રોલ નંબર દસ..
અજાણ્યા માણસને સ્વાભાવિક જ થાય કે હું રોલ નંબર નવ તો ભૂલી જ ગયો, માસ્તરને જ એકડા બરાબર આવડતા નથી. પણ મને કે મારા વર્ગના બાળકોને એ આશ્ચર્ય થાય નહિ. કેમ કે આઠ પછી કાયમ દસ નંબર જ બોલવાનું રહેતું. નવ નંબર તો વિક્રમનો હતો. અને એનો નંબર બોલું કે ન બોલું એ ક્યાં સાંભળવાનો હતો !
લાલજીસાહેબના ક્લાસમાં હતો ત્યારે બધા એને મૂંગલો કહી ને બોલાવતા. પણ એ જન્મથી જ બહેરો-મૂંગો નહોતો. કેટલેક અંશે અધકચરા અવાજો કાઢી થોડું ઘણું બોલી પણ શકતો. હા, એ વાત જૂદી હતી કે તેનું બોલેલું કોઈ સમજી શકતું નહોતું. પણ બધા એને આમ મૂંગલો કહે એ મારાથી સહન થયું નહિ ને લાલજીસાહેબને વિનંતી કરી મેં એને મારા ક્લાસમાં લઈ લીધો. નામ મને નોંધાવતી વખતે એમણે કહેલું, ‘શું ફેર પડશે ભાઈ? મારી પાહેં ભણે કે તમારી પાહેં ! હે ? એને તો બોલવું ય નથી ને હાંભળવુંય નથી. હાવ મૂંગલો છે.. મૂંગલો.’
‘વાંધો નહિ તમતમારે, રજિસ્ટરમાં નોંધાયેલું એનું સાચું નામ એના કાને સંભળાવી શકું તોયે ઘણું છે મારા માટે !’ મેં કહ્યું ને લાલજીસાહેબ મોટેથી હસવા લાગેલા. ને પછી કટાક્ષમાં બોલ્યા, ‘બહુ હારું લ્યો તો ભણાવી દ્યો એને જલ્દી ને બનાવી દ્યો મોટો લાટસાબ. અમે તો જાણે કાંઈ ભણાવતા જ ન હોયે એવી વાત કરો છો. તમે ખાલી એ મૂંગલાની ભાષા હમજી શકો ને તોયે તમારો ગુલામ થઈ જાઈશ.. જાવ.’
મારા ક્લાસમાં આવ્યા પછી મેં જેમ જેમ એનામાં રસ લીધો તેમ તેમ એ વધુ ને વધુ ખીલવા માંડ્યો. મને એના પર હતી એના કરતા અનેકગણી લાગણી એને મારા પર થવા માંડી. કંપાઉન્ડમાં મારું લ્યુના પ્રવેશે કે તરત જ એ દોડતો સામે આવે. આડો જ ઊભો રહી જાય. એટલે મારે એને સ્કૂટર સોંપી દેવાનું. એ લીમડાને છાંયે મૂકી આવે. મારું લંચબોક્સ અને વૉટરબેગ લેતો આવે. ક્લાસમાં મારા ટેબલ પર બરાબર ગોઠવે. રિસેસમાં હું જમું તો મારે એનું કઈ કામ તો નથી પડ્યું ને એવી બે-ચાર વખત ખાતરી કરી જાય. રજાના સમયે વળી પાછું લંચબોક્સ અને વૉટરબેગ સ્કૂટર પર ગોઠવે અને કમ્પાઉન્ડ બહાર સુધી સ્કૂટર કાઢી આપે.
આ બધા કામ એને ન કરવા દઉં કે બીજું કોઈ કરે તો ગુસ્સામાં ચિત્રવિચિત્ર અવાજો કાઢીને એ આખી નિશાળ માથે લઈ લે. આમેય એને ભણવામાં તો રસ જ નહોતો, એટલે બહારના કામ કરવામાં એનું કૌશલ્ય દેખાડવાનો એને ભારે ધખારો રહેતો.
એક દિવસ રજામાં સ્કૂટર બહાર કાઢ્યું ને જોયું તો પંક્ચર. ઈશારા અને અવાજોના મિશ્રણથી એણે મને પંક્ચર બતાવ્યું. એ દિવસે મારે અગત્યના કામે પહોંચવાનું હોવાથી અકળાયો. સામેના ગેરેજ સુધી વિક્રમ મને દોરી ગયો. પંક્ચર થયું ત્યાં સુધી હું ચિંતાગ્રસ્ત બેઠો રહ્યો. સમય બગડવાને લીધે મારુ મન બહુ ઉદાસ હતું. મારી સાથે વિક્રમ પણ બેઠો રહ્યો. એ જાણે સતત મારી ચિંતાને ઉકેલી રહ્યો હતો અને મને સખત અકળાયેલો જોઈ એનું મન પણ વ્યાકુળ થતું મેં જોયું.
બીજા દિવસથી વિક્રમમાં એક ફેરફાર જોવા મળ્યો. રજા પડવાના એક કલાક પહેલા જ એ સ્કૂટર પાસે જઈ આવ્યો. મેં પૂછ્યું, ‘કેમ ? શું હતું ?’
એણે ઈશારા મિશ્રિત અવાજે સમજાવ્યું, ‘જોતો’તો કે આજે પંક્ચર નથી ને ? કાલે તમે કેવા હેરાન થયા’તા !’
ત્યારથી એ હમેશા એક કલાક અગાઉ જ પંક્ચરનું ચેકીંગ કરી લે. જેમ જેમ એના સંકેતોની ભાષા હવે હું પામવા લાગ્યો હતો તેમ તેમ મને એનામાં વધુ ને વધુ રસ પડવા લાગ્યો. એના ખાસ પ્રકારના ઈશારા અને ખાસ પ્રકારના અસ્પષ્ટ ઉચ્ચારોનું અર્થઘટન કરવા ખાસ્સું એવું મગજ કસવાની જરૂર પડે, પણ એમા સફળ થાઉં ત્યારે અનેરો આનંદ અનુભવાય.
એવામાં એક્વાર કોઈ કારણસર મારે પાંચેક દિવસની રજા ઉપર જવાનું થયું. એ પછીના અઠવાડિયે હું હાજર થયો ત્યારે મારું સ્વાગત કરવા દરવાજે વિક્રમ હાજર નહોતો. તપાસ કરતા લાલજીસાહેબે કહ્યું, ‘અરે કોણ મૂંગલો ને ? એ તો ભાઈ તમારા વિના અમે નો હાચવી શકીયે એને હો. તમે ગયા પછી પહેલે જ દિવસે તમને જોયા નહિ એટલે ક્લાસમાં બેઠો જ નહિ, એટલે મેં મારા ક્લાસમાં બેસાડ્યો પણ રજા પડે એ પહેલા તો ક્યાં નાસી ગયો કોઈને ખબર જ પડી નહિ. હા, જતા જતા એક તોફાન કરતો ગયો, અમે ભલે એને વાંચતા-લખતા ન શીખવ્યું, પણ તમે એને તોફાન કરવાનું શીખવ્યું ?’
‘કેમ ? શું તોફાન કર્યું એણે ?’ મને આશ્ચર્ય થયું.
‘મારી બાઈકમાં પંક્ચર પાડતો ગયો.’ લાલજીસાહેબ રોફથી બોલ્યા, ‘ને બસ.. એ દિવસે મેં એને બરાબર ફટકાર્યો, પછી આટલા દિવસ ભણવા આવ્યો જ નહિ.’
મને ઝટકો લાગ્યો. વિક્રમ આવું કરે ખરો ! વિદ્યાર્થીઓ જે કંઈ કરે એમાં એના શિક્ષકની ઈમેજ પણ જોડાઈ જાય છે એ વાત લાલજીભાઈની વાતોમાંથી હું સમજ્યો. ક્લાસમાં જઈ મેં બીજા છોકરાવને કહ્યું કે ‘જાવ, વિક્રમને બોલાવતા આવો.’
છોકરાવ કહે, ‘તમે આવ્યા છો એ ખબર પડતાં જ અમે એને બોલાવવા ગયા.. એણે અમને કહી રાખેલું કે સાહેબ આવે તો મને બોલાવા આવજો, જુઓ આ આવ્યો.’
મને જોઈને એના ઊતરેલ ચહેરા પર જરા રોનક આવી. મારી ખુરશીને ઘસાઈને નીચું મોં કરી ઊભો રહ્યો. પછી હાથ ઉલાળીને કેટલાય અસ્પષ્ટ ઉચ્ચારો વડે મારા કાન અને મગજ ભરી દીધા. એની પ્રતિક્રિયાઓનું અર્થઘટન કરવામાં મારે બહુ વાર લાગી. એના અવાજમાં ઠપકો હતો, હું આટલા દિવસ એને ન મળ્યાનું દુઃખ હતું, એને બીજા સાહેબોએ હડધૂત કર્યો હશે એનો રોષ પણ ટપક્યો.
છતાં એણે લાલજીસાહેબની બાઈકમાં પંક્ચર પાડ્યું એ વાતનો તાળો મને મળ્યો નહિ. પણ તરત જ એને પૂછવાનું મને યોગ્ય ન લાગ્યું. પણ એ દિવસે જ રિસેસના સમયમાં જ્યારે બધા વિદ્યાર્થીઓ બહાર ગયા હતા ત્યારે વિક્રમ છાનોમાનો લાલજીસાહેબની બાઈક પાસે ગયો અને એના ટાયરમાંથી હવા કાઢતો મેં એને જોયો.. મને વધુ આંચકો લાગ્યો, લાલજીસાહેબની ફરિયાદ ખોટી નહોતી. આ છોકરો કેમ આવું તોફાન શીખ્યો ? ને એ પણ આમ અચાનક ?
હું તરત લાલજીસાહેબ પાસે દોડ્યો અને કહ્યું, ‘તમારી વાત સાચી નિકળી અને એટલું જ નહિ આજે પણ વિક્રમે ફરી એવું જ કારસ્તાન કર્યું છે.’
લાલજીસાહેબ ઊકળ્યા, ‘જોયું ને ? મેં કહ્યું’તું ને કે તમે એને શું શીખવી શકવાના ? આ ? આ શીખવ્યું ? બોલાવો, બોલાવો એ મૂંગલાને.. એના બાપને ય બોલાવો, આજે એની પાહેં જ બધું કબૂલ કરાવીયે. મૂંગલો કરાફાટ્યનો થઈ ગ્યો.. એમાંયે મોટે ઉપાડે તમે એની ભાષા હમજવા લઈ ગ્યા મારામાંથી.. તમે હું હમજ્યા એની ભાષા ? આજે હું એને માર્યા વગર નહિ મૂકૂં.. ક્યાં છે ? બોલાવો છો કે હું જાઉં ?’
મેં શાંત પાડવા કોશિશ કરી, ‘એને હું ઠપકો આપીશ. તમે ચિંતા ન કરો. પંક્ચર પાડ્યું હશે તો પણ હું સરખું કરાવી આપીશ. પણ મને એ કહો કે એ દિવસે બીજું કંઈ બન્યું હતું ?’
‘તમે કે’વા હું માગો છો ? આચાર્યસાહેબ પણ ત્યારે હતા, અમે એને તમારી જેમ થાબડભાણા તો નો જ કરીયે હો. એ દિવસે જે થયું હોય ઈને જ પૂછો ને, મારે નથી કહેવું જાવ. એને ક્યો તમને કહી દે જે થયું હોય ઈ...’ ઊકળેલા અવાજે જ લાલજીભાઈ જરા અટક્યા ને પછી હોઠ કરડાવી બોલ્યા, ‘ના ના, નથી કે’વું જાવ, બહુ મૂંગલાની ભાષા હમજવાના હગલા થયા છો ને.. તયે જાવ ને એને જ ક્યો તમને હમજાવે...’ વળી અટકીને કહે, ‘મૂંગલો તમને લખીને હમજાવશે ? હે...હે.. તમે હજી એને લખતાંયે ક્યા શીખવી દીધું ? હેં ? જાવ એને ક્યો તમને બધું હમજાવે. મૂંગલો શું કે’શે ? અને કે’શે કે’શે ત્યાં તો તમે રિટાયર્ડ પણ થઈ ગ્યા હશો.. હા...હા..’
‘વીસ મિનિટમાં બધું સત્ય બહાર ન લાવું તો કે’જો મને.’ કહેતો હું બહાર નિકળી ગયો. મેં લાલજીભાઈની ચેલેન્જ ઉપાડી લીધી.
ગેરેજવાળાને બોલાવી બાઈકમાં હવા ભરવા મોકલ્યું અને ધૂઆપૂઆં થતો હું ક્લાસમાં આવ્યો. બધા છોકરાવને બહાર રમવા મોકલી વિક્રમને પાસે બોલાવ્યો. જેવી મેં વાત માંડી કે તરત જ એ ભાંગી પડ્યો.
મને ખ્યાલ આવ્યો કે હવે એ મારી ભાષા પણ સમજવા માંડ્યો છે. મેં એને મહમહેનતે એને સમજાય એવા સંકેતો અને અવાજોની મદદથી બધું પૂછ્યું. ને એણે પણ એક પછી એક વાત મને ઈશારા અને અવાજોથી સમજાવવા માંડી. એક એક વાત ખૂલતી ગઈ તેમ તેમ મને સત્ય સમજાતું ગયું. કહેતા કહેતા એ રડતો રહ્યો. એને ધરપત આપી શાંત પાડ્યો ને બધા સાથે રમવા મોકલ્યો.
હું મગજ શાંત પાડવા ઑફિસમાં જઈ બેઠો ત્યાં લાલજીસાહેબ પણ આવ્યા, ‘કંઈ કહ્યું કે નહિ મૂંગલાએ ? કંઈક બોલો તો ખરા... કેમ ચૂપ છો ? તમે એને બોલતો ન કરી શક્યા.. પણ એણે તમને મૂંગલા કરી દીધા કે શું ? હે..હે..’
‘મને બધો ખ્યાલ આવ્યો છે.. એ દિવસે શું બન્યું હતું.. મને બધું વિક્રમે કહ્યું.’ હું શાંત અવાજે બોલ્યો.
સામે બેઠેલા આચાર્યસાહેબની આંખમાં પણ ચમક આવી, ‘એમ ? તો તો કહી દો.. એક મૂંગલો કેટલું કહી શકે એની અમનેય હમજ પડે !’
‘એણે તો રજેરજ વાત મને સમજાવવાની પૂરી કોશિશ કરી સાહેબ, પણ હું જેટલું અને જેવું સમજ્યો એ મારા શબ્દોમાં જ કહી શકીશ. એના જેટલી ડીટેઇલ ન કહી શકું... કદાચ એટલા માટે કે હું મૂંગલો નથી ને !’ પહેલી વાર મારાથી પણ ‘મૂંગલો’ બોલાઈ ગયું.
‘ભલે ભલે, તમતમારે બોલી નાંખો.’ લાલજીસાહેબ બોલ્યા.
એ દિવસની મને જે વાત વિક્રમ દ્વારા સમજાઈ હતી તે મારા શબ્દોમાં રજૂ કરી, ‘જુઓ, એ દિવસે રિસેસમાં કોઈ નહોતું ત્યારે તમે અને આચાર્ય સાહેબ બગીચામાં બેઠા હતા અને વિક્રમને તમે ફૂલછોડને પાણી પાવાના કામમાં લગાડ્યો હતો.’
‘હા, બરાબર.’ આચાર્યસાહેબ બોલ્યા.
‘એ વખતે તમે બંને જે વાત કરતા હતા એ તમને તો યાદ જ હશે ?’ મેં પૂછ્યું. અને કશાય પ્રત્યુત્તરની રાહ જોયા વગર આગળ કહ્યું, ‘તમે લોકો એમ સમજતા હતા કે આ બહેરો-મૂંગો બાળક તમારી વાત શું સાંભળવાનો ? અને સાંભળે તો કોને અને શું કહેવાનો ? બરાબર ને ?’
આચાર્યસાહેબ અને લાલજીસાહેબ તો સડક થઈ ગયા. બંનેની આંખો પહોળી રહી ગઈ. મેં એની નોંધ લઈ આગળ કહ્યું, ‘ એ દિવસે મારા સ્કૂટરમાં પંક્ચર પાડવા તમે જ તમારા ક્લાસના કોઈ છોકરાને કહ્યું હતું ને ! વિક્રમે એ વાત બરાબર સાંભળી લીધેલી. અને એનું પરિણામ તમે આજે જોઈ રહ્યાં છો.’
પેલા લોકો બંને એકબીજાની સામે ડઘાયેલા જોઈ રહ્યાં, પછી એકાએક બેય જણા ખડખડાટ હસવા લાગ્યા. અંતે આચાર્યસાહેબ કહે, ‘માસ્તર તમે જીત્યા.’ કહી એમણે લાલજીસાહેબને તાળી આપી.
હવે ડઘાવાનો વારો મારો હતો. મારો ચહેરો જોઈ લાલજીભાઈએ ફોડ પાડ્યો, ‘જુઓ માસ્તર, એ દિવસે અમે એની અને એ બહાને તમારી પરીક્ષા લેવા માટે જ એ બધું બોલ્યા હતા. પણ એનું પરિણામ આવું આવશે એની ખબર નો’તી. પણ તમે એના હાચા ગુરુ નિકળ્યા ભાઈ.’
હું અચંબામાં પડી ગયો. ઊભો થયો ને જતા જતા એક પ્રશ્ન પૂછવાનું મન ન રોકી શક્યો, તે પૂછી લીધું, ‘મારી પરીક્ષા લેવા પંક્ચરની ને એ બધી વાત ઊભી કરી એ તો ઠીક સમજ્યા હવે, પણ પછી પેલા નવા હાજર થયેલા વિદ્યાસહાયક બહેનની વાતો પણ મારા મૂંગલા સામે કરવાની શું જરૂર હતી ?’
પૂછીને જવાબની રાહ જોયા વગર એ બંને મૂંગલાઓને ઑફિસમાં જ ડઘાયેલા મૂકીને હું વિના વિલંબે બહાર નિકળી ગયો.
- અજય ઓઝા