વાર્તા લખવાની કળા

 - જિગીષા પટેલ

    વ્હાલા બાળમિત્રો,
     તમને વાર્તા સાંભળવી ગમે છે? અને વાર્તા કહેવી પણ ગમે છે? જો જવાબ હા, હોય તો ચાલો આજે આપણે વાર્તા કેવીરીતે સરસ રીતે કહી શકાય અને લખી શકાય તે જાણીએ.

     કોઈપણ વાર્તા ઉત્તમ ત્યારે કહેવાય - જ્યારે કરુણ વાર્તા હોય તો વાંચનારને રડવું આવવું જોઈએ. હસવાની વાર્તા હોય તો વાંચનાર વ્યક્તિ એકલી એકલી ખડખડાટ હસવી જોઈએ. રહસ્યમય વાર્તા હોય તો વાર્તા પતે નહી ત્યાં સુધી ઉત્કંઠામાં વાંચનાર વ્યક્તિ હલવી પણ ન જોઈએ. વાર્તામાં જે વ્યક્તિ,પરિસ્થિતિ ,જગ્યા કે પ્રકૃતિનું વર્ણન કર્યું હોય તે એટલું આબેહૂબ હોવું જોઈએ કે, વાંચનારને લાગે કે તે તેની આંખ સામે જ થઈ રહ્યું છે.

     અરે! કોઈ ફિલ્મ કે નાટક પણ હીટ ત્યારે જ થાય છે; જ્યારે તેની વાર્તા અને તે કહેવાની રીત જોરદાર હોય છે. તેનું ઉદાહરણ છે ‘શોલે’,  ‘પીકુ’ અને ‘થ્રી ઈડીયટ્સ‘.  વાર્તામાંથી કોઈ સુંદર જીવનઉપયોગી સંદેશ મળતો હોય તો તે નાનામોટા સૌને ગમેછે.

  1.  સૌ પ્રથમ આવી ચોટદાર વાર્તા લખવા તમારી પાસે આગવી કલ્પના શક્તિ હોવી જોઈએ.
  2.  તમારે સારું લખવા ખૂબ વાંચન કરવું પડે. દેશ-વિદેશ ના ઉત્તમ લેખકોને વાંચવાથી સમજાય છે કે, કેવીરીતે લખો તો લોકોને મઝા પડે અને ઉત્તમ લખાણ કોને કહેવાય.જેટલું વધારે વાંચો તેટલું સરસ લખી શકો. વાંચન એ ખૂબ સારી હોબી છે. કારણકે, તે મનનો પણ ખોરાક છે. 
  3. સારા લેખક બનવા તમારે વ્યાકરણ, જોડણી અને ભાષા પર ધ્યાન આપવું જોઈએ. 
  4. દરરોજ ઓછામાં ઓછું અડધો કલાક લખવાની ટેવ રાખવી જોઈએ. 
  5. તમારા લખાણને વાંચીને સાચો અભિપ્રાય આપે તેવા ગુરુ કે મિત્ર હોવો જોઈએ.જે તમારું લખાણ સુધારી શકે અને વધુ સારું લખવા તમને સૂચનો આપી શકે. 
  6. લેખનના કલાસ કે વર્કશોપ ચાલતાં હોય તો તે પણ ભરવા જોઈએ.

     આમ લેખનકળા વિકસાવો તો તમે ક્યારેય એકલતા ન અનુભવો. એકાંતમાં પણ આનંદનો અનુભવ કરી શકશો. તમે તમારી લાગણીને પ્રદર્શિત કરી શકો. તમે કોઈપણ વ્યવસાય કરતા હો તેની સાથેસાથે પણ લેખન કાર્ય કરી શકો. તમે કેટલાય ડોકટર કે એન્જિનિયરને પણ લેખક તરીકે વાંચ્યા હશે.

     આમ જે ખૂબ ઊંચા ગજાનું લખે છે તેવા ગુલઝારજી અને જાવેદ અખ્તરજી ફિલ્મ ના સ્ટેારી રાઈટર બની ખૂબ નામ ને દામ કમાય છે. તમારે પણ આવું કંઈ બનવું હોય તો તૈયાર થઈ જાઓ ને ખૂબ વાંચવા માંડો અને.....

થોડું થોડું લખવાની પણ શરુઆત કરી દો.
આજથી જ ! 

--
--
--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *