કથન – નિમિષા દલાલ

મૂળ પ્રકાશન – પ્રતિલિપિ પર …..

( હિન્દી લેખિકા વિણા વત્સલ સિંહની વાર્તા ‘અનિમેષ‘નો ગુજરાતીમાં ભાવાનુવાદ. . )

ટન… ટન…. ટન… ટન.. ટન… ટન

બેલના અવાજે બધા જ વિદ્યાર્થીઓ વર્ગમાં પોતપોતાની જગ્યાએ બેસી ગયા. અત્યારે સુભાષ સરનો ક્લાસ હતો. આખી શાળાના વિદ્યાર્થીઓમાં એમનો ખૂબ ધાક હતો. પ્રિન્સિપલ પણ એમનું કહેવું ઉથાપી શકતા નહોતા, વર્ગમાં આવતાજ એમણે એક ઊંડો શ્વાસ લીધો અને.. એમના મોઢા પર ગુસ્સો આવી ગયો..

“કોણ સિગારેટ પીતું હતું અહીં.. ?”

છેલી બેંચ પર થયેલો થોડો સળવળાટ એમના ધ્યાનમાં આવી ગયો..

“કથન… અહીં આવ જોઉં…”

“સર હું નહોતો પીતો..” કથન ગભરાઈ ગયો..

“આઈ સે કમ હિયર..” એમનો અવાજ ઊંચો થયો ને કથન દોડીને એમની પાસે ગયો..

એમણે કથનના ખિસ્સા તપાસ્યા.. અને પેન્ટના ખિસ્સામાં હાથ નાખતા જ…

“ચાલ પ્રિન્સીપલ પાસે.. તારા મા-બાપને બોલાવીને આજે જ સ્કૂલમાંથી….”

કથનનું બાવડું પકડી એમણે કથનને ખેંચ્યો.. એ સુભાષસર પાછળ ઘસડાયો. એ બોલતો રહ્યો ‘સર મેં નથી પીધી.’ પણ….

“મિસ્ટર અનિલ તમે અત્યારેને અત્યારે જ તમારા પત્નીને લઈને અહીં આવી જાઓ…”

થોડી જ વારમાં કથનના માતા-પિતા સ્કૂલમાં હતા.

સટાક… સુભાષસરની વાત સાંભળતા જ અનિલે બધાની હાજરીમાં કથનને એક તમાચો મારી દીધો. એક તો અડધી મિટિંગ છોડી આવેલા અનિલને સ્કૂલમાં આવી સાંભળવા મળ્યું કે.. પપ્પાના ગુસ્સા સામે કથનની જીભ સચ્ચાઈ બોલવા ઊપડી નહીં..

“સાવ ખોટી વાત મારો દીકરો સિગારેટ પીએ જ નહીં.” ધારાએ અનિલથી ડરતા ધ્રુજતા સ્વરે કહ્યું ને પ્રિન્સિપલે કથનના ખિસ્સામાંથી મળેલું સિગરેટનું પેકેટ ધારા સામે ધરી દીધું.

“મમ્મી..મેં..”

“ચૂપ.. ખબરદાર જો એક શબ્દ પણ બોલ્યો છે તો…” પેકેટ જોઈ અનિલે ફરી ઘાંટો પાડી એક તમાચો ઠોકી દીધો.. કથન ગાલ પંપાળતો ધારા સામે જોઈ રહ્યો, પરંતુ ધારા પણ અનિલના ગુસ્સાને કારણે કથનને વધુ સપોર્ટ કરી શકી નહીં, પણ એનું મન જાણતું હતું કે કથન આમ કરે જ નહીં. એને પોતાના ઉછેર પર જરાયે શંકા નહોતી પણ…

કથનને સ્કૂલમાંથી એક મહિના માટે સસ્પેન્ડ કરાયો. કારમાં ઘરે જતા આખા રસ્તે અનિલે ધારાને બાળઉછેર પર લાંબુ ભાષણ આપી દીધું. ઈચ્છવા છતાં પણ ધારા અનિલની સામે કથનને વહાલ કરી શકી નહીં. કથન દયામણી નજરે પોતાની માને જોતો રહ્યો ને એ લાચાર નજરે દીકરાને…

ઘરે આવતા જ અનિલે બીજા ચાર-પાંચ તમાચા કથનને મારી દીધા. “પપ્પા, પપ્પા, એક વાર, ..” આગળના શબ્દો એના રૂદનમાં વહી ગયા અને તે પોતાના રૂમ તરફ દોડી ગયો.

“ખબરદાર જો એની પાછળ ગઈ છે તો.. હું શું કરી શકું છું તું જાણે છે ને ?” કથનની પાછળ ધારાને જતી જોઈ અનિલે બરાડો પાડ્યો. એ સાંભળી કથને જોરથી બારણું બંધ કરી દીધું અને અનિલના ગુસ્સાથી સારી રીતે પરિચિત ધારાના પગ થંભી ગયા.

કથન એની માને ઝંખતો રહ્યો. એણે સાચી વાત ધારાને કહેવી હતી, પણ રૂમને બહારથી તાળું મારી અનિલ ચાવી લઈ ઓફિસ જતો રહ્યો. એવું નહોતું કે અનિલને કથન વહાલો નહોતો. પણ પોતાના એકના એક દીકરાને આવા દુષણોથી દૂર રાખવો એ પણ તો એની જ ફરજ હતી ને ? થોડી પણ ઢીલ આનાથી વધુ ખરાબ દુષણ તરફ કથનને લઈ જશે એ અનિલ જાણતો હતો.

રાતે જમવા બેસતા ધારાને કથન માટે થાળી ભરતા જોઈ અનિલે તેને ટોકી.

“એક દિવસ ખાશે નહીં તો…”

“અનિલ, તમે થોડા શાંત થઈ વિચારો. આવા સમયે બાળકને ગુસ્સાથી નહીં પ્રેમથી જ વારી શકાય….” ધારાએ અનિલને સમજાવ્યો.

“આવા સમયે બાળકને વહાલથી સમજાવવાનું હોય, આમ ગુસ્સો કરતા કદાચ એવું પણ બને કે કથન….” અને એમની બીક સાચી પડી.. થાળી લઈ રૂમનું તાળું ખોલી અંદર પ્રવેશતા જ કથનને લોહીમાં તરબોળ જોતાં જ અનિલના હાથમાંની થાળી પડી ગઈ. કથનને તરત ઊચકીને એ કાર તરફ દોડ્યો. કથનના હાથમાંથી પડી ગયેલી લોહીથી ખરડાયેલી ચિઠ્ઠી ધારાએ ઊંચકી લીધી.

“ડોક્ટર..” ઓપરેશન થિયેટરમાંથી બહાર આવતા જ અનિલે શબ્દો નહીં પણ ચિંતિત નજરે જ ડોક્ટરને પૂછ્યું.

“ઘા બહુ ઊંડો નથી પણ લોહી તો ઘણું વહી ગયું છે અમે ટાંકા તો લઇ લીધા છે.. બાકી હવે ભગવાનના હાથમાં…” બોલી ડોક્ટર એમની કેબીનમાં જતા રહ્યા.

ઓપરેશન થિયેટરમાંથી આઈસીયુમાં લઈ જતા કથનને જોઈ બંનેની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહી રહ્યા હતા.

*****

પગ પાસેથી ઓલવાયેલું સિગરેટનું ઠુંઠું લઈ બારીમાંથી ફેંકવા જતા તપનની આંખો કથન સાથે મળેલી, એ આંખોએ આખી રાત તપનનો પીછો ના છોડ્યો. સવારે પોતાના પોકેટમની માંથી એક પાર્કર પેન લઈ તપન સુભાષસરને આપવા ગયો. એને ખબર હતી કે, પોતાના મમ્મી-પપ્પા અવાર-નવાર સુભાષસરને કોઈને કોઈ ગીફ્ટ આપતા હતા અને એના કારણે જ પોતે ન વાંચવા છતાંય પાસ થઈ જતો હતો.

“સર, મારા પપ્પાએ આ પેન મોકલાવી છે તમારા માટે.”

“થેંક્યું કહેજે પપ્પાને હો.. અને આ વખતે મહેનત કરીને પાસ થજે આવતા વર્ષે બોર્ડમાં હું મદદ નહીં કરી શકું, અને હા પેલા કથનની જેમ જો આડે પાટે ગયો છે તો-તો પછી આ… તને નહીં બચાવે.. આવા દુષણોની હું સખત વિરૂધ્ધ છું.” પેન બતાવતા સુભાષસરે તપનને કહ્યું, અને બેલ પડતા એ વર્ગમાં જવા ઊભા થયા.. તપન ત્યાંથી ખસ્યો નહીં..

“ શું થયું ? કંઈ કહેવું છે ?” તપને હકારમાં ડોકું ધૂણાવ્યું.

“જલ્દી બોલ બેલ પડી ગયો છે.” સુભાષસર પાછા ખુરશીમાં બેઠા.

“ સર, ગઈ કાલે કથને સિગારેટ નહોતી પીધી..”

“તો ? તો કોણે પીધી હતી ? મને ખબર છે તમે બંને સારા મિત્રો છો પણ એને બચાવવાનો ખોટો પ્રયાસ ન કરતો.. ”

“ ના.. ના સર, હકીકતમાં તો હું સિગારેટ પીતો હતો.. એણે મારા હાથમાંથી લઈ નીચે નાખી એના પર પગ મૂકી દીધો હતો અને મારી સ્કૂલબેગ માંથી પેકેટ લઈ બહાર ડસ્ટબીનમાં નાખવા જતો હતો ને તમે આવ્યા, એટલે જલ્દી જલ્દી એણે એના પેન્ટના ખિસ્સામાં પેકેટ મૂકી દીધું ને…..” તપને ડરતા ડરતા કહ્યું..

“ સર, કથન મને બહુ સમજાવતો કે સિગારેટ છોડી દે, પણ મેં ના છોડી .. ને આજે મારા લીધે એ.. સર, હું તમને પ્રોમિસ કરું છું કે આજ પછી હું સિગારેટને હાથ પણ નહીં લગાડું.. સર એનું સસ્પેન્શન પાછું ખેચાવડાવોને, પ્લીઝ સર.. “ તપને આજીજી કરી..

સુભાષસરને સમજ ન પડી કે શું કરવું… પછી કંઇક વિચારી..

“ચાલ પ્રિન્સીપલ પાસે…”

*******

આઈસીયુની બારીમાંથી કથનને જોતા ધારાને પેલી ચિઠ્ઠી યાદ આવી.

“મમ્મી, પપ્પા,

મને માફ કરજો.. તમને લાગતું હશે કે તમે મારા પર મૂકેલા વિશ્વાસને મેં તોડ્યો છે. પણ ના, મેં નથી તોડ્યો. એ સિગારેટ મારા ફ્રેન્ડ તપને પીધી હતી. હું એને ઘણા સમયથી છોડવા સમજાવું છું પણ… તપનના પપ્પા-મમ્મી બહુ જ બિઝી રહે છે અને તપનને માટે સમય કાઢી સકતા નથી. એટલે એને અપાતા મોટા પોકેટમનીમાંથી..” ધારા જેમ જેમ ચિઠ્ઠી વાંચતી ગઈ.. એની આંખમાંથી આંસુઓની ધારા વહેતી ગઈ. રડતા રડતા ચિઠ્ઠી વાંચતી ધારાને જોઈ અનિલે એના હાથમાંથી તે લઈને વાંચવા માંડી.. એની પણ આંખો ભીંજાઈ.. ત્યાં જ મોબાઈલની રીંગ વાગી.. કથનના ક્લાસટીચર સુભાષનો ફોન હતો..

“મી. અનિલ, તમારો કથન નિર્દોષ છે. અમે તેનું સસ્પેન્શન પાછું ખેંચીએ છીએ. અસલમાં એના મિત્ર તપને સિગારેટ પીધી હતી.. આજે સવારે એણે મારી પાસે આવીને કબૂલ કર્યું છે, અને હવે સિગારેટ નહીં પીવાની ખાતરી પણ આપી છે.. પરંતુ સ્કૂલના નિયમાનુસાર અમે તપનને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરીએ છીએ.. કથનને કાલથી સ્કૂલે મોકલી આપજો..”

“મી.સુભાષ, તપનને સસ્પેન્ડ ન કરતા. આજે એણે સાચું બોલવાની હિંમત કરી છે અને હવે સિગારેટ ન પીવાનું વચન પણ તો આપ્યું છે.. મારી તમને વિનંતિ છે કે તમે એને સસ્પેન્ડ…” આગળના શબ્દો અનિલના રૂદનમાં દબાઈ ગયા ને એણે ફોન કટ કર્યો.

સાંજે ડોકટરે અનિલને તેની કેબીનમાં બોલાવ્યો અને કહ્યું, “ મી. અનિલ, કથન હવે ખતરાની બહાર છે. પણ હજુ વધુ લોહી વહી જવાને કારણે થોડો અશક્ત છે,” ડોકટરના બાકીના શબ્દો સાંભળ્યા વિના જ અનિલ ખુશીના સમાચાર આપવા ધારા પાસે દોડી ગયો..

ગમ્યું?...તો ગમતાનો ગુલાલ કરો.Google+FacebookEmail
  
Posted in પ્રેરક પ્રસંગો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

સર્જન સંગ્રહ
ઇ-વિદ્યાલય લોગો
  ઇ-વિદ્યાલય લોગો અને લિંક આપના બ્લૉગ પર મૂકવા માટે નવું ટેક્સ્ટ વિજેટ બનાવી નીચે દર્શાવેલા કોડની કૉપીને ત્યાં પેસ્ટ કરો.

<a href="//www.evidyalay.net"><img src="http://evidyalay.net/wp-content/uploads/2013/09/EV_LOGO4.png" /></a>

આ ગુગલ એડનો હેતુ માત્ર ઇવિદ્યાલય વેબસાઇટ નિભાવ પૂરતો જ સિમિત છે.