સ્વયંસિદ્ધા – ૩

    -    લતા હીરાણી

     

      સ્વયંસિદ્ધા  પ્રકરણ - ૩ , અડગ આત્મવિશ્વાસ

  કિરણનો ઉછેર મોકળાશભર્યા વાતાવરણમાં થયો હતો. એને હંમેશાં સ્વતંત્ર રીતે વિચારવાનું શીખવવામાં આવ્યું હતું. માતા-પિતા સાથે પોતાના પ્રશ્નોની ચર્ચા જરૂર કરવાની પરંતુ ઉકેલ જાતે જ શોધવાના, એવી તાલીમ એને મળી હતી. આમ પણ કિરણની શક્તિ અનોખી હતી.

      માતા-પિતાના આવા વલણને કારણે કિરણની સ્વતંત્ર વિચારશક્તિ ખીલતી ગઈ. પોતાના વિચારોમાં એ વધુ ને વધુ સ્પષ્ટ બનતી ગઈ. નાના નાના નિર્ણયો જાતે લેવાને કારણે એનામાં જવાબદારીની ભાવના ખીલતી ગઈ. સ્વતંત્ર રીતે વિચારનાર  અને સ્વતંત્રપણે નિર્ણય કરનારી વ્યક્તિ પોતાની જવાબદારી વિશે વધારે જાગ્રત બની જાય છે.

      કિરણમાં સમજદારી અને વિવેકનો સુમેળ થયો હતો. પોતાના નિર્ણયથી બીજા કોઈને વેઠવું ન પડે એ બાબતથી પણ એ પૂરેપૂરી સભાન હતી.

    પોતાનાં રસ-રુચિ જાણનારી  કિરણ પોતાના સમયનું સારું આયોજન કરી શકતી હતી. માત્ર આયોજન જ નહીં, આયોજન કર્યા પછી એનો બરાબર અમલ પણ કરી શકતી હતી. જેમ કે એક વખત એણે નક્કી કર્યું કે આ સમય મારે રમત-ગમત માટે માટે ફાળવવો છે તો પછી કોઈપણ ભોગે તે એનું પાલન કરતી. સમયપાલન અને શિસ્તમાં એ કદી પોતાની જાતને ઢીલી પડવા દેતી નહીં. એનું મન ગજબ મક્કમ હતું.

      દિવસે દિવસે કિરણનો આત્મવિશ્વાસ દઢ થતો ગયો. આત્મવિશ્વાસ એ પાયાનો ગુણ છે. આત્મવિશ્વાસ હોય તો બીજા ગુણ આપોઆપ આવી જાય છે. એના વગર બધી આવડત એળે જાય છે. 

     કિરણને રમતગમતમાં ખૂબ રસ હતો. રમતગમતથી શરીર સ્ફૂર્તિલું રહે, સ્વસ્થ રહે તથા શિસ્તના પાઠ શીખવા મળે. કિરણની પ્રિય રમત ટેનિસ હતી. ટેનિસની રમતમાં એણે પૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ટેનિસ જેટલો જ રસ એને વિજ્ઞાનના વિષયોમાં હતો. વિજ્ઞાનના અભ્યાસમાં કિરણને પોતાની બુદ્ધિશક્તિનો પૂરો ઉપયોગ થાય છે એમ લાગતું.

     કિરણ નવમા ધોરણમાં આવી. હવે એણે પોતાના મનગમતા વિષયો પસંદ કરવાનાં હતાં. એની કોન્વેન્ટ શાળામાં વિજ્ઞાનના વિષયો ભણવાની સવગડ નહોતી. એ શાળામાં પુરાણી પરંપરા પ્રમાણેના વિષયો શીખવાતા હતાં. વિદ્યાર્થિની સારી ગૃહિણી અને સારી માતા બને એ દષ્ટિએ અહીં ગૃહસંચાલન, રસોઈ, સીવણ, ભરતગૂંથણ જેવા વિષયો શીખવવામાં આવતાં હતાં.

      કિરણને પરંપરાગત ગૃહિણીનું જીવન મંજૂર નહોતું. એની આંખોમાં સ્વપ્નાં ભર્યા હતાં, અને કલ્પનામાં ઊચું ઉડ્ડયન. એનાં મનોરથો આકાશને આંબતા હતા. એની બુદ્ધિપ્રતિભા અને મહત્વાકાંક્ષા એને ઘરની ચાર દિવાલોમાં બંધાઈને જીવવા દે એમ નહોતાં. એણે જોયું કે વિજ્ઞાન જેવો વિષય જ એના વ્યક્તિત્વને વિકસવાની પૂરી તક આપી શકે એમ છે. આને માટે કિરણ પાસે એક જ વિકલ્પ હતો - શાળા બદલવી.

     આ દિવસોમાં કિરણના પિતા બહારગામ હતા. પિતાએ એને સ્વતંત્ર નિર્ણય લેવાની તાલીમ જરૂર આપી હતી, પરંતુ અત્યાર સુધી લીધેલા નિર્ણયો સામાન્ય પ્રકારના હતા, જયારે હવે શાળા બદલવાનો વિચાર, એ નાનીસૂની વાત નહોતી અને પિતાની ગેરહાજરીમાં આ નિર્ણય લેવો પડે એમ હતો. એ સમયે ટેલિફોન વગેરે સુવિધાઓ સહેલાઇથી પ્રાપ્ય નહોતી. પિતાજીની રાહ જોવામાં ખૂબ મોડું થઇ જાય એમ હતું.

       કિરણે વિચારી લીધું કે મારે જ મારા ભવિષ્ય અંગે નિર્ણય કરવો પડશે. એ પોતાના વિચારોમાં સ્પષ્ટ હતી. એણે માતા સાથે આ વિષયમાં ચર્ચા કરી. માતાને પુત્રીની સમજદારી પર ભરોસો હતો. કિરણે વિજ્ઞાનના વિષયો શીખવતી કેમ્બ્રિજ શાળામાં પ્રવેશ લેવાનો નિર્ણય લઇ લીધો.

 

       કિરણ કેમ્બ્રિજ સ્કૂલના આચાર્યને મળી. આચાર્ય કિરણની હિંમતથી ખૂબ પ્રભાવિત થયા. કિરણ માટે એમને ખૂબ માન થયું. એક તેજસ્વી અને હિંમતવાન વિદ્યાર્થિની તરીકે એમણે કિરણને બીજા વિદ્યાર્થીઓ સમક્ષ ગૌરવથી રજૂ  કરી. એમણે કહ્યું કે આવા વિદ્યાર્થીઓ જ ભવિષ્યમાં શાળાની શાન બને છે. બન્યું પણ એવું જ.

       કિરણનું આ પગલું એની સૂઝબૂઝ અને નિર્ણયશક્તિનું ઉત્તમ ઉદાહરણ બન્યું. ખંત અને ઉત્સાહથી ભરપૂર માનવીને એનો રસ્તો આપોઆપ મળી જાય છે. માનવીનો ઉત્સાહ એના પગને પાંખ બનાવી દે છે અને પછી એને ગગન પણ નાનું પડે છે. પ્રારબ્ધ પણ ઉત્સાહી લોકોને સાથ આપે છે.

       વિજ્ઞાનના વિષયો ભણવા માટે કિરણે કેમ્બ્રિજ સ્કૂલમાં પ્રવેશ લીધો હતો. આ શાળામાં દાખલ થયા બાદ એને જાણવા મળ્યું કે અહીં નવમા ધોરણની સાથે સાથે જ દસમા ધોરણની તૈયારી કરવાની સગવડ છે. આમ એને એક વર્ષમાં બે વર્ષનો અભ્યાસક્રમ ભણવાની અનુકૂળતા હતી.

       કિરણના આનંદનો પાર ન રહ્યો. એને માટે ‘ભાવતું’તું ને વૈદ્યે કહ્યું’ જેવો ઘાટ થયો. પરિશ્રમ કરવામાં કિરણ પાછી પડે એમ નહોતી. એણે દિલ દઈને અભ્યાસ આરંભી દીધો. સખત અને સતત મહેનત કરી. પરિણામ એ આવ્યું કે એની જૂની શાળાની વિદ્યાર્થિનીઓએ જયારે નવમું ધોરણ પાસ કર્યું ત્યારે કિરણે નવમું અને દસમું એમ બંને ધોરણ એક સાથે પાસ કર્યા. કિરણને ગમતા વિષયો ભણવા મળ્યા અને એક આખા વર્ષનો બચાવ પણ થયો. એક પંથ દો કાજ જેવું થયું.

     બાર વર્ષની વિદ્યાર્થિનીના પ્રબળ આત્મવિશ્વાસની આ ઘટના હતી. આ તો પાશેરામાં પહેલી પૂણી હતી. પાયાનો પ્રથમ પથ્થર હતો. ભવિષ્યમાં બનનારી એક ભવ્ય ઈમારતની પ્રથમ ઈંટ હતી, જેના પર એના વ્યક્તિત્વના એક એક પાસાનું ચણતર થતું ગયું અને અનેકાનેક સિદ્ધિઓના મિનારા ચણાતાં ગયાં.       

માહિતી વિકિપિડિયા પર આ રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *