બકો જમાદાર – ૧૫

  -   જયશ્રી પટેલ

નમસ્તે બાળકો,

    સવાર પડી.  અરે! દિવસ ને રાત વિતી જાય અને દોડતો આ મંગળવાર આવી જાય. બકા જમાદારને પણ હવે તમે બધા યાદ આવી જાવ. કેમ છો? મજા માં ને? જોયું કેવા મેઘરાજા જામી પડ્યા છે?

     આજ એક મજાની વાત લઈ બકા જમાદાર આવ્યા છે. ગામથી શહેરમાં આવ્યા અને બકા જમાદારને તો એમના ખેતર, ગામનું તળાવ, વડ, પીપળા અને લીમડાના ઝાડ યાદ આવ્યા. તેમને થયું,  'ચાલો, શેરીએ જઈ બાળકોને જાગૃત કરૂં અને ને વૃક્ષારોપણ વિષે સમજાવું. પણ મારા બેટા આ નવી પ્રજાને શું ખબર છે કે, આ વૃક્ષો આપણા કેવા સાચા મિત્રો છે?'

     અષાઢી વાદળા ઘેરાયાં અને તેમણે તો બરકેશના મિત્રોને ભેગા કર્યા. ખોલકું, લવારૂં,

પિલું, પાડું ,મદનિયું ,શિયાળવું,અને વછેરૂં આવ્યા એટલે એમને સમજાવ્યા કે, 'આ વરસાદમાં ભીંજાયેલી જમીનમાં સરસ વૃક્ષો વાવીએ.'

     બઘાને તો આનંદ આનંદ થઈ ગયો. પક્ષીઓને તો ખૂબ. બોલો કેમ? કારણ કે એમને થયું, 'ચાલો આપણને તો બહુ જ મજા આવશે. નવા નવા ઘર બાંધવા મળશે અને રહેવા પણ.'

      તેઓ તો માળી પાસે ગયાં. કાળું માળી તો બકા જમાદારને જોઈ ખુશ ખુશ થયા. એમણે તો માળી પાસે બી, રોપ ને નાના છોડવા માંગ્યા. પછી એક લારીમાં મૂકી શેરીમાં આવ્યા. બધાંએ ભેગા થઈ બીજે દિવસે શેરીની બહાર, રોડની બન્ને બાજુ અને ઘરને આંગણે વૃક્ષ વાવવાનો કાર્યક્રમ યોજ્યો. બકરીબેને વહેલા ઊઠી બધા બાળકો માટે નાસ્તો ને મિઠાઈ બનાવ્યા. બકા જમાદારે દરેક બાળકના હાથમાં જુદા જુદા રોપ અને  છોડ આપ્યા અને કહ્યું, "ચાલો ભગવાનનું નામ લઈ શુભ શરૂઆત કરો."

     બધાએ એક પછી એક વૃક્ષની રોપણી કરી અને પાણી પાયું. ક્યારીઓ બનાવી અને ગીતો ગાયાં. તે કાર્ય જોઈને બકા જમાદારની આંખમાં આંસું આવી ગયા. તે ગળગળા થઈ બાળકોનો જયજયકાર કરવા લાગ્યા.  

   કેવાં કેવાં વૃક્ષો?પીપળો, લીમડો, વડ, આંબો, સફરજન, મોસંબી, બોર, બાવળ, નાળિયેરી, તાડ, આસોપાલવ, સંતરાં, ચીકુ, કરમદાં, જાંબુ. શોભા વધારતાં ગુલમહોર અને ચંપો. ફૂલો ગુલાબ, મોગરો અને કમળ.  તેમના રંગો ને સુગંધ. પછી તો જોવું જ શું?

      બધો કાર્યક્રમ પત્યો એટલે એમણે વૃક્ષો આપણને કેટલા ઉપયોગી છે તે સમજાવ્યું.  દરેક વૃક્ષની છાયા ગરમીમાં શીતળતા આપે. નાનાં મોટાં પક્ષી ત્યાં આશરો લે. પશુ છાંયડામાં બેસી આરામ કરે. તેમાંથી રબર બને, કાગળ બને, જાત જાતની દવાઓ બને, લોકોના ઘરના છાપરાં તો કોઈના ઘરની દીવાલો બને. ચટાઈ બને અને દોરડાં બને. ફૂલોથી  શોભા વધે. ફળ આપણને પોષ્ટિક તત્વો આપે અને તેમનાં બીયાંથી બીજા વૃક્ષો ઊગે. બોલો, ડગલે ને પગલે કામ લાગતાં આ વૃક્ષો આપણા મિત્રો ન થયા?  એને કપાય?કેટલું દુખ થાય?

     ગાય માતા ઊભાં થયાં અને એમણે કહ્યું, " બાળકો, આ શુદ્ધ હવા જે તમે લો છો એ વૃક્ષો ને લીઘે. વરસાદ આવે તે વૃક્ષોને લીઘે. માટે જો તમને હુ વહાલી હોઉં તો બકા જમાદારના આ કાર્યક્રમને તાળીઓથી વધાવી લો અને પ્રતિજ્ઞા કરો કે, હવે તમારા જનમ દિવસે એક વૃક્ષ જરૂરથી વાવશો. પછી સરસ ફળ મેળવીશું ને ખાઈશું. શુદ્ઘ પ્રાણવાયુ  લઈશું. નિરોગી થઈ જીવીશું. ભલભલા રોગને  હંફાવી હરાવી સરસ આયુષ્ય ભોગવીશું."

      ચાલો બાળકો! જો બકા જમાદારનો વૃક્ષારોપણ કાર્યક્રમ ગમ્યો હોય તો તમારી આજુબાજુ પરિસર સરસ બનાવી હરિયાળું ભારત સુંદર ભારત સુંદર તમારૂ શહેર બનાવવા કામે લાગી જજો. માનશોને તમારી આ મિત્ર શ્રી ની વાત?

    ચાલો પાછા આવતા મંગળવારે મળીશું . ત્યાં સુધી નવી નવી વાર્તા સાંભળતા રહેજો ને નવું નવું શિખ્યા કરજો.


પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...

વડ
વડ
લીમડો
પીપળો
નાળિયેરી
ગુલાબ
મોગરા
ચંપો
કમળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *