જગન્નાથ શંકરશેઠ

 -પી. કે. દાવડા   

        મુંબઈના શરૂઆતના વિકાસમાં એક મોટો ફાળો આપનાર વ્યક્તિનું નામ આજે બહુ થોડા લોકો જાણતા હશે. ૧૦મી ઓક્ટોબર, ૧૮૦૦માં મુંબઈમાં એક મરાઠી સોની કુટુંબમાં જન્મેલી આ વ્યક્તિનું નામ છે, જગન્નાથ શંકરશેઠ. લોકો એમને નાનાશેઠના હુલામણા નામે ઓળખતા હતા. યુવાન વયે એમણે કુટુંબનો સોનીનો ઘંધો ન સ્વીકારતાં વેપારમાં ઝંપલાવ્યું અને થોડા સમયમાં જ શાખ જમાવી દીધી. બહુ ટૂંકા સમયમાં એમણે ઘણું ઘન કમાઈ લીધું; એટલું જ નહિ, પણ સમાજ માટે ઉપયોગી કાર્યોમાં વાપરવાનું પણ શરૂ કરી દીધું.

      સામાજિક કાર્યોમાં એમનું સૌથી મહત્ત્વનું કાર્ય શિક્ષણક્ષેત્રમાં હતું. અનેક શાળાઓ શરૂ કરવા ઉપરાંત અનેક ખાનગી શાળાઓને દાન આપીને ઉત્તેજન આપ્યું. એ જમાનામાં કન્યાશિક્ષણ સામેના સખત વિરોધનો સામનો કરીને એમણે એક કન્યાશાળા શરૂ કરી; એટલું જ નહિં, પોતાના કુટુંબની બાળાઓને કન્યાશાળામાં દાખલ પણ કરાવી. ઈ.સ. ૧૮૨૪ થી ઈ.સ. ૧૮૫૬ સુધી શિક્ષણક્ષેત્રમાં અવિરત કામ કરીને મુંબઈમાં ‘એલ્ફિસ્ટન્ટ’ કોલેજના બાંધકામ માટે એમણે મોટી રકમ દાનમાં પણ આપી હતી. મુંબઈ યુનિવર્સિટીના પાયાના કામમાં પણ એમણે ખૂબ મદદ કરી હતી. જીવનભર તેઓ યુનિવર્સિટીની સેનેટના સભ્ય રહ્યા હતા.

      હિંદુ ધર્મ માટે પણ એમણે અનેક કામો કર્યાં હતાં. સંસ્કૃત પાઠશાળાઓની  સ્થાપના, સંસ્કૃત લાયબ્રેરી અને હિંદુ મંદિરોનાં બાંધકામ વગેરે માટે એમણે મોટી રકમો દાનમાં આપી હતી.

     એમનું સૌથી મહત્ત્વનું કામ એ ભારતમાં રેલવેની શરૂઆત. ઈ.સ. ૧૯૪૫માં સર જમશેદજી જીજીભાઈ અને થોડા અંગ્રેજોએ સાથે મળીને ‘ઈન્ડિયન રેલવે એસોસિએશન’ની સ્થાપના કરી, જેને પછીથી એક કંપનીમાં ફેરવી નાખીને ‘જી.આઈ.પી’ રેલવેની શરૂઆત કરી. આ ભગીરથ કાર્ય એમની મદદ વગર અંગેજો કરી શક્યા ન હોત. ઈ.સ. ૧૯૫૩માં બોરીબંદરથી થાણા સુધીની પહેલી રેલગાડીમાં એમણે સવારી કરી પોતાની આ સફળતાની ઉજવણી કરી હતી. બોરીબંદરની ભવ્ય ઇમારત (આજનું સી.એસ.ટી.) એ એમની યાદગીરીનું ભવ્ય સ્મારક છે. આ ઇમારતમાં એમની પથ્થરમાં કંડારેલી મૂર્તિ આજે પણ જોવા મળે છે.

     ઈ.સ. ૧૮૫૭થી એમણે ભાઉ દાજી અને એક અંગ્રેજ અધિકારીની મદદથી મુંબઈનો નકશો બદલવાની શરૂઆત કરી. પહોળા રસ્તા, વિશાળ ફૂટપાથ, ભવ્ય ઈમારતો, બાગબગીચા, રમતગમતનાં મેદાનો વગેરેના આયોજનમાં નાનાશેઠનો મોટો ફાળો હતો.

     ૧૮૬૧માં નાનાશેઠને પ્રાંતીય ધારાસભાના પ્રથમ ભારતીય સભ્ય બનાવવામાં આવ્યા. એમને મુંબઈ શિક્ષણસમિતિમાં સભ્ય પણ બનાવવામાં આવ્યા. પ્રખ્યાત એશિયાટિક સોસાયટીના એ પ્રથમ ભારતીય સભ્ય હતા. કલાકારોને ઉત્તેજન આપવા એમણે ગ્રાંટરોડમાં એક નાટ્યગૃહ બાંધ્યું. ગુજરાતીઓ તેને ‘શંકરશેઠની નાટકશાળા’ના નામે ઓળખતા હતા. બપોરે કામકાજથી પરવારીને સ્ત્રીઓ નાટક જોઈ શકે, તે માટે સ્ત્રીઓ માટે ખાસ બપોરના શો રાખવામાં આવતા અને એમનાં નાનાં બાળકોને સાચવવા નાટ્યગૃહમાં પારણાઘરની વ્યવસ્થા કરી હતી.

      સમાજમાં પ્રવર્તતી સતીપ્રથા બંધ કરાવવા એમણે ખૂબ પ્રચાર કર્યો હતો. એમના પ્રયત્નોથી હિંદુઓ માટે સ્મશાનોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

      મુંબઈ પ્રાંતના જેટલા ગવર્નર આવેલા તે બધા નાનાશંકરશેઠને માન આપતા. એમની દરેક સલાહસૂચન ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું. એ સમયમાં કોર્ટમાં જ્યુરી પદ્ધતિ હતી. ન્યાયાધીશો અને જ્યુરરો બધા અંગ્રેજો હતા. નાનાશેઠે ચીફ જસ્ટિસને મળીને પચાસ ટકા જ્યુરર ભારતીય હોવા જોઈએ તેવો પ્રસ્તાવ મૂક્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો હતો. એ જમાનામાં જસ્ટિસ ઓફ પીસ (જે.પી.)ની ઉપાધિ માત્ર અંગ્રેજોને જ આપવામાં આવતી હતી. નાનાશેઠની રજૂઆતથી અનેક ભારતીઓને પણ જે.પી. બનાવવામાં આવ્યા હતા, જેમાં નાનાશેઠનો પણ સમાવેશ થતો હતો.

      જ્યારે ગ્રાંટ મુંબઈના ગવર્નર હતા, ત્યારે એક હોસ્પિટલ અને મેડિકલ કોલેજ શરૂ કરવાની યોજના બનાવાઈ. નાનાશેઠે એના માટે મોટી રકમ દાનમાં આપી અને બાંધકામ ઉપર દેખરેખ રાખી; એટલું જ નહિ, હોસ્પિટલ શરૂ થયા પછી દરદીઓની દેખભાળ માટે પણ તેઓ નિયમિત હોસ્પિટલની મુલાકાતે જતા હતા.

      મુંબઈમાં આજે વીરમાતા જીજાબાઈ ઉદ્યાન તરીકે જાણીતા પ્રાણીબાગ અને ભાઉ દાજી સંગ્રહાલય તરીકે જાણીતા મ્યુઝિયમના નિર્માણમાં પણ નાનાશેઠનો જ મોટો ફાળો હતો.

     ૩૧મી જુલાઈ, ૧૯૬૫માં એમનું મુંબઈમાં મૃત્યુ થયું તેના એક વર્ષ બાદ મુંબઈના ટાઉન હોલમાં એમનું આરસનું પૂતળું મૂકવામાં આવ્યું હતું. મુંબઈના એક મોટા રસ્તાને અને એક ચોકને પણ એમનું નામ આપવામાં આવ્યું હતું.


નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈ
છત્રપતિ શિવાજી રેલ્વે ટર્મિનસ
જીજાબાઈ ઉદ્યાન, મુંબઈ
જીજાબાઈ ઉદ્યાન, મુંબઈ
-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *