- છાયા ઉપાધ્યાય
આણંદની નજીક આવેલ ચિખોદરા ગામની આનંદ કન્યાશાળામાં એક નવતર ચિત્ર પ્રોજેક્ટ યોજવામાં આવ્યો હતો. એનો આ અહેવાલ સૌને જરૂર ગમશે. બાળકોની સર્જનશક્તિને વિકસાવવામાં રસ ધરાવતા સૌને એમાં રસ પડશે.
આવી અનેક શાળાઓને આપણે સર્જકતાથી મઘમઘાવવી છે. મદદ કરશો ને?
♥ ♥ ♥ ♥ ♥ ♥
સામાન્ય રીતે, શાળાની દિવાલો બ્લૅકબૉર્ડનું ઍક્સેન્ટશન હોય છે. એમાં ખોટું નથી. પણ દિવાલો માત્ર માહિતીનું પ્રતિબિંબ બની રહે એ ઠીક નથી લાગતું. બાળકો માહિતી પ્રત્યે નિસ્પૃહ હોય છે.
બીજું, એકધારી, એકની એક વાત વર્ષો સુધી, દિવાલ પર ચોંટેલી રહે, એ કંટાળાજનક નથી? કોઈ પ્રયોગનું ચિત્ર રોજેરોજ જોવું કોને ગમે? દિવાલ શિલાલેખ કે તામ્રપત્ર બની જતાં હોય છે, મોટેભાગે સર્જનાત્મક દૃષ્ટિને અભાવે અને નાણાંના અભાવે.
ત્રીજું, બાળક માત્રનું કૅન્વાસ હોય છે - દિવાલ. બાળકોની ઊંચાઈને અનુરૂપ બ્લૅકબૉર્ડ અમે દિવાલો ફરતે બનાવી રાખ્યા છે. પણ રંગકામ જુદો અનુભવ છે.
ચોથું અને અગત્યનું કારણ. વિષયોના જોશમાં કળા અવગણાય છે. કળા બાળકનો સ્વભાવ છે અને જીવનષોષક છે, પણ ખર્ચાળ છે. ભલે ભલા મા-બાપ ચૉકલેટ અપાવે, પીંછી, રંગ કે સોય-દોરો ના અપાવે. તેવામાં 'અમારાં' બાળકોને ચિત્ર કળાના અનુભવો પૂરા પાડવા થોડું ચેલેન્જિંગ બની જાય છે.
અમારી શાળાના મિત્ર, જિના અને ડેવિડ હોકિન્સે ગત મુલાકાતમાં માતબર દાન આપ્યું. આ દાન ડેડ સ્ટૉક બનનારી સ્થૂળ ચીજોમાં વાપરવાના બદલે અનુભવ માટે વાપરવાનું અમે વિચાર્યું.
ભીંતચિત્રો બનાવવા, અમારા વિદ્યાર્થીઓને સામેલ કરી બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા. છેવટે અમિતજી સાથે કાર્યક્રમ ઘડાયો. અમિતજી જુના મિત્ર અને અચ્છા ચિત્રકાર. તેઓ તેમના મિત્ર અરૂણને પણ લેતા આવ્યા. અમિતજી મૂળ જમશેદપુરના છે, અને હાલ વડોદરામાં છુંદણાંનું કામ કરે છે અને દિવાલચિત્રો અને મ્યુરલ બનાવે છે. અરૂણ મૂળ દિલ્હીનો તરવરતો યુવાન છે, અને આવા જ કામમાં ગુંથાયેલો છે.
બંને મિત્રોને બાળકો સાથે કામ કરવાનો આછોપાતળો અનુભવ. તેમણે કહ્યું કે જેટલા બાળકો પહેલા તબક્કે જોડાય તેટલા જોડવા. પછી આપમેળે સંખ્યા ઓછી થઈ જશે. કેટલાક બાળકો કંટાળશે, કેટલાક થાકશે.
જો કે થયું ઉલટું. પહેલાં તબક્કે અમે ફક્ત ધોરણ આઠ લીધું. તેમાંથી તો કોઈ રહ્યું નહીં. ઉપરથી બાકીના ધોરણને કેવી રીતે સામેલ કરવા એ સમસ્યા ઊભી થઈ. પિરિયડની જેમ વારા કાઢવા પડયા. બાળકો શનિ-રવિ પણ રોકાયા,આવ્યા. એક તબક્કે તો કલાકારો એટલા વધી ગયા કે ચિત્ર મિનિટોમાં પૂરું થઈ ગયું.
જીનને કામ આપવું પડે એમ અમિતજી અને અરૂણે ઝીણી ડિઝાઈનવાળા ઘણાંબધાં ચિત્રો દિવાલ પર ચોકથી દોરી કાઢ્યા. પણ અમારા વર્કફોર્સે એ બધું કલાકોમાં પૂરૂં કરી નાખ્યું. એક ચિત્ર ઘણાંબધાં હાથ કરે એટલે કેઓટીક ક્રિએટિવિટિ સર્જાઈ. તેને માફકસરની બનાવવી એ જહેમતભર્યુ કામ હતું. જે અમિતજી અને અરૂણે સુપેરે પાર પાડ્યું.
હજી એકથી પાંચ ધોરણના બાળકો બાકી રહેતાં હતા. એમની પાસે શું કરાવવું? તેમના હાથમાં મહેંદી કે રંગોળીની જેમ રંગ કર્યા અને દિવાલ પર એ હાથની છાપ કરાવી. તમામ બાળકોની રંગીન સ્મૃતિઓ દિવાલ પર અંકાઈ ગઈ.
બીજી તરફના દાદરની દિવાલો પર અરૂણે છોકરીઓના રેખાંકન બનાવ્યા. ત્રણેક દિવસના સંગાથમાં અરૂણને ખ્યાલ આવી ગયેલો કે અમે 'હજડબમ' ટાઈપ શિસ્ત અનુસરતાં નથી અને બાળસહજ તોફાન અમારો હિસ્સો છે. તેથી તેણે એવા રેખાંકન કર્યાં જેને વિદ્યાર્થીઓએ રંગ વડે પાકાં કર્યાં.
શિક્ષકો પણ શા માટે પાછળ રહે ? અમે પણ અમને આવડે એવું ચિતરામણ કર્યું. જેમાં વિદ્યાર્થીઓએ રંગ ભર્યા અને અમિત-અરૂણે તેને મઠાર્યુ.
ગ્રાઉન્ડ ફ્લોર, જ્યાં શાળા પરિવાર સિવાયની વ્યક્તિઓની અવરજવર વધુ હોય, તેને આકર્ષક બનાવવા થ્રી-ડી ચિત્રો બનાવવાનુ વિચાર્યું. અમિતજી અને અરૂણે બંને થાંભલા અને દિવાલના એક ભાગને સુંદર રીતે સજાવ્યા.
♥ ♥ ♥ ♥ ♥ ♥
એ વાતની યાદ દેવડાવીએ કે, આ શાળામાં અમુક દિવાલો પર બાળાઓને ચાકથી મનગમતાં ચિત્રો દોરવા હમ્મેશ ઉત્તેજન આપવામાં આવે છે. અગાઉ એ ચિત્રોનો વિડિયો પણ ઈ-વિદ્યાલય પર મૂક્યો હતો. અહીં સૌથી નીચે તે ફરીથી મૂક્યો છે.
નિષ્ણાત ચિત્રકારોની દોરવણી કલાને કેટલો નિખાર આપી શકે, તે સ્પષ્ટ રીતે સમજાઈ જાય તેવી વાત છે !
Good. I would like to arrange it in my school.
Very nice and new idea.
so nice..