એક ઊંચી ઊડાન – જમીન પર રહીને

 

 “ચલને અલ્યા મલય! આપણે ગિલ્લીદંડા રમીએ. “
    અને મલય સ્લેટને ફંગોળીને શેરીમાં દોડી ગયો. છેક મોડી સાંજે ઘરમાં પાછો આવ્યો; ત્યારે એને યાદ આવ્યું કે, ગામની ધૂળિયા નિશાળના માસ્તરે આપેલું લેસન તો બાકી જ રહી ગયું હતું. લસ લસ કોળિયા ભરતાંકને તેણે સાંજનું વાળુ પતાવી દીધું.  ચપટીકમાં જ માસ્તરને બહુ વ્હાલા મલયે એમને નારાજ ન કરવાની લ્હાયમાં, ઊંઘરેટી આંખ છતાં લેસન તો પતાવી જ દીધું.
   બીજા દિવસે નિશાળમાં માસ્તરે એનું લેસન તપાસી દસમાંથી દસ માર્ક આપી શાબાશી આપી અને આખા ક્લાસને કહ્યું,” આખો દહાડો ગીલ્લી દંડા ઠોક્યા કરો છો – તો આ મલયને જુઓ. આમ લેસન કરાય.”
    મલય અને એનો જીગરી દોસ્ત મૂછમાં મલકાઈ પડ્યા!
    નાનપણમાં ઘણાં છોકરાઓ ભારે તોફાની હોય, તેમ મલય પણ બહુ જ તોફાની હતો. જો આસપાસમાં ખુલ્લી કોતરો ને ડુંગરા હોય, તો પૂછવું જ શું? મમ્મી રવિવારે ભણવા બેસાડે, ત્યારે આ ઝાડ ને પેલા ઝાડ પર ચડી જાય, આખા વગડામાં મમ્મી શોધી શોધીને રડવા જેવી થઇ જાય ત્યારે મલય નીચે ઉતરે ને પેટ પકડીને હસે, પણ પછી લેસન તો જાતે કરી જ લે.
     વેકેશનમાં મામાના ઘેર મુંબઇ જાય તો બહુ મજા કરે, પણ ઘણાં લોકો, ગામડિયો કહીને ઉતારી પાડે ત્યારે બહુ લાગી આવતું.

આથી સરકારી નોકરી કરતા એના પિતાએ ક્લાર્કની નોકરીમાં શહેરમાં બદલી માંગી. મલયના નવમા ધોરણ વખતે મલયનું શહેરમાં ભણવાનું સ્વપ્નું સાકાર થયું.
     પણ, ગામ અને શહેરની જીવન જીવવાની રીતભાતમાં બહુ મોટું અંતર, ખુલ્લા સરકારી આંગણાંની જગ્યાએ અહીં તો બહુ ભરચક વિસ્તારમાં માંડ એક રુમ-રસોડાનું ઘર પિતાએ વેચાતું લીધું. મલયને મિકેનિકલ વસ્તુઓમાં ભારે રસ પડતો. આથી એણે શહેરમાં આવીને મિકેનીકલ ડિપ્લોમાના અભ્યાસનું વિચારેલું. પિતાને પણ એ વિચાર યોગ્ય લાગતો જેથી મલય જલ્દીથી પગભર થઇ શકે.
     પણ ગામ અને શહેરી રીતભાતની અસર વચ્ચે બહુ ધાર્યું પરિણામ ના મળ્યું અને એ વખતે નવા એવા  કમ્પ્યુટરના ડિપ્લોમામાં તેને એડમીશન મળ્યું.
    ખંતીલા મલયને  કમ્પ્યુટરની મશીનરીથી લઇને એની બનાવટ, એના ઉપયોગો, એનું સમારકામ બધી બાબતોમાં એટલો બધો રસ પડવા લાગ્યો કે, ના પૂછો વાત. આખા રાજ્યમાં એ કમ્પ્યુટર ડિપ્લોમામાં પ્રથમ આવ્યો. એના મામાએ એને કમ્પ્યુટર ભેટ આપ્યું. ડિપ્લોમા અભ્યાસ દરમ્યાન એને ભાન થઈ ગયું હતું; કે તે તો એંજિનીયરીંગ કોલેજમાં જોડાઈ વટદાર ઈજનેર બની શક્યો હોત.
    ડિપ્લોમાના અભ્યાસથી એ ખૂબ ખુશ હતો. હજુ કાંઈ મોડું નથી થયું, એમ વિચારીને ઊંચું નિશાન તાકવાની લ્હાયમાં અને  હોંશમાં તેણે પૂના જઇને આગળ ડીગ્રી અભ્યાસનું ફોર્મ ભરી દીધું, એડમીશન તો મળ્યું પણ મોંઘવારીમાં સામાન્ય પરિવારને હોસ્ટેલ, ચોપડીઓ  વિગેરે ખર્ચ પોસાય તેમ નહોતા; એટલે પિતાએ પૂના આગળ અભ્યાસની ના કહી.
    એને કે એનાં માવતરને કોઈ અંદાજ જ ન હતો; કે આ સિદ્ધિ તેને કયા શિખર સુધી પહોંચાડી શકશે. સગાં વ્હાલામાં પણ એવી કોઈ દિશાનું જાણકાર ન હતું કે, મલયને તો કોલેજમાં ભણવાની સ્કોલરશીપ મળી શકે; અને વિના ખર્ચે તે એન્જિનિયર બની શકે.
     મલયે પિતાનું માન જાળવવા પોતાનું મન માર્યું અને અનુભવ કમાવવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. જો કે ડિપ્લોમામાં પ્રથમ આવેલ હોવાથી સાહેબ અને ઘણાં લોકોએ નજીકની ડીગ્રી કોલેજમાં એડમીશન લેવા પ્રોત્સાહિત કર્યો. પણ મલયનું મન હવે ભણવામાં લાગતું જ ન હતું.  વળી, જાતે જ પાછલા ત્રણ વરસમાં એટલો અભ્યાસ કરેલો કે એને બારમું કરીને ડીગ્રીમાં હાંફતા હાંફતા માર્કસની રેસમાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે ભણવાનું ફાવતું જ નહીં  એટલે એણે કમાવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું.
   કમ્પ્યુટર રિપેરિંગમાં એ નિષ્ણાત હતો અને એક ઇન્સ્ટિટ્યુટની લેબનો ઇન્ચાર્જ બન્યો. જેનું પણ કમ્પ્યુટર રિપેર કરતો તે  દરેકનું દિલ મલય જીતી લેતો.  ૧૯ વરસના આ છોકરાને આગળ અભ્યાસ માટે લગભગ બધા પાસેથી ઘણું પ્રોત્સાહન મળતું. સાહેબોના સહકારથી એ ટૂકડે ટૂકડે કોલેજમાં હાજરી ભરી આવતો. પણ એને અંગ્રેજી પર કાબુ મેળવવો બહુ જરૂરી લાગ્યો. તે કોલ સેન્ટરના ટેક્નિશિયન તરીકે પૂનાની નાની કંપનીમાં ભરતી થઇ ગયો. પાછું એણે ભણવાનું છોડી દીધું. પણ આભને આંબવાનું સ્વપ્નું જોયા કરતો. પૂનામાં આગળ ભણી ના શકાયું એનો અફસોસ એને હતો એટલે એણે મનગમતા પ્રોફેશનલ સર્ટિફિકેટ કોર્સ  કરવા માંડ્યા.
     પણ એ એટલો ચપળ, મહેનતુ અને પરોપકારી હતો કે, એની કાબેલિયત નજર અંદાજ કરીને એના ઉપરીએ એને કોલેજનું ભણવાનું પૂરું કરી લેવા સમજાવ્યું. એક દિવસ એક મિત્રે પણ ખૂબ દબાણ કર્યું. એટલે એણે પાછા છ એક મહિના કોલેજમાં ધ્યાન આપ્યું અને પાછલા વરસના બધા પેપર પૂરા કર્યા.
    આમ, ટૂકડે ટૂકડે કામના અનુભવની સાથે સાથે મલયબાબુને માથે છ વર્ષે ઈજનેરનું છોગું પણ લાગી ગયું. મલયને હવે ભાન થઈ ગયું હતું કે, તેની હેસિયત કેટલે સુધી તેને પહોંચાડી શકે છે.
    એ હવે મલ્ટિનેશનલ કંપનીમાં ઉડાન ભરવાનું વિચારતો હતો, તેવામાં એક વખત મિત્ર મંડળીમાં સ્કોલર એવા એક મિત્રને મલ્ટીનેશનલ કંપનીના ઇન્ટર્વ્યુમાં રિજેક્શન થયું ને મલયે એને સહજ સલાહ આપી કે ‘પ્રેક્ટિકલ જ્ઞાન વધુ અગત્યનું છે.”
   એ દોસ્ત અને બીજા મિત્રોએ મલયને ચેલેન્જ ફેંકી , ‘તારામાં છે ને વધારે આવડત!  તો લઇ બતાવ આ જ નોકરી’. અને સાચે જ એણે એ જ મલ્ટિનેશનલ કંપનીમાં પુરા પાંચ ટેક્નિકલ ઇન્ટર્વ્યુમાં એવું સરસ કામ કર્યું કે એને મોં માંગ્યા પગારથી રાખવાની ઓફર કરવામાં આવી.
     મલયની જિંદગી રાતોરાત બદલાઇ ગઇ. બે વરસમાં તો સ્ટાર પર્ફોર્મરના બે મૂલ્યવાન એવોર્ડસ મળ્યા.
     કમ્પનીના ઘરાક હંમેશા એના કામનાં વખાણ કરતા  અને લે, કર વાત! આવી જ બીજી એક કમ્પનીમાં બેન્ગલોરમાં કામ કરતી હીરા જેવી એક કન્યા માલતી સાથે એની આંખ-ગિલ્લી ટકરાઈ ગઈ! એ ગિલ્લીએ એને મહામૂલી જીવનસાથી પણ આપી દીધી.
     પત્નીને બધી રીતે એની કારકિર્દીમાં ટેકો આપવા, લાંબુ વિચારીને પોતાની ગમતી નોકરી મલયે છોડી દીધી. સદભાગ્યે   તેને પણ બેન્ગ્લોરમાં બીજી એક નવી નોકરી મળી  ગઈ. આ નવી નોકરીમાં એને વિદેશમાં કામ કરવાનો સારો અનુભવ મળવા લાગ્યો. વચ્ચે એણે વિશ્વ વિખ્યાત ગૂગલ કમ્પનીમાં પણ ટેસ્ટ આપ્યો. એમાં તેને  સોમાંથી સો માર્ક મળ્યા. પણ તે જે કામ માટે  માહેર હતો; એની ત્યાં કોઈ જ જરૂર ન હતી.
   પણ નાસીપાસ થાય તો ગિલ્લી આગળ શી રીતે ઊછાળી શકાય? મલયને એનો બરાબર અનુભવ હતો ! એણે ધૂળિયા પહાડી ગામમાંથી મલ્ટિનેશનલ કંપની સુધીની છલાંગ તો ભરી જ દીધી હતી ને?
     છેલ્લા છ વરસની મહેનત અને અનુભવના સધિયારે ફરી એક વખત મલયે લંડનનું નિશાન તાક્યું. પાછલા વરસોની સખત મજૂરીના સબબે તેને આ કમ્પનીમાં કદીક એમ્સ્ટર્ડેમ, કદીક બર્લિન, તો કદીક પેરિસ જવું પડતું. નોકરીના રોજ કમ સે કમ બાર કલાક તો ખરા જ.  સુખી જીવન જીવવાના બધા કોડ બાજુએ મૂકીને કમ્પ્યુટર રિપેરિંગથી લઇ ‘આઇ-ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેશીયાલિસ્ટ’ ના અનુભવના જોરે એની ગિલ્લી દૂર ને દૂર ફંગોળાતી રહી! માલતીએ પણ એના આ ઉન્નત ગગનની કષ્ટભરી ઊડાનોને પૂરો સાથ આપ્યો. તે હવે લન્ડનમાં ઘર સાચવીને બેસી ગઈ.
    આજે મલય વિશ્વવિખ્યાત કમ્પનીમાં ૧૫૦ સોફ્ટવેર એન્જિનિયરોનો ‘સાહેબ’ છે, ગાડાંના પૈડાં જેવા પાઉન્ડમાં  મસમોટો પગાર મેળવે છે અને ……
એની ગિલ્લી હજુ વધારે દૂર પહોંચવાની જ છે, કારણ કે,  મલયની જીવન નૌકાએ હજી ચાળીસી પણ વટાવી નથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *