- કલ્પના દેસાઈ
https://www.ranker.com/list/weird-small-towns-in-texas/eric-eidelstein
ચાલો દુનિયાના અજબ શહેરોની મુલાકાતે.
૧) કૂબર પેડી
ઓસ્ટ્રેલિયામાં આવેલા આ અન્ડરગ્રાઉન્ડ શહેરના રહેવાસીઓ ઈચ્છે છે કે એ લોકો કાયમ આ રીતે ભૂગર્ભમાં જ રહે! બહારની ગરમી જ્યારે સવાસો ડિગ્રીએ શેકી નાંખે ત્યારે કોઈ પણ ઈચ્છે કે, એ એના પરિવાર સાથે સરસ મજાના ઠંડા ઘરમાં જ રહે.
દુનિયાની મોટામાં મોટી રત્નોની ખાણ કહો કે, મણિની ખાણ કહો એ અહીં આવી છે. ખાણિયા મજૂરોએ આ ખાણમાં જ પોતાનાં ઘર બનાવી લીધાં છે. કોણ ઉપર તાપમાં મરે? પાછું કામ કરવા તો ખાણમાં જ આવવાનું ને? એના કરતાં અઠે દ્વારકા કરી દો. જોઈતી વસ્તુઓના સ્ટોર્સ બની ગયા, ચર્ચ બનાવી લીધાં અને ચાર સિતારા હૉટેલ પણ જોઈએ જ ને? બસ, જીનેકો ઔર ક્યા ચાહિએ?
૨) મોરોક્કોની અજાયબી
Chefchaouen શહેર મોરોક્કોના ઉત્તર–પૂર્વીય વિસ્તારમાં આવેલું ટુરિસ્ટોનું માનીતું શહેર છે. કોઈ પણ શહેરની ખ્યાતિ ત્યારે જ ફેલાય જો ત્યાં કંઈક ખાસ જોવા કે માણવાનું હોય અને જે ભાગ્યે જ બીજે કશે જોવા મળે. અહીં તો બે કારણથી લોકો આકર્ષાય. એક તો આખું શહેર ૧૯૩૦માં જ્યૂઈશ રહીશોએ બ્લ્યૂ રંગમાં ઝબોળી દીધેલું, જાણે શહેરને કોઈએ ગળી કરી નાંખી હોય. ગલીઓ, રસ્તાઓ અને ઘરો સુધ્ધાં ભૂરા ભૂરા. બીજું ત્યાંનું હશિશ. મોરોક્કોમાં હશિશ બનાવનાર મોટામાં મોટું આ શહેર છે. સદાય નશામાં રહેતું શહેર હશે? કે એના ઘેનમાં રહેતું હશે?
૩) કબરોનું શહેર–કોલ્મા
સાન ફ્રાન્સિસ્કોએ એક કાયદો પસાર કર્યો અને શહેરના કબ્રસ્તાન માટે અમુક હદ નક્કી કરી. એ હદની અંદર જ કબર બનાવવી. એવું તો બધાં માટે કઈ રીતે શક્ય બને? એટલી જગ્યાની તો દરેક જણ ઈચ્છા રાખે ને? એટલે નજીક આવેલા કોલ્મા નામના શહેરે ફાયદો ઊઠાવ્યો અને પોતાને ત્યાં કબર બનાવવાનું સૌને આમંત્રણ આપી દીધું. બસ, પછી શું જોઈએ? કોલ્માની તો કમાણી ચાલુ થઈ ગઈ પણ વસ્તી કોની વધી ગઈ? જીવતાં લોકો કરતાં કબ્રસ્તાનમાં સૂનારાઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી ગઈ અને એ પ્રમાણ કેટલું થયું? બે હજાર જીવતાંની સામે દોઢ લાખ આરામથી પોઢેલાં! આ થઈ કબરમાંથી કમાણી!
૪) ઠીંગુજીઓની દુનિયા
દુનિયાના લોકોને પોતાના કે બીજાના દેખાવને લઈને કેવી કેવી ધારણાઓ ને માન્યતાઓ હોય છે! ફક્ત ચામડીના કે આંખના રંગ પરથી માણસના સ્વભાવ સુધી પહોંચનારા ને ટીકા કરનારા લોકો પોતાના દેખાવ ને સ્વભાવ બાબતે કેમ કંઈ વિચારતા નહીં હોય? આજે વાત કરીએ ચીનના ઠીંગુજીઓની. ચીના લોકો આમ પણ એવરેજ હાઈટ ધરાવે ને તેમાં પણ જો અમુક ચીના કુદરતની મહેરબાની(!)થી ઠીંગણાં રહી ગયા તો? લોકો એમની મશ્કરી કરવાની એકેય તક છોડે?
સતત મશ્કરી અને અવહેલના પામેલાં આવા એકસો ને વીસ લોકોએ પોતાનું અલગ ગામ વસાવી લીધું. ઠીંગુજીઓનું ગામ! પોતાની અલગ પોલીસ અને અલગ અગ્નિશમન કેન્દ્ર બનાવીને પછી એ લોકોએ કમાણીનો પોતાનો નવો રસ્તો શોધી લીધો. ઠીંગુજીઓના અજાયબ ઘર અને થીમ પાર્ક બનાવીને દુનિયાના પ્રવાસીઓને આકર્ષવા માંડ્યા. કોઈને નીચાં ન ધારી લેવા તે આ ઠીંગુજીઓએ દુનિયાને શીખવ્યું.
૫) ખીચોખીચ કાવલૂન
હૉંગકોંગનું દિવાલોથી ઘેરાયેલું કાવલૂન શહેર ઓગણીસસો ચોરાણું સુધી દુનિયાનું સૌથી ગીચ વસ્તી ધરાવતું શહેર હતું. સાડા છ એકરમાં પચાસ હજાર લોકો! લોકોનો આખો દિવસ એકબીજાને ‘પ્લીઝ, જરા ખસો ને.’ કહેવામાં જ જતો હશે. ઘરમાં પણ ટ્રેન કે બસની ભીડ જેવો જ માહોલ રહેતો હશે. ચાઈનીઝ મિલિટરીએ એને સત્તરમી સદીમાં કિલ્લા તરીકે શોધેલું અને આગણીસસો પચાસમાં એને હરાયા ઢોર જેવું છૂટું પણ મૂકી દેવાયેલું! કોઈનો કબજો નહીં એના પર. આડા ધંધાવાળાને તો વગર માગ્યે આખો લાડવો હાથમાં આવી ગયો. લોકોએ પણ ગમે તેમ બાંધકામ કરીને એકની ઉપર એક ઘર બાંધીને દુનિયાના ગીચ શહેર તરીકે નામ કમાઈ લીધું. જો કે, આખરે આગણીસસો ચોરાણુંમાં એ શહેરનું નામોનિશાન મિટાવી દેવાયું. (ફરી નવેસરથી બન્યું.) કોઈના માથા પર બેસી જાય કે કોઈની પીઠ પર સવાર થઈ જાય કે કોઈને ખભે ચડી જાય જેવાં વાક્યો અહીં બરાબર સાર્થક થયાં હશે.
૬) ઓટમીલ ટેક્સાસ
અમેરિકાના ટેક્સાસમાં ઓટમીલ નામે એક નાનકડું ટાઉન છે! આપણને થાય કે ઓટ તો આપણા ઘઉં, ચોખા જેવું જ ધાન્ય છે, જે આજકાલ શરીરમાંથી અમુક કિલો ઓછા કરવામાં મદદ કરે છે એવું કહેવાય છે. ત્યારે આ વસાહતનું નામ જ ઓટમિલ? વાત એમ છે કે, આ વિસ્તારમાં અઢારસો ને ચાલીસમાં જર્મન કુટુંબો રહેવા માટે આવ્યા અને જેણે પહેલી ઓટમિલ નાંખી તેનું નામ હતું ઓથનીલ અને એની અટક હતી હેબરનિલ. અમેરિકનોને શાબાશી આપવી પડે, કે એમને આટલું સહેલું બોલતાં પણ ન આવડ્યું ને એમણે ઓથનીલનું ઓટમિલ કરી નાંખ્યું! બીજી શક્યતા મુજબ હેબરનો અર્થ ઓટ થાય એટલે હેબરનિલનું ઓટમિલ કર્યું હશે એવું પણ કહેવાય છે. સાચું નામ બોલતાં શીખવાની મહેનતમાં ઓટ આવે ત્યારે આવા લોચા થાય. ચાલો એ બહાને પણ દુનિયાભરમાં ઓટમિલની તો બોલબાલા થઈ. જો કે ત્યાંના લોકો ખુશ છે અને ઓટમિલના નામનો વાર્ષિક ઉત્સવ પણ ઉજવે છે. અહીંના પાણીના ટાવરને ઓટમિલના બૉક્સ જેવું બનાવાયું છે.