂન, ૧૯૮૩ના દિવસે જી. ડી. બિરલાનું ૯૦ વર્ષની વયે અવસાન થયું.

– પી. કે. દાવડા

ગમ્યું?...તો ગમતાનો ગુલાલ કરો.Google+FacebookEmail
  
Tagged with:
Posted in ઉદ્યોગપતિ, પી કે દાવડા, ભારતીય, લેખક, વ્યક્તિવિશેષ
6 comments on “માનવતાનો કુબેરભંડારી
 1. Hiral says:

  શ્રી. જી.ડી. બિરલા વિશે તો આજે જ આટલું વિશેષે જાણયું. ખરેખર માનવતાનો કુબેરભંડારી.
  લેખની શરુઆતનો પ્રસંગ ખરેખર પ્રેરણાદાયી. લેખનું શિર્ષક વાંચીને મને શેઠ જગડુશાની યાદ આવી ગઇ.

 2. વ્યક્તિવિશેષ શ્રેણીમાંના આપના લેખોમાં સરળતા,પ્રવાહિતા અને સંક્ષિપ્તતા જોવા મળે છે. નાનાં બાળકોથી માંડીને મોટેરાં પણ સમજી શકે તેવી મધ્યમ શૈલીમાંનું આપનું લખાણ વાચકને પકડી રાખવાની ક્ષમતા ધરાવે છે. હાલ સુધીમાં ઈ-વિદ્યાલયના ફલક ઉપર આવેલાં આપનાં બંને જીવનચરિત્રો પ્રેરણાદાયી અને મનનીય રહ્યાં છે.આશા રાખીએ છીએ કે આપની આ શ્રેણીમાં આપના તરફથી હજુ વધુ ને વધુ મહાનુભાવોનાં જીવનચરિત્રો ઈ-વિદ્યાલયના લાભાર્થીઓને મળી રહેશે. આજના આપના આ લેખનું શીર્ષક’માનવતાના કુબેરભંડારી’ પણ આકર્ષક અને લાજવાબ છે. ધન્યવાદ.

 3. Vinod Patel says:

  જી.ડી.બિરલા મહાત્મા ગાંધીના ચાહક અને મિત્ર હતા.

  ગાંધીજીએ એમના જીવનનો છેલ્લો શ્વાસ દિલ્હીમાં બિરલા ભવનમાં લીધો હતો.

  જી.ડી.બિરલાના જીવન વિશેની સરસ માહિતી દાવડાજી એ એમના આ લેખમાં

  જણાવી છે .વાચકોને રસ પડે અને પ્રેરણા મળે એવા આ લેખ માટે ધન્યવાદ .

 4. જી.ડી.બિરલા મહાત્મા ગાંધીના ચાહક અને મિત્ર હતા.
  He was very dear to Pandit Kapindraji Ramayani of Merut, UP.
  Our family and specially our oldest sister Bhanuben did know and meet This great Soul.
  Trivedi Parivar

 5. Ramesh Patel says:

  અમે વિદ્યાનગરની જે એન્જિનિયરીંગ કોલેજમાં ભણ્યા તેનું નામ બીરલા વિશ્વકર્મા વિદ્યાલય..૧૯૫૦ની સાલમાં આ ઉદ્યોગપતિએ શિક્ષણ ક્ષેત્રે ૨૫ લાખનું માતબર દાન કોલેજ માટે આપી, કેવી મોટી દેશ સેવા કરી છે.. આવા તો અનેક દાખલા રૂપ આ જીવન કથાને, શ્રીપી.કે.દાવડાજીએ , રસપ્રદ , માહિતીસભર અને જીવન કૌશલ્યના સંવર્ધનને, આ જીવન ચરિત્ર દ્વારા આલેખ્યું છે. સાચે જ આ પ્રેરણાદાયી છે.બંને જીવન ચરિત્રો એક છાપ માનસ પર છોડી ગયાં..એ માટે ખાસ અભિનંદન.,

  રમેશ પટેલ(આકાશદીપ)

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. SHANKAR ICHCHHAPORIA-SURAT says:

  આકર્ષક અને લાજવાબ છે વાચકોને રસ પડે અને પ્રેરણા મળે એવા આ લેખ માટે ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

સર્જન સંગ્રહ
ઇ-વિદ્યાલય લોગો
  ઇ-વિદ્યાલય લોગો અને લિંક આપના બ્લૉગ પર મૂકવા માટે નવું ટેક્સ્ટ વિજેટ બનાવી નીચે દર્શાવેલા કોડની કૉપીને ત્યાં પેસ્ટ કરો.

<a href="//www.evidyalay.net"><img src="http://evidyalay.net/wp-content/uploads/2013/09/EV_LOGO4.png" /></a>

આ ગુગલ એડનો હેતુ માત્ર ઇવિદ્યાલય વેબસાઇટ નિભાવ પૂરતો જ સિમિત છે.