દસમા–બારમાના માબાપો – કલ્પના દેસાઈ

    માર્ચ મહિનામાં લેખનું શિર્ષક જો આવું રાખ્યું હોય તો અમુક ટકા વાચકો મળી રહેવાની ગૅરન્ટી !

દસમા–બારમાના વીતી ચૂકેલા માબાપો એટલે કે, જેઓ પોતાનાં બાળકોનું દસમું–બારમું સારી કે ખરાબ રીતે પસાર કરી ચૂક્યા છે, એમનો કપરો સમય વીતી ચૂક્યો છે અને એમના પર પણ જાતજાતનું વીતી ચૂક્યું છે. (શું ? તે એ લોકો સિવાય કોણ સારી રીતે જાણે ?) આ ભૂત માબાપો, જેમને મન દસમું–બારમું હવે ભૂતકાળથી વિશેષ કંઈ નથી તેઓ તો, ‘આપણે કંઈ કામ નથી વાંચવાનું’ બબડી આ લેખ પર નજર પણ નહીં નાંખે.

     પ….ણ, જેમનાં બાળકો હાલ કોના ભરોસે છે એની જ જેમને નથી ખબર અને પરીક્ષા દરમિયાન કે પરીક્ષા પછી, એમનાં બાળકોના ને પોતાના શા હાલ થવાના છે તે પણ જે નથી જાણતાં, તેવાં માબાપો તો આવા શીર્ષકવાળા લેખોને માથે ચડાવશે. કદાચ લેખમાંથી પણ કોઈ ‘MOST IMP’ મળી જાય ! વર્ષની શરૂઆતથી તે અંત સુધી આવા લેખો માબાપોનો પીછો નથી છોડતા. બાળકો તો પછી ભણશે, પહેલાં માબાપોને ભણાવી લો. એમની અક્કલ ઠેકાણે લાવો, એમને શિસ્ત શીખવો, એમને ઉજાગરા કરાવો, એમને ભૂખા રાખો, એમની ઊંઘ હરામ કરીને એમને બેચેન બનાવો, નોકરીમાં રજા પડાવો, ઉપવાસ કરાવો, એમને અર્ધપાગલ અવસ્થામાં બબડાટ કરતા કરી દો ને દાંતિયા કરતાં કે વડચકાં ભરતાં કરી નાંખો. લેખો દ્વારા એમનો ઉધ્ધાર નહીં કરો પણ એ લોકો ઉધાર કરીને, ઉધારની જિંદગી જીવે છે તેનો સતત અહેસાસ કરાવતા રહો.
      લેખક તરીકે મારી પણ ફરજ છે કે, ચાલતી ગાડીમાં બેસી જવું. બધા લખે છે તો મારે પણ એક લેખ લખી, માર્ચ મહિનાના કપરા કાળ વિશે કંઈક ફટકારી દેવું એવું નક્કી કર્યું. ને ફટકારવા માટે દસમા–બારમાના માબાપ સિવાય બીજું કોણ મળવાનું ? છોકરાંઓને તો આંગળી અડાડી જુઓ કે એમની સામે ડોળા કાઢી જુઓ. છે કોઈનામાં એટલી તાકાત ? સવા શેર સૂંઠ ખાધેલી માના દીકરા પણ આ મામલે પાણીમાં બેસી જશે. આખરે બાળકોના ભવિષ્યનો સવાલ છે.
      તો પછી, શરૂઆત કરીએ આપણે અધૂરા મૂકેલા શિર્ષકથી. દસમા–બારમાના માબાપો….શું ? કોણ ? ક્યારે ? કેવી રીતે ? ક્યાં ? જેવા અઢળક પ્રશ્નોથી ઘેરાયેલા  રહે છે. વર્ષ દરમિયાન એમના માથે સલાહોનો મારો ચાલુ રહે છે. જેમ કે….
      દસમા–બારમાના માબાપે શું કરવું ને શું ન કરવું ? કપરું વર્ષ શરૂ થાય તે પહેલાં, તે પછી, તે દરમિયાન અને તે પૂરું થાય ત્યારે, ઘરમાં એકબીજા સાથે, બાળકો સાથે–વીઆઈપી બાળકો સિવાયનાં બાળકો સાથે પણ, શિક્ષકો સાથે–એમાં ટ્યુશનિયા શિક્ષકો પણ આવી ગયા(માફ કરજો, ટ્યુશનને બદી ગણનારાંને પણ એના વગર ચાલતું નથી એટલે આ શબ્દ વપરાઈ ગયો) અને ઘરના કામવાળા કે વાળી સાથે પણ કેવો વ્યવહાર કરવો તેના લેખો વાંચવા અને તેમાં જણાવ્યા મુજબ કરવું.
     દસમા–બારમાનાં માબાપો કોણ ? તો, જેના ભોગ લાગ્યા છે, જેમનું નસીબ બે ડગલાં આગળ છે, આ એક વર્ષ દરમિયાન જેમનાં કોઈ સગાં નથી ને કોઈ વહાલાં પણ નથી તો મિત્રો તો ક્યાંથી હોવાના ? જેમને ત્યાં ટીવી નથી, જેમના મોબાઈલ ઘરમાં સાઈલન્ટ રહે છે અને જેમનાં ઘરમાં દુનિયાભરના દેવોના ફોટાઓ, આશિષો અને પ્રસાદોનો મારો થતો રહે છે તેવા કમનસીબ, ઉતરેલા ચહેરાવાળા અને સતત નિરાશાના બોજ નીચે દબાયેલાં માબાપોને ઓળખવા અઘરાં નથી.
      દસમા–બારમાનાં માબાપો ક્યારે ? આમાં ક્યારે શબ્દના આપણે બે–ત્રણ અર્થો જોઈશું. ક્યારે બનાય ? ક્યારે છૂટકારો પામે ? ક્યારે પાર્ટી કરે અથવા સત્યનારાયણની કથા કરે અથવા ક્યારે ફરવા ઊપડી જાય ? બાળક આઠમા ધોરણમાં આવે કે ત્યારથી જ, માબાપનું નિશાન દસમા ધોરણ પર તકાઈ જાય ને બાળકને બીવડાવવાનું શરૂ ! અંદરખાને પોતે બીતાં હોય પણ બદલો તો બાળક સાથે જ લેવાય ને ? છૂટકારો પામવાનું તો જાણે કોઈના નસીબમાં હોતું જ નથી. બારમાના રિઝલ્ટ પછી એડમિશનની ચિંતા અને જો જોઈતી જગ્યાએ એડમિશન ના મળ્યું તો દીકરા/દીકરીને સારી નોકરી મળ્યા પછી પણ અને ઘણી વાર તો દાદા/દાદી બન્યા પછી પણ સારી જગ્યાએ એડમિશન નહોતું મળ્યું તેની વાર્તા પૌત્રોને સંભળાવતાં અફસોસ કરી લેવાય ! આમ સંપૂર્ણ છુટકારો તો આવા માબાપના ભાગે ક્યારેય હોતો જ નથી. જોકે, પરીક્ષા અને રિઝલ્ટની વચ્ચે કશેક ફરવા ઊપડી જવાની છૂટ છે પણ તોય, પાર્ટી કે કથા તો ગમતા રિઝલ્ટની જ હોય ને ?
     દસમા–બારમાના માબાપે એમના (મુદતી) લાડકાં બાળકો સાથે કેવો વ્યવહાર કરવો ? કેવી રીતે પોતાનું ને બધાંનું મગજ શાંત રાખવું ? કેવી રીતે ઘરના વાદવિવાદ ટાળવા ? કેવી રીતે મહેમાનોને ટાળવા ? કેવી રીતે ફાલતુ ખર્ચા ટાળવા ? પાડોશીઓને કેવી રીતે કાબૂમાં રાખવા ? વગેર વગેરે વગેરે… ઓહોહો ! કેટલા બધા પ્રશ્નો ! પણ ચિંતા નહીં. આવા જ બધા પ્રશ્નોના ઉકેલ તો જાતજાતના લેખોમાંથી મળી રહે છે અને એટલે જ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની આશા બંધાય છે.
      એમ તો સવાલો ઘણા છે પણ આપણે છેલ્લા એક સવાલથી, ક્યારેય પૂરી ન થનારી આજની વાત પૂરી કરશું. દસમા–બારમાના માબાપો ક્યાં ? ખરી વાત છે. ટ્યુશન ક્લાસીસને દસમા–બારમાના ગરજવાન માબાપો ક્યાં મળે ? કાઉન્સેલિંગને નામે ધૂતી ખાનારાઓને આવા માબાપો ક્યાં મળે ? ભારત સિવાય આવા માબાપો ક્યાં ? નિર્દોષ બાળકોના નસીબમાં આવા માબાપો ક્યાં ? ખરેખર તો, જેમને પોતાને જ કંઈ ખબર નથી કે, પોતે ક્યાં છે ? તો એવા માબાપોને શોધવા ક્યાંય જવાની જરૂર નથી. કોઈ પણ શહેરમાં એકાદ લટાર મારી આવો. થોકબંધ માબાપો, વગર જેલે જેલમાં પુરાયેલા કેદીની હાલતમાં મળી આવશે.
     આપણે સૌ આશા રાખીએ અને એમના માટે શુભેચ્છાઓ કરીએ કે, એમનો જલદી છૂટકારો થાય અને એમનાં બાળકો પરીક્ષાનો ભવસાગર તરી જાય.

 

તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

One thought on “દસમા–બારમાના માબાપો – કલ્પના દેસાઈ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.