અમેરિકાના અપંગ પ્રેસિડન્ટ ફ્રેન્કલીન ડીલાનો રૂઝવેલ્ટ

     અમેરિકાના આ એક એવા પ્રેસિડન્ટ થઇ ગયા જે થાકને તો ઓળખતા જ નહી .એક યુવાનને પણ શરમાવે એવા એમના પરિશ્રમ શીલતાના ગુણને પ્રકાશમાં લાવતો એમના જીવનનો આ પ્રસંગ આપણને વિચાર કરતા કરી દે એવો છે.

     એકવાર સેંકડો માઈલનો પ્રવાસ કરીને આવ્યા પછી આ પ્રેસિડન્ટએ એમના સેક્રેટરી પાસે દિવસના બાકી રહેલા કામની ફાઈલો માગી.સેક્રેટરીએ લાગણીથી કહ્યું “મિસ્ટર પ્રેસિડન્ટ,જરાક તો આરામ કરો! આમ સતત કામ કરવાનું તમારાથી કેવી રીતે બની શકે છે?”
     આ મહાનુભાવે કહ્યું :”ભાઈ,એમ થાકી જવાનું મને ન પાલવે.તને ખબર નહીં હોય કે મને પક્ષાઘાત થયો તે પછી સતત બે વર્ષ મહેનત કરીને મેં મારો એક અંગુઠો હાલતો-ચાલતો કર્યો હતો.એક અંગુઠો હલાવવા માટે જો બે વરસ લાગે તો મારે તો આખું અમેરિકા ચલાવવાનું છે !” 
     આ મહાનુભાવ એ બીજું કોઈ નહિ પણ પોલીયોની બીમારીમાં જેમના બે પગે અસર થતાં મદદ વગર ચાલી ન શકતા અને વ્હીલચેરમાં ફરતા હોવા છતાં અનેક સિધ્ધિઓ મેળવનાર અમેરિકાના ૩૨મા પ્રમુખ ફ્રેન્કલીન ડીલાનો રૂઝવેલ્ટ (FDR). 
    અમેરિકાના ઇતિહાસમાં ફ્રેન્કલીન ડીલાનો રૂઝવેલ્ટ (FDR) એ માત્ર એક જ એવા પ્રેસિડન્ટ થઇ ગયા જેને અમેરિકાની પ્રજાએ કોઈ પણ ઉમેદવાર વધારેમાં વધારે ફક્ત બે ટર્મ માટે જ પ્રેસીડન્ટ બની શકે એવો બસો વર્ષ જુનો રિવાજ તોડીને ૧૯૩૨ થી ૧૯૪૪ એમ સતત ચાર ટર્મ માટે જંગી બહુમતીથી લોકોએ ફરી ફરી ચૂંટી કાઢ્યા હતા.
    તમને એ જાણીને નવાઈ લાગશે કે રુઝવેલ્ટ જ્યારે ૧૯૩૨માં પ્રેસીડન્ટ તરીકે ચૂંટાયા ત્યારે ૧૯૨૧ માં એમની ૩૮ વર્ષની ઉમરે આવેલ પક્ષાઘાત –પોલીઓની ભયંકર બીમારીમાં કમરથી નીચે એમનું અર્ધું અંગ ખોટું પડી ગયું હતું ,એમના બન્ને પગ નકામા થઇ ગયા હતા.એમને વ્હીલચેરમાં જ હરવું-ફરવું પડતું હતું.આવી અપંગ હાલતમાં રુઝવેલ્ટે ચૂંટણીઓ લડવાનું શરુ કરેલું અને એક પછી એક ઊંચાં પદ સર કરતાં કરતાં છેક મોટા લોકશાહી દેશ અમેરિકાના પ્રેસિડન્ટના સર્વોચ્ચ પદે પહોંચેલા એટલું જ નહી ચાર ચાર વાર મોટી બહુમતીથી ચૂંટાઈ આવીને અમેરિકાના એક વિચક્ષણ અને કાર્યદક્ષ પ્રેસિડેન્ટ તરીકે ઇતિહાસમાં એમનું નામ અમર કરી ગયા છે.
   આવી વિરલ અને વિક્રમી કારકિર્દી ધરાવતા પ્રેસીડન્ટ રૂઝવેલ્ટની રાજકીય કારકિર્દી ઉપર એક અલપઝલપ નજર નાખી લઈએ. 
   ૧૯૧૯માં પહેલું વિશ્વ યુદ્ધ પૂરું થયું એ પછી અમેરિકાની પ્રેસિડન્ટ-વાઈસ પ્રેસિડન્ટની ચૂંટણી આવી તેમાં ડેમોક્રેટીક પક્ષે રૂઝવેલ્ટને વાઈસ પ્રેસિડન્ટના પદ માટે ઉભા રાખ્યા.પરંતુ રીપબ્લીકન પક્ષના ઉમેદવારો સામે એમને હાર મળી.આ ચૂંટણી વખતે એ શારીરિક રીતે સક્ષમ હતા પરંતુ ઉપર કહ્યું એમ ૧૯૨૧માં એકાએક એમના બન્ને પગ કમર નીચેથી નકામા થઇ જતાં અપંગ બની ગયા.એક વાઘ જેવા મજબુત રૂઝવેલ્ટ શારીરિક દ્રષ્ટીએ બુરી દશામાં આવી ગયા.
      લોકોએ માન્યું કે હવે એમની ભાવી કારકિર્દી ખલાસ થઇ જશે.રુઝવેલ્ટ માટે અચાનક આવી પડેલી આવી દારુણ અપંગાવસ્થા એમની જીન્દગી માટેનો એક મોટો પડકાર હતો.રુઝવેલ્ટે આ પડકારને હિંમતપૂર્વક ઝીલી લીધો.આવા કસોટીના કાળમાં જ એમનું આંતરિક ખમીર જાગી ઉઠ્યું અને એમણે બમણા જોશથી ફરી રાજકારણમાં ઝંપલાવ્યું.
     ૧૯૨૮માં એ ન્યુયોર્ક રાજ્યના ગવર્નર તરીકે ચૂંટાઈ આવ્યા.ગવર્નર તરીકે એમણે રાજ્યનો સુંદર વહીવટ કરી બતાવ્યો.
     ન્યુયોર્ક રાજ્યના ગવર્નર તરીકેની એમની કામગીરી સૌને એટલી ગમી ગઈ હતી કે ડેમોક્રેટીક પક્ષે ૧૯૩૨ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં રૂઝવેલ્ટને ઉભા કર્યા .પહેલા વિશ્વ યુદ્ધની વિપરીત અસરોને લીધે એ વખતે દેશમાં ઈતિહાસની સૌથી ખરાબ આર્થિક મંદી શરુ થઇ હતી.કરોડો લોકો બેકાર બની ગયા હતા.ઉદ્યોગો ઠબ થઇ ગયા હતા, હિંસાખોરી વધી રહી હતી.આવા સમયે દેશના પ્રેસિડન્ટ બનવું અને દેશને મંદીના કુવામાંથી બહાર કાઢવો એ મોટું જોખમ અને એમની જિંદગીનો મોટામાં મોટા પડકાર હતો. 
     રુઝવેલ્ટએ બહાદુરીથી આ પડકાર ઝીલી લીધો.આવા સમયે બાહોશી બતાવીને રુઝવેલ્ટે તત્કાલીન પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે એમનો જાણીતો “ન્યુ ડીલ”નામનો નવીન કાર્યક્રમ પ્રજા સમક્ષ રજુ કર્યો.
    દેશની પ્રજાને આ વિચાર એટલો ગમી ગયો કે એ ચૂંટણીમાં રુઝવેલ્ટ એમના હરીફ કરતા આઠ ગણા વધુ મતે પ્રેસિડન્ટની ચૂંટણી વ્હીલચેરમાં બેઠાં જીતી ગયા.પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા પછી એમનો ન્યુ ડીલ કાર્યક્રમ દેશભરમાંથી ચૂંટેલા અર્થશાસ્ત્રીઓ ,વિદ્વાનો,વૈજ્ઞાનિકો,નિષ્ણાતો વિગેરેની સેવાઓ લઈને અમલમાં મુક્યો હતો . 
    તેઓએ ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે સેંકડો કાયદા પસાર કરાવ્યા.ત્યાર પછીની ૧૯૩૬ની ચુંટણીમાં પણ વિરોધ પક્ષના ભયંકર વિરોધ અને અપ્રચાર છતાં એમના હરીફ કરતા સિત્તેર ગણા વધુ મત મેળવી એ જીતી ગયા હતા. 
    ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ વખતે આ પ્રેસિડન્ટે એમનું સાચું ખમીર બતાવીને અમેરિકાના એક શ્રેષ્ઠ સર સેનાપતિ-Commander-In-Chief-સાબિત થયા અને મિત્ર દેશોની સાથમાં રહીને વિશ્વને જીતી લેવા નીકળેલા હિટલર,મુસોલીની જેવા સરમુખત્યારોને ભોંય ચાટતા કરી દીધા.
    ૧૯૩૨ થી ૧૨મી અપ્રિલ, ૧૯૪૫માં એમનું અવસાન થયું ત્યાં સુધીના ૧૩ વર્ષ દરમ્યાન અમેરિકાની પ્રજાએ ચાર વખત એમનામાં વિશ્વાસ મુકીને મોટી બહુમતીથી પ્રેસિડન્ટ તરીકે રૂઝવેલ્ટને ચૂંટી કાઢ્યા હતા.જે દેશ ૧૯૩૧-૩૨ની કારમી મંદી,બેકારી અને ભૂખમરાનો શિકાર બની ગયો હતો એ દેશ રૂઝવેલ્ટના કાર્યદક્ષ વહીવટ નીચે ૧૯૪૪ સુધીમાં તો વિશ્વનો સૌથી શક્તિશાળી( સુપર પાવર ) બની ગયો હતો. 
    આ બધું શક્ય બન્યું એની પાછળ એક અપંગ પણ કોઈ પણ રીતે નહીં અશક્ત એવા અમેરીકાના ઇતિહાસમાં અમર બની ગયેલ બાહોશ પ્રેસિડન્ટ રુઝવેલ્ટના દુરંદેશી ભર્યા કામની કમાલ હતી.
    પોતાની અપંગાવસ્થા ઉપર હિમ્મતપૂર્વક વિજય મેળવનાર પ્રેસિડન્ટ રુઝવેલ્ટના જીવનની આ અનોખી દાસ્તાન,પોતાની શારીરિક ક્ષતિઓથી નિરાશા અને હીનભાવ(inferiority complex )અનુભવતી અનેક વિકલાંગ વ્યક્તિઓ માટે જ નહીં પણ અન્ય સૌ શશક્ત વ્યક્તિઓ માટે પણ એક મોટી પ્રેરણા પૂરી પાડે એવી નથી શું? 
– વિનોદ પટેલ ,સાન ડિયેગો,કેલીફોર્નીયા 

તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *