વીશ્વનીડમ – રાજકોટ

જીતુ અને રેહાના –ભદ્રાયુ વછરાજાની

વેબ સાઈટ

     રેહાના–જીતુને બાળકો માટે બાલમન્દીર ચલાવવાનું મન થયું. પણ તે એવાં બાળકો માટે, જે ઝુંપડપટ્ટીમાં ઉછરે છે, જેને સંપીને કેમ રહેવાય તે સમજ નથી, વાર્તા સાંભળવાની શી મઝા છે તેનો અનુભવ નથી, ગીત ગાવાનો જલસો શો છે તેની જાણ નથી, સંગીત સાથે નાચવાનો આનન્દ માણ્યો નથી... આવાં બાળકો માટે કલરવ બાલમન્દીર શરુ કરવું હતું ! સાજાં–સારાંને તો સૌ વહાલ કરે; પણ જેને સૌ ધુત્કારે તેને હુંફ આપવાના મનોરથ હતા રેહાના–જીતુને... ૨૦૦૨માં પહેલું કલરવ કેન્દ્ર, ઝુંપડપટ્ટીનાં ત્રીસ બાળકો માટે શરુ કર્યું અને આજે પુરા એક દસકા પછી ચૌદ ઝુંપડપટ્ટીઓનાં એક હજાર માબાપોનાં મા–બાપ બની મસ્તીથી જીવે છે આ નોખું દમ્પતી રેહાના અને જીતુ... જો કે, બન્નેનાં નામ વચ્ચે ‘અને’ ન લખીએ તો ચાલે; કારણ કે જીતુ–રેહાના એક સીક્કાની અવીભાજ્ય બે બાજુઓ છે. ‘દો જીસ્મ હૈ મગર એક જાન હૈ હમ’ એવું ગણગણી શકવાનો અધીકાર ધરાવે છે; કારણ કે બન્ને અલગ અલગ માર્ગેથી આવીને એક ચોખટ પર મળ્યાં અને બન્ને વચ્ચે પ્રેમ પાગર્યો અને એ પ્રેમ એક હજાર બાળકો સુધી ફેલાયો...! જીતુ હાસ્યની છોળ ઉડાડી માર્મીક ટકોર કરે છે ‘એક હજાર બાળકો હોય તેવાં માબાપ હોવાનો અમારો કદાચ વર્લ્ડ રેકૉર્ડ છે!’
રાજકોટની ચૌદ ઝુંપડપટ્ટીનાં એક હજારથી વધુ બાળકોને રાજકોટની જ ‘એ ગ્રેડ’ સેલ્ફ ફાઈનાન્સ સ્કુલમાં ભણવા મોકલનાર રેહાના–જીતુનાં મુળ નીકળે અમદાવાદમાં. રેહાના અમદાવાદના જુહાપુરામાં માબાપ, બે ભાઈઓ અને ત્રણ બહેનો સાથે રહે. પીતા સરકારી નોકરીમાંથી નીવૃત્ત થયા. કુટુમ્બનો ઉછેર સંસ્કારી. કોઈનું ખરાબ નહીં ઈચ્છવાનું–બેઈમાની તો લેશમાત્ર નહીં. સદાચારી વાતાવરણ તો એવું કે રેહાનાના ઘરનું લાઈટબીલ ઓછું આવતું હતું તો તેના પપ્પાએ સામે ચાલી, જી.ઈ.બી.વાળાને બોલાવી મીટર બદલાવી નાખ્યું ! રેહાના વધુ ભણવા ઉંઝામાં માસીને ત્યાં ગઈ. ત્યાંથી મહેસાણા–ઉંઝા–પાટણમાં યોજાતી શીબીરોમાં ભાગ લેવા જતી. ગુણવંત શાહ, મકરંદ દવે, વીમલાતાઈ જેવા ચીંતકોની વાતો રેહાનાના દીલમાં ઘર કરી ગઈ. આ શીબીરોમાં રાજકોટનો યુવાન જીતુ બાડોલીયા પણ આવે. જીતુ ધાર્મીક વાતાવરણમાં ઉછરેલો. દસ ધોરણ અને ડીઝલ મીકેનીક તરીકેની લાયકાત, તે રાજકોટમાં કપડાંનો અને નાગરવેલનાં પાનનો નાના પાયે જથ્થાબંધ વેપાર કરે, આવક સારી પણ ધંધામાં જીવ નહીં, સમાજ માટે કંઈક નક્કર અને નોખું કરવાની ધગશ...
એમાં એક નાનો છતાં આંખ ઉઘાડી આપતો અનુભવ  જીતુને થયો. રાજકોટના મ્યુનીસીપલ કમીશનરના બંગલા સામેના બગીચામાં જીતુ તેના મીત્ર સાથે બેઠો હતો. એક દસેક વર્ષનો છોકરો  ભીખ માગવા આવીને ઉભો. જીતુએ તે છોકરાને કહ્યું: ‘તને હું મારી સાથે રાખું, સારી સ્કુલમાં એડમીશન આપી ભણાવું, ચાલ છો તૈયાર ?’ પેલા છોકરાએ ખીસ્સામાંથી પચાસ રુપીયાની નોટ કાઢી જીતુને બતાવીને કહ્યું કે: ‘આટલા તો હું માત્ર એક કલાકમાં ભેગા કરી શકું છું,’ એ છોકરો ચાલતો થયો પણ જીતુના મનમાં પ્રશ્ન અને દીલમાં આપણા સમાજની કરુણા ભરતો ગયો.
1998માં રેહાના અને જીતુનો મેળાપ થયો. બંનેના વીચારો અને ધ્યેય સરખાં; એટલે સાથે મળી ત્રણ વર્ષ ઝુંપડપટ્ટીમાં કામ કર્યું, પછી બન્નેએ લગ્ન કરવાનું વીચાર્યું. રેહાનાએ શરત કરી: ‘ધર્મના પાલનમાં આપણે બંને સ્વતંત્ર. તું પ્રાર્થના કરજે. હું નમાજ પઢીશ.’ જીતુએ કહ્યું: ‘તારી શરત મંજુર; પણ મારીય એક શરત કે આપણે લગ્ન કરીશું, પણ બાળક ન જોઈએ’ રેહાનાને બાળકો બહુ વહાલાં. એટલે રેહાના કહે કે બાળકો તો જોઈએ. જીતુએ રેહાનાને સમજાવી. આપણું બાળક હોય તો પછી બીજાનાં બાળકને ભણાવવા–ગણાવવામાં આપણો જીવ ન ચોંટે. રેહાનાના ગળે વાત ઉતરી ને આજે જીતુ–રેહાનાને ઝુંપડપટ્ટીઓનાં હજારથી વધુ બાળકો છે. હા, એ દંપતીએ આ ‘ચીંથરે વીંટેલા ચીરાગો’ને દત્તક લીધાં છે. જીતુ કહે છે: ‘મારે ને રેહાનાને મનનો મેળાપ હતો; પણ મેરેજ જરુરી ન હતાં, સમાજને અને અમારા કામને તેની જરુર હતી, એટલે અમે લગ્ન કર્યાં. લગ્ન વગર રેહાના માટે ઘર છોડવું મુશ્કેલ હતું એટલે સમાજનું લાઈસન્સ લઈ લીધું.’ રેહાનાના કાકા અને બનેવીએ આવીને જીતુનાં મમ્મીને મોઢામોઢ કહ્યું: ‘જુઓ માસી, રેહાનાને અમે લેવા નથી આવ્યા. અમારે એ જોઈતી પણ નથી. એનાં જ્યાં પહેલાં લગ્ન થયેલાં ત્યાંથી ત્રણ વાર પાછી આવી છે. જુહાપુરામાં અમે તેને સાચવી નહોતાં શકતાં. હવે તમે સાચવી લેજો.’ વાત આટલેથી ન પતી. બંને પાસે કાગળ પર લખાણ કરાવ્યું. ‘હું રેહાના મનસુરી. મેં કુટુંબની જાણ બહાર લગ્ન કર્યાં છે. મારાં મા–બાપની કોઈ જવાબદારી નથી.’ – ‘હું જીતુ. જાતે હી‌ન્દુ. રેહાના સાથે મરજીથી લગ્ન કર્યાં છે. મારાં મા–બાપે રેહાનાને સ્વીકારી લીધી છે.’ જીતુના પરીવારને રેહાનાએ જીતી લીધો છે. બંને વચ્ચે જબરી સમજણ છે. બંને એકબીજા પર કોઈ શરત લાદતાં નથી. રેહાના શ્રાવણ માસ કરે છે, તો જીતુ રોજા પાળે છે; પણ પ્રેમથી, આગ્રહથી નહીં જ.
રાજકોટની કેટલીય ઝુંપડપટ્ટીઓમાં આપણે સવારે લટાર મારીએ  તો આપણને એક અનેરું દૃશ્ય  જોવા મળે. પંજાબી ડ્રેસમાં સજ્જ રેહાના અને ખાદીધારી જીતુ પોતાની નાનકડી મીત્ર  ટોળી સાથે આ ઝુંપડપટ્ટીનાં  બાળકોને કાં તો નવડાવતાં હોય–કાં તો માથું ઓળી આપતાં હોય–કાં તો નખ કાપતાં હોય યા તો સ્કુલ ડ્રેસ અને શુઝ પહેરાવીને મેટાડોરમાં સ્કુલે ભણવા રવાના કરતાં હોય. પાંચ બાળકોથી આ વ્યાયામ શરુ થયેલો. બાળકોને તૈયાર કરવાથી માંડી ભણાવવાની અને ફાજલ સમયમાં રચનાત્મક પ્રવૃત્તીમાં વ્યસ્ત રાખવાની જવાબદારી બંનેએ ભાવપુર્વક સંભાળી. વાત ફેલાતી ગઈ. જીતુ–રેહાનાના પ્રેમનો વ્યાપ વધતો ગયો. જેમ જેમ સંખ્યા વધતી ગઈ તેમ તેમ તે બધાંને ભણાવવાનો પ્રશ્ન ઉભો થયો. પણ ત્યાં તો ખ્રીસ્તી મીશનરીઝ દ્વારા ચાલતી ‘નીર્મળા કૉન્વેન્ટ સ્કુલે’ તેમનો હાથ ઝાલ્યો. બપોરના સમયે કોઈ પ્રવૃત્તી વગરની આ સ્કુલમાં ‘નીર્મળા કલરવ સ્કુલ’ શરુ થઈ, જેમાં રેહાના–જીતુ મુકી જાય તે બાળકોને મફતમાં લોઅર કે.જી.થી ત્રીજા ધોરણ સુધી ભણાવવામાં આવે છે. નીર્મળા કૉન્વેન્ટ માત્ર છોકરીઓની સ્કુલ; એટલે ‘નીર્મળા કલરવ સ્કુલ’માંથી ત્રીજા ધોરણ પછી છોકરીઓને રેગ્યુલર સવારે ચાલતી નીર્મળા કૉન્વેન્ટમાં સમાવી લેવામાં આવે... અને ત્યાં તો છોકરાઓને ચોથા ધોરણથી મફત ભણાવવા અનેક ‘સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ’ આગળ આવી. આજે વીસથી વધુ શાળાઓમાં ‘રેહાનાદીદી’ અને ‘જીતુસર’નાં હજાર બાળકો ભણે છે. બધાં જ હજાર બાળકોની પુરેપુરી ફી સ્કુલ ભોગવે છે. એક બાળકની સરેરાશ ફી વાર્ષી‌ક રુપીયા10,000 ગણીએ તો વર્ષે એક કરોડ રુપીયાની ફી રેહાના–જીતુનાં બાળકો માટે રાજકોટની વીસેક શાળાઓ ભોગવી લે છે. હા, આ બધાં જ બાળકોનો અન્ય ખર્ચ, એટલે કે સ્કુલ–બેગ–બુટ–મોજાં, યુનીફોર્મ–પાઠ્યપુસ્તકો–નોટબુક–લંચબોક્સ–કંપાસ બોક્સ–પ્રોજેક્ટ–ઉજવણી ખર્ચ વગેરે મળીને અંદાજે વર્ષે પચાસ લાખ જીતુ–રેહાના મેનેજ કરે છે. ઝુંપડપટ્ટીથી બાળકો તૈયાર થઈ મારુતીવેન અને વાહનમાં સ્કુલે જાય તેનો ખર્ચ, અને નીર્મળા કલરવ સ્કુલમાં ભણતાં બાળકો માટે તો બે બસ ! વર્ષે પાંચેક લાખ તો વાહન ભાડામાં ખર્ચે છે. દસ વર્ષ પછી તો રેહાના–જીતુની યાત્રાના યાત્રીકો સ્નાતક થઈ બહાર પડવા લાગ્યા છે અને તેમના સાથીદાર બની કામમાં જોડાયા છે.
‘વીશ્વનીડમ્’ નામની રેહાના–જીતુની સંસ્થા સરકારી સહાય લેતી નથી, લેવા માગતી પણ નથી. કોઈ મોટા એનજીઓને પ્રોજેક્ટ રીપોર્ટ આપીને સહાય મેળવવામાં આ નોખાં દંપતીને રસ નથી. જીતુ બોલવે આકરો છે. દાન આપે તેને અહેસાસ કરાવે છે કે ‘દાન એ દયા નથી, સામાજીક નીસબત માટેની ફરજ’ છે. જીતુ કહે છે: ‘હું પેપરવર્કમાં કાચો છું; પણ ગ્રાઉન્ડ વર્કમાં અમે સાચાં છીએ. અમને કાગળ પર આંકડા દેખાડવામાં રસ નથી, અમને તો ઝુંપડપટ્ટીનાં બાળકોને એકડો ઘુંટાવવામાં અને તેમને સાચા નાગરીક બનાવવામાં રસ છે.’ જો કે, મુંબઈના કેટલાક કેરીંગ ફ્રેન્ડ્ઝનું ગ્રુપ ‘વીશ્વનીડમ્’ને નીયમીત મદદ કરે છે.
જેમને આ પ્રવૃત્તીમાં જીવન ધબકતું લાગે તેને વર્ષના માત્ર ચાર હજાર રુપીયા આપી એક બાળકને દત્તક લેવા રેહાના–જીતુ વીનંતી કરે છે. દર બે મહી‌ને આવા મીત્રદાતાનું બાળકો સાથે સ્નેહમીલન કરે છે.‘વીશ્વનીડમ્’નાં બાળકો સાથે આનંદમાં સામેલ થઈ મીત્રદાતાઓની સાંકળ વધુ લાંબી થતી જાય છે. ખાવાપીવાની કોઈ વસ્તુ અહીં સ્વીકારાતી નથી; કારણ ‘માગીને ખાવું’ કે ‘મળેલું ખાવું’ એ ટેવમાંથી આ પેઢીને બહાર કાઢવાની નેમ છે. ‘રળીને ખાવું’ની વાત માબાપ સુધી ઉતારવા માટે એક વીચીત્ર યોજના ‘વીશ્વનીડમ્’માં છે. સ્કુલબેગ જેવી કોઈ ચીજવસ્તુ સંસ્થાને દાતા આપે. વીશ્વનીડમ્ બાળકને માનો કે સો રુપીયાનું દફ્તર આપે, તો બાળકનાં મા–બાપે ટોકન રુપે પાંચ રુપીયા સંસ્થામાં જમા કરાવવાનાં. આમ કરવાથી પોતાની જવાબદારીનો અહેસાસ થાય અને મફતનું મેળવવાની લાલચથી દુર રાખી શકાય. કડક જીતુ કડકાઈથી અને મૃદુ રેહાના કરુણાથી ઝુંપડપટ્ટીમાં માબાપ પાસે પ્રતીજ્ઞા લેવડાવે, ફરજીયાત કે... (૧) કુટુંબનીયોજન અપનાવીશું અને (૨) હજાર રુપીયા કોઈ આપે તોય ભીખ નહીં માગીએ, નહીં સ્વીકારીએ... સ્કુલ પછી આ બાળકોનું શું ? હા, તે રહે માબાપ સાથે જ; પણ ભણવા સીવાયના સમયમાં તેમને રખડપટ્ટીને બદલે રમતો રમાડવી, કલા–કૌશલ્યોમાં વાળવા, દીવડા–દીવાળી કાર્ડ બનાવવામાં પ્રવૃત્ત કરવા માટે ‘વીશ્વનીડમ્’ની ટીમ સતત પ્રવૃત્ત રહે છે. પંદર–વીસ બાળકો તો બપોર પછી રેહાના–જીતુના ઘરે જ હોય. તેમને આ યુગલ કહે કે: ‘આપણને બધું આવડે તો મોટા માણસ થવાય...’ છેલ્લાં કેટલાંય વર્ષોથી તો આ બાળકોએ બનાવેલ દીવડા–કાર્ડ–મીણબત્તીનું સેલ થાય, લાખેક રુપીયા કમાય ને રળીને પેટ ભરવાની મજા બાળકો માણે... આ આવકમાંથી આ બાળકોને દેશના રમણીય–ઐતીહાસીક સ્થળોએ પ્રવાસમાં લઈને નીકળી પડે રેહાના–જીતુ...
હવે, તો પચાસ–પચાસ બાળકો રહી શકે તેવી બે હૉસ્ટેલ બનાવી છે. ઝુંપડપટ્ટીઓનાં બાળકોને પોતાનાં સગાં બાળકોની જેમ છાતીએ વળગાડતાં રેહાના–જીતુ કેટલી કાળજી લે છે, જાણવું છે ? કોઈ પોતાનાં ઉતરેલાં કપડાં રેહાના–જીતુનાં બાળકોને આપે તો તેનો સ્વીકાર થતો નથી. ધરતી પરનું આ લક્ષ્મી–નારાયણ દમ્પતી ગળગળા કંઠે કહેશે: અમારાં સંતાનો કોઈની ‘ઉતરન’ થોડાં સ્વીકારે ? બેંતાલીસ વર્ષનો જીતુ અને પાંત્રીસ વર્ષની રેહાના સહાનુભુતીથી ચીંથરાં વીંટતાં જાય છે ને ચીરાગ પ્રગટાવતાં જાય છે !
–ભદ્રાયુ વછરાજાની
‘દીવ્ય ભાસ્કર’ દૈનીક અખબારની રવીવારીય પુર્તી ‘Sunday’માં લેખક ઘણા સમયથી ‘વીશેષ’ નામક લોકપ્રીય કૉલમ કરે છે. શીક્ષણ–સંસ્કાર, કલાને ક્ષેત્રે લોકસેવાને વરેલાં રત્નોનો તેઓ રોચક પરીચય કરાવે છે. તા. ૧૪ જુલાઈ, ૨૦૧૩ના ‘Sunday’માં પ્રકાશીત થયેલો આ લેખ, લેખક શ્રી ભદ્રાયુભાઈ અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી
સાભાર - શ્રી. ઉત્તમ ગજ્જર

3 thoughts on “વીશ્વનીડમ – રાજકોટ”

 1. આ વીશ્વનીડમ્ મંદિર બાળકો માટે શિક્ષણનું કાર્ય કરે .
  નાનાં બાળકોને ગુજરાતી ભાષા શીખવાડાય છે.
  સંગીત …. પછી
  જરુરી પૈસા પણ …
  આવી જીવનપર્યંત તેમની સેવા કરતા સંતો કહેવાય

  ધન્ય ધન્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.