મૂર્ખાઓનું ગામ – સવિતા પટેલિયા

     એક સંઘરી નામનું મૂર્ખાઓનું ગામ હતું. તેમાં બધાં જ મૂર્ખાઓ રહેતાં હતાં, ને બધાં જ લોકો હંમેશાં મૂર્ખાઈવાળા કામ કરતાં હતાં.

 

     આ ગામમાં એક ઝૂલેલાલ કરીને મૂર્ખ રહેતો હતો. ઝૂલેલાલ પોતે મૂર્ખ છે, પણ ગામમાં બધાં લોકો તેને જ્ઞાની સમજે છે. ઝૂલેલાલની મૂર્ખતા આપણે જોઈ શકીએ છીએ. ઝૂલેલાલ બધાંને સલાહ આપતા કે પાણીનો બચાવ કરવો જોઈએ. પરંતુ ઝૂલેલાલ ટબમાં બેસીને નહાતા અને એ પાણીને ટાંકીમાં નાંખી દેતા. લ્યો કરો વાત આ તો પાણીનો બચાવ કહેવાય કે મૂર્ખાઈ ! હા હા હા.
 
     એક દિવસની વાત છે. આ મૂર્ખાઓના ગામમાંથી એકવાર ઊંટ પસાર થયું. આ ઊંટના પગલાં જોઈને આખા ગામના લોકો ભેગાં થયાં અને વાતો કરવાં લાગ્યાં. આ મોટા મોટા ભયાનક પગલાંવાળું કોણ હશે? ક્યાંથી આવ્યું હશે? બધાં વિચાર કરવાં લાગ્યાં. કારણ કે બધાં લોકો મૂર્ખ એટલે કરે શું? એકબીજાને પૂછવા લાગ્યા. એમાંથી એક મૂર્ખ બોલ્યો કે ગામમાં ભૂત આવ્યું હશે. બીજો મૂર્ખ બોલ્યો કે કોઈ ભયાનક રાક્ષસ આવ્યો હશે. આમને આમ બધા મૂર્ખાઓ અંદરોઅંદર ઝઘડવા લાગ્યા. એટલામાં એક મૂર્ખ બોલ્યો, “એ ચાલો, આપણે ઝૂલેલાલ પાસ જઈએ.” એમ વિચારી બધા મૂર્ખાઓ ઝૂલેલાલ પાસે ગયા અને સમસ્યા કહી સંભળાવી.
 
    મૂર્ખ ઝૂલેલાલ તો ફૂલાયો અને કહેવા લાગ્યો, “તમે બધા શા માટે ચિંતા કરો છો? ગભરાશો નહીં. ચાલો, આપણે તે પગલાં પાસે જઈએ.” ઝૂલેલાલ અને બધાં પગલાં પાસે પહોંચ્યાં. ઝૂલેલાલ દુરબીનથી જોવા લાગ્યા. બરાબર જોઈને મૂર્ખ ઝૂલેલાલે કહ્યું, “આ તો ડાકણના પગલાં છે.” ત્યારે બધા મૂર્ખાઓ ડરવા લાગ્યા. ઝૂલેલાલ ફરી બોલ્યા, “આ ડાકણ કોઈ માણસને ઘસડીને લઈ ગયું લાગે છે.” આ સાંભળી બધા મૂર્ખાઓ કોઈ મહાન માણસ બોલ્યું હોય તેમ તેમની જય બોલાવા લાગ્યા.
 
    હવે આજ મૂર્ખાઓના ગામમાં બીજી ઘટના બની. ગામમાં એક મૂર્ખ ગરીબનું ઘર હતું. તેને એક છોકરો હતો. તે થાંભલો પકડી ગોળ ગોળ ચકરડી ફરતો હતો. આ જોઈ તેની મા ખૂબ હરખાઈ અને ઘરમાં જઈ બોર લઈ આવી. માએ કહ્યું, “લે બેટા, બોર ખાઈ લે.” છોકરાએ થાંભલો છોડ્યા વગર હાથના ખોબામાં બોર લઈ લીધા. છોકરોબોર ખાવા ગયો તો થાંભલો વચ્ચે આવ્યો અને તેના નાક પર વાગ્યું. છોકરાના ખોબામાં બોર હતા. ખોબો છોડે તો બોર નીચે ઢોળાઈ જાય. એમ વિચારી છોકરો જોરજોરથી રડવા લાગ્યો અને જોરજોરથી ચીસો પાડીને કહેવા લાગ્યો, “મને થાંભલાએ પકડી લીધો છે. મને થાંભલાએ પકડી લીધો છે.” અરે! આ તો મૂર્ખાઓનું ગામ એટલે બધાંના કામ મૂર્ખાઈવાળા જ હોય ને… ! માતા પણ છોકરાને જોઈને રડવા લાગ્યા.
 
     આ લોકોની ‘બચાવો બચાવો’ની બૂમ સાંભળી ગામવાળા ભેગાં થઈ ગયાં. પરંતુ કોઈને પણ છોકરાને છોડાવતા આવડ્યું નહીં. ત્યારે તે મૂર્ખામાંથી એક બોલ્યો, આપણે ઝૂલેલાલ પંડિતને બોલાવવા જોઈએ. એ સારા જાણકાર છે. તે જરૂર રસ્તો બતાવશે. ઝૂલેલાલને બોલાવવામાં આવ્યો. ઝૂલેલાલે બધું જોઈને કહ્યું, “ગંભીર સમસ્યા છે. થાંભલાએ છોકરાને પકડી લીધો છે. છોકરાને બચાવવાનાં બે જ ઉપાય છે. એક ઉપાય એ જ છે કે, થાંભલા ઉપર જે પતરું છે તેને કાઢી લેવું. અને છોકરાને થાંભલેથી છોડાઈ લેવો”. ત્યારે છોકરાના પિતા બોલ્યા, “જ્ઞાની પુરુષ હું ખૂબ જ ગરીબ માણસ છું. જો છાપરું તોડીએ તો હું રહીશ શેમાં? મૂર્ખ ઝtલેલાલ બોલ્યા, “બીજો ઉપાય એ છે કે છોકરાના હાથ કાપી બહાર કાઢો.” ત્યારે છોકરાની માતા બોલી, “ના, ના, હું મારા છોકરાના હાથ નહીં કાપવા દઉં.” માતા પણ બૂમો પાડીને બોલવા લાગી. મૂર્ખાઓના ઉપાયો મૂર્ખા જેવા જ હોય ને. ઝૂલેલાલ બોલ્યા, “તમારા છોકરાને થાંભલામાંથી છોડાવવો નથી કે શું? ત્યારે છોકરાના માતા-પિતા જોર જોરથી રડવા લાગ્યા. સાથે બધાં જ મૂર્ખાઓ હં.. હં.. હં.. કરી રડવાં લાગ્યાં.
 
     બાજુના ગામમાંથી એક સ્ત્રી પસાર થતી હતી. તેને આ બધું જ જોયું અને મૂર્ખાઓ પાસે જઈને પૂછ્યું, “તમે બધાં કેમ રડી રહ્યાં છો?”
 
    મૂર્ખ છોકરાની માતાએ કહ્યું, “મારા દીકરાને થાંભલાએ પકડી લીધો છે. તેથી તે રડી રહ્યો છે. તો તેને તમે છોડાવી આપો ને.” ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “તમે બધાં રડશો નહીં. હું છોડાવી આપું છું તમારા દીકરાને.” સ્ત્રી પેલા છોકરા પાસે ગઈ અને કહ્યું, “તારા ખોબામાં જે બોર છે, તે મારા ખોબામાં નાંખી દે અને તારા બંને હાથને તારા પેટ આગળ લાવી દે.” છોકરાએ તરત જ એમ કર્યું. છોકરાના હાથ છૂટી ગયા. છોકરો થાંભલામાંથી બચી આવ્યો.
 
     છોકરો આનંદમાં આવી હા હી કરવા લાગ્યો. બધાં મૂર્ખાઓ પણ આનંદ કરવા લાગ્યા. પરંતુ આપણા મૂર્ખ ઝૂલેલાલ બહુ ગુસ્સે થયા અને માતા-પિતાને કહ્યું, “તમે મારા ઉપાયો ન અજમાવ્યા તેથી હું તમને હવે ક્યારેય સલાહ નહીં આપું.” એમ કહી રીસાઈને ચાલવા લાગ્યા.
 
– સવિતા પટેલિયા
 
શાળા – અંધ કન્યાશાળા, અમદાવાદ

સાભાર – શ્રીમતિ દર્શા કિકાણી, રીડ ગુજરાતી

અને બોનસમાં આ પરીક્ષા !
 

One thought on “મૂર્ખાઓનું ગામ – સવિતા પટેલિયા”

  1. એક ગામમાં ત્રણ મૂર્ખ છોકરા
    ચંદ્ર જોઈને એક બોલ્યો – આ પણ આપણી સાથે જ આવી ગયો.
    બીજો બોલ્યો – હવે ગામમાં અંધારુ છવાઈ ગયુ હશે.
    ત્રીજો બોલ્યો – આને ગામ પાછા છોડી આવીએ.
    અને ત્રણે આખીરાત પગે ચાલીને ગામ પાછા ફર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *