- જિગીષા પટેલ
આજે આપણે વાત કરવાના છીએ fine motor skill ની. ફાઈન મોટર સ્કીલ એટલે આપણા શરીરમાં નાના નાના હાડકા અને મસલ્સના હલનચલન સાથે આંખની જોવાની ક્રિયા સાથેનું સંકલન. જન્મથી શરુ થઈને ઉમરના દરેક તબક્કે ખાસ કરીને બાળપણમાં આ સંકલન કેવી રીતે વધુ સારું કરી શકાય અને તેમાં કઈ જુદી જુદી હોબી કે રમતો મદદરુપ થઈ શકે તે આપણે જોઈશું.
આપણા શરીરમાં બે જાતના હાડકાં હોય છે. હાથ ,પગને શરીરના મોટા હાડકાં અને તેની સાથે જોડાએલ લાંબા મસલ્સ થકી શરીરમાં જે હલનચલન થાય તેને gross motor skill કહે છે.જ્યારે હાથ પગની આંગળીઓ અને અંગૂઠાથી થતું હલનચલન અને તેની સાથે આંખનું સંકલન તેને ફાઈન મોટર સ્કીલ કહેછે.
દાખલા તરીકે પહેલી આંગળી અને અંગૂઠાની મદદથી આપણે પેન્સિલ પકડી શકીએ છીએ અને તેની સાથે આંખની મદદથી આપણે લખી શકીએ છીએ. ભણવા માટે લખવું ખૂબ જરુરી છે એટલે આ સ્કીલ જેટલી સરસ રીતે વિકસે તેટલું આપણા માટે વધુ સારું.
બાળકના શારીરિક,માનસિક,સામાજિક અને માનસિક વિકાસ માટે આ સ્કીલ ખૂબ જરુરી છે. આ સ્કીલના વિકાસ થકી બાળકમાં આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. બાળકના જન્મ પછીના જુદા જુદા તબક્કે તેની નર્વસ સીસ્ટમ સાચી અને સરસ રીતે વિકસી હોય તો બાળક જુદી જુદી ક્રિયાઓ સરસ રીતે કરી શકે છે. આ વિકાસને આપણે જુદીજુદી આર્ટ અને હોબી વિકસાવી વધુ વિકસાવી પણ શકીએ છીએ.
જન્મેલ બાળકને ડોકટર પોતાની આંગળી આપે તો તે તેની આંગળીઓને અંગૂઠાની મદદથી તે પકડી લે છે. બે વર્ષના બાળકને....
- લાકડાના રંગબેરંગી બ્લોક્સ અને પ્લાસ્ટિકના બ્લોક્સ (ડયુપલો) રમવા આપવા.
- મોટા મોતી પરોવવા આપવા.
- પેન્સિલથી લાઈન, પેટર્ન અને સર્કલ દોરવા કે કલર ચોકથી કલર કરવા આપવું જેથી તે પેન્સિલ પકડી તેનું આંખ સાથે સંકલન સાધી શકે.
- બાળકને છરી કાંટા કે ચમચીથી જાતે ખાવા દેવું.
- છાજલી પરથી પોતાની વસ્તુ જાતે લે. વસ્તુને પકડે, દબાવે જેથી નાના મસલ્સ પર તેનો કાબુ વધે.
પછી ત્રણથી બાળક આઠ વર્ષનું થાય ત્યાં સુધી તેને
- કપડાં વાળવા,બુટની દોરી બાંધવી,ચેઈન બંધ કરવી.
- કાતરકામ -બાળક નાનું હોય ત્યારે પહેલા જુદા જુદા શેપ ગોળ,ચોરસ,ત્રિકોણ કાપતાં શીખવવું
- પછી જુદી જુદી ડીઝાઈન અને આઠ વર્ષનું થાય એટલે આર્ટ અને ક્રાફટનાં પૂંઠામાંથી અને જાડા કાગળમાંથી એન્જિન,મહેલ જેવી અનેકવિધ વસ્તુ બનાવવાના પ્રોજેક્ટ કરાવવા જોઈએ.
- ઓરિગામી -આ એક ખૂબ સુંદર આર્ટ છે જેમાં રંગબેરંગી કાગળને જુદી જુદી રીતે કાપી અને વાળીને દેડકા,પતંગિયા ,હોડી બનાવતા બાળકને શીખવવું જોઈએ જેથી બાળકની ફાઈન મોટર સ્કીલ ખૂબ વિકસી શકે.
- રંગબેરંગી માટી(કલે)થી જુદાજુદા પ્રાણીઓ અને પક્ષીઓ બનાવવા.
- ટ્રેઈનના પાટા ગોઠવી ટ્રેન દોડાવવાની રમત પણ બાળકોને ખૂબ ગમેછે.
- લેગો એ એવી રમત છે જેનાંથી બાળકની ફાઈન મોટર સ્કીલ તો વિકસે જ છે પણ સાથેસાથે કોમ્પલેક્ષ સ્કીલ અને વિચારશકિત વધે છે.પોતાની ધારણાશક્તિથી તે બિલ્ડીગ અને ટાવર જેવી અનેક વસ્તુ બનાવે છે.
એક ઉદાહરણ - નીચેના ચિત્રમાં ટોમનો પતંગ શોધવાની રમત છે.
આમ બાળકના સ્વસ્થ અને સ્વતંત્ર, આત્મવિશ્વાસથી ભરપૂર જીવન માટે આ સ્કીલના વિકાસની ખૂબ જરુર છે. દરેક માતપિતાએ અને શિક્ષકોએ કાળજીપૂર્વક ફાઈન મોટર સ્કીલ બાળકોમાં વિકસે તેવો પ્રયત્ન કરવો જોઈએ.