- શૈલા મુન્શા
માનવીનુ મન પણ કેવું અજાયબ છે. એક વાતનું અનુસંધાન ક્યાંથી ક્યાં જોડાઈ જાય છે!!
અમેરિકામાં જેમ સમયના પટ્ટા, તેમ ઉત્તર અને દક્ષિણમાં શાળાકીય વર્ષ પણ અલગ. અમારા ટેક્સાસમાં મે મહિનાના અંતભાગમાં સ્કૂલ બંધ થાય અને જુન મહિનામાં સમર સ્કૂલ હોય. અહીંના બાળકો માટે NCLB (No child left behind) ની પધ્ધતિ પ્રમાણે જે બાળકો નાપાસ થતાં હોય એટલે કે, ઉપલા ધોરણમા ન જઈ શકે - એમને એક મહિનો ફરી ભણાવવામા આવે અને ફરી પરિક્ષા આપવાની એક તક આપવામાં આવે.
આ તો થઈ સામાન્ય બાળકોની વાત, પણ અમારા સ્પેશિયલ નીડના બાળકો પણ બે અઢી મહિના ઘરે રહે, તો પાછું એકડે એકથી શરૂઆત કરવી પડે. જે બાળકોનો વિકાસ ધીમો હોય એમને ખાસ એક મહિનો વધારે સ્કૂલમા આવવાની સગવડ મળે.
આ વખતે અમારાં નાનાં બાળકો અને બાજુના ક્લાસનાં મોટા બાળકો મોટા ભાગના બીજી સ્કૂલમાંથી આવ્યાં હતા. મોટા બાળકોમાં દસ વર્ષની આફ્રિકન છોકરી તાહિની પણ હતી. દરરોજ સ્કૂલ બસમાં આવતી પણ આજે બસમાં નહોતી. તાહિનીની મમ્મી આજે મુકવા આવી. તાહિનીનો માસિક પીરિયડ ચાલુ થઈ ગયો હતો.
એના ટીચર સાથે આ વાત થતાં જ મને અમારી સાઝિયા યાદ આવી ગઈ. થોડાં વર્ષો પહેલાં જ્યારે હું મોટા બાળકો સાથે કામ કરતી હતી ત્યારે સાઝિયા મારા ક્લાસમાં હતી. પાકિસ્તાની છોકરી, રંગ ઘંઉવર્ણો, પણ ચહેરો ખુબ નમણો ને બોલકી આંખો. થોડું થોડું બોલે, પણ આખો દિવસ હસતી જ હોય. એ જ વર્ષે મારા ક્લાસમાં બીજી પણ પાકિસ્તાની છોકરી, એક મીડલ ઈસ્ટનો છોકરો હતાં. આ બધાંને તમે પહેલી નજરે જુઓ, તો કોઈ ખામી દેખાય નહી. સામાન્ય બાળકો જેવા જ લાગે અને માતા પિતાની કાળજી પણ દેખાઈ આવે. સુઘડ યુનિફોર્મ અને વ્યવસ્થિત ઓળેલા વાળ.
સાઝિયા પાંચમા ધોરણમાં આવી અને એનામાં ફેરફાર દેખાવા માંડ્યો. નાની હતી ત્યારે પણ એને છોકરીઓ કરતાં છોકરાઓ સાથે વધુ ફાવતું. ક્લાસમાં મરિયમ કે લીસા સાથે બેસવાને બદલે, હકીમ કે હોસે ની બાજુમાં બેસવાનુ પસંદ કરતી. ધીરે ધીરે એના હાવભાવ અને ચાળા ચિંતાજનક બનવા માંડ્યા.
અમે દિવસમાં એક કલાક આ બાળકોને સંગીત, ડ્રોઈંગ, કસરત વગેરે ક્લાસમાં એમની ઉંમરના બીજા સામાન્ય બાળકો સાથે લઈ જઈએ, જેથી એમની social skill વધે, અજાણ્યા બાળકો સાથે વાતચીત કરવાની તક મળે, થોડો ડર કે સંકોચ દુર થાય, કારણ....
માનસિક વિકલાંગ બાળકને એના કોચલામાંથી બહાર કાઢવું એ ભગીરથ કાર્ય છે.
કુદરત પણ કમાલ છે. પેટની ભુખ કે શરીરની ભુખ, એ જ્ઞાન વિકસિત કે માનસિક રીતે અવિકસિત, સહુને સહજ જ સ્ફુરે છે. ઘડિયાળમાં જેમ એલાર્મ ગોઠવેલું હોય અને સમય થયે બીપ બીપ થાય તેમ ભલે માનસિક વિકલાંગતા હોય તોય કુદરત, કુદરતનુ કામ કરે જ જાય છે.
સાઝિયાને જ્યારે પણ ઈતર પ્રવૃતિના ક્લાસમાં લઈ જઈએ, એ કોઈને કોઈ છોકરાની બાજુમાં બેસી એવી રીતે હસ્યા કરે, અજાણપણે એના ચહેરાના હાવભાવ બદલાવા માંડે. દસ વર્ષની સાઝિયા,બીજી કોઈ સમજણ વિકસિત ન થઈ પણ આ સમજણે અમને સહુને વધુ જાગૃત કરી દીધાં! પરિસ્થિતિ એ થઈ કે સાઝિયા બાજુમાં બેઠેલા છોકરાનો હાથ પકડવા પ્રયત્ન કરે, એકધારૂં એની સામે જોઈ હસ્યા કરે, રમતના મેદાનમાં એની પાછળ ફર્યાં કરે.
છોકરાઓ સાઝિયાને જોઈ આઘાપાછાં થઈ જાય, પણ સાઝિયા એમનો પીછો ન છોડે.
અંતે એ દિવસ આવી ગયો, સાઝિયાની મમ્મી સાઝિયાને લઈ સ્કૂલે આવી. સોમવાર હતો અને સાઝિયા બે દિવસ પહેલાં પહેલી વાર માસિક ધર્મમાં આવી હતી. મમ્મી ગભરાયેલી, સાઝિયા થોડી સહેમી, સહેમી!
માનસિક રીતે વિકલાંગ બાળકીઓ માટે આ પરિસ્થિતિ અને તેમાં પણ શરીર ધર્મથી અણજાણ પણ, આકર્ષણથી નહિ , એવાનો કોઈ ગેરલાભ ન લે અને કોઈ એમને હાનિ ન પહોંચાડે એનીતકેદારી રાખવી એ સહુની ફરજ બને છે.