- નિરંજન મહેતા
इलेक्ट्रोन बनने से पहले पिंटू को पाण्डेपुर का करेजवा खाना था - वरूण ग्रोवर
કાગળના એક નાના ટુકડા પર પિન્ટુએ લખ્યું છે - 'હું ગુલાબજાંબુ ખાવા નીકળું છું. ઉદાસ ન થતાં. ' - પ્યારો પિન્ટુ.’
રસ્તા પર પહોંચતા પોણા છ વાગી ગયા હતાં અને પિન્ટુએ નિર્ણય કર્યો કે પાંડેપુર જવાને બદલે અહીં નજીકના ગિરજાઘર ચોક પર કાશી મીઠાઈવાળાને ત્યાં જ ખાઈને કામ ચલાવી લઈશ. પણ તે તરફ પણ ભયંકર ભીડ છે. કેટલાક હજી તોડફોડમાં લાગ્યા છે, કેટલાક લૂંટફાટમાં. કેમ? ખબર નથી. ક્યાં તો પ્રકૃતિ પર ગુસ્સો કાઢે છે અથવા તો પિન્ટુની માફક પોતાની આખરી ઈચ્છા પૂરી કરે છે. અથવા હોઈ શકે કે આ એ લોકો છે જેમને ખાત્રી છે કે દુનિયાનો નાશ નથી થવાનો - મોકાનો ફાયદો લઇ લો.
પિન્ટુ હવે ઝડપથી ચાલી રહ્યો છે. ભીડ અને ધક્કાની વચ્ચે નાળી ઉપર રસ્તાની વચ્ચેથી હટીને, જેથી ક્યાંક તે કચડાઈ ન જાય. પિન્ટુ કહી નથી શકતો કે, તેને માટે ગુલાબજાંબુ શું ચીજ છે. બહારથી ઘેરો ભૂરો કે કાળો અને અંદરથી આછો ભૂરો કે લાલ, દૂધ અને માવો અને રવો અને ચાસણીનું સુગમ સંગીત. સૌથી પહેલા છે માવાનો સ્વાદ, જેને સાથ આપી રહ્યાં છે દૂધ અને ચાસણી. પાછળ કોઈ હલકી વાંસળીની માફક વાગી રહી છે ઘીમાં શેકાઈ રહેલ રવાની મહેક.
પિન્ટુએ વાંચ્યું હતું કે, ગુલાબજાંબુ એક અદ્ભુત મીઠાઈ એટલા માટે છે કે તે પૂર્વ અને પશ્ચિમના મિલનથી બની છે. મોંગોલો અને મોગલોના આવવા પહેલા આપણે ત્યાં મુખ્યત: દૂધની મીઠાઈઓ બનતી હતી. ખીર, રસગુલ્લા, દૂધની બરફી, વગેરે. અને મોગલો આવ્યા ત્યારે તેમની સાથે લોટની મીઠાઈઓ અને શીરાની રીતો લાવ્યા, અર્થાત રવાનો શીરો અને ચણાના લોટની બૂંદીનાં લાડુ અને જલેબી, બધું મધ્ય એશિયાથી અહીં આવ્યું છે. ઈરાન અને ઇઝરાયેલમાં પણ આજ સુધી આ મીઠાઈઓનું ખૂબ ચલણ છે.
અને આ બંને વિદ્યાઓ, મોગલાઈ અને આર્ય, દૂધ અને રવાનું સુંદર મિશ્રણ છે - ગુલાબજાંબુ. ગંગા-જમના સંસ્કૃતિનાં પૂજ્ય શાહજાદા, પિન્ટુનાં કરેજવા!
આમ તો તે ત્રણ સેકંડની પ્રક્રિયાનો જે મજેદાર હિસ્સો છે તે છે ત્રીજી સેકંડ. પહેલી સેકન્ડે બધું વિખેરાઈ જશે, બીજીમાં ઘનઘોર ઉર્જા ઉત્પન્ન થશે અને ત્રીજીમાં, જો ઘણા બધાં પાસાં સાચા પડે તો અમારા વિખરાયેલા પ્રોટોન અને ઈલેક્ટ્રોન જોડાઈને એક અલગ ધાતુ બની જશે. એક ઊબડખાબડ પત્થરનો ટૂકડો જેનું વજન લગભગ પાંચ લાખ મેગા ટન અને ઘેરાવો ઉત્તરપ્રદેશ જેટલો હશે. વૈજ્ઞાનિકોએ તેને એક સુંદર નામ પણ આપ્યું છે....ઈટર્નીટી શીપ...એટલે કે શાશ્વત જહાજ. આપણા અવશેષોથી બનેલો એક અજબ રાક્ષસ જે હંમેશાં અંતરિક્ષમાં તરતો રહેશે.
ગિરજાઘર( ચર્ચ) પાસે પહોંચીને પિન્ટુનું દિલ ડૂબવા લાગ્યું. ગિરજાઘરમાં એટલી ભીડ હતી કે, આગળ જવાનો સવાલ જ ન હતો. આગળના વળાંકથી જ વિશ્વનાથ ગલી પણ શરૂ થાય છે તો લાગે છે કે ત્યાં પણ હજારો લોકો અંતિમ દર્શન માટે આવ્યા છે. ઘડિયાળના પ્રમાણે ફક્ત પાંચ મિનિટ બાકી બચી છે અને પિન્ટુને યાદ આવે છે તે લાકડાનો ચમચો જેનાથી તે ગુલાબજાંબુને કાપવાનો, તેને કાપવાથી અંદર કેદ ધુમાડાનું કોઈ જાદુઈ રીતે નીકળવું, અને તે નરમ ચીજને મોંમાં મુકતા જ જાતે જ પીગળવું, જાણે કહી રહ્યું હોય. શું કામ મહેનત કરો છો, મહારાજ? હું આપોઆપ પીગળું છુંને?
અચાનક એક ધક્કો લાગ્યો અને પિન્ટુનાં નસીબ કે તે મોજું જાંબુની દિશા તરફનું જ છે. એક-દોઢ મિનિટ બચી હશે જ્યારે પિન્ટુ દુકાનની સામે છે. ચારે તરફ ભીડે હર હર મહાદેવના પોકાર કરવાના શરૂ કર્યા. લૂંટફાટ અટકી ગઈ છે, ધક્કામુક્કી બંધ થઇ ગઈ છે, બસ બધી તરફ તે જ પોકાર છે....જાણે આખું શહેર એક સાથે શિવજીને યાદ કરશે તો પ્રલય ટળી જશે! બધા ભૂલી ગયા કે શું - .કે પ્રલય તો શિવજીનો મુખ્ય પોર્ટફોલિઓ છે?
પણ પિન્ટુને આ નારાથી કોઈ મતલબ નથી. તે આનંદિત થઇ કાશી મિષ્ટાન્નની અંદર ઘૂસે છે અને ગુલાબજાંબુ શોધવાનું શરૂ કરે છે. કાઉન્ટર પર તો નથી. અહીં નીચે બાલદીમાં પણ નથી. અંદર રસોડામાં? બસ સમય સમાપ્ત થવાનું બ્યુગલ વાગવાનું છે. રસોડામાં પણ દેખાતા નથી. ૨૦-૧૯-૧૮-૧૭-૧૬ હર હર મહાદેવ, ગિરજાના ઘંટ, ભીડ હવે એક સૂરમાં રડી રહી છે કદાચ. પણ ગુલાબજાંબુ ક્યા છે યાર?
હતાશ પિન્ટુ બહારની તરફ વળે છે અને ત્યારે એક વીજળીની માફક ચમકારો થાય છે. પેલો નાનો હાંડો જે પાણીપૂરીવાળા બોક્ષની નીચે રાખ્યો છે. રાત પછી તે હાંડામાંથી તો મળતાં હતાં જાંબુ, જ્યારે બાલદીમાં ખલાસ થઇ જતાં હતાં. પિન્ટુએ ઢાંકણું ખોલ્યું... સહેજે તેમાં ૩૦-૪૦ તો છે. જાંબુ હાથમાં છે. ITR 688 હવે એટલો મોટો થઇ ગયો છે કે આંખને ગુલાબજાંબુથી પણ તે વધુ નજીક લાગે છે.
હવે કદાચ અંતિમ ક્ષણ છે. ગુલાબજાંબુ મોં તરફ જઈ રહ્યાં છે. પિન્ટુની આંખો આશામાં બંધ થઇ રહી છે, શરીરની અંદર એક ઘમાસાણ હલચલ થઇ રહી છે, બધું ડૂબી રહ્યું છે. પિન્ટુ સમજી ગયો છે કે તે ગુલાબજાંબુ ખાઈ નહીં શકે પણ તેને ખુશી છે કે, આગલી સેકન્ડે તેનાં અને ગુલાબજાંબુમાં કોઈ ફરક નહીં રહે, બંને બસ પ્રોટોન અને ઈલેક્ટ્રોન હશે, હવામાં તરતા, જે ત્રીજી સેકન્ડે જોડાઈ જશે, શાશ્વત જહાજની ઈંટ બનીને.
પિન્ટુનાં ચહેરા પર એક શાંતિ છે. જાણે તેણે હમણાં હમણાં પાંડેપુરના તાજા કરેજવાને ખાધું હોય.