કરેજવા – ૧

  -   નિરંજન મહેતા ( હિન્દીમાંથી ભાવાનુવાદ)

इलेक्ट्रोन बनने से पहले पिंटू को पाण्डेपुर का करेजवा खाना था - वरूण ग्रोवर

       દુનિયાનો નાશ થવાનો છે. બસ અડધો કલાક બાકી છે. પિન્ટુને પણ ખબર હતી કે બસ અડધો કલાક બાકી છે. તેને પોતાને સમજ નહોતી પડતી કે તે બજારમાં જઈ પોતાની જિંદગીનો છેલ્લો ગુલાબજાંબુ ખાય કે પોતાના મમ્મી પપ્પાના પાછા ફરવાની રાહ જુએ. મમ્મી પપ્પાએ તો અત્યાર સુધીમાં આવી જવું જોઈતું હતું. દાદીમાએ તો બપોરથી શોર મચાવ્યો હતો કે જતાં જતાં તેને ગંગાના દર્શન કરવા છે. હવે રસ્તે એટલી ભીડ છે કે લાગતું નથી કે મમ્મી પપ્પા આવી શકશે. બસ, હવે અડધો કલાક વધુ.

       સવારથી ટી.વી. પર કહેવાઈ રહ્યું છે કે આજે સાંજે ૬.૧૨ વાગે એક બહુ મોટો તારો પૃથ્વીની બાજુમાંથી પસાર થશે જેનું નામ છે ITR-688. આમ તો ટી.વી.વાળા છ મહિનાથી તેને મૃત્યુતારો કહી રહ્યા છે. જેવો આ તારો પૃથ્વીની બાજુમાંથી પસાર થશે ત્યારે દુનિયાની દરેક ચીજને જોડી રાખનાર એટમિક બળ, પ્રોટોન અને ઈલેક્ટ્રોનની વચ્ચેનું આકર્ષણ સમાપ્ત થઇ જશે. ત્રણ સેકંડ. ફક્ત ત્રણ સેકંડ લાગશે ITR-688ને પૃથ્વી આગળથી પસાર થતાં અને આ ત્રણ સેકંડમાં આપણે બધા ખતમ.

    એ ત્રણ સેકંડ બહુ રોમાંચક હશે.  પહેલી સેકંડમાં જ એટમિક બળ ખતમ થવાથી આપણે સૌ એવી રીતે પડશું જાણે ગોટીઓથી ખીચોખીચ ભરેલ ગુણીને કોઈએ ઊંધી  કરી નાખી હોય. મનુષ્ય, જાનવર, ઝાડ, ધાતુ, પ્લાસ્ટિક .... બધું પ્રોટોન અને ઈલેક્ટ્રોનમાં બદલાઈ જશે. બીજી સેકંડની પ્રક્રિયામાં એટલી ઉર્જા ઉત્પન્ન થશે કે આજુબાજુના નિર્દોષ ગ્રહો શુક્ર અને મંગળ પણ સળગી ઉઠશે. એ ક્ષણે મંગળનું તાપમાન 186 ડિગ્રી સેલ્સિયસ વધી જશે અને મંગળને પોતાના જૂના તાપમાન (દિવસના) 20 ડિગ્રી પહોંચતા સાત વર્ષ લાગશે.

       શરૂ શરૂમાં પપ્પા આ સમાચાર પર બહુ હસતા. પિન્ટુ પણ સાથે હસતો હતો. પિન્ટુની શાળાના શિક્ષક પણ.કહેતા હતા કે ટી,વી. જોવાનું જ બંધ કરી દો. આજે સરને સમજાશે. બારીની બહાર નજર કરશો તો તે તારો આવતો દેખાશે. જાણે ચંદ્રને હવા ભરીને કોઈએ  ૫૦ ગણો કર્યો ન હોય! બે દિવસ પહેલાં તો કોઈ માનવા તૈયાર ન હતું જ્યારે ડિસેમ્બરમાં જ જૂન જેવી ગરમી થઇ ગઈ હતી. પણ ગઈકાલ બપોરથી તારો સાફ દેખાવા લાગ્યો (સૌથી પહેલા ‘આજ ટી.વી.’એ દેખાડ્યો) અને ત્યારથી તે ઝડપથી મોટો થતો જાય છે.

      એટલે આજે સવારે પપ્પાએ કહ્યું કે, દરેક જણ પોતપોતાની ઈચ્છા કહે; જે તે પૂરી કરવા કોશિશ કરશે. મમ્મી તો રડવા લાગી અને કહ્યું કે તેને તો પોતાના બાળપણની સ્કૂલ જોવી છે. તો સવારે બધા તેની સ્કૂલે ગયા. મમ્મી પોતાના જૂના ક્લાસમાં ગઈ, પોતાની જૂની બેંચ પર બેઠી અને તેમાં કોતરેલા સેંકડો નામોમાંથી પોતાનું નામ શોધી કાઢ્યું. મમ્મીએ કહ્યું કે આ નામ તેણે એક છોકરા માટે કોતર્યું હતું પણ હવે તેને તે છોકરાનું નામ પણ યાદ નથી.

      પપ્પાની અંતિમ ઈચ્છા હતી કે તે ઘરે આવી બધાને ખીચડી બનાવી ખવડાવે. દાદીની પહેલા કોઈ ઈચ્છા ન હતી પણ બપોરે ખીચડી ખાધા બાદ કહ્યું કે તેને ગંગાસ્નાન કરવું છે અને પિન્ટુએ કહ્યું કે તેને ગુલાબજાંબુ ખાવા છે.

       પપ્પાએ કહ્યું કે હા, તે જરૂર ખવડાવશે, તે કરેજવા ખવડાવશે - પાંડેપુર ચૌમાનીવાળાના.

        કરેજવા એ ગુલાબજાંબુ છે, જે કાળજા જેવા નાજુક અને રસીલા છે. કંદોઈ ઘરાકો સાથે શરત લગાવે છે કે પ્લેટથી મોઢાં સુધી લઇ જતાં જો તે તૂટી ન જાય તો તેના પૈસા ન આપતાં. પિન્ટુને બહુ મન હતું આજે રવાના થતાં પહેલા એક કરેજવા ખાવાનું. પણ પપ્પા મમ્મી તો દેખાતા ન હતાં અને હવે આવે તો પણ અહીંથી પાંડેપુર પહોંચતા જ દુનિયા ખલાસ થઇ જશે.

        પણ આટલા બધા લોકો રસ્તા પર કેમ છે? બધાએ ઘરમાં રહેવું જોઈએ. હવે તો ટી.વી.વાળા પણ ઘરે જતા રહ્યાં. બધાંએ પોતપોતાના અંતિમ સમાચાર વાંચી લીધા. કોઈ રડતાં રડતાં ગયા તો કોઈ ગાંડાની માફક હસતાં હસતાં. પણ પિન્ટુને ખુશી થઇ જ્યારે તેના માનીતા ક્રિકેટર સંજુ રસ્તોગીએ કહ્યું -

છેલ્લો દિવસ છે મસ્ત રહો.
પોતાની પસંદગીની કોઈ ચીજ ખાઓ.

       પિન્ટુ ત્રણ વર્ષનો હતો જ્યારે તેણે કરેજવા ખાધું હતું. બનારસમાં તો સેંકડો મીઠાઈની દુકાનો છે અને કહેવાય છે કે અહીં બધું મળીને જુદા જુદા પ્રકારની વીસ હજાર મીઠાઈઓ બને છે. ઘણી મીઠાઈઓ જેવી કે ફણસના લાડુ, અથવા વાંસ (હા, જાડા વાંસ)નો મુરબ્બો અહીંની શોધ છે અને બસ અહીંની ગલીઓમાં જ મળે છે. એક પાઠકજી તો માટીની બરફી પણ બનાવતા હતા. ગામથી દૂર ગંગા કિનારેથી ચીકણી માટી લાવતા જ્યાં પાણી ચોખ્ખું હોય. એ માટીને કેટલાય દિવસ સુધી સાફ કરીને પછી એમાં ચંદન અને કેવડાને ઘસીને ખસ-ગુલાબજળ નાખીને ગોળ સાથે પકાવે એટલે ભૂરા રંગની એક બરફી બને જે ગરમીઓમાં કલેજાને ઠંડુ રાખે. એવું તો ગજબ શહેર છે આ! કહેવાય છે કે દુનિયાનું પ્રથમ શહેર છે બનારસ, અને આજે અહીં પિન્ટુ દુનિયાની અંતિમ સાંજ જોવાનો છે.


      પછી શું થયું ?-  એ વાત આવતા ગુરૂવારે !

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *