- છાયા ઉપાધ્યાય
(શિક્ષિકા, આનંદ કન્યાશાળા, ચિખોદરા, આણંદ)
તેનું નામ...મીના રાખીએ! બોલે ત્યારે પુરું મોઢું ય ના ખોલે તો ફેફસાંનો ઉપયોગ કરે એવી તો આશા જ ના રખાય. ચાલે ત્યારે પગ જમીન પરથી પૂરેપૂરો ઊંચો ના થાય. વાળ ક્યારેય ઓળેલા ના લાગે. નૉટના ઠેકાણા તો ક્યાંથી હોય! વર્ગમાં મોટે ભાગે દુઃખી ચહેરે બેઠી હોય અથવા બેન્ચ પર માથું નાખી સૂતી હોય. ક્યારેક દાઢ દુઃખતી હોય, ક્યારેક કાન, મોટેભાગે માથું. એ જ પાછી મધ્યાહન ભોજન વખતે લીડર. વહેંચવામાં માસ્ટર. તેના પરિવારની દિકરીઓ ક્રમશઃ અમારા હાથ નીચેથી પસાર થયેલી, એટલે પરિવાર પણ પરિચિત. જાણીએ કે ઘરે એવી તો કોઈ સમસ્યા નથી જે તેને આમ આવી બનાવી દે. વળી, ફળિયામાં તો તે વાઘ. નિશાળની બધી 'વાતો કરે'!
"મીના'નું શું કરવું?" આ વિષય રિસેસમાં અવારનવાર ઉખડે અને કેટલીય વાર "મીનાનું કંઈ થાય એમ નથી." એમ હાર પણ સ્વીકારી લઈએ. યુનિટ પુરો થતાં તેના ગુણ મુકાય. ગુણ મુકાય તે નૉટ ટેબલ પર જ હોય. જેને પોતાના ગુણ વધારવા હોય તે સંબંધિત મુદ્દાનું પોતાનું કામ ફરી બતાવી ગુણ સુધારી શકે.
એક રિસેસમાં તે નૉટ લઈને આવી. નૉટ આશ્ચર્યજનક હદે વ્યવસ્થિત! ગૃહકાર્ય સુપેરે કરેલું. રાતોરાત થયેલા આ ચમત્કારથી બઘવાઈ જવાયું. 'વાહ!', 'શાબાશ!' વગેરે જીભવગા ઉપકરણ પ્રયોજ્યા. તો પણ તે ખસી નહીં. મારી સમજ પ્રમાણે 'કાર્યક્રમ' પૂરો થઈ ગયેલ. તેની સામે જોઈને અપેક્ષિત-સૂચિત અનુક્રમ વિચારતી રહી પણ કંઈ જ યાદ ના આવ્યું. મારા બાઘાપણાની ખાતરી થયા પછી તે નાસિક સ્વરે બોલી, "તો મારા માર્ક સુધારી દે." ઓહ ! એ વાત છે!
એ 'સ્પાર્ક'ના સમાચાર રિસેસ બેઠકમાં પ્રસારિત થઈ ગયા અને હવે મીનાને કોણે, કઈ રીત હાથ પર લેવી તેનું આયોજન થઈ ગયું.
આ વર્ષે એ બરાબર તે ખીલી છે. એટલી કે જડબેસલાક તાસ વચ્ચે ય આજના એક દિવસમાં શાળા વ્યવસ્થાપન બાબતે ફક્ત ત્રણ વાર રજુઆત કરી ગઈ.
એમ પણ બને !