- નિરંજન મહેતા
માતા અને બાળઉછેર
શિશુના ઉછેરમાં તેના માતા-પિતાનો ફાળો ઘણો હોય છે તેમાં ય માતાનો ફાળો અધિક હોય છે. જો માતા ભણેલી, જ્ઞાની અને સંસ્કારી હોય તો, તે જરૂર તેના શિશુનો ઉછેર સારી રીતે કરી શકે છે.
નાની વયે બાળક અવનવું જુએ છે અને તેની જીજ્ઞાસાવૃત્તિ સતત જાગતી રહે છે. હવે તેને કેમ સંતોષવી એ ક્યારેક અઘરૂં બની રહે છે પણ જો તેને અવનવી અને સુંદર રીતે સંતોષી શકાય તો તે સાર્થક બની રહે છે.
આવું જ એક દ્રષ્ટાંત હાલમાં વાંચવામાં આવ્યું અને તે છે ન્યુયોર્ક, અમેરિકા સ્થિત ફાલ્ગુનીબેન શાહ. દાહોદ, ગુજરાતના વૈષ્ણવ પરિવારના પુત્રવધુ ફાલ્ગુનીબેન સન ૨૦૦૦થી અમેરિકા સ્થિત છે.
ફાલ્ગુનીબેનના આઠ વર્ષનો પુત્ર નિષાદ સતત સવાલો કરતો રહે. જેમ કે, આપણા રસોડાનાં વાસણ અને તેના અમેરિકન મિત્રના રસોડાના વાસણોમાં કેમ ફરક છે? તેમની રસોઈ અને આપણી રસોઈમાં કેમ ફરક છે?
આવા અનેક સવાલોના જવાબ માટે ફાલ્ગુનીબેનને એક નવતર વિચાર આવ્યો. તેમણે આવા અવનવા સવાલોના જવાબ સંગીતમય રીતે બનાવ્યા અને એક ‘ફાલુ’ઝ બાઝાર’ નામનું આલ્બમ બનાવ્યું. રસોડાની વસ્તુઓને લઈને તેમના માતા જે હાલરડાં ગાતા તેમાંના ૧૪ આ આલ્બમમાં સમાવાય છે. આ આલ્બમ એટલું પ્રસિદ્ધ થયું કે, તે આ વર્ષના ગ્રેમી એવોર્ડ – ૨૦૧૯ માટે નિમણૂક (નોમીનેટ) થયું છે.
ફાલ્ગુનીબેન અમેરિકાની સંગીતસૃષ્ટિમાં 'ફાલુ' ના નામે ઓળખાય છે.
ફાલુ શુદ્ધ ભારતીય કંઠ્યસંગીત, ઈન્ડી જાઝ, અને રોકનું સુયોગ્ય મિશ્રણ કરી અમેરિકાના સંગીતપ્રેમીઓ સમક્ષ રજૂઆત કરે છે અને છવાઈ જાય છે. સંગીત જેમને ગળથૂથીમાંથી મળ્યું છે તે ફાલ્ગુનીબેને પોતાના માતા ઉપરાંત જાણીતા સંગીતકારો પાસેથી પણ તાલીમ લીધી છે અને જાણીતા સંગીતજ્ઞ કૌમુદી મુનશી તેમના ગુરૂ છે. આ ઉપરાંત દેશ-વિદેશના અનેક સંગીતજ્ઞ સાથે પણ કામ કર્યું છે.
પોતાની આગવી પ્રતિભાનો તેમણે અન્ય ક્ષેત્રે પણ સારો ઉપયોગ કર્યો છે. અમેરિકાના સોશિયલ જસ્ટિસ પ્રોગ્રામ હેઠળ તેમણે બળાત્કાર-ખૂન-લૂંટ જેવા ગંભીર ગુના સબબ કેદની સજા ભોગવતા કેદીઓને સંગીતની તાલીમ આપી છે. આને કારણે તે કેદીઓને સુધરવાની તક પણ મળી છે. લગભગ ૨૬ કેદીઓએ આને કારણે નવજીવન મેળવ્યું છે. બંદૂકને બદલે હવે તેઓ પેન કાઢી ગીતો રચે છે અને સ્વરાંકન પણ કરે છે.
આનાથી આગળ વધી ફાલ્ગુનીબેને કુંવારી માતાઓના માંદા મનનો ઈલાજ સંગીત દ્વારા કરવાનો પ્રયાસ કર્યો છે. આવી યુવતીઓને તેમની પ્રસૂતાવસ્થા દરમિયાન હાલરડાં લખતાં-ગાતા શીખવાડે છે, જેથી કોઈ પણ જાતના તણાવ વિના આવનાર બાળક સાથે એ નાતો બાંધે છે.
આ તો એક બહુ જ સરસ પ્રયાસ છે પણ આના પરથી એક વિચાર આવે છે કે...
ગુજરાતી નેટ જગત પર મોટા પાયે અને વિવિધ વિષય અનુસાર આવું કંઈક ન કરી શકાય?