બા મેં તો બાગમાં બાંધી નિશાળ,
ભણવાને આવે છે ચકલીઓ ચાર!
આ બાળગીતની પંક્તિ અમારા ડેનિયલની યાદ અપાવે. ડેનિયલનુ ચાલે તો બાગમાં જ નિશાળ બાંધે. કયા બાળકની ઈચ્છા ન હોય, કે આખો દિવસ બાગમાં રમવા મળે!
દુનિયાના કોઈપણ બાળકની સમજ શક્તિ અને રમતને કોઈ સંબંધ નથી. ખુલ્લામાં દોડવું, લસરપટ્ટી પર લસરવું, બાળકોનો જાણે જન્મસિધ્ધ હક્ક છે.
ડેનિયલ અત્યારે બીજા ધોરણમા છે. અમારા નાના ભુલકાં અને બીજા ધોરણના બાળકોનો બહાર મેદાનમાં રમવાનો સમય સરખો, ફરક એટલો કે અમે નાનકડા મેદાનમાં હોઈએ જ્યાં મેદાન ફરતે વાડ બાંધેલી હોય જેથી નાના બાળકો સુરક્ષિતતાથી રમી શકે, અને મોટા બાળકો ખુલ્લા મેદાનમાં રમતા હોય.
અર્ધા કલાક પછી જ્યારે મોટા બાળકોનો ક્લાસમાં જવાનો સમય થાય ત્યારે બીજા બાળકો તો શિક્ષકની એક બુમે લાઈનસર ગોઠવાઈ જાય, પણ ડેનિયલ ક્યાંક લસરપટ્ટી પાછળ, કોઈ બાંકડાની પાછળ છુપાયેલો હોય! આખા મેદાનમાં ડેનિયલના નામની બુમ ગુંજતી હોય, એકાદ બે બાળકો એને શોધવા નીકળે, છેવટે મીસ જેમ્સ આખરી અલ્ટીમેટમ આપે ”Daniel, we are going in, no more computer time for you” અને ડેનિયલભાઈ જ્યાં છુપાયા હોય ત્યાંથી બહાર આવે.
ડેનિયલ એક ADHD બાળક છે. ત્રણ વર્ષનો હતો ત્યારે અમારા ક્લાસમાં એને Autistic બાળક તરીકે દાખલ કરવામાં આવ્યો. ડેનિયલ સ્પેનિશ બાળક અને માતા પિતા સાવ અભણ, એટલે સ્વભાવિક ડેનિયલ અંગ્રેજી ન સમજે, જબાન પણ થોડી તોતડી, શરીરે ભરાવદાર અને બધી વસ્તુ એને માટે જાણે અતિશય હોય એવી રીતે ઉલ્લેખ કરે. થોડા થોડા અંગ્રેજી શબ્દો શીખવા માંડ્યો એટલે જ્યારે બીજા ક્લાસના બાળકો સાથે સંગીતના ક્લાસમાં કે કસરતના ક્લાસમાં જઈએ એટલે એક રટણ ચાલુ થઈ જાય ” too many, too many” કસરત કરવાનો આળસુ, એક જગ્યાએ બેસી રહે અને ઉભા કરવાનો પ્રયાસ કરીએ તો ટસનો મસ ન થાય. આ બાળકો પર જબરજસ્તી પણ ન થાય કે કડક અવાજે વાત પણ ન થાય.
બીજી કશી સમજ પડે કે ન પડે પણ અદેખાઈ તો આ બાળકોમાં પણ સામાન્ય બાળક જેવી જ જોવા મળે.
એકવાર કસરતના ક્લાસમાં નવા આવેલા મીકેલને મેં બેહાથે ઝુલાવવા માંડ્યો, હલકો ફુલકો મીકેલ તો ખુશ ખુશ થઈ કિલકારી કરવા માંડ્યો, એનુ જોઈ વેલેન્ટીનો પણ દોડી આવ્યો. એને પણ ઝુલાવ્યો, ને બસ કસરત કરવા ઊભો ન થતો ડેનિયલ દોડી આવ્યો, હાથ લાંબા કરી ઝુલાવવા માટે ઈશારા કરવા માંડ્યો! ડેનિયલને ઝુલાવવો એ મારા એકલાનુ કામ નહિ, છેવટે કસરત કરાવવાનુ બાજુ મુકી મી. કેહી આવ્યા અને ડેનિયલને થોડીવાર ઝુલાવ્યો ત્યારે એ રાજી રાજી થતો ખડખડ હસવા માંડ્યો.
અમેરિકામાં સ્પેશિયલ નીડ બાળકોના દર ત્રણ વર્ષે બધી જાતના ટેસ્ટ થાય. એમની શારિરીક ખામીમાં કાંઈ વધારો, ઘટાડો, સામાન્ય જ્ઞાનમા કાંઈ સુધારો વગેરે જાતજાતના ટેસ્ટ થાય.
Autistic ADHD બાળકો આ પરીક્ષામાં ઘણીવાર સામી વ્યક્તિને ચકિત કરી દે, એટલા સરસ જવાબ આપે કે જો એના માર્ક ૧૦૦માં થી ૬૯ જેટલા આવે તો એની ગણત્રી નોર્મલ બાળકમાં કરી એને પહેલા ધોરણમા સામાન્ય બાળકો સાથે મોકલવામાં આવે.
ડેનિયલને પણ પહેલા ધોરણમાં મોક્લવામાં આવ્યો અને તકલીફ શરૂ થઈ. આ બાળકોનો ગમો અણગમો ખુબ સ્ટ્રોંગ હોય, બોલવામાં કદાચ એમનો વ્યવહાર સામાન્ય લાગે, પણ બૌધિક સ્તરે તો એ પાછળ જ હોય ક્લાસમાં જે શિખવાડાય એ સહજતાથી ગ્રહણ ન કરી શકે, શિક્ષક પણ પચીસ બાળકો સાથે કામ કરે એટલે વ્યક્તિગત ધ્યાન આપી ન શકે, ઘણીવાર અજાણતા આ બાળકો સાથે અન્યાય થઈ બેસે, પરિણામ સ્વરુપ આ બાળકો વધુ અગ્રેસીવ બની બેસે.
ડેનિયલ સાથે પણ કંઈ એવું જ થયું. ડેનિયલ ક્લાસમાં થી ભાગી જવા માંડ્યો, ક્લાસમાં પણ એટલો ઉપદ્રવ કરવા માંડ્યો, આખો દિવસ બસ એને કોમ્પ્યુટર પર PBS KIDS video કે starfall પર ગેમ રમવા જોઈએ. શિક્ષક જો એને આખો દિવસ કોમ્પ્યુટર પર બેસવા દે, તો બીજા બાળકોને પોતાનુ કામ કરવામાં અવરોધ આવે, કારણ ડેનિયલ તો વિડિયોના ક્યુરિઅસ જ્યોર્જ સાથે એના જેવા ચાળાં કરે અને ખડખડાટ હસે!
કાફેટેરિઆમાં જમવા જાય તો આખા કાફેટેરિઆનુ મનોરંજન કરે, બધા ટેબલ પર જઈ કાંક અટકચાળું કરે, પોતે તો જમે નહિ પણ બીજા બાળકો પણ જમવાને બદલે મસ્તીના મુડમાં આવી જાય. બાળકોને તો મજા આવે, પણ શિસ્ત ન જળવાય અને મોટા બાળકો તો જાણી જોઈ ડેનિયલને ચીઢવે.
છેવટે ડેનિયલને જમવાના સમયે અમારા ક્લાસમાં મોકલવાનુ નક્કી કર્યું, અમારી સાથે ત્રણ વર્ષ રહ્યો એટલે થોડું અમારુ સાંભળે અને અમારા બાળકો એ વખતે સુતા હોય એટલે ચુપચાપ જમી લે, કહેવું તો એને ઘણુ હોય પણ અમારો “અવાજ નહિ” નો ઈશારો જોઈ ચુપ થઈ જાય.
આ શિક્ષણ પધ્ધતિ આ અનોખા બાળકોના ભવિષ્યને ઉજ્વળ કરશે કે?
- શૈલા મુન્શા